જાત સાથે વાત કરવામાં આપણે કેટલું ધ્યાન રાખીએ છીએ? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

જાત સાથે વાત કરવામાં આપણે
કેટલું ધ્યાન રાખીએ છીએ?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

આપણો પોતાની જાત સાથેનો સંવાદ પણ ઘટતો જાય છે.
આપણું મન અને મગજ સતત વ્યસ્ત જ હોય છે!


———–

તમે છેલ્લે ક્યારે શાંતિથી એકલા બેસીને તમારી જાત સાથે વાત કરી હતી? શું વાત કરી હતી? સંવાદનાં અનેક સ્વરૂપ છે. એક સંવાદ એ છે જે આપણે બીજા લોકો સાથે કરીએ છીએ. ઘરના સભ્યો હોય કે બહારના લોકો હોય, આપણું કમ્યુનિકેશન સતત ચાલતું જ હોય છે. બીજો સંવાદ આપણી પોતાની જાત સાથેનો હોય છે. બહારના લોકો સાથે વાત કરતી વખતે આપણે તેમને ઇમ્પ્રેસ કરવાનો પ્રયાસ કરીએ છીએ. દરેકને એવું હોય છે કે, હું સારો લાગું. મારા વિશે લોકો સારી માન્યતા બાંધે અને મારી ઇમેજ સારી બને. આવું થાય એ સ્વાભાવિક છે. સવાલ એ છે કે, આપણે ક્યારેય આપણી જાતને ઇમ્પ્રેસ કરીએ છીએ ખરા? આપણી સાથેનો આપણો સંવાદ એવો હોય છે જેનાથી આપણને આપણું પોતાનું જ ગૌરવ થાય?
સેલ્ફ ટોક અથવા તો જાત સાથે વાત મુદ્દે હમણાં થયેલો એક અભ્યાસ એવું કહે છે કે, જે વ્યક્તિ પોતાની જાત સાથે સતર્ક રહે છે એ સફળ થાય છે. હું મારે જે કરવું છે એ કરીને જ રહીશ. મારે મારો સમય વેડફવો નથી. હું કંઇ કરી છૂટવા માટે, કંઇક બનવા માટે સર્જાયો છું. સફળ થવા માટે મહેનત સિવાય બીજો કોઇ વિકલ્પ જ નથી. મારી સફળતાના આડે જે સંકટો આવશે તેને હું ઓવરકમ કરીશ. મારે મારું અને મારા પરિવારનું નામ રોશન કરવું છે. મારા ફેમિલીએ મારા માટે જે ભોગ આપ્યો છે એને હું એળે જવા નહીં દઉં. પોતાની જાત સાથે જે માણસ સતત આવા સંવાદો કરતો રહે છે એ સફળતાના માર્ગે ધીમેધીમે આગળ વધીને પોતાની મંઝિલ પ્રાપ્ત કરે જ છે.
જે પોતાના વિશે જ નકારાત્મક વિચારો કરતા રહે છે એ સફળ થતાં નથી. સફળ થાય તો પણ એણે મોટો અને લાંબો સંઘર્ષ ખેડવો પડતો હોય છે. આપણાથી ન થાય. મારી પાસે એટલી સગવડ જ ક્યાં છે? મારાં નસીબ જ ખરાબ છે. આપણે મજૂરી કરવા માટે જ પેદા થયા છીએ. મારું બેકગ્રાઉન્ડ જ મને નડે છે. આવા વિચારો કરનાર પોતાના હાથે જ સફળતાના માર્ગ પર અડચણો પેદા કરતા રહે છે. પોતાની જાતને અંડરએસ્ટિમેટ કરવી એના જેવી ભૂલ બીજી કોઇ નથી. પોતાની જાતને ઓવરએસ્ટિમેટ પણ ન કરવી જોઇએ. હા, પોતાની જાતનું ગૌરવ તો હોવું જ જોઇએ. પોતાની જાત પર શ્રદ્ધા એ સફળતાનું સૌથી મોટું પરિબળ છે.
આ બધા માટે જરૂરી એ છે કે, તમારો તમારી જાત સાથેનો સંવાદ પોઝિટિવ હોય. તમે ક્યારેય તમારી જાતનું એનાલિસિસ કરો છો? મને કેવા વિચારો આવે છે? જે વિચારો આવે છે એ કેવા છે? હું મારો આખો દિવસ કેવાં કામો પાછળ વિતાવું છું? હું જે કામ પાછળ મારો સમય અને મારી શક્તિ વાપરું છું એ બરાબર છે? હું ક્યાંક ન કરવાના ધંધા તો નથી કરતોને? માણસે પોતાની જાતને પણ અમુક સવાલો પૂછતા રહેવા જોઇએ. એના જવાબો પણ મેળવવા જોઇએ. એ જવાબો સાચા હોય એ જરૂરી છે. દરેક માણસે પોતાના પૂરતા તો તટસ્થ રહેવું જ જોઇએ.
જિંદગીમાં કોઇ મૂંઝવણ અનુભવાતી હોય, કોઇ સમસ્યા સતાવતી હોય, કોઇ નિર્ણય લેવાનો હોય ત્યારે માણસે પ્રયત્નપૂર્વક પોતાને સમય આપવો જોઇએ. સારું વાતાવરણ હોય ત્યાં શાંતિથી બેસીને વિચાર કરવો જોઇએ. સેલ્ફ ટોક વિશેનો એક સ્ટડી એવું પણ કહે છે કે, લોકોમાં હવે પોતાની જાત સાથેનો સંવાદ ઘટતો જાય છે. બહુ ઓછા લોકો એવું વિચારે છે કે, હું રાઇટ ટ્રેક પર તો છુંને? આવો વિચાર બધાને આવતો તો હોય જ છે પણ પ્રશ્ન ઊઠે એટલુ પૂરતું નથી, એનો જવાબ પણ મળવો જોઇએ. જવાબ મેળવવા માટે જાત સાથે વાત કરવી જોઇએ. હવે બધા પોતાના માઇન્ડને એટલું બધું ઓક્યુપાઇ રાખે છે કે, તેની પાસે શાંતિથી કંઇ વિચારવાની પણ ફુરસદ જ નથી. થોડોક સમય મળે ત્યાં માણસ મોબાઇલ લઇને બેસી જાય છે. કાર ડ્રાઇવ કરતા હોય ત્યારે રેડ સિગ્નલ વખતે એક-દોઢ મિનિટ પણ ઊભા રહેવાનું હોય તો લોકો ફટ દઇને મોબાઇલ ચેક કરી લે છે. ચાલતા હોય ત્યારેય કાનમાં ઇયર પ્લગ ભરાવેલા હોય છે. માણસની એકલા રહેવાની આદત જ છૂટતી જાય છે. માણસ નવરો પડે તો થથરી જાય છે. એને સતત કંઇક જોઇએ છે જે એને બિઝી રાખે. માણસે દિવસમાં થોડો સમય કંઇ ન કરવા માટે પણ રાખવો જોઇએ.
એકાંત માણસને અંદરથી સમૃદ્ધ કરે છે. એકાંત સશક્ત હોવું જોઇએ. પોતાની જાત સાથેનો સમય એટલે એકાંત. એકાંતમાં પણ એ ધ્યાન રાખવાની જરૂર હોય છે કે, મજા આવવી જોઇએ. પોતાનાથી ભાગી છૂટવું એ એકાંત નથી. એકાંત તો બધાની વચ્ચે પણ માણી શકાય. જેને પોતાનામાં ખોવાતા આવડે છે એ બહાર પણ પોતાના કામમાં ઓતપ્રોત થઇ શકે છે. જિંદગીમાં અપ-ડાઉન્સ તો આવતા જ રહેવાના છે, એનાથી ગભરાવાની જરૂર નથી. વાતાવરણ નેગેટિવ થશે તો ચાલશે પણ વિચારો નેગેટિવ થવા ન જોઇએ. વિચારો સારા અને સમૃદ્ધ હશે તો વાતાવરણ બદલી શકાશે. વાતાવરણ સારું હશે પણ વિચારો જો નબળા હશે તો હાલત ખરાબ જ થવાની છે!
સફળ અને સુખી થવા માટે એક થિયરી તો એવું કહે છે કે, પોતાની જાત સાથે જ ત્રાહિત વ્યક્તિની જેમ વાતો કરો. પોતાની સાથે નહીં પણ કોઈ અજાણ્યા સાથે સંવાદ કરતા હો એ રીતે કમ્યુનિકેટ કરો. આ થિયરીમાં તમારે પોતાના માટેનાં જ ઓપ્શન અને સોલ્યુશન શોધવાનાં છે. માણસ મોટા ભાગે પોતાને જે મૂંઝવતા હોય એવા સવાલો બીજાને પૂછતો હોય છે. ઘણી વખત તો એટલા બધા લોકોને પૂછે છે કે, એ પોતે જ અવઢવમાં મુકાઈ જાય છે. બીજાને કંઇ પૂછતા પહેલાં એનો જવાબ પોતાની જાત પાસેથી મેળવવાનો પ્રયાસ કરો. આપણને આપણી પાસેથી જે જવાબ મળે છે એ સૌથી પ્રામાણિક હોય છે. આપણે ઘણી વખત તો એવું કરતા હોઇએ છીએ કે, ભલે ગામ આખાને પૂછીએ પણ છેલ્લે તો આપણે આપણું ધાર્યું જ કરતા હોઇએ છીએ. બધાને પૂછીને આપણે આપણો સમય જ બગાડતા હોઇએ છીએ.
લાઇફમાં ક્લેરિટી સૌથી વધુ અગત્યની છે. એ ક્લેરિટી પોતાની પાસેથી જ મળવાની છે. એના માટે જાત સાથે મજબૂત રહેવાનું હોય છે. ચિંતા, ઉપાધિ, ડર, ભય, ફફડાટ ક્યારેક તો થવાનાં જ છે. એ વખતે પણ સરન્ડર થવાની જરૂર નથી. થઇ જશે, હું આમાંથી નીકળી જઇશ, એવી ખાતરી પોતાની જાતને આપવી પડતી હોય છે. આવી ખાતરી પણ ખોખલી ન હોવી જોઇએ. માત્ર વિચારોથી કંઈ થવાનું નથી, એની સાથે મક્કમતા પણ જરૂરી હોય છે. ખયાલી પુલાવ પકાવવાથી પેટ ભરાતું નથી. બીજાને આપેલાં પ્રોમિસ આપણે ગમે તે ભોગે પાળતા હોઇએ છીએ એમ આપણી જાતને આપેલા પ્રોમિસને પણ આપણે વળગી રહેવું પડતું હોય છે. માણસનો એક પ્રોબ્લેમ એ હોય છે કે, એ સૌથી વધુ પોતાની જાતને જ છેતરતો હોય છે. ખોટાં બહાનાં કાઢીને પોતાની જાતને પટાવી લેવાનું કામ સહુથી સહેલું છે. આપણે જ આપણી જાતને ખોટું આશ્વાસન આપતા રહીએ તો છેલ્લે પરિણામો પણ આપણે જ ભોગવવાં પડતાં હોય છે. દરરોજ એક પ્રેક્ટિસ કરતા રહેવું જોઇએ કે, હું મારા માટે કંઇ વિચારું છું કે નહીં? વિચારું છું તો એ કેવું છે? ખોટું કે વધુ પડતું તો નથી વિચારતોને? હું સાચા રસ્તે તો છુંને? જવાબ મેળવજો અને એવું લાગે કે સાચા રસ્તે નથી તો તરત જ વળાંક લઈ લેજો. આપણો સાચો માર્ગ આપણે જ નક્કી કરી શકીએ અને માર્ગ નક્કી થઇ જાય એ પછી પણ પોતાની દિશા પ્રત્યે જે સચેત રહે છે એને પોતાનું ધાર્યું કરતાં કોઈ રોકી શકતું નથી!
હા, એવું છે!
આપણા સેલ્ફ કોન્ફિડન્સનો આધાર પણ આપણે આપણી જાત સાથે કેવી વાત કરીએ છીએ એના પરથી નક્કી થાય છે. જે લોકો સફળ છે એ લોકો પર થયેલો એક અભ્યાસ એવું કહે છે કે, સફળ લોકોએ પોતાની નજરમાં જ પોતાની ઇમેજ ઊંચી રાખી હતી. આપણી જ જો આપણને કદર ન હોય તો બીજા ક્યાંથી આપણી કદર કરવાના છે?
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 26 જુલાઈ, 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *