સુંદરતા કરતાં સરળતા
બધાને વધુ સ્પર્શે છે

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
એની નજર પડે આ સંયમ ઉપર તો સારું,
ઝાઝું હસાવશે તો શાયદ રડાઇ જાશે!
છે ભાગ્ય પર ભરોસો કે ચાલવા જશું તો,
રસ્તા વચાળે ઊંચી ભીંતો ચણાઇ જાશે.
– અગન રાજ્યગુરુ
દરેક માણસ એવું ઇચ્છતો હોય છે કે, મારો પ્રભાવ પડે. લોકો મને ઓળખે. લોકો મને આદર આપે. સોશિયલ મીડિયાના આજના જમાનામાં લોકો એવું ઇચ્છવા લાગ્યા છે કે, મારા ફોલોઅર્સ વધે. લોકો મારી પોસ્ટ લાઇક કરે. કમેન્ટ્સ કરે. પરિવાર, સમાજ અને દેશમાં મારી ઓળખ બને. બધાને ચર્ચામાં રહેવું ગમે છે. પોતે કંઇક અચીવ કર્યું હોય ત્યારે બધાને એવું થાય છે કે, હું બધાને કહું. લોકો મને એપ્રિસિએટ કરે. આવું કરવાનું મન થાય એમાં કશું જ ખોટું નથી. કેટલાક કિસ્સામાં તો એ સારી વાત છે. માણસ એના માટે તો મહેનત કરતો હોય છે કે, સોસાયટીમાં તેનું સ્થાન બને. બધાને લાઇમ લાઇટમાં રહેવું ગમતું હોય છે. કેટલાક લોકો તો ચર્ચામાં રહેવા માટે ન કરવા જેવાં ગતકડાં પણ કરતાં રહે છે. બધાને ઇમેજ બનાવવી હોય છે. ઇમેજ બિલ્ડિંગ માટે હવે તો એજન્સીઓને હાયર કરવામાં આવે છે. મોટો ખર્ચ કરીને પણ માણસ પોતે શું છે એ કહેવાનો પ્રયાસ કરતો રહે છે. માણસ પોતાના સર્કલમાં પણ છાકો પાડી દેવાના પ્રયાસ કરે છે. જે વ્યક્તિમાં ખરેખર હીર છે એ કંઇ ન કરે તો પણ એની ઓળખ બનવાની છે. આમ તો એના વિશે એવું પણ કહેવાય છે કે, સાચાં વખાણ એ છે જે બીજા કરે છે. આપણે જ આપણી વાહવાહી કરીએ એનાથી કોઇ ફેર પડવાનો નથી. તમારા કામને બોલવા દો, નામ તો આપોઆપ થશે. ઓળખ કોઇની મહોતાજ નથી. એ તો બની જ જાય છે. જેવાં કામો કરીએ એવી ઓળખ બને જ છે. બદમાશ લોકોની પણ નેગેટિવ ઇમેજ હોય જ છે. સરવાળે માણસ જેવો હોય એવો વર્તાઇ આવતો હોય છે. કોઇ પ્રયાસ કરીએ કે ન કરીએ, લોકોને ખબર પડી જ જતી હોય છે કે કોણ કેવો છે!
આપણી પર્સનાલિટી પડવી જોઇએ. લોકો આપણી નોંધ લેવા જોઇએ. લોકોને આપણે યાદ રહેવા જોઇએ. આવું બધાને થતું હોય છે. સારા દેખાવવા માટે લોકો તગડો ખર્ચ કરે છે. લોકો બ્યૂટી કોન્સિયસ છે એટલા વેલ્યૂ કોન્સિયસ છે ખરા? એક છોકરીની આ સાવ સાચી વાત છે. તેને એક કાર્યક્રમમાં પર્ફોમ કરવાનું હતું. એ પછી ડિનરમાં બધાને મળવાનું હતું. તે પાર્લરમાં તૈયાર થવા જવાની હતી. ડિઝાઇનર પાસે ડ્રેસ તૈયાર કરાવ્યા હતા. રેડી થઇને તેણે પિતાને પૂછ્યું, કેવી લાગું છું? મારી ઇમ્પ્રેસન પડશેને? પિતાએ કહ્યું, તું સુંદર જ છે દીકરા, સારા દેખાવવા માટે પ્રયત્ન કરે એમાં કશું ખોટું નથી, પણ એક વાત યાદ રાખજે, સુંદરતા કરતાં સરળતા લોકોને વધુ સ્પર્શે છે. નોર્મલ રહેજે. જેવી છે એવી રહેજે. એવું જ ઇચ્છજે કે, હું જેવી છું એવી જ બધાને લાગું. દીકરીએ કહ્યું, તમારી આ વાત હું યાદ રાખીશ. મારા દરેક પ્રયાસો સહજ અને સરળ હશે. મારે પ્રભાવ ચોક્કસ પાડવો છે, પણ દેખાડો નથી કરવો. સારા લાગવું છે પણ સાથે સાચા પણ લાગવું છે. પિતાએ છેલ્લે કહ્યું કે, સારા દેખાવવા માટે નમ્રતા અને મૃદુતા જેવા શ્રેષ્ઠ બીજા કોઇ ગુણ નથી. આપણે કેવું વર્તન કરીએ છીએ અને કેવું બોલીએ છીએ તેના પરથી જ આપણું વ્યક્તિત્ત્વ બનતું હોય છે.
દરેક માણસ સુંદર દેખાવાના પ્રયાસ કરતો હોય છે. દરેક પુરુષને હેન્ડસમ દેખાવવું ગમે છે. દરેક યુવતીને સુંદર દેખાવવું પસંદ હોય છે. એક રીતે જોવા જઇએ તો એ જરૂરી પણ છે. સેલ્ફ લવનું ઇમ્પોર્ટન્સ જરાયે ઓછું આંકવું ન જોઇએ. પોતાની જાતને પણ માણસે પેમ્પર કરવી જોઇએ. દરેક માણસને હોય એનાથી થોડાક વધારે સુંદર દેખાવાનો અધિકાર છે. ધ્યાન એટલું રાખવાનું હોય છે એ પ્રયાસો સારા હોવા જોઇએ. ઘણા લોકો ન કરવા જેવા પ્રયાસો કરવામાં હોય એના કરતાં સારા દેખાવવાને બદલે વહરા લાગતા હોય છે. આપણે જ અમુક લોકોને જોઇને કહેતા હોઈએ છીએ કે, જો તો કેવા વેશ કાઢ્યા છે, કેવું વર્તન કરે છે! જરાયે સારું લાગતું નથી.
કેટલાક લોકોનો એ પ્રોબ્લેમ હોય છે કે, એ પોતાની જાતને જ અંડરએસ્ટિમેટ કરે છે. પોતાની જાતને નીચી કે નબળી માનવી એ જિંદગીની સૌથી મોટી ભૂલ છે. હું સારો નથી લાગતો કે હું સારી નથી લાગતી. મારી હાઇટ બરાબર નથી. હું બહુ પાતળી કે બહુ જાડી છું. મારો દેખાવ બરાબર નથી. મારો રંગ ગોરો નથી. પોતાનું રૂપ બહુ ઓછા લોકોને પરફેક્ટ લાગે છે. દરેક માણસે એક વાત યાદ રાખવાની હોય છે કે, માણસની ઓળખ ક્યારેય એના દેખાવથી બનતી નથી, એના કામથી બને છે. માણસને એના પરથી જ યાદ રાખવામાં આવે છે કે, એણે કેવાં કામો કર્યાં છે, એ કેવો દેખાતો હતો એના પરથી નહીં. દેખાવ તો ઉંમરની સાથે બદલતો પણ રહે છે, કામ સતત બોલતું રહે છે. એક યંગ મેન હતો. સરસ દેખાતો હતો. એ ખૂબ મહેનત કરતો હતો. તેના એક મિત્રે પૂછ્યું, તું આટલી બધી મહેનત શા માટે કરે છે? તેણે કહ્યું, એટલા માટે કે જ્યારે હું બુઢ્ઢો થઇ જાઉં, મારો દેખાવ બહુ સારો ન હોય, ત્યારે અરીસા સામે ઊભો રહીને મારી જાતને જ કહી શકું કે, તેં સારાં કામો કર્યાં છે. મારે મારા કામથી ઓળખાવું છે. ઘણા લોકો દેખાવડા હોય છે, પણ તેના વિશે કોઇને પૂછીએ ત્યારે એવું સાંભળવા મળે છે કે, એક નંબરનો બદમાશ છે. ઘણી પત્નીઓના મોઢે એવા શબ્દો પણ નીકળતા હોય છે કે, એક નંબરનો રાક્ષસ છે. પોતે શાંતિ લેતો નથી અને કોઇને લેવા દેતો નથી. પોતાની વ્યક્તિનો સંતોષ સારાપણાથી જ અનુભવાતો હોય છે. કેવા કે કેવી દેખાય છે એના પરથી નહીં. એક છોકરીની આ વાત છે. એ ખૂબ દેખાવડી હતી. તેને એક છોકરા સાથે પ્રેમ થયો. એ છોકરો દેખાવમાં બહુ સામાન્ય હતો. એ છોકરીને તેની એક ફ્રેન્ડે કહ્યું, યાર દેખાવમાં બહુ મીડિયોકર છે. છોકરીએ કહ્યું, હા, પણ એ કેવો માણસ છે એ મને ખબર છે. મેં ચહેરો જોઇને પ્રેમ નથી કર્યો, દિલ જોઇને પ્રેમ કર્યો છે. એના જેવા સાફ દિલના લોકો બહુ ઓછા હોય છે. અલ્ટિમેટલી તો માણસનું થિંકિંગ મેટર કરતું હોય છે. મેં ઘણા એવા હેન્ડસમ છોકરાઓ જોયા છે, જેની દાનત સારી હોતી નથી. લાઇફ પ્રત્યે કોઇ સિરિયસનેસ હોતી નથી. માત્ર સિનસપાટા કરવા હોય છે. જેને જિંદગીની સમજ છે અને જેને પ્રેમની પરવા છે એવી વ્યક્તિ વધુ મહત્ત્વની છે.
લોકો પણ એવી વ્યક્તિનો જ સ્વીકાર કરતા હોય છે જે ખરેખર સારી હોય છે. એક કંપનીમાં જોબ માટે ઇન્ટરવ્યૂ હતો. એ જગ્યા છોકરીઓ માટેની જ હતી. ચાર સભ્યોની પેનલ ઇન્ટરવ્યૂ લેતી હતી. એક જગ્યા ભરવાની હતી. જે છોકરીઓ આવી હતી એમાંથી જ્યારે પસંદ કરવાની વાત આવી ત્યારે બધાએ જે છોકરી ઓછી દેખાવડી હતી તેને કામ પર રાખી. બધાએ એક સૂરમાં એવું કહ્યું કે, એ છોકરી હોશિયાર અને મહેનતું લાગે છે. કોઇએ એવું નહોતું કહ્યું કે, એ કેવી દેખાય છે! બીજો એક કિસ્સો પણ રસપ્રદ છે. દસ બહેનપણીઓનું એક ગ્રૂપ હતું. આ ફ્રેન્ડ્સે પોતાનું વોટ્સએપ ગ્રૂપ બનાવ્યું હતું. એક છોકરી દેખાવમાં બહુ સારી હતી. એક વખત તેની ફ્રેન્ડે ગ્રૂપમાં ફોટો મૂકીને લખ્યું કે, આ આપણા ગ્રૂપની સૌથી સુંદર છોકરી છે. બધી ફ્રેન્ડ્સે કહ્યું કે, સાચી વાત છે. તેની સુંદરતાનો જોટો જડે એમ નથી. એક ફ્રેન્ડે પછી બધાને સરસ સવાલ કર્યો, બાય ધ વે, આપણા ગ્રૂપમાં સૌથી સારી છોકરી કોણ છે? કોણ એવું છે, જેને બધાની કેર છે, જે બધા સાથે હંમેશાં પ્રેમથી વર્તે છે, દરેક સંજોગોમાં એ મોખરે હોય છે, જે બધાનું ધ્યાન રાખે છે અને જે બધાની લાડકી છે! બધી ફ્રેન્ડ્સે નામ આપ્યાં. બધીએ એક જ નામ આપ્યું કે, આ સૌથી સારી છે. મજાની વાત એ હતી કે, એ દેખાવમાં ઓકે હતી. સુંદરતાનો સ્વીકાર હોય પણ સહજતાનું સન્માન હોય છે. પ્રયાસ એવા હોવા જોઇએ કે, લોકો આપણને આપણા સ્વભાવથી યાદ રાખે, દેખાવથી નહીં. દેખાવથી પહેલી નજરે કોઇને ઇમ્પ્રેસ કરી શકાય છે, પણ અમીટ છાપ તો સારા વર્તન અને સારી વાણી સર્જી શકે છે.
છેલ્લો સીન :
પ્રભાવ સ્વભાવથી વર્તાતો હોય છે. જ્ઞાન, સમજ, ડહાપણ પાસે દેખાવ ગૌણ બની જાય છે. – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 11 મે, 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
