સાચું મૉટિવેશન એ જ છે જે માણસ પોતે કેળવે છે! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

સાચું મૉટિવેશન એ જ છે
જે માણસ પોતે કેળવે છે!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


——–

કોઈ પણ સફળતા મેળવવા માટે કે સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે
મૉટિવેશનની જરૂર રહે છે. દરેકે પોતાનું મૉટિવેશન પોતાની મેળે
જ ક્રિએટ કરવું પડે છે. બાહ્ય મૉટિવેશન લાંબું ટકતું નથી!


———–

સફળ થવા માટે અને કંઇક બનવા માટે એક ઝનૂન હોવું જોઇએ. આંખમાં એક ચમક જોઇએ. સખત મહેનતની તૈયારીઓ હોવી જોઇએ. એ બહારથી ન આવે. એ અંદર જ હોવું જોઇએ. સફળ બનવા માટે શું કરવું જોઇએ એના વિશે ઘણુંબધું લખાયું અને કહેવાયું છે. સોશિયલ મીડિયા પર હજારો રીલ્સથી માંડીને લાખો પ્રવચનો અને લેખો મળી રહેશે જે સફળ થવા માટેના રસ્તા બતાવશે. આ બધા સાચા હોય છે, સારા હોય છે અને જરૂરી પણ હોય છે પણ એ ક્યારે કામ લાગે? જ્યારે ગાડી અટકી ગઇ હોય અને એક ધક્કાની જરૂર હોય ત્યારે! સૌથી પહેલાં તો માણસની પોતાની તૈયારીઓ હોવી જોઇએ કે મારે સફળ થવું છે. મારે કંઇક કરી બતાવવું છે. માણસની અંદર કંઇ હોય તો એને જીવતું અને ધબકતું કરી શકાય, માણસને પોતાને જ કંઇ ન કરવું હોય તો એનું કંઈ ન થઇ શકે. જોકે, મોટા ભાગના લોકોને કંઇક કરી છૂટવાની ખેવના હોય જ છે. એકબે નિષ્ફળતા મળે એ પછી ઘણા મેદાન છોડી દેતા હોય છે. આવા સંજોગોમાં તેને પાછા મેદાનમાં લાવવા માટે મૉટિવેશન કામ લાગે છે. એ મૉટિવેશનની અસર તો જ થવાની છે, જો માણસ પોતે થોડો મૉટિવેટ થાય!
મૉટિવેશન વિશે હમણાં થયેલા એક અભ્યાસમાં રસપ્રદ વાત બહાર આવી છે. મૉટિવેશન દરેક વ્યક્તિ માટે જરૂરી છે એ વાત સાચી પણ સફળતા માટે સૌથી વધુ જો કંઈ જરૂરી હોય તો એ સેલ્ફ મૉટિવેશન જ છે. મૉટિવેશન બે પ્રકારનાં હોય છે. એક, જે બહારથી મળે છે. સફળ થવા માટેના નિયમોથી માંડીને નુસખાઓ શીખવાડવામાં આવે છે. તમારું ધ્યેય નક્કી કરો, તમારા લક્ષ્યને વળગી રહો, દિવસના ભાગ પાડીને વધુમાં વધુ સમય મહેનત કરો, નકામી અને ક્ષુલ્લક બાબતોથી દૂર રહો, એકાગ્રતા કેળવો, કોઇ પણ સંજોગોમાં વિચલિત ન થાવ, આ અને આના જેવી અનેક સલાહો અને માર્ગદર્શન આપવામાં આવે છે. બધાં જ મૉટિવેશન દરેકને એકસરખી અસર કરતાં નથી. કોઇને વધુ અસર થાય છે, તો કોઇને ઓછી અસર થાય છે. ઘણા માટે તો આવી વાતો પથ્થર પર પાણી જેવી હોય છે. તમે ગમે તે કરો એનામાં કંઇ ફેર પડવાનો જ નથી. ફેર કોને પડે છે? એને જ ફેર પડે છે જેને પોતાનામાં ફેર પાડવો છે. અમુક યુવાનાને તમે જોજો. એને કંઇ કહેવું જ પડતું નથી. એ પોતાનું ધ્યેય પ્રાપ્ત કરવા માટે મંડેલા જ હોય છે. ઘણા કિસ્સામાં તો એવું પણ બને છે કે, પેરેન્ટ્સ અને તેના પ્રોફેસરે એવું કહેવું પડે છે કે, આટલું બધું ન કર, રિલેક્સેશન માટે પણ થોડોક સમય બચાવ. આવું તત્ત્વ ત્યારે જ આવે જ્યારે એની પોતાની તૈયારી હોય. હા, ક્યારેક એવી અસર કોઇની લાઇફને જોઇને, કોઇની વાત સાંભળીને અથવા ક્યાંકથી કંઇક વાંચીને આવી શકે છે પણ એક ચમકારો થાય એ પછી તો એ ચમકારામાંથી પ્રકાશ જગાવી એ ચાલતા રહે છે.
સરવાળે વાત એવી છે કે, સફળ થવા માટે માણસે સેલ્ફ મૉટિવેટ રહેવું જોઇએ. હવે સવાલ એ આવે કે, સેલ્ફ મૉટિવેટ રહેવું કઈ રીતે? એમાં સૌથી પહેલી વાત એ છે કે, જિંદગીમાં પ્રલોભનો આવતાં જ રહેવાનાં છે. મહેનત કરવાને બદલે મજા કરવાનું ગમવાનું જ છે. પહેલાં તો એ નક્કી કરવું પડે કે, અત્યારે મારો સમય મહેનત કરવાનો છે. અત્યારે મહેનત નહીં કરું તો મેળ પડવાનો નથી. જેમ જેમ સમય જતો જાય છે એમ એમ લાલચો, પ્રલોભનો વધતાં જ જાય છે. મોબાઇલ સૌથી હાથવગું મનોરંજન છે. અગાઉના સમયના લોકો કરતાં અત્યારના યુવાનોએ મન વધુ મક્કમ કરવું પડે એમ છે, કારણ કે એન્ટરટેઇનમેન્ટના ઓપ્શન આજે છે એટલા અગાઉ હતા જ નહીં. રસ્તાઓ બહુ લપસણા થઇ ગયા છે. જરાકેય ધ્યાન ચૂકીએ તો લપસી જવાય એમ છે.
સેલ્ફ મૉટિવેટ રહેવા માટે દરરોજ પોતાની જાતને પ્રોમિસ આપતા રહેવું પડે છે કે, હું મારે જે કરવું છે એ કરીને જ રહીશ. એના માટે મારે અમુક નથી કરવાનું એ નથી જ કરવાનું. મારે સમય નથી બગાડવાનો, મારે ફોકસ્ડ રહેવાનું છે. જાતને આપેલું પ્રોમિસ પાળવું પણ પડતું હોય છે. કોઈ બહાનું ન જોઇએ. આ પતી જશે એટલે શરૂ કરીશ, હજુ ઘણો સમય છે, થોડીક વધુ મહેનત કરીને કવર કરી લઇશ, થઇ જશે, આવાં બધાં બહાનાં છેલ્લે અઘરાં પડતાં હોય છે. ડિસિપ્લિન કેળવવી પડે છે. અમુક આદતો એમ ને એમ નથી પડતી, પાડવી પડતી હોય છે. શરીરને પણ ટ્રેન્ડ કરવું પડતું હોય છે અને મનને પણ ટપારતા રહેવું પડે છે કે, આટલું નહીં એટલે નહીં અને આટલું તો મસ્ટ છે! તો જ ધાર્યાં નિશાન પાર પડે છે. બહારથી મૉટિવેશન ચોક્કસ મેળવો પણ અંદરના મૉટિવેશનને જીવતું રાખો.
આ ઉપરાંત પોતાની જાતને માનસિક સ્વસ્થ રાખવા માટે કોની વાત કાને લેવી અને કોની વાતમાં આંખ આડા કાન કરવા એ પણ શીખવું જરૂરી હોય છે. આપણી આજુબાજુમાં આપણને ન ગમે એવું બોલનારા અને કરનારા હોવાના જ છે, એને ઇગ્નોર કરવા જ બહેતર હોય છે. બધાની વાતો મનમાં લેવાની કંઇ જરૂર હોતી નથી. તમે કોઇને બોલતા ન રોકી શકો પણ શું સાંભળવું અને શું ન સાંભળવું એ તો તમે નક્કી કરી જ શકો. કોઇની વાતથી ડિસ્ટર્બ ન થવું અને કોઇ વખાણ કરે તો ફુલાઇ પણ ન જવું. વખાણ પણ કેટલાં સાચાં હોય છે એ સૌથી મોટો સવાલ છે. કોઇ ગમે તે બોલે એની પરવા કર્યા વગર આપણે જે કરતા હોઇએ એ કરતા રહેવાનું.
દરેક માણસનો કોઈ રોલમૉડેલ હોય છે. દરેક પર કોઇનો પ્રભાવ હોય છે. એમાં કશું ખોટું નથી પણ રોલમૉડેલ પસંદ કરવામાં પણ કાળજી રાખવી પડતી હોય છે. આપણે રોલમૉડેલને એના કયા ગુણના કારણે અનુસરીએ છીએ એના પર વિચાર કરવો જોઇએ. આપણો રોલમૉડેલ પોઝિટિવ હોવો જોઇએ. એની લાઇફ એવી હોવી જોઇએ જે આપણામાં કંઈ ઉમેરે. રોલમૉડેલ કોઇ સેલિબ્રિટી જ હોય એવું જરૂરી નથી. આપણી આસપાસનું પણ કોઇ હોઈ શકે છે. આપણા પરિવારમાંથી જ કોઈના સંઘર્ષની વાત કે ઘટના આપણને ટચ કરી જતી હોય છે.
જોખમ લેવાથી ન ડરો અને કંઈ ભૂલ થઇ જાય તો ખુલ્લાદિલે સ્વીકારો. માણસ છીએ, ક્યારેક કોઇ ભૂલ થઇ પણ જાય. દુનિયામાં એવો એકેય માણસ નથી જેણે ક્યારેય કોઇ ભૂલ ન કરી હોય. જે કંઇક કરવા મથે છે એનાથી ક્યારેક તો ભૂલ થવાની જ છે. ભૂલ થઇ જાય તો પણ જોખમથી ન ડરો. પ્રયાસો વધારી દો. ક્યારેક એવું પણ થવાનું છે કે, પોતે જ ડિમૉટિવેટ થતા હોય એવું ફીલ થાય. આવા સંજોગોમાં થોડાંક બહારનાં મૉટિવેશનની અપેક્ષા રાખો એમાં ખોટું નથી. જેની વાત તમને સાચી લાગતી હોય, જેની વાત ગળે ઊતરતી હોય અને જેની વાત વાજબી હોય એને ફોલો કરો. એને પણ આંખો મીંચીને વળગી ન રહો. બહારનાં મૉટિવેશન પર એટલો જ આધાર રાખો જે તમને મૉટિવેટ થવામાં અને મૉટિવેટ રહેવામાં મદદ કરે. વાત બધાની સાંભળો પણ તમારા નિયમો, તમારા આદર્શો અને તમારા સિદ્ધાંતો તમે જ બનાવો. તમારાથી વધારે તમને કોઇ ઓળખવાનું નથી. જે નક્કી કરો એને વળગી રહો. દરેક ડગલે એ ચેક કરતા રહો કે, મેં જે નક્કી કર્યો છે એ માર્ગે જ હું ચાલી રહ્યો છુંને? સફળતા સહેલી નથી હોતી પણ જો મનથી મક્કમ હોઇએ તો બહુ અઘરી પણ નથી લાગતી. માનસિક સ્વસ્થતા અને સક્ષમતા જ આખરે તો સફળતા અપાવતી હોય છે!


———

પેશ-એ-ખિદમત
આખિર આખિર એક ગમ હી આશ્ના રહ જાએગા,
ઔર વો ગમ ભી મુઝ કો ઈક દિન દેખતા રહ જાએગા,
અબ હવાએં હી કરેંગી રોશની કા ફેંસલા,
જિસ દિયે મેં જાન હોગી વો દિયા રહ જાએગા.
-મહશર બદાયુની
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 08 મે 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

2 thoughts on “સાચું મૉટિવેશન એ જ છે જે માણસ પોતે કેળવે છે! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

  1. Aa sav sachi vat chhe.. self motivated rehavu a bauj agatya nu chhe. a vat ghana loko na jivan ma madad rup thai sake chhe.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *