હેપીનેસ મંત્રાલય ખોલી દેવાથી
લોકો હેપી હેપી થઇ જાય ખરાં ?
દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ
————————
મધ્ય પ્રદેશમાં આખરે હેપીનેસ મંત્રાલય કામ કરતું થઇ જશે.
સરકારનું એક ખાતું લોકોને હેપી કરી શકે?
સરકારી રાહે લોકો કેટલા હેપી, ખુશ, આનંદિત અને સુખી રહી શકે?
——————————
કેમ છો? એવું કોઇને પૂછીએ એટલે મોટાભાગે એવો જ જવાબ મળતો હોય છે કે, મજામાં. આવું કહેનારો ખરેખર મજામાં હોય છે ખરો? મજામાં હોવું એટલે શું? મજા, આનંદ, ખુશી કે સુખની વ્યાખ્યા કેવી રીતે કરવી? દુ:ખી હોય એવા લોકોને ગલીપચી કરીને તમે હસાવી શકો ખરાં? લોકો ખરેખર કેવી રીતે મજામાં રહે? લોકોની મજા માપવી કઇ રીતે? તમે અત્યારે મજામાં છો એમાં સરકારનો કેટલો ફાળો છે? હવે છેલ્લો સવાલ, સરકાર હેપીનેસ ખાતું શરૂ કરીને લોકોને ખુશ, આનંદિત કે સુખી કરી શકે ખરી? આનો જવાબ હા પણ છે અને ના પણ છે. માનો કે સરકાર લોકોને સુખી કરે તો પણ આ સરકારી સુખ કેટલું ટકે?
આપણા દેશમાં મધ્યપ્રદેશ એવું પહેલું રાજ્ય બનવા જઇ રહ્યું છે જ્યાં હેપીનેસ ખાતું ખૂલશે. આ વિભાગ શરૂ કરવાની જાહેરાત હમણાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ખુશી ખુશી કરી. સારી વાત છે. કંઇક નવું તો થયું. એમપીના પગલે પગલે હવે કદાચ બીજાં રાજ્યોમાં પણ હેપીનેસ ખાતા શરૂ થશે. આખી દુનિયામાં એક માત્ર યુએઈમાં હેપીનેસ મંત્રાલય છે. રૂઢિચુસ્ત ગણાતા યુએઈના આ ખુશી મંત્રાલયનો હવાલો માત્ર 38 વર્ષની યુવતી ઓહૂદ અલ રોમી હસ્તક છે. આપણે ત્યાં આવા ખાતાના હવાલા કોણ સંભાળશે અને એ પ્રધાન પણ કેટલા ખુશી હશે એ જોવું આનંદ આપે તેવું હશે.
સરકાર લોકોને ખુશ રાખી શકે? હા, રાખી શકે. જો ખરેખર બધું સમુંસૂતરું ચાલતું હોય અને લોકોને સરકારની કામગીરીથી સંતોષ હોય. હેપીનેસ મંત્રાલય ભલે ખૂલે પણ સરવાળે તો સરકારનાં બધાં જ ખાતાં બરાબર કામ કરે તો જ લોકોને એવું ફીલ થાય કે સરકારને આપણી ચિંતા છે અને કંઇ થયું તો સરકાર આપણને મદદ કરશે. એવો વિશ્વાસ કેટલા લોકોને છે? સરકાર ઘણું કરે છે પણ એ પૂરતું લાગતું નથી.
થોડા સમય અગાઉ ઇંગ્લેન્ડથી એક વડીલ આવ્યા હતા. તેને પૂછ્યું કે કેમ છો? તો કહે હવે રિટાયર છું, સરકાર પેન્શન આપે છે, બીમાર પડીએ તો બેસ્ટ ટ્રીટમેન્ટ મળે છે. બીજું શું જોઇએ? આપણા દેશના લોકો રિટાયર થાય એટલે એવું ફીલ કરે છે જાણે પોતે ઓશિયાળા થઇ ગયા ન હોય! આપણે ત્યાં લોકોને મોત કરતાં પણ વધુ ચિંતા બુઢાપાની હોય છે. રિટાયર થયા પછી મોટી ઉંમરના લોકો ધીમે ધીમે હતાશ થઇ જાય છે અને ક્યારેક તો એવું પણ બોલી જાય છે કે હવે તો ભગવાનનું તેડું આવી જાય તો સારું!
હવે યંગસ્ટર્સની વાત. યંગ લોકોનું એક જ ધ્યેય હોય છે કે સારી નોકરી મળી જાય તો હાશ. એજ્યુકેશન જ જોબ ઓરિએન્ટેડ થઇ ગયું છે. નોકરી મળે એટલે પોતાની જાતને પ્રૂવ કરવામાં લાગી જવાનું. નોકરીઓ આપણા દેશની ઘણી ટેલેન્ટને ભરખી ગઇ છે. પેટ ભરવા અને ઘર ચલાવવા નોકરી કરવી પડે છે, એમાં ક્રિએટિવિટીનો કચ્ચરઘાણ નીકળી જાય છે. સ્વિટ્ઝર્લેન્ડ ગયો હતો ત્યારે હેર ડ્રેસિંગનું કામ કરતી એક યંગ છોકરીને મળવાનું થયું હતું. જિંદગી વિશે પૂછ્યું તો તેણે કહ્યું કે, ‘આખી દુનિયા ફરવી છે અને પેઇન્ટિંગ્સ કરવાં છે. હું છ મહિના કામ કરું છું, નાણાં ભેગાં થાય એટલે કોઇ એક દેશ ફરવા ચાલી જાઉં છું. ચિત્રો દોરું છું અને મજા કરું છું. નાણાં પતે એટલે પાછી આવી જાઉં અને કામે લાગી જાઉં.’ આપણે ત્યાં પણ ઘણા યુવાનોને આવું થતું હશે પણ એ જઇ શકતા નથી. માનો કે કોઇ જાય તો એ વિચાર આવે કે પાછા આવીશું તો નોકરીએ કોણ રાખશે? કલા અને ક્રિએટિવિટી ગઇ તેલ લેવા, કામ કરો અને જવાબદારીઓ પૂરી કરો.
સુખ, ખુશી અને આનંદ એ વ્યક્તિગત ઘટના પણ છે. આપણી માનસિકતા પણ બીજા દેશોના લોકો કરતાં થોડીક જુદી છે. આપણે રૂપિયા હોવા અને કમાવવા એને સુખ માનીએ છીએ! જિંદગીને ફીલ કરવાની દરકાર ખરેખર કેટલાને હોય છે? ફીલ કરે પણ ક્યાંથી? રોજે રોજ કંઇક ને કઇંક પ્રોબ્લેમ ચડી આવે છે. માણસ બિચારો તંગ આવી જાય છે. જે કરવું હોય છે એ કરી નથી શકતો અને જેવી રીતે જીવવું હોય એવી રીતે જીવી નથી શકતો. આપણે આપણી મહાનતા, સંસ્કૃતિ, ભવ્ય ભૂતકાળ અને પરંપરાઓની દુહાઇ દેતા રહીએ છીએ અને આપણી જ જાતને છેતરતા રહીએ છીએ. આપણે તો સરખા જીવ્યા હોતા નથી અને સંતાનોને પણ સરખી રીતે અને એની રીતે જીવવા દેતા નથી. એનું બધું આપણે જ નક્કી કરી નાખીએ છીએ. સ્ટડી, કરિયર, નોકરી, છોકરી અને પછી એનાં છોકરાઓનો નિર્ણય પણ આપણને પૂછીને કરે એવું ઇચ્છીએ છીએ, ધીમે ધીમે આપણે તેને પણ આપણા જેવા બનાવી દઇએ છીએ.
આપણા લોકો કેટલા ખુશ છે? યુનાઇટેડ નેશન્સના આ વર્ષના હેપીનેસ ઇન્ડેક્ષમાં આપણે એક નંબર નીચે જઇને 118મા નંબરે આવી ગયા છીએ. આપણાથી આગળ છે એનાં નામ તમે જાણશો તો તમને પણ નવાઇ લાગશે. પાકિસ્તાન 92મા નંબરે, શ્રીલંકા 117મા નંબરે અને ચીન 83મા નંબરે છે. હેપીનેસની વાત આવે એટલે જીડીપીને બદલે જીએનપી એટલે કે ગ્રોસ નેશનલ હેપીનેસની વાતો કરતા દેશ ભૂતાન નજર સામે આવી જાય. ત્યાંના લોકો હળવાશથી જીવે છે. પોતાને સુખી સમજે છે. જોકે હેપીનેસ ઇન્ડેક્ષમાં ભૂતાનનો નંબર 84મો છે.
હેપીનેસ ઇન્ડેક્ષમાં પહેલા નંબરે કોણ છે? ડેન્માર્ક. એના પછી જે દેશનાં નામ આવે છે એ છે, સ્વિટ્ઝર્લેન્ડ, આઇસલેન્ડ, નોર્વે, ફિનલેન્ડ, કેનેડા, નેધરલેન્ડ, ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રિયા અને સ્વિડન. બાય ધ વે, આ ટોપ ટેન હેપી કન્ટ્રીમાં હેપીનેસ જેવું કોઇ ડિપાર્ટમેન્ટ કે મંત્રાલય નથી. સાવ તળિયે જે દેશનાં નામ છે એમાં બુરુન્ડી, સીરિયા, ટોગો, અફધાનિસ્તાન, બેનીન, રવાન્ડા, તાન્ઝાનિયા, લાયબેરિયા, માડાગાસ્કર અને ગુઆનાનો સમાવેશ થાય છે.
સુખ માટે સૌથી વધુ મહત્ત્વનું શું ગણાય છે? રોટી, કપડાં, મકાન, એજ્યુકેશન, આરોગ્ય સેવાઓ, સલામતી, ભ્રષ્ટાચારથી મુક્તિ અને વિચાર તથા વર્તનની આઝાદી. આટલું હોય તો ખુશ અને સુખી થઇ જવાય? કોઇ ગેરન્ટી નથી, કારણ કે સુખ માત્ર બહારની વાત નથી, સુખ ઘણેબધે અંશે આપણી પોતાની અને અંદરની વાત પણ છે. સરવાળે તો તમે જ તમને ખુશી કરી શકો. જેને ખુશ નથી રહેવું અને જેને દુ:ખી જ રહેવું છે તેને સરકાર તો શું, ભગવાન પણ સુખી કરી ન શકે. જિંદગીમાં એક નહીં, હજાર પ્રોબ્લેમ છે એ વાત સાચી પણ તમને ખુશ રહેતા કોણ રોકે છે? સુખ અને દુ:ખ એ એક ચોઇઝ છે, આપણે શું પસંદ કરવું એ આપણા હાથની વાત છે.
(દિવ્ય ભાસ્કર, રસરંગ પૂર્તિ, તા. 24 જુલાઇ 2016, રવિવાર, દૂરબીન કોલમ)
kkantu@gmail.com
u r right sir.sukh ane dukh ae apni chice chhe.
Yes… Thanks.