સૌને ગમતો રવિવાર અને સૌથી બદનામ બિચારો સોમવાર : દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટસૌને ગમતો રવિવાર અને
સૌથી બદનામ બિચારો સોમવાર

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

———-

ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે હમણાં સોમવારને અઠવાડિયાનો સૌથી ખરાબ દિવસ જાહેર કર્યો છે. 

રજાની મજા પછી કામ શરૂ કરવું પડે છે એટલે સોમવાર બધાને આકરો લાગે છે!

રવિવાર પહેલેથી બધાનો લાડકો રહ્યો છે. બુધવાર અને ગુરુવારથી માણસનો મૂડ થોડોક રિલેક્સ થવા માંડે છે. 

અલબત્ત, ઘણાનાં નસીબમાં રવિવારે પણ કામ કરવાનું લખ્યું હોય છે!

————–

તમને કયો વાર ગમે છે? આવો સવાલ કોઈ પૂછે તો તમે શું જવાબ આપો? કદાચ તમારો જવાબ એવો હશે કે, રવિવાર જ હોયને! જે લોકો ફાઇવ ડેઝ વીક સિસ્ટમમાં કામ કરે છે એ લોકો શનિ-રવિ એમ બે દિવસ કહેશે. એમાંય વળી પૂછો કે, એ બે દિવસમાંથી કયો વધુ વહાલો? તો કદાચ શનિવાર કહેશે. આખો દિવસ એવું ફીલ થાયને કે હજુ કાલેય રવિવારની રજા છે. રવિવારે તો એવો વિચાર પણ આવી જાય કે, કાલથી પાછું કામે વળગવાનું છે. વૅલ, હવે નેક્સ્ટ ક્વેશ્ચન. સૌથી વધુ ન ગમતો વાર કયો? મોટા ભાગે એનો જવાબ હશે, સોમવાર. એના પરથી આપણે ત્યાં ગીત પણ બન્યું છે કે, ખૂન ચૂસને તૂ આયા ખૂન ચૂસને, બ્લડી મન્ડે તૂ આયા ખૂન ચૂસને!
સોમવાર પર લખવાનો વિચાર એટલા માટે આવ્યો, કારણ કે હમણાં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડે સત્તાવાર રીતે સોમવારને અઠવાડિયાનો સૌથી ખરાબ દિવસ જાહેર કર્યો છે. રજાની મજા પછી કામની શરૂઆત કરવાની હોય એટલે થોડોક કંટાળો તો આવવાનો જ છે. આમ તો રજા વિશે એવું કહેવાય છે કે રજા રિલેક્સ થવા માટે છે જેથી તમે બીજા દિવસે નવા ઉત્સાહ સાથે કામ કરી શકો. એ વાત જુદી છે કે, રજા પછી ઉત્સાહને બદલે આળસ થવા લાગે છે. ઓફિસે કે પોતપોતાના કામે ગયા પછી તો કામ શરૂ કરવું જ પડે છે. હવેનો જમાનો કમ્પિટિશનનો છે એટલે તમારે ફરજિયાતપણે સારું પરફોર્મ પણ કરવું પડે છે.
રવિવારનાં ખૂબ ગુણગાન ગવાય છે અને સોમવારને વખોડવામાં કંઈ બાકી રખાતું નથી, જોકે દરેકનાં નસીબમાં રવિવારની રજા અને મજા નથી હોતી. એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં જે લોકો કામ કરે છે એમના માથે સૌથી વધુ વર્કલોડ રવિવારે જ હોય છે. રોજેરોજ કામ કરનારના માટે તો શું રવિવાર અને શું સોમવાર? જે લોકોને રોજ કામ કરવું પડે છે એની હાલત જોઇને તો નિદા ફાઝલીએ લખેલો દોહો યાદ આવી જાય કે, સાતોં દિન ભગવાન કે, ક્યા મંગલ ક્યા પીર, જિસ દિન સોયે દેર તક, ભૂખા રહે ફકીર! પેટિયું રળવા માટે અઠવાડિયાના સાતેસાત દિવસ કામ કરવું પડે છે. હોટલોવાળા અને ડિલિવરીવાળા યુવાનોને શનિ અને રવિવારે જ કામે રાખે છે, કારણ કે એ બે દિવસે જ વધુ કામ હોય છે. ગરીબ અને જરૂરિયાતવાળા લોકો બે દિવસ કામ મળી રહે તો પણ પોતાને નસીબદાર સમજે છે. શાળા-કૉલેજમાં ભણતાં ઘણાં છોકરા-છોકરીઓ શનિ-રવિ કામ કરીને પોકેટમની કાઢી લે છે.
દુનિયાની લગભગ તમામ ફિલોસોફી સુખી અને ખુશ રહેવા માટે એવું કહે છે કે, વર્તમાનમાં જીવો. જે વર્તમાનને પૂરી રીતે એન્જોય કરે છે એ જ જિંદગીને ખરી રીતે જીવી જાણે છે. આપણે વારની સાથે સારા કે ખરાબનું ટેગ લગાડી લઇએ છીએ એનું કારણ એ છે કે, આપણે વર્તમાનમાં જીવી શકતા જ નથી. રવિવારથી આપણે સોમવારનું ટેન્શન રાખવા માંડીએ છીએ અને મન્ડેના તો કામે જવાનો મૂડ જ હોતો નથી. આવા સંજોગોમાં સોમવાર ક્યાંથી સારો લાગવાનો છે? વાર વિશે ઘણા અભ્યાસો થયા છે. બુધવાર આવે એટલે માણસનો મૂડ થોડો લાઇટ થઇ જાય છે. આપણને એવું ફીલ થવા માંડે છે કે, હવે સન્ડે નજીક આવી રહ્યો છે. શુક્રવારે મસ્ત મજાના મૂડમાં હોઈએ છીએ. રિલેક્સ રહેવું બધાને ગમે એ સ્વાભાવિક છે પણ એક થિયરી એ પણ છે કે, કામ છે તો જ રજાની મજા છે. સાવ નવરા હોય તેના માટે દરેક દિવસ સરખો છે.
સોમવાર વિશે એવી પણ બહુ વાતો થઇ છે કે, સૌથી વધુ આપઘાત સોમવારે થાય છે. અલબત્ત, આ વિશે કોઇ સચોટ આધાર કે અભ્યાસ મળતો નથી. એમ તો એવો દાવો પણ કરવામાં આવે છે કે સૌથી વધુ આપઘાત સોમવારે નહીં પણ મંગળવારે થાય છે. એનું કારણ એવું આપવામાં આવે છે કે, રવિવારની રજા પછી સોમવારે કામનું પ્રેશર હોય છે. ઓફિસનું વાતાવરણ પણ સોમવારે થોડુંક તંગ હોય છે. બોસ લોકો એ દિવસે જરાક વધુ ઉગ્ર હોય છે. એમને કદાચ એવું થતું હોય છે કે, અઠવાડિયાના પ્રારંભમાં જો થોડાક સ્ટ્રીક્ટ નહીં થઇએ તો બધા કર્મચારીઓ લેઝી મૂડમાં જ રહેશે. બોસ અને સિનિયર્સ પોતાની અંડરમાં કામ કરનારા પર પ્રેશર લાદે છે અને પરિણામે કર્મચારીઓ સોમવારે સાંજ સુધીમાં કંટાળી જાય છે. નોકરી છોડવાનો નિર્ણય માણસ સૌથી વધારે કયા દિવસે કરે છે એ મામલે પણ મતમતાંતર છે, છેલ્લે એનું આળ પણ બિચારા સોમવાર પર જાય છે.
અમુક લોકોનો નેચર વર્કોહોલિક હોય છે. એને રવિવાર અઘરો લાગે છે. કામ વિશે એક ફિયર પણ સમજવા જેવો છે. ઘણા લોકોને એવો ફોબિયા હોય છે કે, જો હું કામ નહીં કરું તો મને નોકરીમાંથી કાઢી મૂકશે. હું રજા લઇશ તો મારી વેલ્યૂ ડાઉન થઇ જશે. કામ અને રજા વિશે દરેકની પોતપોતાની માન્યતાઓ હોય છે. હવે તો સોમવારના પ્રેશરથી બચવા માટે શું કરવું જોઇએ એની પણ જાતજાતની ટિપ્સ અપાવવા લાગી છે. રવિવારે રાતે વહેલા સૂઇ જાવ અને પૂરતી ઊંઘ લો. સોમવારની શરૂઆત સ્ફૂર્તિથી કરવી છે એવો નિર્ણય કરો. મન્ડેના જે કામ કરવાનું હોય છે એની માનસિક તૈયારી શનિવારે ઓફિસ છોડતા પહેલાં જ કરી લો. પોતાની જાતને કાઉન્સેલ કરો કે, સોમવાર પણ બીજા દિવસ જેવો જ દિવસ છે, એની કંઇ વધુ પડતી ચિંતા કરવાની જરૂર નથી. આપણે હવે કામને વધુ પડતી ગંભીરતાથી લેવા લાગ્યા છીએ. રજા અને મજાને પણ જાણે બહુ મોટી વાત હોય એ રીતે વર્તવા લાગ્યા છીએ. સરવાળે વાત એ પણ છે કે, કામને બોજ ન સમજો. કામને મજા સમજો તો કંઈ વાંધો નહીં આવે. જેમ જેમ સમય જાય છે એમ એમ લોકો દરેક સમય અને દરેક વસ્તુ માટે જાતજાતની ધારણાઓ બાંધવા લાગ્યા છે. તેના કારણે એક માનસિકતા બને છે. લોકો કંઈ આજકાલથી કામ નથી કરતા, જ્યારથી માણસજાતનો પ્રારંભ થયો ત્યારથી કામ કરતા આવ્યા છે. હવે કોઈ કંઈ નવીનવાઈનું કામ નથી કરતા. ખેતીમાં કામ કરનારા લોકો આજની તારીખે વાર જોઇને નહીં પણ વેધર જોઇને કામ કરે છે. ખેતીમાં રાતે પણ પાણી વાળવા જવું પડે છે. કોઇ ખેડૂત એમ નથી કહેતો કે, અમે નાઇટ શિફ્ટ કરીએ છીએ. કામનો બોજ રાખે એને જ કામનો ભાર લાગતો હોય છે. ખયાલ બદલવાની જરૂર હોય છે. માનસિકતા બદલશો તો બધા જ વાર સરખા અને સારા લાગશે. વર્ક અને રેસ્ટ વિશેની થોટ પ્રોસેસ જ એવી રાખો કે, કોઈ વાતનો કશો જ ભાર ન લાગે!
———–
હા, એવું છે!
સોશિયલ મીડિયા પર અઠવાડિયાના સાતેસાત વાર માટે જાતજાતના હેશટેગ છે. મન્ડે માટે #મન્ડેબ્લૂઝ #મૉટિવેશનમન્ડે #મ્યુઝિકલમન્ડે જેવા હેશટેગની સાથે #મેનક્રશમન્ડે અને #ડોન્ટલાઇકમન્ડે જેવા હેશટેગ પણ છે. સોમવારના નામે સૌથી વધુ બખાળા કાઢવામાં આવે છે. મન્ડેના રોજ જ મૉટિવેશનલ ટ્વીટ્સ સૌથી વધુ થાય છે. એક મજાક તો એવી પણ થાય છે કે, ટ્વીટ કરનારને જ સોમવારે મૉટિવેશનની જરૂર હોય છે એટલે પોતાના સંતોષ ખાતર એ મૉટિવેશન ક્વોટ્સ ટ્વીટ કરે છે!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 02 નવેમ્બર, 2022, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *