કિંત્સુગી : સંબંધોમાં તિરાડ પડે
ત્યારે આ કામ કરવા જેવું છે!
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
કિંત્સુગી જાપાનીઝ કલા અને પરંપરા છે. કાચનું કોઇ વાસણ તૂટી જાય
ત્યારે એને એવી રીતે ફરીથી જોડીને શણગારવામાં આવે છે કે એ
અગાઉ કરતાં પણ વધુ સુંદર દેખાય. સંબંધોમાં પણ જ્યારે તિરાડ પડે
ત્યારે કિંત્સુગી અપનાવવા જેવું છે
———–
દુનિયામાં સૌથી વધુ કોમ્પ્લિકેટેડ ચીજ જો કોઇ હોય તો એ રિલેશન્સ છે. સંબંધો ક્યારે બંધાય અને ક્યારે તૂટે એનું કંઇ નક્કી હોતું નથી. અચાનક જ કોઇ આપણી જિંદગીમાં આવે છે અને સૌથી નજીકની વ્યક્તિ બની જાય છે. ઘણા કિસ્સામાં જેને ભવભવના સંબંધ માનતા હોઇએ એ ધડાકાભેર તૂટે છે. સંબંધોને જાળવવા સહેલા નથી. ઘણું બધું જતું કરવું પડે છે અને કેટલુંયે સહન પણ કરવું પડે છે. સંબંધ તૂટે પછી સુલેહ અને સમાધાનના પ્રયાસો થાય છે. સંબંધો પાછા સંધાય ત્યારે એવી વાતો પણ કરવામાં આવે છે કે, સંબંધો કાચના વાસણ જેવા છે. કાચનું વાસણ તૂટે પછી એને સાંધીએ તો પણ તિરાડ તો રહી જ જાય છે. આ તિરાડ એ વાતની ગવાહી આપતી રહે છે કે, આપણી વચ્ચે એક વખત ગેપ આવ્યો હતો. આપણે ક્યારેય એવો વિચાર કરીએ છીએ કે ફૂટેલા કાચને અને તૂટેલા સંબંધને હોય એના કરતાં વધુ સારા કરી શકાય છે? જાપાનના લોકો આવું કરે છે!
જાપાનમાં એક પ્રણાલી અને પરંપરા છે. જાપાનીઝ લેંગ્વેજમાં એને કિંત્સુગી કહેવામાં આવે છે. કાચનું કોઇ વાસણ તૂટી જાય ત્યારે જાપાનીઝ લોકો દુ:ખી થતા નથી. તેઓ કહે છે કે, કાચના વાસણનું તો નિર્માણ જ તૂટવા માટે થયું હોય છે. એનો અફસોસ શું કરવાનો? જાપાનમાં કાચનું કોઇ વાસણ કે વાઝ તૂટે ત્યારે લોકો કાચના ટુકડા ભેગા કરીને કલાકાર પાસે લઇ જાય છે. આ કલાકારો એ ટુકડાને એટલી કલાત્મક રીતે જોઇન કરી આપે છે કે વાસણ હોય એના કરતાં પણ અનેકગણું વધુ સુંદર દેખાવા લાગે છે. એવા કલર અને ગમ લગાવે કે જોઇને જ લોકોનું મન મોહી જાય. મોટા ભાગના જાપાનીઝ લોકોના ઘરમાં તમને થોડાક આવા રિનોવેટ કરેલા વાસણ જોવા મળશે જ. આ આર્ટ એટલી બધી પોપ્યુલર થઇ છે કે હવે તો તૂટીને સાંધેલાં હોય એવાં વાસણો જ બનવા લાગ્યાં છે. વેલ, વાસણનું તૂટવું અને ફરીથી તેનું નવનિર્માણ કરવા પાછળ એક સરસ મજાનો મેસેજ પણ છે. સંબંધો પણ ક્યારેક તૂટે છે. એને આપણે ફરીથી કેમ શણગારી ન શકીએ?
સંબંધો નાજુક છે. ક્યારેક તો કંઇક ઇશ્યૂ થવાના જ છે. ક્યારેક ડિસ્ટન્સ આવવાનુ જ છે. સંબંધો તૂટે, ઝઘડા થાય, નારાજ થવાય એનો કોઇ વાંધો નથી, સવાલ એ છે કે આપણે સુષુપ્ત થઇ ગયેલા સંબંધને ફરીથી જીવતો કેવી રીતે કરીએ છીએ? સંબંધમાં થોડુંકેય સત્ત્વ બચ્યું હોય તો એને સજીવન કરવાનો પ્રયાસ થવો જોઇએ. બેમાંથી એકની ભૂલ થઇ જાય, એ ભૂલ ખરેખર ગંભીર પણ હોય, એ વખતે જ કિંત્સુગીને કામે લગાડવા જેવી છે. સંબંધને એક ચાન્સ મળવો જ જોઇએ. જો સંબંધ સાચો હશે તો સુધરી જશે અને બચી જશે. જો સંબંધ ખરેખર બોદો હશે તો પૂરો થઇ જશે. આપણને એ અફસોસ તો ન રહે કે મેં પ્રયાસ નહોતો કર્યો. કેટલાંક સંબંધો ટૂંકું આયુષ્ય લઇને જ આવતા હોય છે. આપણી દાનત ગમે એટલી સારી હોય અને આપણે ગમે એટલા પ્રયાસો કરીએ તો પણ કેટલાક સંબંધો બચાવી શકતા નથી. કેટલાક સંબંધો ખતમ થવા માટે સર્જાયા હોય છે. સંબંધો દ્વીપક્ષીય હોય છે. બંને બાજુએ લાગણી સરખી હોવી જોઇએ. એક તરફ ગમે એટલું શક્તિશાળી હોય, પણ બીજી તરફ તકલાદી હોય તો સંબંધ ટકતો નથી. તૂટવા જેવા સંબંધ તૂટે પછી એને વાગોળવાનું પણ બંધ કરી દેવું જોઇએ. એક ચેપ્ટર પૂરું થાય પછી તેનાં પાનાં ફરીથી ફેરવ્યે રાખવાનો કોઇ મતલબ હોતો નથી.
સંબંધ વિશે નિષ્ણાતો જે શીખ આપે છે એ સમજવા જેવી છે. સૌથી પહેલી વાત તો એ કે, સંબંધને તૂટવા જ ન દો. તમને એવું લાગે કે આ વ્યક્તિ મારી છે, એને પણ મારી કદર છે, તો એને જાળવી રાખો. ક્યારેક ઝઘડો થશે, ક્યારેક મતભેદ થશે, એ બહુ જ સ્વાભાવિક છે. આપણી વ્યક્તિ ગમે એટલી નજીક હોય તો પણ એ સાવ આપણા જેવી નહીં જ હોવાની. આપણા મૂડમાં પણ અપ-ડાઉન આવતા જ રહે છેને? એનો મૂડ પણ બદલતો રહેવાનો છે. આપણે બસ એટલું યાદ રાખવાનું હોય છે કે, એ ગમે એવી કે ગમે એવો છે, પણ મારો છે કે મારી છે. આપણે આખી દુનિયાને સારું લગાડતા હોઇએ છીએ, પણ આપણી પોતાની વ્યક્તિની જ ઘણી વખત સંભાળ લેતા હોતા નથી. દુનિયામાં જેને પોતાના કહી શકાય એવા બહુ થોડા લોકો હોય છે. દરેક વ્યક્તિએ એ વિચારવાની જરૂર હોય છે કે, મારી લાઇફમાં એવા કેટલા લોકો છે, જેને મારી ચિંતા છે, જે લોકોને મારાથી ફેર પડે છે અને જેનાથી મને ફેર પડે છે. કોણ મારી રાહ જુએ છે અને કોને એ વાતની ફિકર છે કે હું સાજોનરવો છું કે નહીં? એવા લોકોની એક યાદી તૈયાર કરીને એવું નક્કી કરવાનું કે, આ લોકો માટે કંઇ પણ! આ લોકો માટે કોઇ ગણતરીઓ નહીં, કોઇ હિસાબ નહીં. આ લોકોનું ખરાબ લગાડવાનું નહીં અને જો એ ભૂલ કરે તો માફ કરી દેવાનું. સંબંધો સાચવવાની જડીબુટ્ટી એ પણ છે કે, કોઇ ગાંઠ બાંધી ન રાખો. આપણે ઘણી વખત કોઇ વિવાદ થાય કે કોઇ ઝઘડો થાય તો એને બહુ લાંબો સમય યાદ રાખીએ છીએ. કોઇ એકડો એટલો ન ઘૂંટો કે એને ભૂંસતા વાર લાગે. માણસ ગઇ કાલના બહુ બેગેજ સાથે લઇને ફરતો હોય છે. આપણે ક્યારેય વિચાર કરીએ છે કે જે વીતી ગયું છે, જે પસાર થઇ ગયું છે, એને આપણે કેટલું આપણી સાથે રાખીએ છીએ? જેટલો ભાર વધારશું એટલો વધતો જ રહેવાનો છે. સંબંધને સાત્ત્વિક રાખવા માટે એ જરૂરી છે કે, આજે જે છે એને જ મહત્ત્વ આપો.
સંબંધ ક્યારેક તૂટે તો કિંત્સુગીને યાદ રાખો. નક્કી કરો કે, મારે મારો સંબંધ અગાઉ હતો એના કરતાં વધુ સારો બનાવવો છે. કેટલીક વખત એવું પણ થાય છે કે, સંબંધમાં ડિસ્ટન્સ આવે પછી જ આપણને એ વાત સમજાય છે કે, મારા માટે એ સંબંધ કેટલો મહત્ત્વનો હતો. ઝઘડો થાય પછી આપણને પણ પેઇન થતું હોય છે. ક્યારેક એવું પણ થાય છે કે, ખોટું થઇ ગયું. મારે આવું કરવાની જરૂર નહોતી. આવું જરાકેય થાય ત્યારે સોરી કહી દો. આપણે ઘણી વખત સોરી કહેવામાં બહુ વાર લગાડીએ છીએ. વાર લગાડવામાં ઘણી વખત બહુ મોડું થઇ જાય છે. સંબંધને સાચવવા માટે સમયને સાચવતા પણ આવડવો જોઇએ. ભૂલ સામેની વ્યક્તિની હોય તો જતું કરી દો. જતું કરીને આપણે સંબંધ બચાવી લેતા હોઇએ તો એ સોદો ખોટો કે ખોટનો નથી હોતો. ગમે તે થાય, સંવાદને જીવતો રાખો. અબોલાથી દૂર રહો. મોઢું ચડાવવાથી મૂડ બગડવાનો છે અને ભાર વધવાનો જ છે. કિંત્સુગીમાંથી એ જ શીખવાનું છે કે, કંઇ થઇ જાય એ પછી વધુ સુંદર કેવી રીતે બનવું. સારા સંબંધો જ જિંદગીને જીવવા જેવી બનાવતા હોય છે. સંબંધો સુકાશે તો જિંદગી પણ મૂરઝાવા લાગશે. છૂટેલા હાથ દૂર જાય એ પહેલાં જ તેને પાછો પકડી લો. કહો કે, મારા માટે તું સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ છે. તું છે તો જ જિંદગી જીવવા જેવી લાગે છે. તું નથી તો કંઇ નથી.
———
પેશ-એ-ખિદમત
ધડકતે સાંસ લેતે રુકતે ચલતે મૈંને દેખા હૈ,
કોઇ તો હૈ જિસે અપને મેં પલતે મૈંને દેખા હૈ,
મુઝે માલૂમ હૈ ઉનકી દુવાએં સાથ ચલતી હૈ,
સફર કી મુશ્કિલોં કો હાથ મલતે મૈંને દેખા હૈ.
-આલોક શ્રીવાસ્તવ
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 24 જુલાઇ, 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
Namaskar Ji,
After receiving your reply dated 15.JUL.2024, I have come to know regarding your website and visited the page. NowI don’t have to rely on PRINT media, which is difficult for me.
I have read and studied one article – કિંત્સુગી : સંબંધોમાં તિરાડ પડે ત્યારે આ કામ કરવા જેવું છે!
After that, I have searched for KINTSUGI and found details of this Japanese art of repairing broken pottery by mending areas of breakage with urushi lacquer dusted – mixed with powdered gold, silver, platinum, Rejoined & decorated in such a way that Looks MORE BEAUTIFUL than before. It’s like adopting kintsugi when there is a rift even in a relationship.
Your insights were both enlightening and thought-provoking, and I truly appreciate the depth of research and clarity you brought to the topic. Your ability to present complex matter in such an engaging and accessible way made the article a pleasure to read. It’s clear that you put a great deal of effort into your work, and it certainly paid off. Shared heart touching image has been used for my PROFILE, if objection – plz let me know
Moreover, I would like to state that કિંત્સુગી, word is also communicated in SRK starer the latest Hindi Movie – PATHAN.
Thank you for sharing your expertise and for contributing such valuable content. I look forward to reading more of your work in the future.
Warm regards
# Devendrakumar Yadav
+919967515956
+919769915956
Thank you very much. 🙂