તને મારી કોઈકદર જ નથી! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તને મારી કોઈ
કદર જ નથી!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


છેવટે કંટાળી મેં વાદળાંને કીધું, કે વરસ્યા વિનાનાં શું જાવ છો?
વાદળ કહે કે ભાઈ, વરસી તો પડીએ, પણ આપશ્રી ક્યાં કોઈ દી’ ભીંજાવ છો?
-કૃષ્ણ દવે


વખાણ, પ્રશંસા, કદર, તારીફમાં ગજબનો જાદુ છે. તમે કોઇને બે-ચાર સારા શબ્દો કહો એટલે એનામાં જોમ આવી જાય છે. કદર એવી ચીજ છે જેમાં નયા ભારનો ખર્ચ થતો નથી. આપણે ખાલી બોલવાનું જ હોય છે. કોઇની પીઠ થાબડવાની હોય છે. એ વાત જુદી છે કે, બહુ ઓછા લોકો દિલ ખોલીને કોઇનાં વખાણ કરી શકતા હોય છે. કોઇનાં વખાણ કરવાનો એક અર્થ એ થાય છે કે, આપણે કોઇનામાં કશું સારું કે ઉમદા છે એને સ્વીકારીએ છીએ. આવું કરવામાં ઘણાને એવું લાગે છે, જાણે કોઇનાં વખાણ કરીને જાણે પોતે નાના ન થઇ જવાના હોય! સાચાં વખાણ કરવાં અને કોઇને ચણાના ઝાડ પર ચડાવવામાં હાથી ઘોડાનો ફેર છે. માણસ પોતાના સ્વાર્થ ખાતર ઘણી વખત લાયક ન હોય એનાં પણ વખાણ કરતો રહે છે. આપણે બધા જ સારું લગાડવા માટે વખાણ કરતાં હોઇએ છીએ. એક યુવાન હતો. તે એક ઓફિસમાં કામ કરતો હતો. ઓફિસના બોસને પેઇન્ટિંગનો શોખ હતો. દર થોડા દિવસે એ એકાદું પેઇન્ટિંગ બનાવે અને ઓફિસમાં બધાને બતાવે. બોસના પેઇન્ટિંગમાં ખાસ કંઈ હોતું નહીં. એ ચિત્રો જોઇને યુવાન દિલ ફાડીને વખાણ કરે. અરે સાહેબ, શું પેઇન્ટિંગ બનાવ્યું છે? તમારી કલા પર તો આફરીન પોકારી જવાય છે. તમારે તો તમારાં ચિત્રોનું પ્રદર્શન યોજવું જોઇએ. ઇન્ટરનેશનલ કમ્પિટિશનમાં તમારે ભાગ લેવો જોઇએ. એક વખત તેના કલિગે કહ્યું કે, તને એવું નથી લાગતું કે, તું વધારે પડતાં વખાણ કરે છે? એ યુવાને કહ્યું કે, બોલવામાં આપણા બાપનું શું જાય છે? આપણો બોસ ફૂલણશી કાગડો છે. જરાક વખાણ કરીએ એટલે હવામાં આવી જાય છે. એનામાં એટલી સમજ પણ ક્યાં છે કે, આ મારાં ખોટાં વખાણ કરે છે! કોણ આપણાં કેવાં વખાણ કરે છે એની પર પણ નજર રાખવાની હોય છે! કામ કઢાવવા માટે સારું લગાડવાવાળાની કમી નથી! કામ પતી જાય પછી એ જ લોકો વગોવવાનું શરૂ કરતા હોય છે!
સાચી અને સારી કદર કરતાં આવડવું એ એક કળા છે. લાયક વ્યક્તિનાં એની યોગ્યતા મુજબ જ વખાણ કરવાં જોઇએ. આપણે ક્યારેક હોય એના કરતાં પણ વધારે વખાણ કરી દેતા હોઇએ છીએ. એમાં ક્યારેક એવું થઇ જાય છે કે, આપણે જેનાં વખાણ કરીએ એ પોતાને વધુ સમર્થ અને શક્તિશાળી માની લે છે. ખોટાં વખાણ કરીને આપણે ઘણી વખત સામેની વ્યક્તિને નુકસાન પણ કરી બેસીએ છીએ. બાય ધ વે, તમે ક્યારેય એ વિચાર કર્યો છે કે, મને કોઇનાં વખાણ કરતાં આવડે છે? મેં છેલ્લે ક્યારે કોઇની કદર કરી હતી? મારા શબ્દોથી ક્યારે કોઇને સારું લાગ્યું હતું? આપણા ઘરના લોકો આપણા માટે કેટલું બધું કરતા હોય છે? આપણે એને ટેકન ફોર ગ્રાન્ટેડ જ લેતા હોઇએ છીએ. એક છોકરીની આ સાવ સાચી વાત છે. તે સમયાંતરે પોતાની માતાને કહેતી કે, તું મારા માટે કેટલું બધું કરે છે? મારે કૉલેજ જવાનું હોય ત્યારે મારા માટે વહેલી ઊઠી જાય છે. મને નાસ્તો કરી આપે છે. તું મારું કેટલું ધ્યાન રાખે છે. હું તારો અને ભગવાનનો આભાર માનું છું કે, મને તારા જેવી મા આપી. આપણે ક્યારેય પિતાનાં વખાણ કર્યાં છે? આપણે ઘણી વખત બહારના લોકોનાં ભરપેટ વખાણ કરતાં હોઇએ છીએ પણ ઘરના લોકો માટે સારો એક શબ્દ પણ બોલતા નથી!
કોઇ આપણાં વખાણ કરે ત્યારે આપણને કેવું સારું લાગતું હોય છે? જેવું આપણને થાય છે એવું જ બધાને થતું હોય છે. એટલે જ એવું કહેવામાં આવે છે કે, કોઇનાં વખાણ કરવામાં, કોઇની કદર કરવામાં ક્યારેય કંજૂસાઈ ન કરો. તમારે એમાં કંઈ ગુમાવવાનું નથી પણ સામેવાળી વ્યક્તિને એનાથી ઘણું મળે છે. એક છોકરીના આ વાત છે. એ સંગીત શીખતી હતી. એક ટીચર પાસે ટ્યૂશન લેતી હતી. ઘણો સમય થયો પણ તેને ખાસ મજા આવતી નહોતી અને કંઇક શીખવા મળે છે એવું પણ લાગતું નહોતું. એણે ક્લાસ બદલાવી નાખ્યો. બીજા ટીચર પાસે શીખવા આવ્યા પછી તેનામાં જબરજસ્ત બદલાવ આવ્યો. તેની એક ફ્રેન્ડે એક વખત તેને પૂછ્યું, આવું કેમ થયું? એ છોકરીએ કહ્યું કે, હું જ્યાં પહેલાં શીખવા જતી હતી ત્યાં મારી ભૂલો જ મને બતાવવામાં આવતી હતી. એક રિધમમાં પચીસ આરોહ અવરોહ હોય અને મારાથી એકમાં ભૂલ થઇ હોય તો એ એકને જ પકડીને મારી ટીકા કરવામાં આવતી હતી. બીજી જગ્યાએ થોડોક ફેર છે. પચીસમાંથી એક જગ્યાએ ભૂલ હોય ત્યારે મને એવું કહેવાયું કે, તેં 24 જગ્યાએ એકદમ પરફેક્ટ કર્યું છે. એટલું સરસ કે તને દાદ આપવી પડે. બસ, એક જગ્યાએ થોડુંક કાચું રહી જાય છે. એ સુધારી લે એટલે બધું થઇ જશે. તારા માટે એ બહુ અઘરું નથી. મને તો એવું લાગે છે કે, મને શીખવાડતી વખતે જે શબ્દોનો ઉપયોગ થાય છે એનાથી જ ફેર વર્તાય છે. ફેર વર્તાતો જ હોય છે. જો માત્ર ટોનથી પણ ફેર પડતો હોય તો પછી શબ્દોથી તો ફેર પડવાનો જ છે!
મોટા ભાગનાં કપલના દાંપત્યજીવનમાં પ્રોબ્લેમ થવાનું જો કોઇ સૌથી મોટું અને મહત્ત્વનું કારણ હોય તો બેમાંથી એક વ્યક્તિનો વાત કરવાનો ટોન છે! વખાણ કરવાની વાત તો દૂર રહી, એવી રીતે બોલશે કે, સામેવાળી વ્યક્તિને ઝાળ લાગી જાય! આપણે સાંભળીએ તો આપણને પણ એવું થાય કે, આમ બોલાય? આ તે વાત કરવાની કોઈ રીત છે? માત્ર ટોનમાં સુધારો થઇ જાય તો ઘણાં દાંપત્યજીવન બચી જાય. એક પતિ-પત્નીની આ વાત છે. પતિનો મગજ જાય ત્યારે એ મનમાં આવે એ બોલી દે. મજાક કરવામાં પણ એને કંઇ ભાન ન રહે. સરખું થઇ જાય ત્યારે વળી એવી વાત કરે કે, હું બોલી જાઉં છું પણ મારા મનમાં કંઈ નથી હોતું. પત્નીએ એક વખત કહ્યું કે, તારા મનમાં નથી હોતું પણ મારા મનમાં એ ઘર કરી જાય છે એનું શું? તું જે રીતે વાત કરે છે એના મને ભણકારા વાગે છે! કંઈ વાત હોય તો એવો ડર લાગે છે કે, હમણાં તું ઘાંટો પાડીશ. મારે ફફડતા જ રહેવાનું? બહુ ઓછા લોકોને સારી રીતે વાત કરતા આવડે છે. એક બીજા કપલની આ સાવ સાચી વાત છે. બંનેનાં દાંપત્યને પચીસ વર્ષ થયાં એટલે બંનેએ સેલિબ્રેશન રાખ્યું હતું. એ વખતે પત્નીને પૂછવામાં આવ્યું કે, તમારા સુખી દાંપત્યનું રહસ્ય શું છે? પત્નીએ કહ્યું, મારા પતિની વાત કરવાની આવડત. મારી કંઇ ભૂલ હોય તો પણ એ એટલી સરસ રીતે વાત કરે કે મને કંઈ હર્ટ ન થાય. મારાથી ક્યારેક કંઇક બોલાઇ જાય તો પણ એના ટોનમાં કોઇ ફર્ક ન પડે. તમે એકબીજાને તો જ સારી રીતે સમજી શકો જો તમે એકબીજાને સારી રીતે સાંભળી શકતાં હો. એકબીજાની સારી વાતને એપ્રિસિએટ કરતાં હો. ખુશી, સુખ, આનંદ વગેરે નાનીનાની બાબતોમાંથી જ મળતાં હોય છે. આજે તું સુંદર લાગે છે, આ ડ્રેસ તને બહુ સૂટ કરે છે, આવું કહેવામાં આવે ત્યારે વ્યક્તિનો મૂડ બદલાઇ જાય છે. એને એવું લાગે છે કે, આનું મારામાં ધ્યાન છે. હું જે કરું છું એની એ નોંધ લે છે. એક યુવાને કહ્યું કે, રોજ વખાણ કરવાનાં થોડાં હોય? આ તો રોજનું થયું? તેના મિત્રએ એવું કહ્યું કે, તું માત્ર એટલું વિચારજે કે એ તારા માટે રોજ કેટલું કરે છે? તું એના માટે બે સારા શબ્દો બોલી શકતો નથી? સાવ નાની નાની બાબતોમાં જિંદગી બદલાવી નાખવાની તાકાત હોય છે, આપણે ઘણી વખત પ્રયાસો જ કરતા હોતા નથી. કોઇના માટે સારા શબ્દો બોલો, દિલથી બોલો અને પછી એનો ચમત્કાર જુઓ!
છેલ્લો સીન :
આપણે આદર તો આપતા જ હોઈએ છીએ. ભૂલ એટલી જ કરીએ છીએ કે, જ્યાં અને જેને આદર આપવાનો હોય છે એને આપતા નથી! લાયકને આદર ન આપવો એ એનું અપમાન જ છે! -કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 30 જુલાઈ, 2023, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *