તને આવું કરવું
જરાયે શોભતું નથી

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
ઘડ્યા મનમાં ને મનમાં લાખ મનસૂબા,
પ્રકટ કહેવામાં ભારે ગુપ્ત રાખ્યું છે,
હવે આઠે પ્રહર ચર્ચાય છે વિગતે,
અમે જે છાશવારે ગુપ્ત રાખ્યું છે.
– સંજુ વાળા
સૌથી બેશરમ માણસ એ છે જેને પોતાની પણ શરમ નથી. કંઇક ખોટું કે ખરાબ કરતી વખતે માણસને વિચાર તો આવતો જ હોય છે કે, હું આવું કરીશ તો કોને કેવું લાગશે? બહુ ઓછા લોકો એવું વિચારે છે કે, આ મને કેવું લાગશે? દરેક માણસને ક્યારેક તો ખરાબ વિચારો આવ્યા જ હોય છે. અમુક વખતે માણસ એવું પણ વિચારે છે કે, સારા રહેવામાં બહુ માલ નથી, હવે મારે પણ દુનિયા જેવા જ થઇ જવું છે. કંઇક ખોટું કરવાનું નક્કી કર્યા પછી પણ મન માણસને રોકે છે. ના નથી કરવું, આ મને ન શોભે! આ મારા સંસ્કાર નથી. પોતાને શું શોભે અને શું ન શોભે એની જેને ખબર છે એ સજ્જન માણસ છે. દુર્જનને કશાથી કોઇ ફેર પડતો નથી. જેને જેવું લાગવું હોય એવું લાગે. આઇ ડોન્ટ કેર! માણસ જ્યારે બીજાની પરવા કર્યા વગર કંઇક ન કરવાનું કરે છે ત્યારે બીજા લોકો પણ તેની પરવા કરવાનું બંધ કરી દે છે. આપણે જ ઘણાના મોઢે એવું સાંભળીએ છીએ કે, હવે મારે એની સાથે કંઇ લેવાદેવા નથી. મેં તો એના નામનું નહાઈ નાખ્યું છે. આપણું ન વિચારે એની ચિંતા આપણે શા માટે કરવાની? છેડો એમ જ નથી ફાટતો, પહેલાં ચીરો પડે છે, તરડાઇ ગયેલા સંબંધને જો સાચવવામાં ન આવે તો છેડો ફાટી જાય છે. સંબંધ કોઇ પણ હોય, આપણે આપણો ગ્રેસ કેટલો જાળવીએ છીએ તેના પર આપણે કેવા છીએ એનો આધાર રહેતો હોય છે. દુનિયા એ જ આધારે આપણી કિંમત આંકતી હોય છે, જેટલું આપણને આપણું પોતાનું મૂલ્ય હોય છે. કિંમત કમાવવી પડતી હોય છે. નામ બનાવવું પડતું હોય છે. ઇજ્જત મેળવવી પડતી હોય છે. એ આપણા હાથમાં જ હોય છે કે, આપણે કયા સ્તર સુધી પહોંચવું છે!
હવેનો માણસ બહુ છેતરામણો થઇ ગયો છે. ચકચકિત દેખાતો માણસ ઘણી વખત સાવ બોદો નીકળે છે. માણસ એટલે જ માણસ પર ભરોસો મૂકતા પહેલાં સો વખત વિચાર કરે છે. એક કિસ્સો છે. એક છોકરી મુશ્કેલીમાં હતી. તેનો ફ્રેન્ડ તેનો ચહેરો જોઇને પામી ગયો કે, મારી દોસ્ત કંઇક પ્રોબ્લેમમાં છે. તેણે પૂછ્યું કે, શું થયું છે? છોકરીએ કહ્યું, પહેલાં તું મને એક સવાલનો જવાબ આપ, શું હું તારા પર ભરોસો મૂકી શકું છું? હું તને જે વાત કરીશ એ તું સિક્રેટ રાખીશને? તું મને જજ નહીં કરેને? તેના મિત્રએ કહ્યું, હા, તું મારા પર ભરોસો કરી શકે છે. એક વાત યાદ રાખજે, તું મારા પર ભરોસો કરે એ જ મારા માટે મોટી વાત છે. મને તારા ભરોસાની કદર છે. મને ખબર છે કે, જો હું તારો ભરોસો તોડીશ તો ભવિષ્યમાં તું કોઇના પર ભરોસો મૂકતા પહેલાં સો વખત વિચાર કરીશ. હું એવું થવા નહીં દઉં. છોકરીએ તેની સાથે જે બન્યું હતું એ બધી જ વાત કરી. છોકરાએ તેને બને એટલી મદદ કરી. થયું એવું કે, થોડા સમય પછી બંને વચ્ચે કોઇ બીજા મુદ્દે ઝઘડો થયો. દોસ્તી તૂટી ગઇ. એ પછી છોકરીને સતત એ વાતનો ડર લાગતો કે, ક્યાંક મારું સિક્રેટ એ કોઇને કહી ન દે. જો એ એવું કરશે તો મારી હાલત ખરાબ થઇ જશે. લાંબો સમય વીત્યો તો પણ પેલા છોકરાએ કોઇને કશું જ ન કહ્યું. છોકરીને થયું કે, એ માણસ સારો છે. એ તેની પાસે ગઇ. ઝઘડા બદલ સોરી કહ્યું. છોકરીએ પછી સવાલ કર્યો, તને ક્યારેય મારી અંગત વાત કોઇને કહેવાનો વિચાર આવ્યો હતો? છોકરાએ કહ્યું, જેમ દોસ્તીના કેટલાક નિયમો હોય છે એમ દુશ્મનીના પણ કેટલાક ઉસૂલો હોય છે. ભરોસો રાખવાની વાત મેં તારી સાથે દોસ્તીના સમયે કરી હતી, દુશ્મનીના સમયમાં પણ મેં એ વાત જ યાદ રાખી હતી કે, ગમે તે થાય હું તેં મૂકેલો ભરોસો ક્યારેય નહીં તોડું. દોસ્તીના સમયે તેં મૂકેલો ભરોસો તોડું તો મારામાં અને નાલાયક માણસમાં ફર્ક શું? તારી સાથે ઝઘડો થયો હતો એમાં ના નહીં, પણ મારે તારી નજરમાંથી ઊતરી જવું નહોતું. ક્યારેક આપણી નજીકની વ્યક્તિ બદમાશી કરે ત્યારે આપણે કહેતા હોઇએ છીએ કે, એ તો મારી નજરમાંથી જ ઊતરી ગયો છે. જે માણસ નજરમાંથી ઊતરી જાય એ દિલમાંથી પણ નીકળી જતો હોય છે. કેટલાંક નામો પર આપણે આપણા હાથે જ ચોકડી મારી દઇએ છીએ. આ મારે લાયક નથી. મોબાઇલમાંથી ફોનનંબર ડિલીટ કરતી વખતે આંગળી સહેજ ધ્રૂજીને પાછી સ્થિર થઇ જાય છે. એક છોકરીની આ વાત છે. તેની એક દોસ્તે તેની સાથે બદમાશી કરી. તેને વિચાર આવ્યો કે, હવે એને બ્લોક જ કરી દઉં. એ પછી થયું કે, બ્લોક કરીશ તો એ ક્યાંક છાના ખૂણે રહેશે જ, એના કરતાં એને ડિલીટ જ કરી દઉં. જે સંબંધ ફરીથી સજીવન કરવા જેવો ન હોય એને કાયમ માટે મારી નાખવો જ બહેતર હોય છે.
કોઇને આપણી નજીક આવવાનું મન થાય, કોઇને એમ થાય કે આના પર ભરોસો મૂકી શકાય એમ છે તો તમે સારા માણસ છો. એના માટે આપણે જ એ વિચારતા રહેવું પડે છે કે, હું જે કરું છું એ વાજબી તો છેને? એક યુવાન હતો. એ આડા રસ્તે ચડી ગયો હતો. આ વાત તેના પિતા સુધી પહોંચી. પિતાએ દીકરાને બોલાવીને કહ્યું, તને આવું કરવું જરાયે શોભતું નથી. કોઇ મને તારા વિશે કહે ત્યારે મને ખરાબ લાગે છે, દુ:ખ થાય છે. મારે તારી પાસેથી એટલું જ જાણવું છે કે, મને ખરાબ લાગે છે, મને દુ:ખ થાય છે ત્યારે તને શું થાય છે? તને કેટલો ફેર પડે છે? તારે જવાબ ન આપવો હોય તો પણ મને વાંધો નથી. તું નક્કી કરી લેજે કે, તને શું થાય છે. તને જો મારાં દુ:ખ, મારી વેદના અને મારી પીડાથી કોઇ ફર્ક ન પડતો હોય તો પછી તારું મન થાય એમ કરજે. એક વાત યાદ રાખજે, તું કેવો છે એનાથી અમને બહુ ફેર પડે છે. આ વેદના એટલે છે કે, તું વહાલો છે. ખોટા રસ્તે ગયા પછી પણ યુટર્ન લઇ શકાતો હોય છે. મેં તને મારા દિલની વાત કરી, આગળ શું કરવું એ તારી મરજી. દીકરાની આંખો ભીની હતી. તેણે એટલું જ કહ્યું કે, મને તમારી વેદના અને પીડાની પૂરેપૂરી પરવા છે. તમે હવેથી મારામાં બદલાવ જોશો. મારાથી તમારું દિલ દુભાયું એના માટે માફી માંગું છું. સારું થયું તમે મને કહ્યું, બાકી હું એમ જ માનત કે હું જે કરું છું એ બરાબર જ છે. વહાણ આડુંઅવળું ન ચાલ્યું જાય એટલા માટે જ દીવાદાંડી હોય છે. તમે મારા માટે માર્ગદર્શક છો, હું તમારી વાત માનીશ.
દરેક માણસથી ભૂલ થાય છે. ક્યારેક જાણતા અને ક્યારેક અજાણતા, આપણાથી ન કરવા કે ન થવા જેવું થઇ જતું હોય છે. આપણને એટલું ભાન પણ હોવું જોઇએ કે, મારાથી ખોટું થયું છે. ઘણાનો પ્રોબ્લેમ એ હોય છે કે, એને ખબર જ નથી હોતી કે એ જે કરે છે એ ખોટું છે. ખોટું હોય તો સુધારવાનો પણ વિચાર આવે. જો એવું જ લાગે કે, હું કરું છું એ બરાબર જ છે તો પછી કોઇ ફેર પડવાનો નથી. બધાને સારા દેખાવવું છે. લોકો માન આપે, આદર કરે એવું બધાને જોતું હોય છે. સારા દેખાવવા માટે સારું કરવું પડતું હોય છે. ખોટા અને ખરાબ કામ કરીને કોઇ સારું ન થઇ શકે. માણસ જેવો હોય એવો વરતાઇ જ આવતો હોય છે, એટલે જ એ વાતનું ધ્યાન રાખવાનું હોય છે કે આપણે કેવા બનવું છે? કંઇક કરતા પહેલાં માત્ર એટલો વિચાર કરવાનો રહે કે, હું જે કરું છું એ વાજબી, યોગ્ય અને મને શોભે એવું તો છેને? જો મન જરાકેય ના પાડે તો સમજી લેવું કે એ કામ કરવા જેવું નથી. ખોટાં કામ ગમે એટલાં છુપાવીએ તો પણ વહેલાં કે મોડાં છતાં થઇ જ જાય છે અને આપણે કેવા છીએ એ છતું કરી દે છે!
છેલ્લો સીન :
કોઇને દુ:ખી કે હેરાન જોઇને જો વેદના ન થાય તો સમજવું કે, આપણી સંવેદના સંકોચાઇ ગઇ છે. – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 25 મે, 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
