ગુસ્સાને કંટ્રોલ કરવામાં અને
દબાવવામાં ઘણો ફેર છે!
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
———-
ગુસ્સામાં માણસ ન કરવાનું કંઈ પણ કરી બેસે છે. ગુસ્સાનો વાજબી
ઉપયોગ કરતા આવડે તો ગુસ્સો ફાયદાકારક પણ સાબિત થાય છે!
———–
દરેક માણસને ક્યારેક તો ગુસ્સો આવી જ જાય છે. ગુસ્સા વિશે આમ તો એવું પણ કહેવાય છે કે, ગુસ્સો એક સહજ વર્તન છે. જેમ હસવું કે રડવું આવે છે એમ ગુસ્સો આવે છે. મેનેજમેન્ટ સ્કિલ્સમાં તો ગુસ્સાને ટૂલ તરીકે ઉપયોગ કરવાની વાત પણ કરવામાં આવી છે. જરૂર પડે ત્યારે ગુસ્સો કરવો પણ પડે છે. ઘણા સંજોગોમાં માણસ ગુસ્સો ન કરે તો એને ટેકન ફોર ગ્રાન્ટેડ લઇ લેવામાં આવે છે. મન થાય એમ કરોને, એ કંઇ કહેશે નહીં, એવું વિચારીને લોકો પોતાનાથી મોટાને કે બોસને ગણકારતા નથી. માણસ પાસેથી સારી રીતે કામ કઢાવવા માટે એવું પણ કહેવામાં આવે છે કે, એક આંખમાં અમી રાખવું અને બીજી આંખમાં અગ્નિ રાખવો. જ્યારે જેની જરૂર હોય ત્યારે એનો ઉપયોગ કરવો.
તમને ગુસ્સો આવે છે? કોઈ તમને આવો સવાલ પૂછે તો તમે શું જવાબ આપો? મોટા ભાગે તમારો જવાબ એવો હશે કે, હા ગુસ્સો આવે છે. ક્યારેક તો મગજ એવું ફાટે છે કે વાત જવા દો. માણસને મોટા ભાગે કોઇના કશાક વર્તનથી ગુસ્સો આવતો હોય છે. કોઇ જરાકેય સળી કરે તો તરત જ કમાન છટકે છે. જેણે આપણી સાથે અયોગ્ય હરકત કરી હોય તેને જો કહી શકાય એમ હોય તો તો આપણે એને મોઢામોઢ ચોપડાવી દઇએ છીએ. લડી લઇએ છીએ. બધી જગ્યાએ આપણાથી બોલી પણ શકાતું નથી. આપણે ગમ ખાઇ જઇએ છીએ. આપણે કહીએ છીએ કે, એના જેવું કોણ થાય? આપણે બોલીને સંબંધ બગાડવા નથી એવું વિચારીને પણ ઘણી વાર ચૂપ રહીએ છીએ. આપણી ખામોશીને ક્યારેક નબળાઈ સમજી લેવામાં આવે છે. કોઈ આધિપત્ય જમાવી દે એનું એક કારણ એ પણ હોય છે કે, આપણે જ્યારે જે બોલવું જોઇએ એ બોલતા નથી. હવે એ જમાનો નથી કે, તમે શાંતિથી વાત કરો એટલે બધા તમને સારા જ સમજે. હવે લોકો એવું કહે છે કે, એનામાં એગ્રેસન જેવું કંઈ છે જ નહીં! જરૂર હોય ત્યાં ગુસ્સો કરવાના ફાયદા છે. ધાક રહેવી જોઇએ પણ સાથોસાથ ડર જમાવવો ન જોઈએ કે, કોઇ તમને સાચી વાત કરતા પણ ડરે.
ગુસ્સા વિશે હમણાં થયેલો એક અભ્યાસ એવું કહે છે કે, ગુસ્સો બહુ દબાવી ન રાખવો. ગુસ્સોને કંટ્રોલમાં કરો પણ એ સહજ રીતે થવું જોઇએ. જો આપણે ધરાર ગુસ્સાને દબાવીએ તો એની હેલ્થ પર વિપરીત અસર પડે છે. આપણે ત્યાં પહેલેથી એવું કહેવાતું રહ્યું છે કે, બને ત્યાં સુધી ગુસ્સો ન કરવો. બિલકુલ સાચી વાત છે. ગુસ્સો ન જ કરવો જોઇએ પણ ગુસ્સો આવી જાય તો શું કરવું? એ સમયે ગુસ્સાને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરવો. બને તો થોડી વાર મૌન થઇ જવું. જે વ્યક્તિ સાથે માથાકૂટ થઇ હોય એનાથી દૂર ચાલ્યું જવું. ગુસ્સા વિશે ઘણા નુસખા આપવામાં આવે છે. એકથી દસ બોલવાથી માંડીને નાઇન્ટી સેકન્ડ સાઇલન્સ સુધીની વાતો કરવામાં આવે છે. પ્રોબ્લેમ એ છે કે, મગજ છટકે ત્યારે એ નુસખા પણ યાદ આવતા નથી. એ સમયે તો હવે જે થવું હોય એ થાય એવો જ વિચાર આવી જાય છે. થઇ જાય પછી જ માણસને સમજાય છે કે, આટલો ગુસ્સો ન કર્યો હોત તો સારું હતું. ગુસ્સાનાં પરિણામો આપણને કલ્પના પણ ન હોય એટલાં ગંભીર હોય છે. ગુસ્સા વિશે એટલે જ એવું કહેવાય છે કે, ગુસ્સો એ એવી આગ છે કે એ આગ બૂઝાઈ એ પહેલાં ઘણાને ભસ્મ કરી નાખે છે. જેને સમય સાચવી લેતા આવડે છે એના સંબંધ બચી જાય છે.
ગુસ્સા વિશે અમેરિકાની ઓહાયો સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ એક સરસ અભ્યાસ હાથ ધર્યો હતો. આ વિશે પ્રોફેસર બ્રૈડ બુશમેને એવું કહ્યું કે, માણસે ગુસ્સો બીજાનું ધ્યાન રાખીને નહીં પણ પોતાના ખાતર કરવો ન જોઇએ. ગુસ્સાથી બીજાનું તો જે થવાનું હોય એ થાય, ગુસ્સો કરનારનું સૌથી મોટું નુકસાન જાય છે. ગુસ્સો માણસના મગજથી માંડીને હૃદય સુધી નુકસાન પહોંચાડે છે. ગુસ્સો કર્યા પછી બે કલાક બાદ હાર્ટએટેકનું જોખમ પાંચ ગણુ વધી જાય છે. એ વાત પણ સાબિત થઇ છે કે, જેને વધુ ગુસ્સો આવે છે એને હાર્ટ એટેકનું જોખમ વધારે રહે છે. ઘણા લોકો એવું કહે છે કે, મારો મારા પર કંટ્રોલ નથી રહેતો, મારે ગુસ્સો નથી કરવો હોતો પણ થઇ જાય છે. આ વિશે નિષ્ણાતો એવું કહે છે કે, તમારા ગુસ્સાનું મોનિટરિંગ કરો. ગુસ્સાને કંટ્રોલ કરવા માટે જરૂર પડ્યે સાઇકિયાટ્રિસ્ટની સલાહ લેવામાં પણ કંઈ ખોટું નથી.
ગુસ્સો ન આવે એના માટે પોઝિટિવ વિચારો પણ એટલા જ જરૂરી છે. બધું કંટ્રોલ કરવાનો પ્રયાસ ન કરો. આપણું જ ધાર્યું થાય એવો આગ્રહ ન રાખો. ગુસ્સાનું સૌથી મોટું કારણ એ છે કે, આપણે બધા પાસેથી એવી અપેક્ષા રાખીએ છીએ કે આપણે કહીએ એમ બધા કરે અને આપણને ન ગમતું હોય એ ન કરે. એક ભાઈની આ સાવ સાચી વાત છે. એ ટ્રેનમાં જતા હતા. તેની બાજુમાં બેઠેલો યુવાન મોબાઇલ પર ફિલ્મ જોઈ રહ્યો હતો. આ ભાઇએ એક વખત કહ્યું કે, તમે હેડફોન ભરાવીને જુઓ, મોબાઇલનો અવાજ મને ડિસ્ટર્બ કરે છે. પેલા યુવાને વાત ગણકારી નહીં. આ ભાઈનું મગજ ગયું. તેણે યુવાનના હાથમાંથી મોબાઇલ ઝૂંટવીને ઘા કર્યો. યુવાન પણ ઉશ્કેરાયો. બંને વચ્ચે મારામારી થઈ. ટ્રેનમાં બીજા લોકોએ બંનેને છોડાવ્યા. એક ભાઈએ કહ્યું કે, તમે બીજી વખત વિનંતી કરી શક્યા હોત. માનો કે એ યુવાન કોઈ સંજોગોમાં સમજે એવું ન જ હોય તો તમે તમારી જગ્યા બદલી શક્યા હોત. તમે એટેન્ડન્ટને ફરિયાદ પણ કરી શક્યા હોત. ગુસ્સો કરવાથી શું ફાયદો થયો? મગજ વધુ બગડ્યું. ગુસ્સાથી કોઈ વાતનો ઉકેલ નથી આવતો પણ વાત ઉલટી વધુ ગૂંચવાઇ જાય છે. ઘણા લોકો તો વાતો કરતી વખતે પણ ઝઘડી પડે છે. કોઈ આપણાથી જુદું વિચારતું હોય તો પણ આપણાથી સહન થતું નથી. દરેક વ્યક્તિને પોતાની રીતે વિચારવાની આઝાદી છે. તમને કોઈના વિચારો ન ગમતા હોય, કોઈનું વર્તન સહન ન થતું હોય તો તમે ત્યાંથી દૂર થઇ જાવ. તમે કોઈને રોકી ન શકો.
માણસ ધારે તો ગુસ્સાથી મુક્તિ મેળવી શકે છે. સૌથી મોટી વાત એ જ છે કે, પહેલાં આપણે નક્કી કરવું પડે છે કે, ગમે તે થાય મારે ગુસ્સો કરવો નથી. કેટલાંક ઘરમાં એક વ્યક્તિના કારણે આખા ઘરનું વાતાવરણ તંગ રહેતું હોય છે. ઘણા કિસ્સામાં એવું જોવા મળ્યું છે કે, જેની ધાક હોય એ વ્યક્તિ ઘરમાં પ્રવેશે એટલે સન્નાટો પ્રસરી જાય. ડર પ્રેમને દૂર કરી દે છે. ગમે એટલા નજીકનો સંબંધ હોય તો પણ જો વાત વાતમાં ગુસ્સો આવતો હોય તો પોતાના લોકો પણ દૂર થઈ જાય છે. ગુસ્સો વધુ પડતો આવતો હોય તો માણસે પોતે જ તેના પર કામ કરવું પડે છે. પોતાની જાત પર જબરજસ્તી કરીને પણ ગુસ્સાને દબાવવો જોખમી છે. માત્ર એવો પ્રયાસ કરવાનો કે, ગુસ્સો આવે જ નહીં. ગુસ્સા વિશે એવું કહેવાયું છે કે, ક્રોધ બુદ્ધિનો ચારો ચરે છે. ગુસ્સો આવે ત્યારે માણસની બુદ્ધિ બહેર મારી જાય છે. માણસને કોઈ ભાન રહેતું નથી. ભાન ન રહે ત્યારે ન થવાનું જ થતું હોય છે. જે માણસ પોતાનું ભલું ઇચ્છતો હોય તે ગુસ્સાને પોતાની નજીક આવવા દેતો નથી!
હા, એવું છે!
ગુસ્સા અંગેનો એક અભ્યાસ એવું કહે છે કે, જે ઓછું હસે છે એને ગુસ્સો બહુ આવે છે. જેને ગુસ્સો આવતો હોય તેણે હસવાનું વધારવું જોઈએ. જેને મજામાં રહેતા આવડતું જ નથી એનું ઘડીકમાં છટકી જાય છે. હસવાનો પણ હિસાબ રાખવો જોઈએ કે, હું હસવાનું ભૂલી તો નથી ગયોને? ભૂલી ગયા હોઇએ તો પણ હસવાનું ગમે ત્યારથી ફરીથી ચાલુ કરી શકાય છે.
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 02 ઓગસ્ટ, 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com