હવેની જનરેશનને સારી રીતે ઊંઘતા શીખવાડવું પડે એમ છે! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

હવેની જનરેશનને સારી રીતે
ઊંઘતા શીખવાડવું પડે એમ છે!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


——–

ટીનેજર્સ પૂરતી ઊંઘ કરતા નથી એના કારણે તેનું મગજ બરાબર કામ કરતું નથી.
હવેની જનરેશનને સારું અને પૂરતું ઊંઘવાનું પણ શીખવવું પડે એમ છે.
અમેરિકાની સ્કૂલમાં બાળકોને ઊંઘતા શીખવાડાય છે!
બાય ધ વે, તમે પૂરી ઊંઘ લો છો કે નહીં?


———–

આપણે અનેક પેરેન્ટ્સના મોઢે એવું સાંભળીએ છીએ કે, અત્યારના છોકરાંવ રાતે મોડે સુધી સૂતાં નથી અને દિવસે ઝોલા ખાતાં હોય છે. લોકોની લાઇફ સ્ટાઇલ હવે ચેન્જ થઇ ગઇ છે. એક સમય હતો જ્યારે રાતે બાર વાગ્યા સુધી જાગનારને ઘુવડનું નામ અપાતું હતું. મા-બાપ એવું કહેતાં કે, શું રાતના બાર બાર વાગ્યા સુધી રખડ્યે રાખો છો? હવે બાર વાગ્યા સુધી જાગવું બહુ કોમન થઇ ગયું છે. આજના સમયમાં કોઇ એમ કહે કે, હું નવ કે દસ વાગ્યે સૂઇ જાઉં છું તો બધાને આશ્ચર્ય થાય છે. લોકોની સૂવા અને જાગવાની આદતો બદલી જ રહી હતી, બાકી હતું એ કોરોનાકાળે પૂરું કર્યું. કોરોનાના સમયમાં બધા ઘરમાં પુરાયેલા હતા. કંઇ કામ હતું નહીં એટલે મોડી રાત સુધી ટીવી કે મોબાઇલ પર વેબસીરિઝ જોયા રાખતા હતા. રાતે મોડા સૂતા અને સવારે જાગવામાં પણ મોડું થતું. કોરોના ચાલ્યો ગયો પણ એ સમયે લોકોને જે આદતો પડી ગઇ હતી એ હજુયે એવી ને એવી છે.
આજનો ટીનેજર્સ અને યંગસ્ટર્સ પૂરતી ઊંઘ લેતો નથી એવું અનેક સરવેમાં બહાર આવ્યું છે. આ સ્થિતિ માત્ર આપણા દેશમાં જ નથી, આખી દુનિયામાં આવી જ હાલત છે. અમેરિકામાં તો હવે પૂરતી ઊંઘ માટે રીતસરની કેમ્પેન શરૂ કરવામાં આવી છે. આ બધામાં નવી એક વાત એ બહાર આવી છે કે, અમેરિકાની શાળામાં બાળકોને હવે ઊંઘવાનું પણ શીખવવામાં આવે છે. અમેરિકાના ઓહાયોમાં આવેલી મેન્સફિલ્ડ સિનિયર હાઇસ્કૂલમાં ઊંઘવાનું શીખવાડવાનો વિષય બાકાયદા સિલેબસમાં સમાવવામાં આવ્યો છે. આ સ્કૂલના હેલ્થ ટીચરે કહ્યું કે, સ્ટુડન્ટ્સ સ્ટડી માટે આવે ત્યારે ક્લાસરૂમમાં ઊંઘતા હોય છે. જે ભણાવવામાં આવતું હોય છે એની તેને કંઇ ખબર જ હોતી નથી. સ્વાભાવિક રીતે જ તેનું કારણ એ હોય છે કે, બાળકો મોડે સુધી સૂતાં નથી. સાચી વાત એ છે કે, બાળકોને ક્યારે સૂવું જોઇએ અને કેટલું સૂવું જોઇએ એની ખબર જ નથી. આજકાલનાં પેરેન્ટ્સ પણ ખાવા, પીવા અને સૂવામાં રેગ્યુલર નથી તો પછી બાળકો ક્યાંથી નિયમિત રહેવાનાં છે? બાળકો પૂરી ઊંઘ નથી લેતાં એનાં બીજાં પણ અનેક ખતરનાક પરિણામો જોવા મળી રહ્યાં છે. છોકરાઓ બહુ જલદીથી ઇરિટેટ થઇ જાય છે. તેને જરાકેય કંઇક કહીએ તો ઉશ્કેરાઈ જાય છે અને મનમાં આવે એવું વર્તન કરવા લાગે છે. તેને કંઇ યાદ રહેતું નથી. બાળકોમાં ડિપ્રેશન અને બીજી માનસિક બીમારીઓ જોવા મળે છે. તેનું સૌથી મોટું અને મહત્ત્વનું કારણ અપૂરતી ઊંઘ જ છે. આ સ્કૂલનું કહેવું છે કે, વહેલું મોડું દુનિયાના તમામ દેશોની સ્કૂલોએ બાળકોને ઊંઘવાનું શીખવવું પડશે. આ સંદર્ભે સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ એજ્યુકેશનના ડેનીસ પોપે કહ્યું કે, અમેરિકાની કોઇ પણ સ્કૂલમાં જાવ તો તમને છોકરાઓ બેન્ચ પર કે બાંકડાઓ પર સૂતા જોવા મળશે. એમાં એ લોકોનો જરાયે વાંક નથી. એનું કારણ એ છે કે, એમને ઊંઘ બાબતે કંઇ શીખવાડાયું જ નથી. આપણે ફૂડ અને એક્સરસાઇઝ વિશે ખૂબ વાતો કરીએ છીએ પણ ઊંઘ વિશે બેદરકાર રહીએ છીએ.
અમેરિકાની સ્કૂલમાં સૂવાના વિષયને સ્લીપ ટુ બી એ બેટર યુ નામ અપાયું છે. હવે અમેરિકાની બીજી સ્કૂલ્સ પણ સૂવાનો વિષય દાખલ કરવાનું વિચારી રહી છે. અમેરિકાના સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા બાળકોની ઊંઘ પર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. તેમાં એવું બહાર આવ્યું હતું કે, 80 ટકા બાળકો ઓછી ઊંઘ લે છે! ટીનેજર્સે પોતાના મગજને સક્રિય અને સક્ષમ રાખવા માટે આઠથી દસ કલાકની ઊંઘ લેવી જોઇએ. અત્યારના સમયમાં કિશોરોનો એવરેજ સ્લિપિંગ ટાઇમ માત્ર છ કલાકનો છે. ઓછી ઊંઘના કારણે કિશોરોને નેગેટિવ વિચારો આવે છે. યંગસ્ટર્સમાં જે ઉન્માદ અને ઉશ્કેરાટ જોવા મળે છે એનું કારણ તેમની ઓછી ઊંઘ છે. અમેરિકામાં જે કિશોરો ક્રાઇમ કરી બેસે છે તેમાં પણ એવું જોવા મળ્યું છે કે, એ કિશોરોના સૂવાનાં કોઇ ઠેકાણાં નહોતાં.
ઊંઘ વિશે માનસશાસ્ત્રીઓ એવું કહે છે કે, બાળકોને સમયસર અને પૂરતું ઊંઘતા શીખવાડવું એ સંસ્કાર જ છે. આપણે ત્યાં એવું કહેવાતું રહ્યું છે કે, રાતે વહેલા જે સૂવે, વહેલા ઊઠે વીર, બળ બુદ્ધિ ધન બહુ વધે, સુખમાં રહે શરીર. આ વાત અત્યારના છોકરાઓને કહેવા અને શીખવવા જેવી છે. હવેનો એક પ્રોબ્લેમ એ પણ છે કે, લોકો એલાર્મ વગર ઊઠી જ નથી શકતા. સાચી ઊંઘ એ છે જે પથારીમાં પડ્યા પછી તરત જ આવી જાય અને કુદરતી રીતે જ ઊંઘ ઊડે. સૂવામાં કે જાગવામાં કોઇ પ્રયાસ ન કરવા પડે. હવે આવી ઊંઘ દુર્લભ બનતી જાય છે.
માત્ર ટીનેજર્સનો જ આ પ્રોબ્લેમ નથી. હવે મોટાભાગના લોકોની હાલત ઊંઘ માટે ફાંફાં મારવાં પડે એવી થઇ ગઇ છે. લોકોની ઊંઘ ડિસ્ટર્બ રહેવાનું સૌથી મોટું કારણ મોબાઇલ છે. લોકોનો સ્ક્રીન ટાઇમ સતત વધી રહ્યો છે. હમણાંનો એક અભ્યાસ એવું કહે છે કે, લોકો એવરેજ ચાર કલાકથી વધુ મોબાઇલ જુએ છે. મોટાભાગના લોકો રાતે સૂતા પહેલાં અને સવારે ઊઠતાંવેંત પહેલું કામ મોબાઇલ જોવાનું કરે છે. માનસશાસ્ત્રીઓ કહે છે કે, બેડરૂમમાં મોબાઇલ લઇ જવાનું જ બંધ કરી દો. અલબત્ત, આવું કોઇ કરી શકતું નથી. મોબાઇલને બેડરૂમમાં તો લઇ જ જાય છે, મોબાઇલને પોતાનાથી દૂર પણ રાખતા નથી. મોટાભાગના લોકો બેડરૂમમાં મોબાઇલ એ રીતે રાખે છે કે, સૂતાં સૂતાં હાથમાં લઇ શકાય. અડધી ઊંઘમાં પણ લોકોનો હાથ હવે મોબાઇલ સુધી પહોંચી જાય છે. સૂતા પહેલાં અડધો કલાક મોબાઇલ ન જોવાની સલાહ પણ આપવામાં આવે છે. આવી સલાહ હવે કોઇ માનતું નથી. મધરાતે વોશરૂમ જવા માટે ઊંઘ ઊડે ત્યારે પણ લોકો મોબાઇલ જોઇ લે છે.
મોબાઇલ ઉપરાંત ફૂડ હેબિટ પણ ઊંઘથી લોકોને દૂર કરે છે. રાતે મોબાઇલ કે ટીવી પર વેબસીરિઝ જોતાં જોતાં લોકો બહારથી ફૂડનો ઓર્ડર કરે છે અને પછી મોજથી ખાય છે. તેનાથી પેટ અને આખા શરીરને શું અસર થશે એની ચિંતા કોઇ કરતું નથી. અપૂરતી ઊંઘના કારણે લોકોનું પોતાના કામ પર ફોકસ રહેતું નથી. અત્યારના હાઇટેક સમયમાં સૌથી વધુ જરૂરી કંઇ હોય તો એ પોતાના કામ પરનું ધ્યાન છે. તમે તમારા સ્ટડીને કે તમારા કામને હન્ડ્રેડ પર્સન્ટ આપો છો? આ વાતનો જવાબ મેળવતા પહેલાં પોતાની જાતને એ પણ પૂછી જુઓ કે, હું પૂરતી ઊંઘ લઉં છું કે નહીં? દરેક વ્યક્તિ માટે આઠ કલાકની ઊંઘ જરૂરી માનવામાં આવે છે. ઊંઘ વિશે ભલે એવું કહેવાતું હોય કે, ઊંઘ તો જેટલી વધારીએ એટલી વધે અને ઘટાડીએ એટલી ઘટે, શરીર માટે જરૂરી હોય એટલી ઊંઘ તો લેવી જ જોઇએ. બાળકો મા-બાપને જોઇને જ બધું શીખતાં હોય છે. પેરેન્ટ્સમાં જ જો ડિસિપ્લિન નહીં હોય તો સંતાનો ક્યારેય સુધરવાનાં જ નથી.
અમેરિકા જેવી સ્થિતિ ધીમે ધીમે આપણા દેશમાં પણ થવાની જ છે. અમેરિકામાં તો એવું પણ કહેવાઇ રહ્યું છે કે, સ્કૂલમાં જેમ રિસેસ હોય છે એમ સૂવાનો પણ ક્લાસ રાખો. સૂવાના પિરિયડમાં બધા સ્ટુડન્ટ્સે શાંતિથી સૂઇ જવાનું. બાળકો ફ્રેશ હોય ત્યારે ભણે તો જ તેને યાદ રહેવાનું છે. ઊંઘ વિશે વિચાર કરવાનો સમય તો ક્યારનોયે પાકી ગયો છે, હવે તો તેના માટે જરૂરી પ્લાનિંગ કરીને તેનો અમલ કરવાનો સમય આવી ગયો છે. બધાએ એક વાત યાદ રાખવા જેવી છે કે, સાજા સારા રહેવું હશે તો સારી ઊંઘ કરવી પડશે. ડોક્ટરો અને નિષ્ણાતો કહી રહ્યા છે કે, શરીર સાથે રમત ન કરો નહીંતર ક્યાંયના નહીં રહો!


—————-

પેશ-એ-ખિદમત
મેરી એક છોટી સી કોશિશ તુઝકો પાને કે લિયે,
બન ગઇ હૈ મસઅલા સારે જમાને કે લિયે,
આસમાં ઐસા ભી ક્યા ખતરા થા દિલ કી આગ સે,
ઇતની બારિશ એક શોલે કો બુઝાને કે લિયે.
-જફર ગોરખપુરી


(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 14 મે, 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *