તમે ગોસિપ કિંગ કે ક્વીન છો? તો એમાં કશું ખોટું નથી! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

તમે ગોસિપ કિંગ કે ક્વીન છો?
તો એમાં કશું ખોટું નથી!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


——–


ગોસિપ, કૂથલી, ઝીણી ઝીણી ખટપટ એ નાના મોટા અંશે
દરેકના સ્વભાવમાં હોય જ છે. અમુક હદ સુધીની ગોસિપ
ફાયદાકારક છે. હવે તો એવું પણ બહાર આવ્યું છે કે,
ગોસિપથી સમાજ સાથેનું જોડાણ મજબૂત થાય છે
અને સમજણ પણ પેદા થાય છે!


———–

માણસને બધા વગર ચાલશે, પણ ગોસિપ વગર નથી ચાલતું. કોઇ માણસ એવું કહે કે, એણે ક્યારેય ગોસિપ કરી નથી, તો એ તદ્દન ખોટું બોલે છે. કોઇ થોડી તો કોઇ વધુ ગોસિપ કરતા જ હોય છે. પ્રમાણ વધુ કે ઓછું હોઈ શકે, પણ ગોસિપ તો થતી જ હોય છે. દરેક માણસ સિલેક્ટેડ લોકો સાથે જ ગોસિપ કરતો હોય છે. ઘણા લોકો સાવ ચૂપ હોય છે, કામ સિવાય બોલતા નથી, એ લોકો પણ પોતાના અંગત મિત્રો સાથે જબરદસ્ત તડાકા લેતા હોય છે. ગોસિપ વિશે ભલે એવું મનાતું હોય કે છોકરીઓ વધુ ગોસિપ કરે છે, પણ આ વાત સાચી નથી. એક સરવેમાં એવું બહાર આવ્યું છે કે, ગોસિપમાં છોકરાઓ પણ ઓછા ઊતરતા નથી. કેટલીક છોકરીઓ એટલી બધી ગોસિપ કરતી હોય છે કે, તેની છાપ જ ગોસિપ ક્વીનની પડી ગઇ હોય છે. એને દરેક વાતની ખબર હોય છે. કોઇ વાત ફેલાવવી હોય તો એને કહી દેવાની! થોડીક મિનિટોમાં જ બધાને ખબર પડી જશે. કેટલાક છોકરાઓ પણ ગોસિપ કિંગ હોય છે. દરેક ઓફિસમાં એક બે એવા નમૂના હોય જ છે, જે બીજાનું જ ધ્યાન રાખતા હોય છે. કોણ ક્યાં ગયું, કોણે શું કર્યું એનાથી માંડીને એની પાછળના મતલબનો તર્ક પણ લગાડતા હોય છે. એને એમાં જબરી મજા આવતી હોય છે. આપણને એવું લાગે કે, એ માણસ બીજાની વાતોમાં ખોટી એનર્જી વેડફે છે, પણ હકીકત એ છે કે, એવું કરવામાં એને તાકાત મળે છે. એ એવું પણ માનતા હોય છે કે, મારી આસપાસ જે થાય છે એનાથી હું અવેર છું. કેટલાક કિસ્સામાં તો ગોસિપ કરનારા ઇનસિક્યોરિટીથી પણ પીડાતા હોય છે. એને એવું થાય છે કે, જો મને કંઇ ખબર નહીં પડે તો કોઇ મારી સાથે રમત રમી જશે, મારું કઇંક ખરાબ કરશે. મારે સજાગ રહેવું જ પડશે. એમાં ને એમાં એને કૂથલી કરવાની આદત પડી જાય છે.
કૂથલી જો નિર્દોષ હોય તો બહુ વાંધો નથી આવતો. કેટલાક લોકો એવી કૂથલી કરે છે કે, જેના કારણે બીજાને નુકસાન જાય. કોઇનું અહિત થઇ જાય. ઘણા લોકો ન ફેલાવવા જેવી વાતો ફેલાવતા હોય છે. કૂથલી અને અફવામાં ફેર છે. જે થાય એની વાતો કરવી અને જે ન હોય એની વાતો બેઠી કરવી એમાં ફેર છે. કેટલાક લોકો જેનું અસ્તિત્ત્વ જ ન હોય એવી વાતો ફેલાવતા હોય છે. કોઇના કેરેક્ટરથી માંડીને સંબંધો વિશે પણ ન કરવા જેવી વાતો કરતા હોય છે. આવી કૂથલીથી બચવું જોઇએ. બાકી ગમે તેની વાતો કરો એમાં કંઇ વાંધો નથી. કૂથલી વિશેનું એક સત્ય એ છે કે, કૂથલીથી માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. મનમાં કોઇ બળાપો હોય તો નીકળી જાય છે. કૂથલી કરવામાં લિજ્જત આવે છે. હળવાશ ફીલ થાય છે. લોકો કૂથલી કરતી વખતે કાં તો અત્યંત ગંભીર થઇ જાય છે અને કાં તો ખડખડાટ હસતા હોય છે. એમ એવું છે, એવું કહીને સિરિયસલી વાત સાંભળે છે. શું વાત કરે છે એમ કહીને ખડખડાટ હસે પણ છે. એટલિસ્ટ એટલો સમય તો એ નક્કામા વિચારો કરતા નથી. દરેક પાસે ગોસિપ માટે પોતાના વિષયો હોય છે. ઓફિસ કે બોસની વાતોની કૂથલી સૌથી વધુ થાય છે. એમાંયે ઓફિસમાં કોઇનું ચક્કર ચાલતું હોય કે બીજું કંઇ હોય તો એ ગોસિપનો હોટ ટોપિક હોય છે. ઘણા જોબ ચેન્જ કરે ત્યારે એના કલિગ લોકો જ કહે છે કે, હવે આપણને આખી ઓફિસના ખબર કોણ આપશે? ગોસિપ કરનારાની પણ એક ચોક્કસ પ્રકારની ઇમેજ હોય છે. એની વાત પર ભરોસો કરવો કે નહીં એનો આધાર એની ગોસિપ કેટલી પરફેક્ટ છે તેના પર રાખે છે. કેટલાક લોકો ગોસિપમાં ફેંકતા હોય છે. જ્યારે લોકોને એવી ખબર પડી જાય કે, આની ગોસિપમાં કોઇ દમ હોતો નથી, ત્યારે એની ગોસિપને પણ ગંભીરતાથી લેવાનું બંધ થઇ જાય છે. ઘણાની વાતો સાથે આપણને કંઇ લાગતુંવળગતું ન હોય તો પણ આપણે કહેતા હોઇએ છીએ કે, એની વાતમાં દમ હોય છે. ઘણા તો એવી એવી ગોસિપ લઇને આવે છે કે, આપણને સવાલ થાય કે આને આટલી બધી અંદરની ખબર મળે છે કઇ રીતે? એના સોર્સ ભારે પાવરફુલ લાગે છે!
ગોસિપના ફાયદા અને ગેરફાયદાની બહુ બધી વાતો થઇ છે. આ બધામાં હમણાં એક રસપ્રદ ઉમેરો થયો છે. ગોસિપથી સમાજને સમજવામાં મદદ મળે છે! ગોસિપ માણસને માણસ સાથે જોડે છે! ગોસિપથી બોન્ડિંગ વધુ મજબૂત થાય છે! તમે વાતો કરો એટલે તમારી કમ્યુનિકેશન સ્કિલ પણ નીખરે છે. ઘણી વખત ગોસિપ કરવાથી આપણને નવો વિચાર, નવો દૃષ્ટિકોણ મળે છે. કોઇની વાત સાંભળીને એવું થાય છે કે, આવો તો આપણને ક્યારેય વિચાર જ નહોતો આવ્યો! ગોસિપ કરવાથી એકબીજા પર ટ્રસ્ટ વધે છે. તમે માર્ક કરજો, માણસ ભરોસાપાત્ર વ્યક્તિ સાથે જ ગોસિપ કરશે. આપણે અમુક વાત અમુકને જ કરીએ છીએ. જેને વાત ન કરવા જેવી હોય એના વિશે એવું કહીએ છીએ કે, એને કોઇ વાત કરતો નહીં, ધ્યાન રાખજે એને ખબર ન પડે, એ બિલકુલ ભરોસાપાત્ર નથી. દરેક માણસની લાઇફમાં એક-બે વ્યક્તિ એવી હોય છે જે તેની અંગત હોય છે અને તેની સાથે જ પર્સનલ વાતો શેર થતી હોય છે.
ગોસિપ માણસને એલર્ટ પણ રાખે છે. આપણને જ્યારે ખબર પડે કે આપણા વિશે આવી વાત થાય છે તો આપણે તરત જ સતર્ક થઇ જઇએ છીએ. જે વાતો થતી હોય એ જો સાચી હોય તો આપણે એ સુધારવાનો પણ પ્રયાસ કરતા હોઇએ છીએ. જો એ વાતો ખોટી હોય તો આપણે તરત જ લાગતાવળગતા લોકોને કહી દઇએ છીએ કે, આવી વાત તમારા સુધી પહોંચે તો ધ્યાનમાં ન લેતા. કોઇ વાત ફરતી ફરતી આવે ત્યારે આપણે એવું કહેતા હોઇએ છીએ કે, વળી નવું પડીકું આવ્યું! એના વિશે પણ એવું કહેવાય છે કે, દરેક પડીકું ખાલી નથી હોતું, કેટલાંક ભરેલાં પણ હોય છે.
ટેક્નોલોજીના કારણે ગોસિપમાં વધારો થયો છે. પહેલાં તો ગોસિપ કરવા માટે રૂબરૂ મળવાની જરૂર પડતી હતી. હવે મોબાઇલ છે. કેટલાક લોકો નવરા પડે એટલે ફોન લઇને વાતે વળગે છે. અમુક લોકોનું નક્કી જ હોય છે કે, રોજ આટલાને ફોન તો કરવાના જ! શું છે નવાજૂની? છે કંઇ જાણવા જેવું? આવું પૂછે છે અને સામેવાળા માણસને વિશ્વાસમાં લેવા માટે તેને એક-બે કોઇને ખબર ન હોય એવી વાતો પણ કરે છે. જોજે હોં, કોઇને ખબર ન પડે, એવું કહીને વાતો શરૂ થાય છે. તેમાં પણ પેલો નિયમ જ લાગુ પડે છે કે, બાત નિકલી હૈ તો બહુત દૂર તલક જાયેગી! ગોસિપ વિશે ધ્યાન એટલું જ રાખવાની સલાહ આપવામાં આવે છે કે, કોઇનું અહિત ન થાય, કેરેક્ટર એસેસિનેશન ન થાય, કોઇની હાલત ખરાબ ન થઇ જાય એની કાળજી રાખવી. આપણે ઘણી વખત હળવાશમાં કોઇ વાતો કરતા હોઇએ છીએ, પણ એના કારણે કોઇનું જીવવું હરામ થઇ જાય છે. કોઇના પસર્નલ સ્ક્રીનશોટ ફેરવવા નહીં, ફેક ન્યૂઝને આગળ ધપાવવા નહીં અને કોઇ કહે એટલે આંખો મીંચીને માની પણ લેવું નહીં. મિત્રો અને અંગત સ્વજનો સાથે ગપ્પાંગોષ્ઠિ કરો એમાં કશું જ ખોટું નથી, ઊલટું તેનાથી સંબંધો ગાઢ બનશે, પણ કોઇને હર્ટ ન થાય કે કોઇ કંઇ મુશ્કેલીમાં ન મુકાય એનું ધ્યાન રાખજો. ભલે બધા એવું કહેતા હોય કે, ગોસિપ ન કરવી જોઇએ પણ બધા કરતા જ હોય છે. બાય ધ વે, તમારો બેસ્ટ ગોસિપ પાર્ટનર કોણ છે? કોઇ તો હોય જ છે જેની સાથે આપણને ગપ્પાં મારવાની મજા આવે છે! સાચું કે નહીં?


—————-

પેશ-એ-ખિદમત
અબ કર્બ કે તૂફાં સે ગુજરના હી પડેગા,
સૂરજ કો સમુંદર મેં ઉતરના હી પડેગા,
ફિતરત કે તકાજે કભી બદલે નહીં જાતે,
ખુશ્બૂ હૈ અગર વો તો બિખરના હી પડેગા.
(કર્બ = પીડા, દુ:ખ, વેદના) – એજાજ રહેમાની


———  
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 19 ફેબ્રુઆરી 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *