ડિજિટલ અફેર :
કૈસા યે ઇશ્ક હૈ?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
આપણા દેશમાં ડિજિટલ અફેરમાં પડનારાઓની સંખ્યા સતત
વધી રહી છે. આખરે આવી જરૂર શા માટે પડે છે?
માણસને ભ્રમમાં રહેવાની મજા આવવા લાગી છે?
———–
સંબંધો દિવસે ને દિવસે વધુ ને વધુ જટિલ થઇ રહ્યા છે. બીજા સંબંધો તો ઠીક છે. પતિ-પત્ની વચ્ચેના સંબંધો દાવ પર લાગેલા છે. ખુશહાલ જિંદગી જીવતા હોય એવાં કપલ્સની સંખ્યા ધીમે ધીમે ઘટી રહી છે. મોટાભાગના લોકો રિલેશનશિપ ક્રાઇસિસમાંથી પસાર થઇ રહ્યા છે. આ દરમિયાનમાં હમણાં બહાર આવેલા એક સરવેએ સંબંધોને લઇને નવા અને ચિંતાજનક સવાલો પેદા કર્યા છે. એક ડેટિંગ એપ્લિકેશન દ્વારા કરવામાં આવેલા સરવેમાં એવું બહાર આવ્યું છે કે, ભારતના 40 ટકા પરણિત પુરુષો ડિજિટલ અફેર રાખે છે. જેણે સરવે કર્યો છે એ એપ એકસ્ટ્રા મેરિટલ અફેર માટે આખી દુનિયામાં જાણીતી છે. આપણા દેશના લાખો લોકો આ એપના સભ્યો છે. માત્ર પુરુષો જ ડિજિટલ અફેર કરે છે એવું બિલકુલ નથી. યુવતીઓ પણ જરાયે ઓછી ઊતરે એવી નથી. કેટલી યુવતીઓ ડિજિટલ અફેર રાખે છે એ વિશે આ એપે કોઇ ફોડ નથી પાડ્યો, તેણે માત્ર પુરુષોની જ વાત કરી છે. તાળી એક હાથે નથી વાગતી. એપે સ્ત્રીઓને બાકાત રાખી એના માટે તેની ટીકા પણ થઇ રહી છે. પુરુષો નાલાયક છે અને સ્ત્રી પવિત્ર છે એવું માનવાનું કોઇ કારણ નથી. એકસ્ટ્રા મેરિટલ અફેરમાં સામે તો સ્ત્રી જ છેને? જે હોય તે, પણ 40 ટકા ડિજિટલ અફેરના આંકડાએ સવાલો તો ખડા કર્યા જ છે કે, આખરે એવું તે શું ખૂટે છે કે, પુરુષો પત્ની હોવા છતાં બીજે ચોંટેલા રહે છે? કેમ કોઇને પોતાના પાર્ટનરથી સંતોષ નથી.
એકસ્ટ્રા મેરિટલ અફેર વિશે સાયકોલોજિસ્ટોએ કારણો આપ્યાં છે. તેની ચર્ચા કરતાં પહેલાં એ જાણી લઇએ કે, આખરે આ ડિજિટલ અફેર શું છે? અત્યારે એવી અસંખ્ય ડેટિંગ એપ છે જે માણસને કોઇની સાથે મેળવી આપે છે. એપ પર રજિસ્ટર થયા બાદ ચેટિંગથી માંડીને ડેટિંગ સુધીનું ગોઠવાય છે. તમને એ જાણીને આશ્ચર્ય થશે કે, આજના મોટાભાગનાં યંગસ્ટર્સના મોબાઇલમાં કોઇ ને કોઇ ડેટિંગ એપ છે! આ એપની મદદથી તેઓ ફિઝિકલથી માંડીને ઇમોશનલ જરૂરિયાતો પૂરી કરે છે. આવું કરવામાં કુંવારાઓ કરતાં પરણેલાંઓની સંખ્યા વધુ છે! નવરા પડ્યા નથી કે, એ બધા ડેટિંગ એપ પર પહોંચી જાય છે. મોટાભાગે આવું બધું ખાનગીમાં ચાલતું હોય છે. પતિ કે પત્નીને ખબર જ નથી હોતી કે, મારો પાર્ટનર ડેટિંગ એપથી કોઇની સાથે લાગેલો છે. કેટલાક કિસ્સામાં પતિ-પત્ની બંનેને ખબર પણ હોય છે કે, મારી પત્ની કે મારો પતિ ડેટિંગ એપ પર છે! એમાં એને વાંધો પણ નથી હોતો! અલબત્ત, મોટાભાગે આવું બધું છાના ખૂણે ચાલતું હોય છે.
ડેટિંગ એપ પર એક્ટિવ એક યુવાને કહ્યું હતું કે, મારી વાઇફને મારા માટે સમય જ ક્યાં છે? એ એના કામમાંથી જ નવરી થતી નથી. મારે કોની સાથે વાત કરવી? આખરે મેં ડેટિંગ એપનો સહારો લીધો. બીજા યુવાને કહ્યું કે, પત્ની પાસેથી મારી ફિઝિકલ નીડ પૂરી થઇ જાય છે. સેક્સનો કોઇ ઇશ્યૂ નથી, પણ ઇમોશનલ નીડનું શું? હું ગમે તેટલો આગળ વધી જાઉં તો પણ મારી વાઇફને કંઇ ફેર પડતો નથી. તેણે ક્યારેય કહ્યું નથી કે, આઇ એમ પ્રાઉડ ઓફ યુ, તું હોશિયાર છે, તું ખૂબ મહેનત કરે છે. મારે ડેટિંગ એપ પર જેની સાથે સંબંધ છે એ મારાં વખાણ કરે છે. જરૂર પડ્યે મને હિંમત આપે છે. આશ્ચર્યની વાત એ છે કે, ડેટિંગ એપથી કોઇને મળવું કે કોઇના સંપર્કમાં રહેવું એમાં અત્યારની જનરેશનને કંઇ જ ખરાબ કે ખોટું લાગતું નથી. મોબાઇલની મદદથી જે ચાલી રહ્યું છે એ જો મોટી ઉંમરના લોકોને ખબર પડે તો એને તો આંચકો જ લાગે.
આખરે લોકો આવું શા માટે કરે છે? લવ મેરેજ કરવાવાળાં કપલ્સ પણ થોડાક સમયમાં કેમ એકબીજાથી કંટાળી જાય છે? આ વિશે મનોવૈજ્ઞાનિકોનું કહેવું છે કે, હવેના સમયમાં બધાને થોડા જ સમયમાં બધું રૂટિન લાગવા માંડે છે. બધાને ચેન્જ અને થ્રિલ જોઇએ છે. પતિ-પત્નીના કિસ્સામાં થોડા સમયમાં બધું બહુ રૂટિન થઇ જાય છે. રોજ જે કરતા હોય એ જ કરવાનું હોય છે. એમાંયે બાળકો થઇ ગયાં પછી સ્ત્રીની પ્રાયોરિટીઝ બદલાઇ જાય છે. પતિમાંથી રસ ઓછો થઇ જાય છે એટલે પતિ બીજે રસ લેવા માંડે છે. યુવતીઓ પણ હવે જોબ કરતી હોય છે. એને પોતાના સ્ટ્રેસ હોય છે. પતિ-પત્ની હવે જ્યારે વાત કરે છે ત્યારે બંનેને એવું લાગે છે કે, આ શું એકની એક વાતો કરે છે! વાતોમાં હવે વેરાઇટીઝ રહી નથી. કપલ્સ પાસે વાતો કરવાના વિષય નથી. બંને એટલે જ નવરાં પડે કે તરત જ મોબાઇલ લઇને બેસી જાય છે.
એક ચોંકાવનારી વાત એ છે કે, ફિઝિકલ એટ્રેક્શન ઘટે એ પહેલાં તો ઇમોશનલ એટેચમેન્ટ ઘટી જાય છે. એકબીજા માટે પ્રેમ, લાગણી, પરવા, ચિંતા વગેરે ઘટતાં જાય છે. બેમાંથી કોઇને ખબર પણ નથી હોતી કે, મારો પાર્ટનર અત્યારે કેવી માનસિક સ્થિતિમાંથી પસાર થઇ રહ્યો છે. એના કારણે માણસ બીજે માનસિક સહારો શોધે છે. કોઇના પર ભરોસો કરીને છેતરાય પણ છે. આવા કિસ્સા પકડાય ત્યારે લગ્નજીવનમાં ભંગાણ પણ સર્જે છે. કેટલાક કિસ્સામાં પતિ-પત્ની એક છત નીચે રહેતા હોય છે, પણ બંને પોતપોતાની અલગ લાઇફ જીવતા હોય છે. સાત સાત જન્મના સાથની વાતો તો દૂર રહી, આ એક જનમમાં સાત વર્ષ પણ સરખાં ચાલતાં નથી.
ડેટિંગ એપ પર મચેલા લોકોને સાયકોલોજિસ્ટો ચેતવે પણ છે. શરૂઆતમાં ડેટિંગ રોમાંચક લાગશે, પણ સરવાળે એ મુશ્કેલીમાં મૂકી શકે છે. ડેટિંગ એપ પર મળનારી વ્યક્તિ વફાદાર રહે એની કોઇ ગેરંટી હોતી નથી. આવા બધાથી બચવા માટે પોતાની વ્યક્તિથી જોડાયેલા રહો. આ વાત પતિ-પત્ની બંનેને લાગુ પડે છે. એકબીજા પ્રત્યે કમિટેડ રહો. સૌથી મહત્ત્વની વાત એ છે કે, એકબીજાને પૂરતો સમય આપો. સંવાદને સક્ષમ અને સજીવન રાખો. સાથે બેસીને વાત કરો. કોઇ પ્રોબ્લેમ હોય તો ડિસ્કસ કરો. બેમાંથી એકને ઇમોશનલ સપોર્ટની જરૂર હોય ત્યારે મક્કમતાથી તેની પડખે ઊભા રહો. કમિટમેન્ટ સૌથી વધુ મહત્ત્વનું છે.
બીજી એક વાત એ પણ છે કે, તમારી વ્યક્તિની ક્યારેય બીજા કોઇ સાથે સરખામણી ન કરો. હવેના ડિજિટલ સમયમાં લોકો સોશિયલ મીડિયા પર અને ડેટિંગ એપ પર બીજાને જોઇને પોતાની વ્યક્તિને નબળી, ઊતરતી કે ઓછી ચાર્મિંગ માનવા માંડે છે. હવે તો બધાની સામે એઆઇ જનરેટેડ ચહેરાઓ આવવા લાગ્યા છે. બધાની કલ્પનામાં એઆઇના હોય એવા લોકો આવવા લાગ્યા છે. કોઇને ઓછું કંઇ ખપતું જ નથી. પોતાની વ્યક્તિના પ્લસ પોઇન્ટ્સને બદલે માઇનસ પોઇન્ટ્સ જ દેખાય છે. દરેકમાં કંઇક ને કંઇક તો ખામી હોય જ છે. એને નજરઅંદાજ કરીને જે માણસ પોતાની વ્યક્તિની ખૂબીઓ જુએ છે એનો સંસાર સારો ચાલે છે. લોકોએ વાસ્તવિક અને ભ્રામક સંબંધોને સમજવાની અત્યારે જેટલી જરૂર છે એટલી અગાઉ ક્યારેય નહોતી. લોકો પ્રેમ, સુખ અને ખુશી માટે ફાંફાં મારે છે, પણ પોતાની પાસે અને પોતાની સાથે જે છે એની પરવા કરતા નથી.
મેરેજના અમુક સમય પછી પતિ-પત્ની એકબીજાની સામે પણ ઓછું જોતાં થઇ જાય છે. તમે તમારી વ્યક્તિને ધારીને કેટલી જોઇ? એણે શું પહેર્યું કે શું બદલાવ્યું એની કેટલી ખબર છે? દાંપત્યમાં નાની નાની વાતો બહુ મોટી અસરો કરતી હોય છે. તમે ક્યારેય તમારી વ્યક્તિનાં વખાણ કરો છો? તમારી વ્યક્તિ ક્યારેક કંઇક સારું કરે તો તેને એપ્રિસિએટ કરો છો? સંતાનો પાછળ ખુવાર થતી પત્નીને કહો છો કે, બાળકોને સંભાળીને તું બહુ મોટું કામ કરે છે. અત્યારે તો લોકો જવાબદારીમાંથી ભાગવા લાગ્યા છે. છોકરાઓ મોડું કરવાનું કારણ પણ એ જ હોય છે કે, પછી એનું ધ્યાન કોણ રાખશે? હવેનાં કપલ્સે દરેક વાતનું પ્લાનિંગ કરવું પડે છે. અગાઉ બધું સહજ હતું એ હવે સખત થઇ ગયું છે. જિંદગીને સારી રીતે જીવવી હોય તો પ્રેમને જીવંત રાખો. બીજે વલખાં મારશો તો જે છે એ પણ ગુમાવશો. પ્રેમ અને લાગણીની ભૂખ પણ જ્યાં સંતોષવા જેવી હોય ત્યાં જ સંતોષવી જોઇએ. તમારી વ્યક્તિને વાત કરો અને એ પણ કહો કે તમને તેની પાસેથી શું અપેક્ષા છે. જોખમી રસ્તા લેશો તો અકસ્માતનો ખતરો રહેવાનો જ છે.
—————-
પેશ-એ-ખિદમત
સફર મેં ઐસે કઇ મરહલે ભી આતે હૈં,
હર એક મોડ પે કુછ લોગ છૂટ જાતે હૈં,
જિન્હેં યે ફ્રિક નહીં સર રહે રહે ન રહે,
વો સચ હી કહતે હૈં જબ બોલને પે આતે હૈં.
– આબિદ અદીબ
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 28 મે, 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
