શું લોકો આળસુ, બેજવાબદાર
અને કામચોર બનતા જાય છે?
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
———-
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કહ્યું કે, ગૂગલમાં માણસો તો પૂરતા છે પણ
ઘણા લોકો કરવું જોઈએ એવું અને એટલું કામ કરતા નથી!
મોટા ભાગની ઓફિસોમાં એવું જોવા મળી રહ્યું છે કે, લોકો કામ કરવાના બદલે
ગપ્પાં ગોષ્ઠિ અને કામ કરતા હોવાનો દેખાડો કરે છે.
ખરેખર થવું જોઈએ એ કામ થતું જ નથી!
એક કંપનીના એચઆર મેનેજરે એવું કહ્યું કે, દરેક કંપનીને માણસોની જરૂર હોય છે પણ
કામમાં પરફેક્ટ હોય એવા ટકોરાબંધ લોકો મળતા જ નથી!
———–
હમણાંની એક સાવ સાચી ઘટના છે. એક કોર્પોરેટ કંપનીમાં કોસ્ટ કટિંગ કરવાનું નક્કી થયું. ઓફિસમાં વાત ફેલાઇ ગઇ કે, કેટલાંક લોકોની નોકરી જવાની છે. એક કર્મચારી ટેન્શનમાં મુકાઈ ગયો. તેને થયું કે, મારી નોકરી જશે તો શું થશે? મારી પાસે તો કોઇ બચત પણ નથી. આખરે એ હિંમત એકઠી કરીને બોસ પાસે ગયો. બોસને કહ્યું કે, મારે તમને એક વાત કરવી છે. બોસે કહ્યું, બોલો. તેણે કહ્યું કે, કોસ્ટ કટિંગની વાતો ચાલે છે. જેમને નોકરીમાંથી કાઢી મૂકવાના છે એમાં મારું નામ તો નથીને? પ્લીઝ, મને નોકરીમાંથી ન કાઢતા. બોસે કહ્યું, બેસો. એ પછી બોસે તેને કહ્યું કે, જે લોકો સારું કામ કરે છે એને કાઢવાનો સવાલ જ નથી. તારું કામ બેસ્ટ છે. તું ચિંતા ન કર. બધાને કાઢી મૂકવાના હશેને તો પણ એમાં છેલ્લું નામ તારું હશે. કાઢવાની વાત આવે ત્યારે પહેલાં એવા લોકોને જ રસ્તો બતાવાતો હોય છે જે કામમાં ડાંડાઈ કરતા હોય છે! કોરોનાકાળને યાદ કરો. ઘણી કંપનીઓએ છટણી કરી હતી. અમુકને કાઢ્યા હતા પણ બધાને રવાના કરી દીધા નહોતા ! કહેવાનો મતલબ એ છે કે, જે સારું કામ કરે છે એને કોઈ વાંધો નથી આવતો. પ્રોબ્લેમ એ છે કે મહેનત, ઇમાનદારી અને ડેડિકેશનથી કામ કરવાવાળાની સંખ્યા ઘટતી જાય છે!
ગૂગલના સીઈઓ સુંદર પિચાઇએ હમણાં બહુ રસપ્રદ વાત કરી. તેમણે કહ્યું કે, ગૂગલમાં માણસો તો ઘણા અને પૂરતા છે પણ જે પરિણામ મળવાં જોઇએ એ મળતાં નથી. કર્મચારીઓને જે કામ સોંપવામાં આવ્યું હોય છે એ સારી અને સાચી દાનતથી કરતા નથી. ગૂગલનો સેકન્ડ ક્વાટરનો રિપોર્ટ `વિકર ધેન એક્સપેક્ટેડ’ એટલે કે અપેક્ષા કરતાં નબળો આવ્યો છે. આ રિપોર્ટ આવ્યા બાદ સુંદર પિચાઈએ પોતાના કર્મચારીઓને વધુ એફિસિઅન્ટ અને ફોકસ્ડ બનવાનું કહ્યું છે. તેમણે કહ્યું કે, ગૂગલમાં કર્મચારીઓ તો ઘણા અને પૂરતા છે પણ પૂરી નિષ્ઠાથી કામ કરવાવાળા બહુ ઓછા છે. કર્મચારીઓએ મિશન, પ્રોડક્ટ અને કસ્ટમર ફોકસ્ડ બનવાની જરૂર છે. ગૂગલે કર્મચારીઓની સંખ્યા અને ગુણવત્તા પર રીતસરની વોચ રાખીને જે લોકો કામ કરતા નહીં હોય અથવા તો જે લોકો કામને લાયક નહીં હોય એની સામે પગલાં ભરવા સુધીની ચેતવણી આપી છે. ગૂગલના કર્મચારીઓમાં આ કારણે ફફડાટ છે.
આ તો અમેરિકાની વાત છે. દુનિયાના મોટા ભાગના દેશોની સ્થિતિ કંઈ વખાણવા જેવી નથી. આપણે ત્યાં ગમે તે કંપનીના માલિક કે એચઆર મેનેજરને પૂછશો તો એવી જ વાત મળશે કે, લોકો દિલથી કામ કરતા નથી. નોકરી કરવા આવે છે, કરવું પડે એટલું જ કામ કરે છે, બાકી ટાઇમપાસ કરે છે અને મોજમજા કરે છે. લંચ અવર લાંબો ચાલે છે અને ટી બ્રેક લંચટાઇમ જેટલો હોય છે. બધા લેપટોપ ખોલીને બેઠા હોય છે પણ લેપટોપમાં શું ચાલે છે એ કોઇને ખબર હોતી નથી. અમુક કંપનીઓમાં કમ્પ્યૂટર સિસ્ટમ જોડેલી હોય છે અને આઇટી હેડ બધું જોઈ શકે છે કે, કોણ કમ્પ્યૂટર કે લેપટોપ પર શું કરે છે? આવી ઓફિસોમાં કર્મચારીઓ લેપટોપને બદલે પોતાનો મોબાઇલ ફોન લઇને બેઠા હોય છે. ઓફિસમાં બેસીને સોશિયલ મીડિયા સર્ફ કરનારા લોકોની સંખ્યા બહુ મોટી છે. અમુક કંપનીઓએ તો હવે ઓફિસમાં મોબાઇલ પર જ પ્રતિબંધ મૂકી દીધો છે. જ્યાં મોબાઇલની જરૂર છે ત્યાં પણ સ્માર્ટ ફોનને બદલે સાદો એટલે કે માત્ર વાત થઇ શકે એવો જ ફોન આપવામાં આવે છે. એક કંપનીના માલિકે કહ્યું કે, ધરાર કંઈ કરાવવામાં પણ ખાસ કોઇ મજા નથી. લોકો પોતાની જાતે સમજે એ જ સારું છે પણ સમજવા તો જોઇએને! વધુ પડતાં એક્શન અને રિસ્ટ્રિક્શન રાખીએ તો એવી છાપ પડે છે કે, મેનેજમેન્ટ ક્રૂર છે. પોતે કામચોર છે એવું તો કોઇ કહેવાનું જ નહીંને!
કામ કરવા માટે સારા લોકો મળવા એ પણ નસીબની વાત ગણાવા લાગી છે. એક કંપનીના માલિકની આ વાત છે. તેને સતત એવું લાગતું કે, ઓફિસના કર્મચારીઓ પૂરી મહેનતથી કામ કરતા નથી. તેણે કર્મચારીઓ પર નજર રખાવી. એ વાત સાબિત થઇ કે, ભાગ્યે જ કોઈ કર્મચારી પૂરી મહેનતથી કામ કરે છે. કંપનીના માલિકે પોતાના એચઆર મેનેજરને બોલાવીને કહ્યું કે, આટલા લોકોને છૂટા કરી દો, એ સરખું કામ કરતા નથી. આ વાત સાંભળીને એચઆર મેનેજરે કહ્યું કે, સર, આ લોકોને કાઢી મૂક્યા પછી એની જગ્યાએ બીજા લોકોને લેવા પડશે. એ નવા કર્મચારીઓ સારા હશે એની કોઈ ગેરંટી ખરી? બહેતર એ છે કે, આપણે અત્યારે જે કર્મચારીઓ છે એને જ સરખું કામ કરવા મૉટિવેટ કરીએ. હવે તો મૉટિવેશન અને એનકરેજમેન્ટ માટે પણ જાતજાતની ટ્રેનિંગ અને ટ્રેનરો આવી ગયા છે.
એક સમય હતો જ્યારે લોકો એક જ કંપનીમાં વર્ષો નહીં પણ દાયકાઓ વીતાવી દેતા હતા. લાંબો સમય કામ કર્યું હોય એમની ગણના કંપનીના વફાદારો તરીકે થતી. લોકોનો કંપની સાથે પણ એક સંબંધ હતો. હવે એમાં પણ સ્થિતિ બદલાઇ છે. હવે યંગસ્ટર્સ જરાકેય પગારવધારો મળે એટલે તરત જ ચેન્જ લઇ લે છે. એક સાવ સાચો કિસ્સો છે. એક કંપનીમાં એક યુવાન નોકરી કરતો હતો. દોઢ વર્ષ થયું ત્યાં એણે નોકરી બદલી નાખી. તેને કારણ પૂછ્યું તો કહ્યું કે, ચેન્જ લેવા માટે! એકની એક જગ્યાએ કામ કરવાની મજા નથી આવતી, દોઢ વર્ષ તો બહુ થયું!
હવેના યંગસ્ટર્સ જુદી રીતે વિચારે છે. એ ખોટી રીતે વિચારે છે એવું કહેવું વાજબી નથી. દરેકને પોતાના કામ અને નામ માટે વિચારવાનો કે માની લેવાનો અધિકાર છે. અલબત્ત, એક વાત સમજવા જેવી છે કે, તમે જ્યાં ક્યાંય પણ કામ કરતા હોવ ત્યાં તમારા હન્ડ્રેડ પર્સન્ટ આપો. કંપની માટે નહીં પણ તમારા પોતાના માટે. તમે સરખી રીતે કામ કરશો તો કંપનીને તો ફાયદો થશે જ, સાથોસાથ તમારો પણ ગ્રોથ થશે. સારા માણસોની આજે જેટલી જરૂર છે એટલી અગાઉ ક્યારેય નહોતી.
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કર્મચારીઓ વિશે નેગેટિવ કમેન્ટ કરી એના કારણે ગૂગલના કર્મચારીઓમાં કેવી ફીલિંગ થઇ હશે? બધાને એવું થયું હશે કે, શું અમે કામ નથી કરતા? ગૂગલનું વર્કિંગ એટમોસ્ફિયર બીજાની સરખામણીમાં બેસ્ટ ગણાય છે. આ વિશે એક કર્મચારીએ વાત કરી કે, અલ્ટિમેટલી તો એ માણસ ઉપર આધાર રાખે છે કે એ પોતાના કામને કઈ રીતે જુએ છે. જેને કામ કરવું જ છે એ ગમે એવી પરિસ્થિતિમાં બેસ્ટ કામ કરશે. જેને કામ નથી જ કરવું એને તમે ફાઇવ સ્ટાર કલ્ચર આપશો તો પણ ઠાગાઠૈયા જ કરશે! નવી જનરેશનમાં ધગશ છે. કંઈક કરી બતાવવાની દાનત છે. થોડાક કામચોર અને દાંડ હશે! એ તો પહેલાં પણ હતા જ ! ટ્વેન્ટીની થિયરી ખબર છેને? કોઈપણ ઓફિસ, કંપની કે સંસ્થા વીસ ટકા એક્ટિવ લોકોના કારણે જ ચાલતી હોય છે. અત્યારે જો વ્યવસ્થિત અભ્યાસ થાય તો આ ટ્વેન્ટીની ટકાવારી વધે એમ છે! બીજું ગમે તે હોય, આપણે આપણું કામ બેસ્ટ રીતે કરવાનું. કંપની સાથેની ઓનેસ્ટી એની જગ્યાએ છે પણ જાત સાથે પણ એક પ્રામાણિકતા હોય છે એ ભૂલવું જોઈએ નહીં. બાય ધ વે, તમે તમારું કામ પૂરી મહેનત અને લગનથી કરો છો કે નહીં?
હા, એવું છે !
નોકરીમાંથી રજા લેવા જાતજાતનાં બહાનાં કાઢવામાં આવે છે. તેમાં પણ સિક લિવ એ સૌથી મોટું કારણ હોય છે. એક અભ્યાસ એવું કહે છે કે, સૌથી વધુ સિક લિવ સોમવારે લેવામાં આવે છે અને સૌથી ઓછી સિક લિવ શુક્રવારે લેવામાં આવે છે! આનું કારણ તમને સમજાઈ ગયું હશે!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 10 ઓગસ્ટ, 2022, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com