મારું સત્ય મેં તને કહ્યું,
તારું સત્ય તું જ શોધજે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
તમે તો આંખ પર ચશ્માંને બદલે દ્વેષ પહેરો છો,
બીજું તો ઠીક પણ સાચું કહો, દેખાય છે તમને?
અહંને પોષવા માટે જગત આખાથી લડવાનું?
છે આ તો ખોટનો ધંધો, હજુ પોષાય છે તમને?
-શૌનક જોષી
શું સાચું અને શું ખોટું એ વિશે ક્યારેક તો માણસ અવઢવમાં મુકાતો જ હોય છે. આપણે જે માનીએ છીએ એ સાચું છે? બરાબર છે? ઘણી વખત એવું થતું હોય છે કે, આપણે જેને સાચું માનતા હોઇએ છીએ એ બીજાને સાચું નથી લાગતું! અમુક સત્યો એવાં હોય જ છે જે સનાતન હોય છે. એ સિવાય દરેકનું પોતાનું પણ સત્ય હોય છે. આપણું સત્ય બધા સાથે મેચ થાય એવું જરૂરી નથી. આપણે કેટલાંય કામો વિશે એવું માનતા હોઇએ છીએ કે, આવું ન કરાય. બીજા લોકો એ વિશે જ એવું માનતા અને કહેતા હોય છે કે, આવું તો કરાય! કોઇ આપણાથી જુદું માનતું હોય એટલે આપણે ખોટા થઇ જતા નથી. એ એની જગ્યાએ સાચા હોય છે અને આપણે આપણી જગ્યાએ સાચા હોઇએ છીએ. ક્યારેક કોઇની વાત સાંભળીને આપણને જ એવું થાય છે કે, એની વાત ખોટી તો નથી જ! એવા કિસ્સામાં ઘણી વખત આપણે જ કહેતા હોઇએ છીએ કે, તારી જગ્યાએ તું સાચો કે તું સાચી છે, પણ મને આ વાત ગળે ઊતરતી નથી. આપણું પોતાનું સત્ય હોય એમાં કશું ખોટું નથી, પણ એ સત્ય સરળ, સહજ અને સાત્ત્વિક હોય એ જરૂરી છે. આપણે શું માનીએ છીએ તેના પરથી જ આપણી ઇમેજ બનતી કે બગડતી હોય છે. ચોર અને લૂંટારા પણ એમ જ માનતા હોય છે કે, અમે કશું ખોટું કરતા નથી. એ માનતા હોય એનાથી ખોટું હોય એ સાચું થઇ જતું નથી.
એક યુવાન હતો. પોતાના પરિવારમાં જે રીતરિવાજો અને પરંપરાઓ ચાલતી હતી તેના વિશે તેને મનમાં અનેક સવાલો થતા હતા. એક વખત એ યુવાને પિતાને સવાલ કર્યો, આવું બધું કરવું જરૂરી છે? પિતાએ તેને સમજાવ્યું કે, આવું આપણે શા માટે કરીએ છીએ. બધી વાત કરીને છેલ્લે પિતાએ કહ્યું કે, આ મારું સત્ય છે. હું જે માનું છું અને મને જે લાગે છે એ મેં તને કહ્યું છે. મારું સત્ય તારે ફોલો કરવું જ એવું બિલકુલ જરૂરી નથી. તારું સત્ય તું શોધજે. તારા તર્ક લગાવજે, તારા વિચારોના ત્રાજવે તોળજે અને પછી તને જે વાજબી લાગે એ કરજે. આપણે ઘણી વખત આપણને જે કહેવામાં આવે એ માની લેતા હોઇએ છીએ. એક વખત તો દરેકને એવો સવાલ થવો જ જોઇએ કે, આવું શા માટે છે? બધું ખોટું કે ખરાબ હોય એવું જરૂરી નથી, દુનિયામાં જેટલું ખરાબ અને ખોટું છે એના કરતાં સાચું અને સારું વધુ છે. આપણને સારાની સારી રીતે જાણ હશે તો આપણે જે ખરાબ છે એને સરળતાથી જાણી શકીશું. જેને સારાની સમજ નથી હોતી એ ઘણી વખત ખોટાને પણ સાચું માની લેતા હોય છે.
એક વખત એક સાધુ જેલની મુલાકાતે ગયા. તે બધા કેદીને મળતા હતા. એક કેદીએ પોતાના સ્વજન પર જ હુમલો કર્યો હતો. સાધુએ તેને સવાલ કર્યો. એ તો તારા નજીકના હતા તો પણ તેં કેમ એને માર્યા? એ કેદીએ કહ્યું કે, મેં બીજા લોકો કહેતા હતા એ વાત સાચી માની લીધી હતી. મને કહેવામાં આવ્યું હતું કે, એ આપણા દુશ્મન છે એટલે મેં તેને માર્યા. સાધુએ સવાલ કર્યો, તેં તારી રીતે તપાસ કરી હતી કે, એ ખરેખર દુશ્મન છે કે નહીં? કેદીએ કહ્યું, ના. મારા લોકો કોઇ દિવસ ખોટું ન બોલે! સાધુએ કહ્યું, હું એવું બિલકુલ નથી કહેતો કે તારા લોકો ખોટું બોલે છે. મારું કહેવું તો એટલું જ છે કે, એ સાચું બોલે છે એની તો ખાતરી કરવી જોઇએ કે નહીં? આપણાં કર્મો અને આપણાં કામો આપણા વિચાર આધારિત હોવાં જોઇએ, કોઇના વિચારોને ફોલો કરવામાં ઘણી વખત કોઇના હાથા બની જવાનો ભય રહેતો હોય છે. આપણે જેની વાત માનીએ છીએ એના વિચારો અને એની બુદ્ધિની પણ એક મર્યાદા હોય છે. દરેક માણસ એક હદ સુધીનું વિચારી શકે છે. આપણે આપણા વિચારવાની હદ વિસ્તારવાની હોય છે. જે નિર્ણય કરીએ તે આપણે કરેલો હોવો જોઇએ. કોઇથી દોરવાઇ જવાની કોઇ જરૂર હોતી નથી.
જિંદગીમાં ઊંધા રવાડે ચડાવી દેનારા ઘણા હોય છે. કોઇને ફોલો કરવામાં કંઇ વાંધો નથી, માત્ર એની કક્ષા તપાસવાની હોય છે. સમજું, ડાહ્યા અને જ્ઞાની લોકોની વાત માનવી જોઇએ, પણ આંખો અને કાન ખુલ્લાં રાખીને! જ્યારે કોઇ કંઇ વાત કરે ત્યારે પહેલાં તો એ વિચારવાનું હોય છે કે, એ આવું શા માટે કહે છે? માણસ કરવા ખાતર કંઇ કરતો કે બોલવા ખાતર કંઇ બોલતો હોતો નથી, માણસ જે કંઇ કરે છે એની પાછળ એનો ઇરાદો છુપાયેલો હોય છે. ઇરાદો સારો પણ હોઈ શકે છે. આપણને એ ખાતરી થવી જોઇએ કે, એ જે કરે છે એની પાછળ એનો કોઇ બદઇરાદો નથી. તેની દાનત ખોટી કે ખરાબ નથી.
આપણે સમયે સમયે એ પણ વિચારવું જોઇએ કે, મારી દાનત કેવી છે? મારું સત્ય કેવું છે? માત્ર આપણે માનતા હોઇએ એ વાત સત્ય ઠરી જતી નથી. એક માણસે એક કામ કરવાનું નક્કી કર્યું. એ કામમાં બહુ ફાયદો હતો. જોકે, કામ કરવું કે નહીં એ વિશે એના મનમાં ભારે અસમંજસ હતી. એ માણસ એક જ્ઞાની વ્યક્તિ પાસે ગયો. પોતાની મૂંઝવણ કહી. જ્ઞાની માણસે બધી વાત સાંભળીને કહ્યું કે, તને મૂંઝવણ છે એનો મતલબ જ એ છે કે, તને પૂરેપૂરી શ્રદ્ધા નથી. શંકા દરેક વખતે ખોટી નથી હોતી. શંકા ઘણી વખત માણસને સમાધાન સુધી લઇ જતી હોય છે. તું જે વાત કરે છે એમાં તારું તો હિત જળવાવાનું છે, તને તો ફાયદો થવાનો છે, પણ બીજાનું અહિત થવાનું છે. બીજાને ગેરફાયદો થવાનો છે. આપણે ઘણી વખત એ નક્કી કરવાનું હોય છે કે, હું આ કરું છું એ ક્યા ભોગે કરું છું? કોના ભોગે કરું છું? જ્યારે ક્યાંયથી ઉત્તર ન મળે ત્યારે માણસે પોતાના મનની વાત સાંભળવી જોઇએ કે, હું જે કરું છું એ યોગ્ય છે? મન ક્યારેય ખોટી વાત કરતું નથી. માણસનો પ્રોબ્લેમ એ છે કે, એ મન સાથે પણ દલીલ કરે છે અને મનમાં ચાલતું હોય એને પણ ખોટું સાબિત કરવાનો પ્રયાસ કરે છે. આપણને એમ થતું હોય છે કે, આવું કરવું ન જોઇએ, પછી આપણે જ આપણી જાત સાથે દલીલ કરતા હોઇએ છીએ કે, બધા આવું જ કરે છે, હું શા માટે ન કરું? માણસ છેલ્લે સાચું, ખોટું, સારું, ખરાબ કે બીજો કંઇ વિચાર કર્યા વગર પોતાને જે કરવું હોય એ કરતો હોય છે. માણસ મનને પણ પટાવી જાણે છે. બહુ ઓછા લોકો પોતાની જાત સાથે તટસ્થ રહી શકે છે. પોતાનું મૂલ્યાંકન કરવું એ દુનિયાનું સૌથી અઘરું કામ છે. એક સમજું માણસ હતો. તેણે કહ્યું કે, ખોટું કરતા હોવ તો પણ તમને એ ભાન તો હોવું જ જોઇએ કે, તમે ખોટું કરો છો! ખોટું કરો ત્યારે તેની સજા ભોગવવા માટે પણ તૈયાર રહેવું જોઇએ. એક ભાઇને એક કેસમાં સજા પડી ત્યારે તેણે કહ્યું કે, આવું થવાનું જ હતું, મેં કર્યું જ હતું એવું! તમારું સત્ય તમને ખબર છે? એ તમે જ શોધેલું છે કે પછી કોઇએ તમારા પર ઠોકી બેસાડ્યું છે? આપણે જે કરીએ છીએ એની સમજ હોવી જોઇએ, જેવી સમજ હશે એવાં જ પરિણામો મળવાનાં છે!
છેલ્લો સીન :
સંપત્તિ વારસામાં મળે છે, પણ નામ અને વજૂદ તો માણસે પોતે જ મેળવવું પડે છે. આપણે કોઇનાથી ઓળખાવું છે કે કોઇ આપણાથી ઓળખાય એવું કરવું છે એ આપણે નક્કી કરવું પડે છે. પોતાના હોવાનો કંઇક અર્થ છે, પણ એ સાબિત અને સાર્થક કરવો પડે છે. – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 23 ફેબ્રુઆરી, 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
