તારે કોઇની વાત સાંભળવી જ નથી? તારું જ ધાર્યું કરવું છે? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તારે કોઇની વાત સાંભળવી જ
નથી? તારું જ ધાર્યું કરવું છે?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


સેવો સુખનું સપનું જીવણ, બીજું મૂકો પડતું જીવણ,
સ્થિર થયા તો છે બેડો પાર, મન છે ચંચળ હરણું જીવણ.
– કમલ પાલનપુરી


માણસ ધીમે ધીમે વાત સાંભળવાની ક્ષમતા ગુમાવી રહ્યો છે. દરેકને પોતાની વાત કરવી છે, પણ કોઇની વાત સાંભળવી નથી. વાત સાંભળવી એ એક કળા છે. જ્યારે આપણે ધ્યાનથી કોઇની વાત સાંભળીએ છીએ ત્યારે સામેની વ્યક્તિને એવી લાગણી થાય છે કે, આને મારી વાતની કદર છે. મારા શબ્દોનું મૂલ્ય છે. સાંભળવાની કળા ધીમે ધીમે લુપ્ત થતી જાય છે. આપણો સંવાદ કેટલો સજીવન રહ્યો છે? સંવાદના શ્વાસ રૂંધાઇ રહ્યા છે એટલે આપણો સંવાદ સંકોચાઇ રહ્યો છે. આપણે હવે વાત પણ સામે કોણ છે એ જોઇને સાંભળવા લાગ્યા છીએ. નાના માણસની વાતને આપણે ગંભીરતાથી લેતા નથી. એક બિલ્ડિંગમાં એક વોચમેન હતો. બિલ્ડિંગમાં રહેતા લોકોને દરરોજ સલામ મારે. ગમે એ સમયે આવે, ગેટ ખોલી આપે. બધાની સામે હસીને આવકાર આપે. કેટલાક તો તેની સામે પણ ન જુએ, તો પણ એ સલામ મારે. એક વખત એ મૂંઝવણમાં હતો. બિલ્ડિંગમાં રહેતા એક ભાઇ કાર લઇને આવ્યા. પહેલી વખત તેણે જોયું કે, વોચમેનનું ધ્યાન નથી. તેણે હોર્ન માર્યું અને વોચમેન ઝબકીને ગેટ ખોલવા દોડી આવ્યો. પેલા ભાઇએ કાર અંદર લઇને ઊભી રાખી. વોચમેનને બોલાવીને પૂછ્યું, શું થયું છે? કેમ અપસેટ છે? બાકી તો તું ફટ દઇને આવે છે, આજે તારું ધ્યાન નહોતું. કોઇ ટેન્શન છે? વોચમેનની આંખો ભીની થઇ ગઇ. તેણે કહ્યું, હા થોડીક ચિંતા થતી હતી. વતનમાં રહેતી મારી મા બીમાર છે. એની ઉપાધિ થતી હતી. વતન બહુ દૂર છે. જઇ શકાય એમ નથી. એવો વિચાર આવે છે કે, આવવા-જવામાં જેટલો ખર્ચ થાય એટલો જો માની સારવાર માટે મોકલી દઉં તો વધુ સારું થશે. એ ભાઇએ ખીસામાંથી હજાર રૂપિયા કાઢીને આપ્યા અને કહ્યું કે, જા તું જઇ આવ. વધુ રૂપિયાની જરૂર હોય તો પણ કહેજે. વોચમેન ગળગળો થઇ ગયો. તેણે કહ્યું, મારે રૂપિયા નથી જોઇતા, તમે આટલું પૂછ્યું એ જ મારા માટે ઘણું છે. કોઇ તો એવું છે જેણે મારી નોંધ લીધી છે! રજિસ્ટર રાખીને રોજ આવતાં-જતાં લોકોની હું નોંધ રાખું છું, આજે પહેલી વખત મારી નોંધ કોઇએ લીધી છે. તમારા શબ્દો અને તમારી લાગણી મારા માટે રૂપિયા કરતાં પણ વધુ મૂલ્યવાન છે. તમારી પહેલાં જ એક ભાઇ કાર લઇને આવેલા અને મારા પર તાડૂકેલા કે, તારું ધ્યાન ક્યાં છે? તને શું બેસવા માટે રાખ્યો છે? એ જેમ તેમ બોલ્યા હતા. તમે આવ્યા ત્યારે મને ફડકો પડ્યો હતો કે, હમણાં તમે પણ મારા પર રાડો નાખશો, એના બદલે તમે મારા ખબર પૂછ્યા. તમારો આભાર. એ માણસે વોચમેનને ગળે વળગાડ્યો અને કહ્યું કે, કંઇ પણ કામ હોય તો કહેજે, કોઇ ચિંતા ન કરીશ.
આ વ્યક્તિ અને વોચમેનનો સંવાદ દૂર બેઠેલા એક ભાઇ સાંભળતા હતા. તેમણે કહ્યું કે, તમે સારું કર્યું. તમારી વાત સાંભળીને મને થયું કે, મને કેમ આવો વિચાર ન આવ્યો? જે આપણું રોજ ધ્યાન રાખે છે એનું આપણે કેટલું ધ્યાન રાખીએ છીએ? બહારના લોકો તો હજુયે ઠીક છે, આપણો આપણા પોતાના લોકો સાથેનો સંવાદ પણ કેટલો સ્વસ્થ હોય છે? ઘરમાં પણ લોકો હવે મોબાઇલ જોવામાં રચ્યાપચ્યા રહે છે. વાત કરવી હોય તો રાહ જોવી પડે છે કે, આ ફોન મૂકે તો વાત કરું. વાત કરવા માટે જો રાહ જોવી પડે તો સમજવું કે, સંબંધોમાંથી સત્ત્વ ખતમ થઇ રહ્યું છે. પોતાની વ્યક્તિ સાથે વાત કરવા માટે મોકા શોધવા પડે એના જેવી કરુણતા બીજી કોઇ નથી. આપણે આપણા લોકો માટે ઓલટાઇમ અવેલેબેલ હોવા જોઇએ. જે પોતાના લોકો માટે અવેલેબલ નથી હોતા એ જ એકલા પડી જતા હોય છે. કોઇની વાત ન સાંભળી હોય તો એક સમયે આપણી વાત સાંભળવા પણ કોઇ હાજર હોતું નથી. ઘણા લોકો એવી ફરિયાદ કરતા હોય છે કે, કોઇને મારા માટે સમય જ નથી. એક વખત એક સ્વજનને આવું કહ્યું ત્યારે તેણે મોઢામોઢ ચોપડાવ્યું કે, તારી પાસે ક્યારેય કોઇના માટે સમય હતો ખરો? તું કયા મોઢે કોઇની પાસે અપેક્ષા રાખે છે?
દરેક માણસે એક વાતની કાળજી રાખવી જોઇએ કે, એટલિસ્ટ જે વ્યક્તિ આપણી વાત ધ્યાનથી સાંભળતી હોય તેની વાત તો ધ્યાનથી સાંભળવી જ જોઇએ. આપણે ઘણી વખત આપણી વ્યક્તિ પાસે એવી અપેક્ષા રાખતા હોઇએ છીએ કે, એ આપણી વાત ધ્યાનથી સાંભળે પણ જ્યારે એ વાત કરે ત્યારે આપણે બહુ કેર કરતા હોતા નથી. એક પ્રેમી અને પ્રેમિકા હતાં. પ્રેમીની દરેક વાત પ્રેમિકા બહુ ધ્યાનથી સાંભળે. સામા પક્ષે પ્રેમી વાત સાંભળવામાં ધ્યાન જ ન દે. એક મુદ્દે બંને વચ્ચે વિવાદ થયો. પ્રેમિકાની વાત સાંભળ્યા વગર પ્રેમી બોલ્યે જ રાખે. આખરે પ્રેમિકાએ કહ્યું, તારે કોઇની વાત સાંભળવી જ નથી? તારું ધાર્યું જ કરવું છે? એક વાત યાદ રાખજે, તું તારું ધાર્યું જ કરતો રહીશ તો એક સમયે તારા લોકો પણ પોતાનું જ ધાર્યું કરવા લાગશે. તારે કરવું હોય એ કરજે, પણ વાત તો સાંભળવી જોઇએને! જો વાત સાચી ન લાગે તો તમે અસમંત થઇ શકો છો, પણ વાત અવગણીને તો આપણે અળખામણા જ થતા હોઇએ છીએ. એને ક્યાં કોઇની જરૂર છે, એ તો પોતાને જ ડાહ્યો અને મહાન સમજે છે. એક વાત એ પણ યાદ રાખવાની હોય છે કે, આપણી જિંદગીમાં કેટલાક લોકો એવા હોય છે જે આપણું ભલું ઇચ્છતા હોય છે. આપણું બૂરું ઇચ્છતા અને બોલતા લોકોની વાતને આપણે ધ્યાનથી સાંભળતા હોઇએ છીએ, પણ જેને આપણી પરવા છે એની વાતને આપણે સિરિયસલી લેતા નથી.
પ્રેમ, લાગણી અને સંવાદને સીધો સંબંધ છે. પોતાની વ્યક્તિને સમય આપવાનો એક અર્થ એ પણ થાય છે કે, પોતાની વ્યક્તિની વાત સરખી રીતે સાંભળવી. એક યંગ કપલ હતું. તેને હંમેશાં એવો ડર લાગતો હતો કે, આપણો સંબંધ આવો ને આવો રહેશે તો ખરોને? એક વખત તેનો ભેટો એક વૃદ્ધ કપલ સાથે થઇ ગયો. બંનેએ તેમને પૂછ્યું, તમારા સુખી દાંપત્યનું રહસ્ય શું છે? એમણે કહ્યું, તમે આવ્યા એ પહેલાં તમે જોયું હશે કે અમે બંને અમારી વાતમાં ઓતપ્રોત હતાં. આ જ અમારા દાંપત્યનું રહસ્ય છે. અમે એકબીજાની વાત પૂરી ઉત્કટતાથી સાંભળીએ છીએ. બે જિસ્મ એક જાનની વાત ભલે થતી હોય, પણ એટલું જ મહત્ત્વનું એ છે કે, બે જીભ અને એક સંવાદ. અમે વાત કરીએ ત્યારે એ વાત એની કે મારી નથી હોતી, એ વાત અમારી હોય છે. ભલેને પછી એ વાત કોઇની પણ હોય. એ કહે છે એટલે એ અમારી થઇ જાય છે. જિંદગીમાં એક વ્યક્તિ સાથે સંવાદમાં ઓતપ્રોત થઇ જવાય તો પણ ઘણું છે. તમે બસ એટલું ધ્યાન રાખજો કે, જ્યારે બેમાંથી એક વાત કરે ત્યારે મોબાઇલ સાઇડમાં રાખી દેજો! અત્યારે થાય છે એવું કે, એક વ્યક્તિ વાત કરે ત્યારે બીજાનું ધ્યાન મોબાઇલમાં હોય છે. એ જવાબ આપે તો પણ મોબાઇલમાં જોતાં જોતાં આપશે. જ્યાં સુધી આંખમાં આંખ પરોવીને વાત થતી નથી ત્યાં સુધી સંવાદ પણ આંધળો અને અધૂરો રહે છે. વડીલની આ વાત સાંભળીને છોકરીને થોડીક મસ્તી સૂઝી. તેણે કહ્યું, એ તો તમારા જમાનામાં મોબાઇલ નહોતોને એટલે! બાકી તમને ખબર પડત! આ વાત સાંભળીને વૃદ્ધ મહિલાએ કહ્યું, હા ત્યારે મોબાઇલ નહોતા, પણ એમને વાંચવાનો સખત શોખ હતો. જ્યારે હું વાત કરવા જાઉં કે તરત જ એ હાથમાં બુક હોય કે અખબાર, એ સાઇડમાં મૂકી દેતા અને મારી વાત સાંભળતા. જમાનો કેવો હતો એ ક્યારેય મહત્ત્વનું હોતું નથી, ઇરાદો કેવો છે, પ્રેમ કેવો છે અને એકબીજાની ખેવના કેવી છે એ જ સૌથી વધુ મહત્ત્વનું હોય છે. લોકોમાં ડિસ્ટન્સ વધતું જાય છે એનું એક અને સૌથી મોટું કારણ એ છે કે, લોકોએ હવે એકબીજાની વાત સાંભળવાનું ઓછું કરી નાખ્યું છે. સંબંધ સ્વસ્થ રહે એવું ઇચ્છતા હોવ તો સંવાદને સજીવન રાખજો!
છેલ્લો સીન :
ચમત્કાર દરેક વખતે થતા નથી, જિંદગીને જીવવા જેવી બનાવવા માટે ઘણી વખત ચમત્કાર કરવા પડતા હોય છે. જેનું મન મક્કમ છે એ જ ચમત્કાર સર્જી શકે છે. હાલકડોલક મન ડુબાડે છે! – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 16 ફેબ્રુઆરી, 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *