દરેક ડિવોર્સની એક કથા હોય છે
જે વ્યથાઓમાંથી જ સર્જાઇ હોય છે
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
કોઇ લગ્ન ડિવોર્સ માટે નથી થતાં.
સપ્તપદીના ફેરા ફરતી વખતે આંખમાં આંજી રાખેલાં
સપનાં જ્યારે તૂટે ત્યારે તિરાડ ઊભી થાય છે.
તિરાડ ન પુરાય ત્યારે લગ્ન તૂટે છે
સંપત્તિ અને અભ્યાસના કારણે છૂટાછેડા થાય છે એવું
આરએસએસના વડા મોહન ભાગવતનું નિવેદન
કોઇને ગળે ઊતરે એવું નથી
છૂટાછેડાનું સૌથી મોટું કારણ શું હોય છે? લગ્ન! હળવાશમાં કહેવાતી આ વાત આપણે બધાએ અનેકવાર સાંભળી છે. ડિવોર્સનાં સાચા રિઝન્સ બહુ જુદાં હોય છે. સાવ સીધું અને સરળતાથી આપી શકાય એવું એક કારણ એ હોય છે કે, બે વ્યક્તિને એકબીજા સાથે ફાવતું કે જામતું નથી ત્યારે રસ્તાઓ ફંટાય છે. કેમ ફાવતું નથી એનાં કારણો અનેક છે. એ કારણો કપલે કપલે જુદાં હોય છે. ખરેખર ગંભીર કારણથી માંડીને વાહિયાત કારણસર ડિવોર્સ થતા રહે છે. મારો પતિ બહુ નસકોરાં બોલાવે છે, એવું કારણ આપીને પણ ડિવોર્સની અરજીઓ થઇ છે. મુંબઇનો એક સાવ સાચો કિસ્સો છે. જૂહુમાં રહેતી છોકરીના મેરેજ ઘાટકોપરમાં રહેતા છોકરા સાથે થયા. છોકરીને ઘાટકોપરમાં રહેવાની મજા આવતી નહોતી. છોકરીએ પતિને કહી દીધું કે, કાં તો તું આ ઘર વેચીને જૂહુમાં ઘર લઇ લે, નહીંતર ડિવોર્સ આપી દે. ઘણી યુવતીઓને સાસુ સાથે બનતું નથી એટલે એ પતિને પણ છોડી દે છે. અમુક કારણો ખરેખર જેન્યુન હોય છે. પતિ મારઝૂડ કરતો હોય અને પત્નીનું જીવવું હરામ કરી નાખતો હોય તો પછી કોઇ સ્ત્રી શું કરે? આપણા સમાજમાં છૂટાછેડા આજે પણ એક ટેબુ છે. ડિવોર્સની વાતમાં બધાને રસ પડે છે. જોયું? એનું છૂટું થઇ ગયું. ભાગ્યે જ એવું સાંભળવા મળે છે કે, સારું થયું બંને છૂટા થઇ ગયા, બેમાંથી એકેયને જીવવાની મજા આવતી નહોતી.
આપણે મોટાભાગે મારઝૂડની વાતો કરતા હોઇએ છીએ. માનસિક અત્યાચારને આપણે ગણતા જ નથી. પત્નીને હાથ પણ ન અડાડતો માણસ બોલે, ચાલે અને વર્તને ક્રૂર હોઈ શકે છે. વૈચારિક, સૈદ્ધાંતિક અને સાંસ્કૃતિક મતભેદો પણ ડિવોર્સનું નાનું કારણ નથી. હમણાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે એવું નિવેદન કર્યું કે, છૂટાછેડાના કિસ્સાઓમાં વધારો થયો છે. લોકો નક્કામા કારણસર લડે છે. શિક્ષિત અને સંપન્ન પરિવારોમાં આવી ઘટનાઓ વધુ બને છે. શિક્ષણ અને સંપત્તિથી અભિમાન આવે છે. ફિલ્મ અભિનેત્રી સોનમ કપૂરે ટ્વીટ કરીને લખ્યું કે, કયો સમજદાર માણસ આવું બોલે છે? વિચિત્ર અને મૂર્ખામીભરેલું નિવેદન! ભાગવતનું નિવેદન કોઇને ગળે ઊતરે એવું તો નથી જ. શિક્ષણથી સમજ વધે છે. જો એટલી સમજ આવે કે, મારી સાથે ખોટું થઇ રહ્યું છે તો એ શિક્ષણની સાર્થકતા છે. એજ્યુકેટેડ અને વેલ ટુ ડુ ફેમિલીમાં જ ડિવોર્સ થાય છે એવું કહેવું પણ જરાયે વાજબી નથી.
અગાઉના સમયમાં સ્ત્રીઓ સાસરે ગયા પછી બધું સહન કરી લેતી હતી. પતિને પરમેશ્વર માનીને રહેવાની સલાહો મા-બાપ અને પરિવારજનો દ્વારા જ અપાતી. કોઇએ છોકરાઓને ક્યારેય એવું કહ્યું જ નથી કે, પત્નીને દેવી માનજે. મૂલ્યો, સંસ્કારો અને આદર્શોના નામે ઘણી મહિલાઓની જિંદગી બરબાદ થઇ છે અને હજુ પણ થઇ રહી છે. પિયર પાછી જઇ ન શકતી યુવતી છુટકારો મેળવવા કૂવો પૂરતી કે બળી મરતી. હવેની યુવતી એજ્યુકેટેડ છે. સમજે છે. થપ્પડ ફિલ્મમાં તાપસી પન્નુને કહેવામાં આવે છે કે, એક થપ્પડ જ મારી છે ને? તેના જવાબમાં તાપસી કહે છે કે, હા લેકિન નહીં માર શકતા. આ વાતને આપણો સમાજ ક્યારે સમજશે? આજે ઘણાં ઘરોમાં કજોડાંઓ જીવવા ખાતર જીવે છે.
થોડીક વાતો એવી પણ થાય છે કે, અત્યારના યંગસ્ટર્સમાં સહનશક્તિ અને સમજશક્તિ ઘટી છે. કોઇ જરાયે જતું કરતું નથી. હશે, અમુક કિસ્સાઓ એવા હશે, પણ આજની જનરેશન અગાઉની પેઢી કરતાં વધુ સમજુ, શાણી અને સ્પષ્ટ છે. એ એકબીજા પાસે વાજબી અપેક્ષાઓ રાખે છે. એનું કારણ એ છે કે, બંને કમાય છે. બંને મહેનત કરે છે. કામ કરીને બંને ઘરે આવે એ પછી પત્ની એવી અપેક્ષા રાખે કે પતિ કામ કરવામાં મદદ કરે તો એમાં શું ખોટું છે? હવેના બોય્ઝ પણ પત્નીને મદદ કરવામાં કોઇ સંકોચ નથી રાખતા. સમય બદલાયો છે. હવે એવું નથી કે સ્ત્રી ઘરનું કામ સંભાળે અને પતિ કમાઇને લાવે. બંને સાથે મળીને બધું કરે છે. ન ફાવે તો પ્રેમથી છૂટા પડતા પણ બંનેને આવડે છે. આક્ષેપો, ફરિયાદો કે વિવાદો કર્યા વગર છૂટું પડવું એ પણ સમજદારીની નિશાની જ છે. થોડા સમય અગાઉ જ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાંચવા મળી હતી. ઉપર લખ્યું હતું, હેપીલી ડિવોર્સ્ડ. એમાં તેણે પોતાના પતિને થેંક્યૂ પણ લખ્યું હતું કે, આટલો સમય તું સાથે રહ્યો. સાથે સોરી પણ લખ્યું હતું કે, આપણે સાથે રહી ન શક્યાં. સારી જીવનસાથી મળી જાય એ માટે શુભકામનાઓ પણ પાઠવી. આવા કિસ્સાઓની સાથે ઢગલાબંધ એવા કિસ્સાઓ પણ છે જેમાં બેમાંથી એક પાર્ટનર ડિવાર્સ આપવામાં પણ દેખાડી દેવાની વૃત્તિ રાખે છે. મને દુ:ખી કરી છે કે મને દુ:ખી કર્યો છે એટલે તને પણ સુખી થવા નહીં દઉં! આવી રીતે પણ ઘણા ચેન લેવા દેતા નથી. આપણી કાનૂની પ્રક્રિયા ડિવોર્સમાં પણ એટલી જ ધીમી છે.
હા, ડિવોર્સના કેસીસમાં વધારો થયો છે. આંકડામાં નથી પડવું. સાચી વાત એ છે કે, છોકરો હોય કે છોકરી, એની પાસે પોતાના લાઇફ પાર્ટનર વિશે પૂરેપૂરી ક્લેરિટી છે. ન ફાવે તો એ સાથે બેસી, વાત કરીને છૂટા પડી શકે છે અને મૂવ ઓન થઇ જાય છે. સાચા અને સારા સમાજે આવી સમજદારીનો આદર કરતા પણ શીખવું પડશે. ન ફાવે તોયે લડી ઝઘડીને ધરાર રહેવાનો કોઇ અર્થ હોતો નથી. છૂટાછેડા લેવામાં પણ દેખાડી દેવાની કે વેર લેવાની વૃત્તિ ઘટે એ જરૂરી છે. સાથે રહો તો પ્રેમથી જીવો અને સાથે રહી શકો તેમ ન હોવ તો પ્રેમથી જુદા પડો. મનને રોજેરોજ મારીને જીવવા કરતાં જુદા થવામાં કશું જ ખોટું નથી. છેલ્લે માત્ર એટલું જ વિચારવું કે ખરેખર કોઇ જ રસ્તો બચ્યો નથી? કોઇ માણસ ખુશીથી ડિવોર્સ લેતો નથી, કારણ કે કોઇ લગ્ન ડિવોર્સ લેવા માટે થયાં હોતાં નથી.
પેશ-એ-ખિદમત
કુબૂલ કૈસે કરું ઉનકા ફૈંસલા કિ યે લોગ,
મેરે ખિલાફ હી મેરા બયાન માંગતે હૈં,
હદફ ભી મુઝકો બનાના હૈ ઔર મેરે હરીફ,
મુઝી સે તીર મુઝી સે કમાન માંગતે હૈં.
(હદફ – નિશાન) – મંજૂર હાશમી
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 23 ફેબ્રુઆરી 2020, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com