જેને નથી સમજવું એ
નથી જ સમજવાના!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
કંઈ હવે કહેવું નથી એવું નથી,
મૌન પણ રહેવું નથી એવું નથી,
આમ તો અક્ષર છે એ કેવળ અઢી,
તોય પંડિત થઈ જવું સહેલું નથી.
-માધવ રામાનુજ
દરેક માણસના જિંદગી વિશેના પોતાના ખયાલો હોય છે. દરેકની એક ચોક્કસ માનસિકતા હોય છે. આપણને અમુક વાત ગમે છે. કેટલીક વાત એવી હોય છે જે આપણને પસંદ પડતી નથી. આવું કરાય, આવું ન કરાય, આવું તો મારાથી ન જ થાય, આપણે બધા આવું કંઈક ને કંઈ માનતા હોઈએ છીએ. આવું માનવા પાછળ દરેકનાં પોતાનાં લોજિક પણ હોય છે. ગમા અને અણગમા, પસંદ અને નાપસંદ જ એક માણસને બીજા માણસથી અલગ પાડે છે. દરેકની પોતાની આગવી ઓળખ હોય છે. એ સારી પણ હોઈ શકે અને ખરાબ પણ હોઈ શકે, જેવી હોય એવી ઓળખ લઈને માણસ જીવતો હોય છે. અમુક લોકો એવા હોય છે જેને બીજા લોકોથી બહુ ફેર પડે છે. અમુક લોકો એવા પણ હોય છે, જેને બીજાથી નયા ભારનો ફેર પડતો નથી. જેને જે કહેવું હોય એ કહે, જેને જે માનવું હોય એ માને, મને તો જે ગમશે એ જ હું કરીશ.
દરેક માણસને જિંદગીમાં ક્યારેક તો એવો સવાલ થાય જ છે કે, હવે મારે શું કરવું? અમુક સમયે દરેક માણસને માર્ગદર્શનની જરૂર પડે છે. આપણને જે માર્ગદર્શન આપે છે અથવા તો આપણે જેની પાસેથી માર્ગદર્શન મેળવીએ છીએ, એની કક્ષા કેવી છે એ બહુ મહત્ત્વનું હોય છે. દિશા ચીંધનારો ડાહ્યો હોવો જોઈએ. આપણે કોનું માનીએ છીએ એના ઉપરથી પણ આપણું માપ નીકળતું હોય છે. એક યુવાનની આ વાત છે. એ પરીક્ષાની તૈયારી કરવામાં અને વાંચવામાં કોન્સન્ટ્રેટ કરી શકતો ન હતો. તેણે એક મિત્રને વાત કરી. રોજ વાંચવા બેસું ને કંઈ કંઈ થાય છે. કાં કોઈ મળવા આવી જાય અને કાં તો ફોન આવી જાય. ફોનમાં મેસેજના બિપર પણ વાગ્યા જ રાખે. એ મિત્રએ સલાહ આપી. તું એક કામ કર. આખો દિવસ સૂતા રહેવાનું અને આખી રાત વાંચવાનું! રાતે બહુ શાંતિ હોય એટલે તું સ્ટડીમાં ધ્યાન આપી શકીશ. યુવાને આ સલાહ માની લીધી. થયું એવું કે આખી રાત જાગવાના કારણે એ બીમાર પડ્યો. તેના એક વડીલને જ્યારે રાતે જાગવાની વાત ખબર પડી ત્યારે એણે કહ્યું કે, કયા ગાંડાએ આવી સલાહ આપી તને? તેં પાછી એની વાત માની પણ લીધી. એણે એમ કેમ ન કહ્યું કે, દિવસે સ્ટડી વખતે તારો ફોન બંધ કરી દેજે. કોઈ મળવાની વાત કરે તો પ્રેમથી ના કહી દેજે. તને જેણે આખી રાત જાગવાની સલાહ આપી એને તેં પૂછ્યું ખરું કે, તું આખી રાત જાગતો હતો? માન કે એ જાગતો હોય તો પણ એણે તારા વિશે એવો વિચાર કર્યો છે કે, આને આખી રાત જાગવું ફાવશે કે કેમ? જિંદગીનો અમુક તબક્કો એવો હોય છે જ્યારે આપણને આપણી નજીકની વ્યક્તિની વાત સાચી લાગતી હોય છે. એ સાચી જ હોય એવું જરૂરી નથી. હા, એ આપણાં મા-બાપ, શિક્ષક, વડીલ કે કોઈ સમજુ માણસ હોય તો વાત જુદી છે. અણસમજુની વાત માનવામાં મોટું રિસ્ક હોય છે.
માણસ કોની સલાહ લે છે અને કોની સલાહ માને છે, એનો આધાર એ પોતે પણ શું વિચારે છે એના પર રહેલો છે. આપણે ઘણાની સલાહ લઈએ છીએ, પણ બધાની સલાહ માનતા નથી. આપણે એવું શા માટે કરીએ છીએ? બીજા લોકો જે વાત કરે છે એ એની સમજ મુજબની હોય છે. એની વાતને આપણે આપણી સમજ સાથે સરખાવીએ છીએ. જો એ મેચ થાય તો જ આપણે એ વાત માનીએ છીએ. મોટાભાગે તો માણસને સલાહ કે માર્ગદર્શન જોતું જ હોતું નથી, એને તો એ પોતે જે માને છે એનું અનુમોદન જ જોઈતું હોય છે. એને એવી ખાતરી જોઈતી હોય છે કે, હું જે વિચારું છું એ વાજબી છે.
સલાહ ક્યારે આપવી એ સમજવાની પણ બહુ જરૂર હોય છે. કોઈ સલાહ માંગે અને આપો એ બરોબર છે. કોઈ કંઈ પૂછે નહીં અને આપણે સલાહ આપીએ એ વાત વાજબી નથી. જ્યાં તમારા શબ્દોની જરૂર ન હોય ત્યાં મૌન રહેવું એ જ શાણપણ છે. એક છોકરીની આ વાત છે. એક વખત એક સ્વજને વાત વાતમાં એવું કહ્યું કે, તારે આમ કરવું જોઈએ. આ વાત સાંભળીને છોકરીએ કહ્યું કે, મેં તમને પૂછ્યું? એ સ્વજને કહ્યું કે, ના તેં પૂછ્યું તો નથી, પણ મને એમ થયું કે મારે કહેવું જોઈએ. છોકરીએ કહ્યું, તમને કેમ એવું લાગ્યું કે તમારે કહેવું જોઈએ? તમને આવો અધિકાર કોણે આપ્યો? આપણે ક્યારેય કોઈને વાત કરતા પહેલાં કે સલાહ આપતા પહેલાં એટલું વિચારીએ છીએ ખરા કે મને આવું કહેવાનો કોઈ અધિકાર છે ખરો? ક્યારેક માણસ મોટી ઉંમરના હોય ત્યારે એ માની લે છે કે, મને સલાહ આપવાનો અધિકાર છે.
એક વિદ્વાન માણસની આ વાત છે. આખા સમાજમાં એનું સ્થાન. બધા લોકો એની સલાહ લેવા આવે. એક વખત એક ભાઈ કોઈ નિર્ણય લેતા પહેલાં તેમની સલાહ લેવા આવ્યા. એ માણસે પોતાની રીતે તર્કો આપીને બધી વાત કરી. પેલા માણસને તેની વાત સાચી લાગી. એને સવાલ થયો કે, આ વિદ્વાન માણસ આટલી સારી રીતે સલાહ આપે છે તો પછી એના ઘરના વ્યક્તિ કેમ મન ફાવે એ રીતે રહે છે? એના પરિવારનો એક યુવાન તો આડા રસ્તે હતો. એ ભાઈએ વિદ્વાન માણસને પૂછ્યું કે, તમે તમારા પરિવારના યુવાનને કેમ કંઈ સલાહ આપતા નથી? વિદ્વાન માણસે કહ્યું, એનું કારણ એ છે કે એ ક્યારેય કંઈ પૂછતો નથી. પૂછે તો હું ચોક્કસ જવાબ આપું. જે પૂછતો નથી એ માનવાનો કઈ રીતે?
જેને ન માનવું હોય એને કોઈ મનાવી ન શકે. આપણે ઘણી વાર એવું કહેતા હોઈએ છીએ કે, હું તો એને વાત સમજાવી સમજાવીને થાકી ગયો, પણ એને ક્યાં કોઈની વાત માનવી છે? એને તો પોતાનું ધાર્યું જ કરવું છે! આપણને ખબર હોય કે, આ વ્યક્તિને હું જે કહેવાનો છું એ વાત એ માનવાનો નથી, તો પછી એને સમજાવવો એ આપણી અણસમજ છે. આપણે તો ગુસ્સામાં ક્યારેક એવું પણ કહી દેતા હોઈએ છીએ કે, મારી વાત માનવી હોય તો માન, બાકી તને ઠીક લાગે એમ કર! અમુક લોકોને સમજાવવાનો પ્રયાસ કરીને આપણે આપણી એનર્જી જ વેડફતા હોઈએ છીએ.
બધા આપણી વાત માને એવું જરૂરી નથી. આપણી વાત ધરાર મનાવવાનો પ્રયાસ કરવો એ પણ એક જાતનો અત્યાચાર જ છે. કોઈ પૂછે તો પણ આપણને જે યોગ્ય લાગે એ કહી દેવાનું, એ પછી માનવું કે ન માનવું એ એના પર છોડી દેવાનું. એ ન માને અને એના નિર્ણયમાં ખોટો પડે તો પણ એવું કહેવું વાજબી નથી કે, હું તો તને પહેલેથી કહેતો હતો. તારે માનવું જ ક્યાં હતું? હવે ભોગવો તમારાં કર્યાં! એક પિતા-પુત્રની આ વાત છે. એક મામલે પિતાએ પુત્રને સલાહ આપી. દીકરાએ સારી ભાષામાં કહ્યું કે, પપ્પા મને તમારી વાત યોગ્ય નથી લાગતી. હું જે મને યોગ્ય લાગે એ કરું? પિતા સમજુ હતા. તેણે કહ્યું કે, તને જો મારી વાત સાચી ન લાગતી હોય તો ચોક્કસપણે તને જે યોગ્ય લાગે એમ તારે કરવું જોઈએ. બનવાજોગ છે કે, હું ખોટો પણ હોઉં! દીકરાએ પોતાની રીતે નિર્ણય લીધો. દીકરાએ જે ધાર્યું હતું એવું ન થયું.
પિતા પાસે આવીને દીકરાએ કહ્યું કે, હું ખોટો ઠર્યો. મારો નિર્ણય સાચો નહોતો. પિતાએ કહ્યું કે, ઇટ્સ ઓકે. દરેક નિર્ણય સાચા ઠરે એવું જરૂરી હોતું નથી. દીકરાએ પૂછ્યું, તમને એમ નથી થતું કે, હું તમારી વાત ન માન્યો? પિતાએ કહ્યું, ના મને એવું જરાયે થયું નથી. પિતાએ પછી જે વાત કરી એ વધુ મહત્ત્વની હતી. તેમણે કહ્યું કે, મા-બાપની એ પણ ફરજ છે કે પોતાનાં સંતાનોને ભૂલ કરવાનો અધિકાર આપે. ભૂલો તો થાય. ભૂલ પણ એક જાતનું શિક્ષણ જ છે, જે આપણને શીખવે છે કે ખોટું ડગલું ક્યાં ભરાઈ ગયું હતું અને ભવિષ્યમાં આવું ન થાય તેના માટે શું કરવું?
દરેક માણસને એ ખબર હોય છે કે એની ફરજ શું છે. એણે બસ એટલું ધ્યાન રાખવાનું હોય છે કે, ફરજની મર્યાદા શું છે? ક્યાં અટકી જવું એની જેને ખબર છે એ શાણો માણસ છે. સલાહ કે માર્ગદર્શન આપવામાં પણ એક હદ એવી આવે છે જ્યાં તમારે ફુલસ્ટોપ મૂકવાનું હોય છે. દરેકની પોતાની જિંદગી હોય છે. સાચી આઝાદી એ છે કે આપણે આપણા લોકોને એને ગમે એવો નિર્ણયો લેવા દઈએ. કોચનું કામ ખેલાડીને મેદાનની બહાર જ માર્ગદર્શન આપવાનું છે. ગેમ ચાલુ થાય પછી તો ખેલાડીએ રમતના મેદાનમાં પોતાની રીતે જ રમવાનું હોય છે. કયો બોલ પ્લેડ કરવો અને કયા બોલે સિક્સર મારવી એ તો ખેલાડીએ બોલ અને મેદાનની વ્યૂહરચના પરથી જ નક્કી કરવું પડે છે. સલાહ આપતી વખતે એવું સમજાવવું પણ જરૂરી છે કે, હું જે કહું છું એ મારું માનવું છે. એ સાચું જ હોય અને ખરું જ પડે એવું જરૂરી નથી. સાચો સંબંધ એ જ છે જેમાં આપણી વ્યક્તિને ખબર હોય કે, ગમે તે થાય, દરેક સંજોગોમાં તમે એની સાથે હશો. આંસુ લૂછવાનાં હોય કે પીઠ થાબડવાની હોય ત્યારે આપણો હાથ મોજૂદ હોય એ જ સંબંધની ઉત્કૃષ્ટ અનુભૂતિ છે.
છેલ્લો સીન :
જે વ્યક્તિ પોતાનું સન્માન જળવાય એવું ઇચ્છતી હોય એમણે ક્યાંય ‘ધરારી’ કરવી ન જોઈએ. -કેયુ
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 04 ડિસેમ્બર 2019, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com