લગ્નની પરીક્ષા પાસ કરી દેવાથી દાંપત્યજીવન સફળ થાય ખરું? – દૂરબીન : કૃષ્ણકાંતઉનડકટ

લગ્નની પરીક્ષા પાસ કરી દેવાથી

દાંપત્યજીવન સફળ થાય ખરું?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

લગ્નજીવનને સફળ બનાવવા માટે ઇન્ડોનેશિયામાં

ત્રણ મહિનાનો પ્રિ-વેડિંગ કોર્સ શરૂ થવાનો છે.

ભણીને પછી પરીક્ષા પણ આપવાની!

ફેલ થાવ તો લગ્ન કરી ન શકો!

દાંપત્યજીવનને સફળ બનાવવા કોઇ એક ફોર્મ્યુલા

આપી ન શકાય, એ તો કપલે કપલે જુદી જુદી હોય છે

લગ્ન વિશે એક વાત આપણે વારંવાર સાંભળતા રહીએ છીએ કે, મેરેજીસ આર મેઇડ ઇન હેવન. લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે. માની લઇએ કે લગ્ન સ્વર્ગમાં નક્કી થાય છે, પણ એને જીવવાના તો ધરતી પર જ હોય છે. લગ્ન વિશે ડાહી ડાહી વાતો થતી રહે છે. લગ્ન બે આત્માઓનું મિલન છે. સપ્તપદીના ફેરા ફરીને વર-વધૂ સાત જન્મના સાથનો કોલ આપે છે. આપણે એકબીજાને સુખી કરીશું એવું વચન આપવામાં આવે છે. આ બધું લગ્નના માંડવામાં હોય છે. માંડવામાંથી બહાર નીકળીએ કે તરત જ ઘણી બધી વાસ્તવિકતાઓ સામે આવવા લાગે છે. એકબીજા વિશે બધું જાણીને, સમજીને અને વિચારીને લગ્ન કરવામાં આવે તો પણ કોઇ વ્યક્તિ દાંપત્યજીવન સુખી અને સફળ રહેશે એની ગેરંટી આપી ન શકે. બે અલગ અલગ રીતે મોટી થયેલી અને જુદી જુદી રીતે વિચારતી વ્યક્તિઓ સાથે રહેવાનું શરૂ કરે ત્યારે ઘણા સવાલો સર્જાતા હોય છે. બધા લોકો આ સવાલોના જવાબો શોધી શકતા નથી. સવાલોના જવાબો ન મળે તો સવાલો વધતા જાય છે અને છેલ્લે એક જ જવાબ મળે છે કે, હવે સાથે નથી રહેવું.

લગ્ન માટે દરેકનું પોતાનું લોજિક હોય છે. એક છોકરીને જ્યારે પૂછવામાં આવ્યું કે, લગ્ન કરીને તારે શું કરવું છે? એ છોકરીએ જવાબ આપ્યો, લગ્ન કરીને મારે સુખી થવું છે અને મને એ વાતની ખબર છે કે હું મારા પતિને સુખી કરીને જ સુખી થઇ શકું. લગ્ન પછી સુખ પણ સહિયારુ બને છે. લગ્નજીવન સફળ બનાવવા માટે કોઇ એક ફોર્મ્યુલા આપી શકાય નહીં, તેની ફોર્મ્યુલા કપલે કપલે જુદી હોય છે. આપણે અનેક કિસ્સામાં એવું જોયું છે કે, બે તદ્દન જુદું વ્યક્તિત્વ ધરાવનારાઓ પણ સુખેથી સાથે જીવતા હોય છે. તેનાથી વિપરીત બે બુદ્ધિશાળી ગણાતા માણસો પણ સાથે રહી શકતા ન હોવાના અનેક કિસ્સાઓ આપણી સામે છે. એક મોટી ઉંમરના કપલને પૂછવામાં આવ્યું કે, તમારા લગ્નજીવનની સફળતાનું રહસ્ય શું? બંનેએ સાથે મળીને કહ્યું કે, પ્રેમ થોડોક ઓછો હોય તો ચાલશે, સમજદારી વધુ હોવી જોઇએ. એક વ્યક્તિ સમજુ હોય તો પણ ન ચાલે, બંને સમજુ જોઇએ. બાકી તો દરેક વ્યક્તિએ પોતાનું લગ્નજીવન કેવી રીતે સુખી બનાવવું એ પોતાની વ્યક્તિને સમજીને નક્કી કરવાનું હોય છે. એક માણસ જે રીતે સુખી થયો હોય એ જ રીતે બીજો સુખી થઇ ન શકે.

હવે બીજી વાત, લગ્નની પરીક્ષા આપવાથી દાંપત્ય સફળ થાય ખરું? ઇન્ડોનેશિયાની સરકાર પોતાના દેશમાં એક નવો કાયદો બનાવવા જઇ રહી છે. લગ્ન પહેલાં ત્રણ મહિનાનો એક કોર્સ કરવાનો રહેશે. તેમાં છોકરાઓ અને છોકરીઓને સંબંધ, પ્રેમ, ગૃહસ્થી, માનસિકતા, આર્થિક વ્યવહાર સહિત અનેક બાબતોનું જ્ઞાન આપવામાં આવશે. કોર્સ પૂરો થાય એટલે પરીક્ષા આપવાની રહેશે. માત્ર આપવાની જ નહીં, એ પરીક્ષામાં પાસ પણ થવાનું રહેશે. જો નાપાસ થયા તો લગ્ન કરી શકાશે નહીં. આપણા દેશ સહિત દુનિયાના ધણા દેશોમાં લોકો લગ્ન પહેલાં મેરેજ કાઉન્સેલિંગ માટે જાય છે. અમુક લોકો લગ્નજીવનમાં સમસ્યાઓ આવે ત્યારે પણ કાઉન્સેલરની સલાહ લેવા જાય છે. આપણે ત્યાં હજુ આવો ટ્રેન્ડ ઓછો છે, પણ વિદેશમાં પ્રિમેરેજ કાઉન્સેલિંગનું મહત્ત્વ ઘણું છે. પરીક્ષા હોય કે કાઉન્સેલિંગ છેલ્લે તો બે વ્યક્તિની સમજણ જ મહત્ત્વની બનતી હોય છે.

બે વ્યક્તિ સાથે રહેવા લાગે ત્યારે ડિફરન્સ ઓફ ઓપિનિયન તો થવાનો જ છે. કોઇ મામલે મતભેદ થાય એ સ્વાભાવિક છે, પણ મનભેદ થાય તો તકલીફ શરૂ થાય છે. હું કહું એ જ સાચું, હું કહું એમ જ કરવાનું, મને બધી ખબર પડે છે એવી વાતો જ્યારે આવે ત્યારે ગાડી પાટા ઉપરથી ઊતરી જવાનું જોખમ ઊભું થાય છે. ઇગો અંતરાયો ઊભા કરે છે. હું શા માટે નમું? હું શા માટે જતું કરું? ભૂલ મારી નથી પણ એની છે. ભૂલ ગમે તેની હોય, પણ લગ્નજીવન બંનેનું તૂટતું કે તરડાતું હોય છે. ઘણા કિસ્સામાં એકબીજાને નિભાવી લેવાતા હોય છે. નિભાવવું એ સુખની નિશાની નથી. સાથે રહેતા હોય એમાંથી પણ કેટલા સુખી હોય છે?

આપણે ત્યાં વળી એવું પણ કહેવાય છે કે, લગ્ન એ બે વ્યક્તિ નહીં, પણ બે પરિવારોનું મિલન છે. આ વાત સાવ ખોટી પણ નથી. આપણે ત્યાં લગ્નજીવનને સફળ બનાવવા માટે પરિવાર પણ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. ગુજરાતના જ એક મેરેજ કાઉન્સેલરે કહેલી આ વાત છે. અત્યારનો એક પ્રોબ્લેમ વહુનાં સાસુ-સસરા સાથેના સંબંધો છે. વહુને માત્ર પતિ સાથે પોતાની રીતે રહેવું છે. પત્ની અને માતા વચ્ચે મરો પુરુષનો થાય છે. બે છેડા વચ્ચે એ એવો ખેંચાય છે કે, એ બેમાંથી કોઇનો રહેતો નથી. સુખી લગ્નજીવન માટે અમુક વાત સમજવી જરૂરી છે. એક તો તમારી વ્યક્તિ જેવી છે એવી સ્વીકારો. એને સુધારવાનો કે બદલવાનો પ્રયાસ ન કરો. તમારી વ્યક્તિને એના સમગ્ર અસ્તિત્વ સાથે અપનાવો. જતું કરવાની આદત રાખો. માફ કરવાની તૈયારી રાખો. થોડુંક ભૂલતા શીખો. બધી વાતની ગાંઠ બાંધીને બેઠા ન રહો. અબોલા ટાળો. સંવાદને સજીવન રાખો. એકબીજાની ભૂલો કાઢવાનું બંધ કરો. એકબીજાને અનુકૂળ થતા રહો. કોઇની સાથે તમારી વ્યક્તિ કે તમારી પરિસ્થિતિની સરખામણી ન કરો. આવી બધી વાતો બંનેને લાગુ પડે છે. એક જ કરે તો મેળ ન પડે, કારણ કે દાંપત્યજીવન કોઇ એકનું નહીં બંનેનું હોય છે. આ બધાની સાથે પાયામાં પ્રેમ હોવો જોઇએ, વફાદારી હોવી જોઇએ અને વિશ્વાસ હોવો જોઇએ.

પેશ-એ-ખિદમત

રહનુમાઓં કી અદાઓં પે ફિદા હૈ દુનિયા,

ઇસ બહકતી હુઇ દુનિયા કો સંભાલો યારો,

                  લોગ હાથોં મેં લિએ બૈઠે હૈં અપને પિંજરે,        

આજ સય્યાદ કો મહફિલ મેં બુલા લો યારો.

– દુષ્યંતકુમાર

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 08 ડિસેમ્બર 2019, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: