હ્યુમન લાઇબ્રેરી : શું માણસને વાંચવો,
લખવો અને સમજવો શક્ય છે?
![](http://chintannipale.in/wp-content/uploads/2019/11/203.jpg)
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
દેશ અને દુનિયામાં હવે ‘હ્યુમન લાઇબ્રેરી’નો નવો કન્સેપ્ટ
આવ્યો છે. હવે માણસને પોતાના ગમતા વિષયોની વાતો
કરવા માણસ ભાડે મળે છે! લોકોને આવી જરૂરત કેમ પડે છે?
દિવસે ને દિવસે માણસ એકલો પડતો જાય છે! સંબંધનું
પોત પાતળું પડે ત્યારે સંવાદ માટે ફાંફાં મારવાં પડે છે.
સમયની સાથે બધું બદલતું રહે છે. આ બદલાવ એવો છે જેને કોઇ રોકી શકતું નથી. દરેક ચેઇન્જ પોઝિટિવ હોય એવું જરૂરી નથી અને એવું શક્ય પણ નથી. ટેક્નોલોજી બદલાઇ છે. સુખ અને સુવિધાનાં ઢગલાબંધ સાધનો માણસની લાઇફને ઇઝી બનાવવા રોજેરોજ માર્કેટમાં ઠલવાતાં રહે છે. મોબાઇલની મહેરબાનીથી બધું જ આંગળીના ટેરવે મોજૂદ થઇ જાય છે. ડોર સ્ટેપ પર માંગો એ હાજર થઇ જાય છે. આનંદ અને આરામ મળી રહે તેવાં સાધનો વધતાં જ જાય છે, તો પછી સુખ અને શાંતિ કેમ ઘટતાં જતાં હોય એવું લાગે છે? માણસ કેમ મજામાં રહી શકતો નથી? બધું વધ્યું છે તો સુખ પણ વધવું જોઇએને?
આપણે વર્ચ્યુલ વર્લ્ડને વખોડતા રહીએ છીએ. એક સવાલ એ પણ થવો જોઇએ કે, એ ન હોત તો શું થાત? શું માણસ પોતાના લોકો સાથે જોડાયેલો હોત? માણસને જો પોતાના લોકો સાથે જોડાયેલા જ રહેવું હોય તો એને કોણ ના પાડે છે? આપણે હાથે કરીને ખોટો રસ્તો લઇએ અને પછી એવી ફરિયાદ કરીએ કે, હું ખોવાઇ ગયો તો એમાં વાંક રસ્તાનો કે આપણો? આપણે પહેલાં હાથે કરીને એકલા પડી જઇએ છીએ અને પછી કોઇનો હાથ અને સાથ મેળવવા ફાંફાં મારતા રહીએ છીએ! હવે માણસની એકલતાને પણ એનકેશ કરવાના ઘણા ધંધાઓ ખૂલી ગયા છે. રૂપિયા ખર્ચીને અને સમય બગાડીને માણસ એવા ખયાલોમાં રાચતો થઇ ગયો છે કે, હું જિંદગી જીવું છું. મારી લાઇફ એન્જોય કરું છું. સોશિયલ મીડિયા પર ફોટોઝ અપલોડ કરીને આપણે માત્ર દુનિયાને જ નથી દેખાડતા કે, હું મજા કરું છું, એવું કરીને આપણે આપણી જાતને પણ આશ્વાસન આપતા રહીએ છીએ કે, લાઇફ ઇઝ ગુડ!
આપણી પાસે હવે ખુલ્લા દિલે વાત કરી શકાય એવા લોકો નથી. આપણને કોઇના માટે અને કોઇને આપણા માટે સમય જ નથી. કોઇ પ્રશ્નનો જવાબ જોઇતો હોય તો મળતો નથી. વાત કરવાનું મન હોય તો પણ એ નક્કી નથી થતું કે કોની સાથે વાત કરવી? વાત કરવાની તરસ એટલે જ ક્યારેક ડૂમો બની જતી હોય છે. હવે દુનિયામાં હ્યુમન લાઇબ્રેરીનો કન્સેપ્ટ આવી ગયો છે. તમારે વાત કરવા માટે કોઇ માણસની જરૂર છે? ઓનલાઇન બુક કરાવો અને વાત કરવા માણસ મેળવો! આમ તો માણસ પુસ્તકાલયનો આ ખયાલ નવો નથી, પણ આજકાલ એ ઇનથિંગ બની ગયો છે. ડેન્માર્કના કોપનહેગનમાં રોન્ની એબર્જેલે 2000ની સાલમાં હ્યુમન લાઇબ્રેરી શરૂ કરી હોવાનું મનાય છે. આજે 80 દેશોમાં હ્યુમન લાઇબ્રેરી છે. પહેલી પરમેનન્ટ હ્યુમન લાઇબ્રેરી ઓસ્ટ્રેલિયાના લિસમોરમાં વર્ષ 2006માં શરૂ થઇ હતી. આપણા દેશમાં પણ મુંબઇ, દિલ્હી, હૈદરાબાદ, બેંગ્લોર સહિત અનેક શહેરોમાં હ્યુમન લાઇબ્રેરી ખૂલી ગઇ છે. તમારે તમારા પસંદગીના વિષયો સાથે રજિસ્ટ્રેશન કરાવવાનું એટલે તમને એ વિષયના જાણકાર વાત કરવા મળી જાય.
હ્યુમન લાઇબ્રેરીના ફાયદા ગણાવનારા લોકો કહે છે કે, તમને તમારી ગમતી કંપની મળી રહે છે. જો ફિઝિકલ રિલેશન માટે બધું અવેલેબલ હોય તો મેન્ટલ સેટિસ્ફેક્શન માટે શા માટે વ્યવસ્થા ન હોવી જોઇએ? મનની પણ એક ભૂખ હોય છે. મજાની વાત એ છે કે, બુક્સની લાઇબ્રેરીના સભ્યો ઘટતા જાય છે અને હ્યુમન લાઇબ્રેરીની ડિમાન્ડ સતત વધતી જ જાય છે. રોજેરોજ નવી હ્યુમન લાઇબ્રેરીઓ ખૂલતી જાય છે અને બુક્સની લાઇબ્રેરીના પડદા પડતા જાય છે. હ્યુમન લાઇબ્રેરીનો લાભ લેતા લોકો પોતાના અનુભવો શેર કરતા રહે છે. એક યુવાને કહ્યું કે, હું નવા શહેરમાં જોબ માટે ગયો, ત્યાં મારે કોઇ ફ્રેન્ડ નહોતો. મેં હ્યુમન લાઇબ્રેરીમાંથી માણસ બોરો કરી લીધો! બીજી એક યુવતીએ વળી એવી વાત કરી કે, મને જે વિષયોમાં રસ છે એમાં મારા બોયફ્રેન્ડને ટપ્પો નથી પડતો, એટલે મેં હ્યુમન લાઇબ્રેરીનો સહારો લીધો. ત્રીજી વ્યક્તિએ જે વાત કરી એ આજના સમાજનું નવું રૂપ દેખાડે છે. તેણે કહ્યું કે, એની સાથે વાત કરી લઇએ પછી એનો પનારો રહેતો નથી! એને પેમ્પર કરવો પડતો નથી! એને આપણી પાસે વધુ કોઇ અપેક્ષાઓ હોતી નથી. વાત કરી લીધા પછી તું તારા રસ્તે અને હું મારા રસ્તે!
માણસને હવે પોતાની વ્યક્તિની અપેક્ષાઓ સંતોષવાનો પણ બોજ લાગી રહ્યો છે. પોતાનો સ્વાર્થ હોય ત્યાં સુધી એને વાંધો નથી, પણ કોઇના માટે કંઇ કરવાનું આવે ત્યારે એને જોર પડે છે. દુનિયાના મનોચિકિત્સકો આવી હ્યુમન લાઇબ્રેરી વિશે બે જાતનાં મંતવ્યો આપે છે. એક તો એવી વાત કે, માણસ સાવ એકલો હોય અને એને કોઇ વાત કરવાવાળું મળે તો એ સારી વાત છે. એ હળવાશ અનુભવે છે. બીજો મત એવો છે કે, માણસે હવે એ ચિંતા કરવાની જરૂર છે કે એ લોકોથી કેમ દૂર થતો જાય છે? આપણી પાસે એવા મિત્રો કેમ નથી જેને આપણે કોઇ પણ જાતના સંકોચ કે ડર વગર બધી વાત કરી શકીએ? લાઇફ પાર્ટનર આપણી સાથે હોય છે ત્યારે પણ આપણને સાચા સાંનિધ્યનો અહેસાસ કેમ નથી થતો? છેલ્લે તો એવી જ સલાહ આપવામાં આવે છે કે, લોકો સાથે સંપર્કમાં રહો. થોડાક એવા મિત્રો રાખો જેની આગળ કોઇ વાતનો છોછ ન હોય. લોકોને મળતા રહો. કોઇની વાત સાંભળવાની પણ દરકાર રાખો. સંવેદનાઓ અને લાગણીઓ માત્ર સોશિયલ મીડિયા પર લખો નહીં, એને જીવો. આપણે એકલા પડી ગયા હોઇએ તો એમાં ઘણીવાર વાંક આપણો પણ હોય છે. સાચા સુખની અનુભૂતિ છેલ્લે તો આપણા લોકો સાથે જ થવાની છે. હ્યુમન સાથે ટચમાં હશો તો હ્યુમન લાઇબ્રેરીની જરૂર નહીં પડે!
પેશ-એ-ખિદમત
બિછડ કે તુજસે કિસી દૂસરે પે મરના હૈ,
યે તજરબા ભી ઇસી જિંદગી મેં કરના હૈ,
ઉદાસિયોં કે ખદ-ઓ-ખયાલ સે જો વાકિફ હૈ,
ઇક ઐસે શખ્સ કો અકસર તલાશ કરના હૈ.
– અસઅદ બદાયુની
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 01 ડિસેમ્બર 2019, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)
![](http://chintannipale.in/wp-content/uploads/2019/11/01-DECEMBER-2019-203-1000x1024.jpg)