કહી દેવાયને, એમાં ખોટું થોડું લગાડવાનું હોય! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

કહી દેવાયને, એમાં ખોટું

થોડું લગાડવાનું હોય!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

શૂન્યતાઓ આ બધી ટોળે મળી તે આપણી!

માન્યતાઓ આજ થોડી ખળભળી તે આપણી!

કેટલા યુગો સુધી જે ખૂબ રહી છે શાંત એ,

શક્યતાઓ આજ પાછી સળવળી તે આપણી.

-ડૉ. મુકેશ જોશી

આપણા સંબંધો આપણું વ્યક્તિત્વ છતું કરે છે. માણસની મેચ્યોરિટી સૌથી વધુ એના વર્તનથી વર્તાય છે. આપણી સાથે કે આપણી આજુબાજુમાં જે ઘટનાઓ બનતી રહે છે એને આપણે કેવી રીતે લઈએ છીએ? એના વિશે શું વિચારીએ છીએ? એના વિશે શું બોલીએ છીએ? દરેક માણસનો દરેક પ્રસંગ અંગે પોતાનો પ્રતિભાવ હોવાનો. મોટાભાગે આપણે બાયસ્ડ હોઈએ છીએ. આપણે વ્યક્તિને જજ કરવા માંડીએ છીએ! આપણે ક્યારેક સારું લગાડીએ છીએ. ક્યારેક આપણને ખોટું લાગી જાય છે. ખોટું હોય અને ખોટું લાગે તો હજુયે સમજી શકાય, ઘણાને તો વાતવાતમાં ખોટું લાગી જાય છે. એક માણસની આ વાત છે. તેના મિત્રએ કાર ખરીદી. કાર લઈને એ મિત્રના ઘરે ગયો. જો તો કેવી છે આ કાર? પેલા ભાઈને એમાં ખરાબ લાગી ગયું! તેં કાર ખરીદી અને મને કહ્યું પણ નહીં? મને કારમાં તારા કરતાં વધુ ખબર પડે છે. તારે પૂછવું તો જોઈએ! મિત્રએ કાર ખરીદી એની ખુશી બાજુએ જ રહી જાય છે.

આપણે ક્યારેક એવી અપેક્ષાઓ રાખતા હોઈએ છીએ કે આપણી નજીકની વ્યક્તિ કંઈ કરે તો આપણને જાણ કરે. જાણ ન કરે તો આપણને ખોટું લાગી જાય છે. આપણે નાની-નાની વાતમાં સંબંધોને દાવ પર લગાવી દઈએ છીએ. મોટાભાગના સંબંધોનો અંત ક્ષુલ્લક કારણસર આવતો હોય છે. સંબંધોમાં જ્યારે અધિકારભાવ આવે ત્યારે સંબંધો અધોગતિ નોતરે છે. અમુક લોકોનું તો આપણને ટેન્શન લાગતું હોય છે. એને જાણ કરી દેવા દે, એને બહારથી ખબર પડશે તો એનો તોબડો ચડી જશે. જે વાતને જે રીતે લેવી જોઈએ એવી રીતે લેતા બહુ ઓછા લોકોને આવડતું હોય છે. અમુક લોકો ‘રાઇટ વે’માં જ બધુ લેતા હોય છે. આપણને ખબર હોય છે કે એ ખોટું નહીં લગાડે! એ સમજુ માણસ છે!

બે બહેનપણીઓ હતી. એકને નવી જોબ મળી. તેણે સોશિયલ મીડિયા પર પોતાની નવી જોબ વિશે સ્ટેટસ અપલોડ કર્યું. આ વાંચીને તેની ફ્રેન્ડે ફોન કર્યો. તને નવી જોબ મળી એ વાંચીને ખુશી થઈ. સોશિયલ મીડિયા પર કમેન્ટ કરવાને બદલે મને થયું કે, તને ફોન કરીને જ અભિનંદન આપું. તું ખુશ છે ને? પેલી ફ્રેન્ડે કહ્યું હા દોસ્ત, હું ખૂબ ખુશ છું. બંનેએ આરામથી વાત કરી. ચાલ હવે જલદીથી તારી નવી જોબની પાર્ટી આપજે એવું કહીને તેની મિત્ર ફોન મૂકવા જતી ત્યાં તેની દોસ્તે કહ્યું, એક મિનિટ! મારે તને એક વાત કરવી છે. તારો ફોન આવ્યો ત્યારે મને સૌથી પહેલો વિચાર એ આવ્યો હતો કે, તું નારાજ થઈશ. તું એમ કહીશ કે તારા હાલચાલ હવે મને સોશિયલ મીડિયા પરથી ખબર પડે છે! આ વાત સાંભળીને તેની ફ્રેન્ડે કહ્યું, હું દોસ્ત છું. દોસ્તની ખુશીમાં ખુશી જ હોય! જોબ તને મળી, હરખ મને થયો, એટલે થયું કે ચાલને હું જ ફોન કરી લઉં. આપણી દોસ્તી એવી નથી કે, આવી વાતમાં માઠું લાગે. જ્યાં મીઠું લગાડવાનું હોય ત્યાં માઠું ન લગાડાય! પેલી મિત્રએ એવું કહ્યું કે, તને ખરાબ નથી લાગ્યું એનું મને સારું લાગ્યું!

તમને કોઈનું ખોટું લાગ્યું છે? એક સવાલ એ પણ હોય છે કે, કોના માટે ખોટું લાગે છે? આપણે બધાનું ખોટું નથી લગાડતા, અમુક લોકોનું જ આપણને ખોટું લાગે છે. એનું કારણ એ હોય છે કે, આપણને તેની પાસે અપેક્ષા હોય છે. એ મને જાણ કરે! એની જિંદગીમાં શું ચાલી રહ્યું છે એની મને ખબર હોય! એક મિત્રને તેના ફ્રેન્ડનું ખરાબ લાગ્યું. તેણે ફોન કરીને ખુલ્લા દિલે કહી દીધું કે, મને ખરાબ લાગ્યું છે. આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું, મને ગમ્યું કે તને ખરાબ લાગ્યું. તને ખરાબ લાગ્યું એનાથી મને એટલી તો ખબર પડી કે, તારી લાઇફમાં મારું એટલું ઇમ્પોર્ટન્સ છે. મને તો હતું કે, તને કંઈ ફેર જ નથી પડતો! તારા જેવા નિખાલસ લોકો પણ ક્યાં હોય છે, જે મોઢામોઢ કહી દે કે મને ખરાબ લાગ્યું છે!

અમુક લોકોને તો ખોટું લાગે પછી મનમાં જ રાખતા હોય છે. ખોટું લાગ્યું છે તો કહી દો, વ્યક્ત થઈ જાવ. અપેક્ષા પણ ક્યારેક કહેવી જોઈએ. મનમાં ને મનમાં રાખીને આપણે પોતે જ દુ:ખી થતા હોઈએ છીએ. એણે આમ કરવું જોઈએ, પણ એણે ન કર્યું? એ સમયે આપણે એવો કેમ વિચાર નથી કરતા કે, એણે તો જે કર્યું એ, પણ હું શું કરું છું? મારે શું કરવું જોઈએ? બે મિત્રો હતા. એક મિત્રએ અચાનક બીજા મિત્ર સાથે સંપર્ક ઘટાડી નાખ્યો. કોઈ વાત કે મેસેજ જ ન કરે! બીજા મિત્રને બહારથી ખબર પડી કે, એને તારું ખોટું લાગ્યું છે! આવી ખબર પડી પછી મિત્ર વિચારે ચડી ગયો. એને મારી કઈ વાતનું ખોટું લાગ્યું? મેં તો એવું કંઈ કર્યું નથી. તેણે મિત્રને ફોન કર્યો. પેલા મિત્રએ કહ્યું, જવા દેને, તને ક્યાં કંઈ ફેર પડે છે? મિત્રએ કહ્યું, બરાબર, પણ મને તું કહે તો ખરા કે તને કઈ વાતનું ખોટું લાગ્યું છે? મને તો કંઈ અણસાર જ નથી! હશે ચાલ, વાત ગમે તે હોય, હું સોરી કહું છું, હવે તું મનમાં જે હોય એ કાઢી નાખજે. આખરે પેલા મિત્રએ કહ્યું કે, બહાર ફરવા જવાની વાત હતી ત્યારે તેં બધાને પૂછ્યું. મેં એક વખત ના પાડી તો તેં બીજી વાર આવવાનું કહ્યું જ નહીં! મને આગ્રહ જ ન કર્યો. મને કીધું હોત તો હું આવત! મને લાગ્યું કે તારે મને છટકાવવો છે. આ વાત સાંભળીને તેના મિત્રએ કહ્યું, યાર તું ગજબનો છે! એવું હોય તો કહી દેવાય ને? એમાં ખોટું થોડું લગાડવાનું હોય? મારી એવી કોઈ દાનત નહોતી, છતાં તને ખરાબ લાગ્યું હોય તો સોરી. હું બીજી વાર ધ્યાન રાખીશ!

ક્યારેક તો વળી કોઈને ખોટું લાગ્યું હોય એનું પણ આપણે ખોટું લગાડીએ છીએ! એક મિત્રને ખબર પડી કે, તેના મિત્રને એક વાતે ખરાબ લાગ્યું છે. એ મિત્રએ કહ્યું, ભલે લાગ્યું ખોટું! હું પણ સોરી નથી કહેવાનો કે કોઈ ચોખવટ નથી કરવાનો! એનાથી કહેવાતું નથી? નાનકડી વાતમાં શું ખોટું લગાડવાનું હોય? અમુક લોકો સંવેદનશીલ હોય છે. એ લોકો અપેક્ષા રાખતા હોય છે. એક મિત્ર કંઈ પણ વાત હોય તો તરત જ એના ફ્રેન્ડને કહી દે. આ વિશે એક વખત તેના મિત્રએ કહ્યું કે, તું કેમ એને તરત જ બધી વાત કરી દે છે? મિત્રએ કહ્યું કે, એને બીજા પાસેથી ખબર પડે તો એને ખોટું લાગી જાય. તેના બીજા એક મિત્રએ કહ્યું, તને એવો ડર રહે છે કે, એને ખોટું લાગી જશે? આ વાત સાંભળીને મિત્રએ કહ્યું, ડર નથી, પણ મને તેના પ્રત્યે ખૂબ લાગણી છે. એને એવું થવું ન જોઈએ, પણ એને એવું થાય છે. એ મને એનો સૌથી નજીકનો મિત્ર સમજે છે. એને માઠું ન લાગે એની મને પરવા છે એટલે હું એને બધી વાત કરી દઉં છું.

તમને માઠું ન લાગે એની કોઈને પરવા છે? જો એવું કોઈ હોય તો એની કદર કરજો. આપણને કોઈ સોરી કહે એની પણ આપણને વેલ્યૂ હોવી જોઈએ. એ સોરી એટલા માટે કહેતા હોય છે કે, એને વાત લંબાવવી હોતી નથી. એણે તમને નારાજ કરવા હોતા નથી. નારાજ થયા હોય તો પણ એની દાનત તમને મનાવી લેવાની હોય છે. વાત પૂરી કરતા પણ આવડવું જોઈએ.

ખોટું લાગવાનો કે ખોટું લગાડવાનો પણ એક આનંદ હોય છે. સંબંધમાં ક્યારેક ખોટું પણ લાગવું જોઈએ. એનાથી સંબંધની ઉષ્કટતા પણ નક્કી થતી હોય છે. એક પ્રેમી અને પ્રેમિકા હતાં. પ્રેમીને પ્રેમિકાનું કોઈ વાતનું ખોટું જ ન લાગે. મળવાનું નક્કી કર્યું હોય અને પ્રેમિકા મોડી આવે તો પણ એ નારાજ ન થાય. કોઈ મેસેજ કર્યો હોય અને પ્રેમિકા જવાબ મોડો આપે તો પણ પ્રેમી કંઈ ન બોલે! પ્રેમીનું વર્તન જોઈને એક વખત પ્રેમિકાએ કહ્યું, યાર ક્યારેક તો કોઈ વાતનું ખોટું લગાડ! ક્યારેક તો તારો અધિકારભાવ જગાડ! ખોટું લગાડ તો ક્યારેક તને મનાવું, પટાવું, સોરી કહું. આટલો બધો સારો પણ ન રહે, પ્રેમમાં થોડાંક તોફાન મસ્તી પણ જરૂરી છે. આપણને ક્યારેક ચીડવવાની પણ મજા આવતી હોય છે!

સંબંધ છે તો ક્યારેક ખોટું, ખરાબ કે અયોગ્ય લાગવાનું છે. આવું થાય ત્યારે વાત કરી લો. જરૂર લાગે તો લડી પણ લો. ઝઘડો કરીને પણ વાત પૂરી થઈ જતી હોય તો એમાં કંઈ ખોટું નથી. ધ્યાન માત્ર એટલું જ રાખવાનું કે, એ વાત પૂરી થઈ જાય એની સાથે ખતમ પણ થઈ જવી જોઈએ! કંઈ મનમાં ભરી ન રાખો. સાચા, સારા, સ્વસ્થ અને સંવેદનશીલ સંબંધ માટે સ્પષ્ટતા અને નિખાલસતા હોય એ જરૂરી છે!

છેલ્લો સીન :

ખોટું લાગે ત્યારે આપણે નારાજ થઈએ છીએ. સાચું કે સારું લાગે ત્યારે આપણે કેટલી વાર એની કદર કરતા હોઈએ છીએ? સારું હોય ત્યારે પણ કહો કે મને બહુ ગમ્યું!                        -કેયુ. 

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 22 ડિસેમ્બર 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

5 thoughts on “કહી દેવાયને, એમાં ખોટું થોડું લગાડવાનું હોય! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *