આલેલે, આવું પણ હોય? : ઇન્ટરનેટની સ્પીડ મુજબ માણસનું વજન વધે છે! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

આલેલે, આવું પણ હોય?
ઇન્ટરનેટની સ્પીડ મુજબ
માણસનું વજન વધે છે!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


——–

મેદસ્વિતા વિશે પહેલેથી ચર્ચાઓ અને રિસર્ચ થતાં રહ્યાં છે.
હમણાંનું એક લેટેસ્ટ સંશોધન એવું કહે છે કે,
ઇન્ટરનેટની સ્પીડ જેમ વધુ એમ માણસનું વજન વધુ!
ટેક્નોલોજી આપણને બેઠાડુ અને મેદસ્વી બનાવી રહી છે!


———–

વજનની વેદના કેવી હોય છે એ તો એને પૂછો જેનું વજન પરસેવો પાડ્યા પછી પણ જરાયે ઊતરતું નથી. અત્યારના સમયમાં સ્લિમ એન્ડ ફિટ દેખાવાનો ક્રેઝ છે. આમ તો એમાં કશું ખોટું નથી. ફિટ રહેવું જ જોઇએ. જિમ, વોકિંગ, એક્સરસાઇઝ, યોગા અને બીજું જે કંઇ થઇ શકે એ કરવું જોઇએ. પાતળા દેખાવા માટે લોકો જાતજાતનાં જોખમો લેતા પણ અચકાતા નથી. જાતજાતના પાઉડર પીવાથી માંડીને ભેદી નુસખાઓ પણ લોકો અજમાવતા રહે છે. લાખ જતન કરો તો પણ વજન ન ઘટે ત્યારે માણસ હતાશ થઇ જાય છે અને એક તબક્કે માંડી વાળે છે. વજન વિશે એક ફિલોસોફી એવી છે કે, તમારું શરીર જેવું છે એવું જ એને ગમાડો. આપણું શરીર એ કુદરતની દેન છે. જો તમને તમારા શરીરનું ગૌરવ નહીં હોય તો બીજાને ક્યાંથી હોવાનું? બીજી વાત એ કે, માણસની ઓળખ એના કામથી થતી હોય છે એના શરીરથી નહીં. દુનિયામાં એવા અનેક લોકોએ નામના મેળવી છે જે શરીરે મેદસ્વી હતા. આપણો પ્રોબ્લેમ એ હોય છે કે, આપણે માત્ર ને માત્ર હીરો અને હિરોઇનોને જોઇને જ આપણી સરખામણી કરીએ છીએ. જીરો ફિગરની થોડા સમય પહેલાં બહુ બોલબાલા હતી. શરીરના જાણકાર અનેક તબીબો અને ટ્રેનરોએ કહ્યું છે કે, પતલા દેખાવાની લાયમાં શરીર પર જુલ્મ ન કરો, કારણ વગર લેવાના દેવા થઇ જશે! શરીરના વજન વિશે જાતજાતનાં સંશોધનો થતાં રહે છે. વજન કેમ વધે છે તે વિશે વારસાગતથી માંડીને જાતજાતનાં કારણો જવાબદાર છે. આપણી લાઇફ સ્ટાઇલ જ બદલી ગઇ છે. બેઠાડુ જીવન માત્ર શરીર જ નથી વધારી રહ્યું, જાતજાતના લાઇફ સ્ટાઇલ ડિસિઝનનો ભોગ પણ બનાવી રહ્યું છે. આ બધામાં હમણાંનું એક સંશોધન એવું કહે છે કે, ઇન્ટરનેટની સ્પીડ અને શરીરના વજનને સીધો સંબંધ છે! જ્યાં ઇન્ટરનેટની સ્પીડ વધારે છે ત્યાં લોકોનું વજન ધડાધડ વધે છે!
ઓસ્ટ્રેલિયામાં હાઉસહોલ્ડ, ઇનકમ અને લેબર ડાયનેમિક્સ સર્વેના આ સ્ટડીમાં વર્ષ 2006થી 2019 સુધીના હાઇસ્પીડ ઇન્ટરનેટને ધ્યાનમાં લેવામાં આવ્યું હતું. જ્યાં ઇન્ટરનેટની સ્પીડ વધુ હતી ત્યાં મેદસ્વિતાનું પ્રમાણ વધુ રહ્યું હતું. જ્યાં સ્પીડ ઓછી હતી ત્યાં વજન વધવાનું પ્રમાણ ઓછું હતું. આ સર્વે ભલે ઓસ્ટ્રેલિયામાં થયો હોય, પણ તે દુનિયાના દરેક ખૂણાને લાગુ પડે છે એવું એક્સપર્ટ્સનું કહેવું છે. ઇન્ટરનેટની સ્પીડ વધુ અને અસ્ખલિત હોય છે ત્યાં લોકો ટેલિવિઝનની સામે કે હાથમાં મોબાઇલ લઇને બેઠા રહે છે. જેમ જેમ સમય જાય છે એમ એમ લોકોનો સ્ક્રીન ટાઇમ વધી રહ્યો છે. લોકો કલાકો સુધી વેબ સીરિઝ જોતા રહે છે. એક જ બેઠકે આખેઆખી વેબ સીરિઝના દસ-પંદર એપિસોડ જોનારાઓની સંખ્યા નાનીસૂની નથી. તમે પણ કદાચ એવું કર્યું હશે. એવું ન કર્યું હોય તો નજીકના કોઇ ને કોઇ પાસેથી એવું સાંભળ્યું તો હશે જ કે, મેં તો એકઝાટકે આખી વેબ સીરિઝ જોઇ નાખી! ઘણી વેબ સીરિઝ હોય છે પણ એવી કે, સતત જોતા રહેવાનું મન થાય. હવે શું થશે એનો ઇંતઝાર રહે. ચાલને હજુ એક એપિસોડ જોઇ લઉં એવું મન થયા રાખે છે. સરવાળે સવાર પડી જાય છે. જ્યાં ઇન્ટરનેટ સ્લો છે, વારંવાર અટકી જાય છે ત્યાં લોકો એક સમયે કંટાળે છે અને જોવાનું છોડી દે છે અને બીજા કામે વળગે છે.
લાંબા સમય સુધી ટીવી કે મોબાઇલ જોવાના કારણે એક તો પૂરતી ઊંઘ થતી નથી. લોકો રાતે મોડે સુધી જાગતા રહે છે અને સવારે મોડા ઊઠે છે. વીકએન્ડમાં આવું કરે તો હજુયે વાંધો નથી આવતો, કારણ કે બીજા દિવસે આરામ કરવાનો સમય મળી રહે છે. ઘણા કિસ્સામાં તો બીજા દિવસે પણ વેબ સીરિઝ જોવાનું કામ ચાલતું જ રહે છે. એક તો માણસ બેઠો રહે છે અને તેમાં બીજો પણ એક ઇશ્યૂ થાય છે. ટેલિવિઝન જોતાં જોતાં માણસ કંઇક ને કંઇક ખાતો રહે છે. વેફર, પોપકોર્ન કે બીજા કંઇ પણથી મોઢું ચાલુ જ હોય છે. રાતના સમયે બહારથી કંઇક મંગાવીને આરોગતા રહે છે. સોફ્ટ ડ્રિંક પીતા રહે છે. તમે માર્ક કરજો, ટીવી જોતી વખતે આપણે જે કંઇ ખાઇએ છીએ એ મોટા ભાગે અનહેલ્ધી અને વજન વધારે એવું જ હોય છે. આ વિશે નિષ્ણાતો એમ કહે છે કે, ભલે વેબ સીરિઝ જોતા રહો, પણ એ સમય દરમિયાન તમે શું ખાઓ છો એની કાળજી રાખજો. એટલિસ્ટ એવું નક્કી કરજો કે મારે હેલ્ધી હોય એ જ ખાવું છે. બીજી વાત એ કે, સતત બેઠા ન રહો. થોડા થોડા સમયે બ્રેક લો. નક્કી કરો કે, એક એપિસોડ પૂરો થાય એ પછી એટલિસ્ટ પાંચ-દસ મિનિટનો બ્રેક લેવો છે અને ચક્કર મારવું છે.
વજન કંટ્રોલમાં રાખવું હોય તો પૂરતી ઊંઘ લો. મોટા ભાગના લોકો ઊંઘવાનો સમય મેઇન્ટેઇન કરતા નથી. ભલે વહેલું હોય કે મોડું હોય, પણ એક સમય નક્કી કરી લો કે, આટલા વાગ્યે સૂઇ જ જવું છે. ઓછામાં ઓછી આઠ કલાકની ડીપ સ્લીપ મળી રહે એની કાળજી રાખો. ઊંઘ ડિસ્ટર્બ થઇ તો આખો દિવસ બગડશે. અત્યારે જે બીમારીઓ થાય છે એમાં સૌથી મોટું પ્રમાણ લાઇફ સ્ટાઇલ ડિસીઝનું છે. ડાયાબિટીસ, હાઇપર ટેન્શન, એંગ્ઝાઇટી, બ્લડપ્રેશર વગેરેનું સૌથી મોટું કારણ આપણી લાઇફ સ્ટાઇલ જ છે. આપણે જ આપણા શરીર સાથે ચેડાં કરતા હોઇએ છીએ. હેલ્થ સારી હોય ત્યારે કંઇ વાંધો આવતો નથી, પણ એક વખત તબિયત બગડે પછી હાલત ખરાબ થતી જાય છે. ડોક્ટર ના પાડે ત્યારે સમજવા કરતાં હેલ્ધી હોઇએ ત્યારે જ સમજી જવામાં માલ છે.
દરેક માણસે એ ચેક કરતા રહેવાની જરૂર હોય છે કે, આખા દિવસ દરમિયાન મેં ફિઝિકલ એક્ટિવિટી કેટલી કરી? આપણાં કામ પણ હવે બેઠાડુ થઇ ગયાં છે. એરકન્ડિશન્ડ ચેમ્બરમાં બેઠાં બેઠાં કામ કરવાનું હોય તો સાવધાન થઇ જવાની જરૂર છે. શરીર વિશે એ વાત બહુ જાણીતી છે કે, શરીરને જેવી આદત પાડશો એવી પડશે. એસી વગર જેને ચાલતું નથી એના મોઢે એવું સાંભળવા મળશે જ કે નાના હતા ત્યારે અથવા તો પરવડતું નહોતું ત્યારે બધું ચાલી જતું હતું. હવે તો એસી વગર ઊંઘ નથી આવતી. અત્યારે શિયાળો છે. આ સીઝનમાં પણ એસી વગર ઘણા સૂઇ શકતા નથી. આદત જ એવી પડી ગઇ હોય છે. શરીર વધી જાય એ પછી ઉતારવામાં નાકે દમ આવી જાય છે, એના કરતાં શરીર વધે જ નહીં એનું ધ્યાન રાખવું વધુ બહેતર છે. ઇન્ટરનેટની સ્પીડ ભલે ઓછી હોય કે વધુ, સ્ક્રીન ટાઇમ પર નજર અને કંટ્રોલ રાખો. એમાંયે હવે તો રીલ્સે પણ દાટ વાળ્યો છે. લોકો મોડી રાત સુધી રીલ્સ જોયે રાખે છે. રીલ્સ ચીજ પણ લલચામણી છે. એક પછી એક ચાલતી જ રહે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના કારણે આપણા શોખનો વિષય હોય એવી જ રીલ્સ આવતી રહે છે. રીલ્સ જોવામાં સમય ક્યાં ચાલ્યો જાય છે એની જ ખબર પડતી નથી. રીલ્સ વિશેનો એક અભ્યાસ એવું કહે છે કે, મોટા ભાગના લોકોને રીલ્સ જોયા પછી સમય બગડ્યાનો અહેસાસ થતો હોય છે. પ્રોબ્લેમ એ જ છે કે, એ ભાન સમય બરબાદ થઇ જાય પછી જ આવે છે. એક વખત અફસોસ થયા પછી પણ બીજી વખત રીલ્સ જોવામાં એવું જ થાય છે. વજનના કિસ્સામાં એવું કહેવાઈ રહ્યું છે કે, ખાવામાં કંટ્રોલ કરવો સહેલી વાત છે, પણ સ્ક્રીનથી બચવું વધુ દુષ્કર છે. છેલ્લે વાત માત્ર એટલી કે, તમારું વજન વ્યવસ્થિત રાખવા ઇચ્છતા હોવ તો લાઇફ સ્ટાઇલ પર નજર રાખો. આપણી હેલ્થ આપણા હાથની જ વાત હોય છે, એ હાથમાંથી સરકી ન જાય એનું ધ્યાન રાખવાની જરૂર હોય છે!


———

પેશ-એ-ખિદમત
ન જાને શેર મેં કિસ દર્દ કા હવાલા થા,
કિ જો ભી લફ્જ થા વો દિલ દુખાને વાલા થા,
મેરા ખયાલ થા યા ખૌલતા હુઆ પાની,
મેરે ખયાલ ને બરસોં મુઝે ઉબાલા થા.
-સલીમ અહમદ


(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 04 ડિસેમ્બર 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *