તારા વગર મજા કરવામાં
પણ મહેનત કરવી પડે છે
![](https://www.chintannipale.com/wp-content/uploads/2024/12/186-1024x448.jpg)
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
એમને તું કેમ છત્રી મોકલે,
જે અહીંયાં જાણીને ભીંજાય છે,
એકલા આવ્યા જવાના એકલા,
પણ અહીં ક્યાં એકલા જીવાય છે?
-ગૌરાંગ ઠાકર
આપણી જિંદગીમાં કેટલાક લોકો આપણા સેન્ટર પોઇન્ટ હોય છે. આપણી જિંદગી એના ફરતે ઘૂમતી રહે છે. આપણે એના માટે કંઇ પણ કરીએ છીએ. માણસની જિંદગીનો અલ્ટિમેટ ઉદ્દેશ માત્ર સુખી થવાનો નથી હોતો, સુખી કરવાનો પણ હોય છે. આપણા લોકોને આપણે ખુશ જોવા હોય છે. સરપ્રાઇઝ પાર્ટી હોય કે પછી વેલ પ્લાન્ડ ટૂર હોય, આપણી ઇચ્છા તો એ જ હોય છે કે, આપણી વ્યક્તિને મજા આવે. પોતાની વ્યક્તિનું મોઢું પડેલું હોય તો આપણને ચેન પડતું નથી. એને સારું ન હોય તો ક્યાંય જીવ ન લાગે. આપણને કંઇ થયું હોય તો ઘણી વખત આપણે એને કહેતા પણ નથી કે, મને આમ થાય છે. એવો વિચાર આવી જાય કે, એ ચિંતા કરશે. ક્યારેક અવાજ ઉપરથી પકડાઇ જઇએ છીએ. સવાલ થાય છે કે, કેમ ડાઉન છે? રણકો બદલે એનો પણ એને અણસાર આવી જાય છે કે, સમથિંગ ઇઝ રોંગ! આપણને શંકા જાય ત્યારે પૂછીએ છીએ કે, ઓલ ઓકે? ખબર જ હોય કે, એ હાએ હા જ કરશે, તો પણ આપણને ખબર પડી જાય છે કે, કંઇક તો થયું છે! આપણે કહીએ છીએ કે, જે હોય તે કહી દે, શું થયું છે? દુનિયામાં અત્યારે એવી વાતો બહુ થાય છે કે, પ્રેમ જેવું હવે કંઇ રહ્યું નથી, બધા લોકો એકબીજાનો ઉપયોગ જ કરે છે. સ્વાર્થ છે તો સંબંધ છે. હવે પહેલાં જેવા સંબંધો રહ્યા નથી. આવું બધું ભલે કહેવાતું હોય પણ સાવ એવું નથી. જે પ્રેમ કરે છે એ કરે જ છે. જેને સંબંધની કદર છે એને છે જ. પોતાની વ્યક્તિ માટે કંઇ પણ કરનારા લોકો પડ્યા જ છે. તમારી જિંદગીમાં કોણ એવું છે જેના માટે તમે ગમે તે કરી શકો? એવું કોઇ તો હોય જ છે, જેના માટે આપણે આલ ધ ટાઇમ અવેલેબલ હોઇએ!
ઘણાં કપલને જોઇએ તો આપણી આંખો ઠરે. એક પ્રેમી-પ્રેમિકાની આ વાત છે. બંને એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતાં. ક્યારેક ક્યારેક બંનેને એ વિચાર આવી જતો કે, આપણે આખી જિંદગી આવા જ પ્રેમથી રહી શકીશું કે કેમ? બંનેએ એવી વાતો બહુ સાંભળી હતી કે, પ્રેમમાં હોય ત્યારે બધું સારું લાગે, સમય જાય એમ પ્રેમ ઓસરી જાય છે. આકર્ષણ ઘટી જાય છે. બંને પોતપોતાનાં કામમાં પરોવાઇ જાય છે. બંને ક્યારેક ચર્ચા પણ કરતાં કે, આપણી લાઇફમાં તો આવું નહીં થાયને? એક વખતની વાત છે. બંને ગાર્ડનમાં ફરવા ગયાં. એક બુઢ્ઢું કપલ એકબીજાનો હાથ પકડીને જઇ રહ્યું હતું. એ બંને એક બાંકડા પર બેઠાં. પ્રેમી-પ્રેમિકાએ એમને પૂછ્યું, તમે આ ઉંમરે પણ એકબીજાને પ્રેમ કરો છો? એ કપલે કહ્યું, પ્રેમને ઉંમર સાથે કંઇ લાગતુંવળગતું નથી. હા, વિચારો અને અવસ્થા ચોક્કસ બદલે છે. યંગ હતાં ત્યારે અમે રોમાંચ ખાતર એકબીજાનો હાથ પકડતાં હતાં, આજે એટલા માટે હાથ પકડીએ છીએ કે બેમાંથી કોઇ પડી ન જઇએ. પ્રેમ સમયની સાથે સમજણમાં ફેરવાવો જોઇએ. યંગ હોઇએ ત્યારે રોમાંચ અને રોમાન્સ રહેવાના છે, જેમ જેમ સમય જાય એમ એમ એ કેર બની જવો જોઇએ. હૂંફ લાગવી જોઇએ. પ્રેમ ટકાવવા માટે મહેનત કરવી પડે એ પણ વાજબી નથી. પ્રેમ તો સહજ રહેવો જોઇએ. અમે બંને હંમેશાં એકબીજામય જ રહ્યાં છીએ. ઘણી વખત એડજસ્ટમેન્ટ કરવું પડ્યું છે, જતું કરવું પડ્યું છે, વાંધા પડ્યા છે, પણ એ તો થવાનું જ છે. એ વખતે પણ એટલું યાદ રાખવાનું હોય છે કે, ગમે તે હોય આ મારી વ્યક્તિ છે. ક્યારેક માની જવાનું અને ક્યારેક મનાવી લેવાનું! કંઇ પકડી નહીં રાખવાનું! અમે નક્કી કર્યું હતું કે, આપણી વચ્ચે કંઇ નહીં આવે, ન ઇગો, ન જીદ કે ન બીજું કંઇ પણ! ક્યારેક એ વચ્ચે આવી જશે તો પણ આપણે એને ધક્કો મારીને હડસેલી દેશું!
નસીબ, ડેસ્ટિની, ઋણાનુબંધ વગેરેમાં આપણે માનીએ કે ન માનીએ, પણ કંઇક હોય છે જે આપણને આપણી વ્યક્તિ સાથે મેળવે છે. કેમ એનું જ આપણી જિંદગીમાં આવવાનું થયું? ઘણા લોકો હળવાશમાં એવું પણ કહેતા હોય છે કે, કોણ જાણે કયા ભવનું માંગણું બાકી રહી ગયું હશે! આપણને સતત એની ચિંતા થાય છે. એણે જમી લીધું હશે કે નહીં? એની જર્ની બરાબર રહી હશે કે કેમ? આપણી વ્યક્તિ ક્યાંક ગઇ હોય ત્યારે પણ આપણે પૂછીએ છીએ કે, ફાવે એવું છેને? એક કપલની આ વાત છે. પત્ની બહુ ચૂઝી હતી. એને અમુક પ્રકારનું જ ફાવે. બહાર ફરવા જાય ત્યારે હોટલની રૂમ એને એકદમ ચોખ્ખી જોઇએ. જરાયે વાસ આવતી ન હોવી જોઇએ. બંને હોટલનું ઓનલાઇન બુકિંગ કરાવી લેતાં. ઘણી વખત એવું થતું કે, ઓનલાઇનમાં દેખાતું હોય બીજું અને વાસ્તવિકતા કંઇક જુદી જ હોય. એક વખતની વાત છે. બંનેએ હોટલ બુક કરાવી હતી. હોટલમાં અમુક ચોક્કસ પ્રકારની વાસ આવતી હતી. પત્નીને કહ્યું, ઓનલાઇન બુકિંગમાં ફોટા જોઇ શકાય, વાસ આવે છે કે નહીં એ તો ખબર ન જ પડેને? ઘણી વખત એવું થતું કે, હોટલ બદલાવી નાખતાં. પતિ હંમેશાં કહેતો, તને નથી મજા આવતીને? ચાલ બીજે ચાલ્યાં જઇએ. એક વખત પત્નીએ કહ્યું, તને ક્યારેય કોઇ વાતે ફરિયાદ જ નથી હોતી? તને બધું જ ચાલી જાય છે. હું કેમ આવી છું? મને અમુક ફાવતું નથી. પતિએ કહ્યું, તને ન ફાવે એવું આપણે કંઇ નથી કરવું? તું જેવી છે એવી મને ગમે છે અને તને ચાગલી રાખવી મને પરવડે છે!
સાથે હોઇએ ત્યાં સુધી તો વાંધો નથી આવતો, પણ ક્યારેક કોઇ કારણોસર બેમાંથી એકલાએ ક્યાંક જવાનું થાય ત્યારે મુશ્કેલી પડી જાય છે. એવા ઘણા કિસ્સાઓ આપણી આસપાસ હોય છે જેમાં પત્ની પિયર તો જાય છે, પણ પોતે જ્યાં મોટી થઇ હોય ત્યાં જ તેને મજા નથી આવતી. પત્ની પતિને કહેતી હોય છે કે, બધું સારું છે, બધા મારા છે, મારું ધ્યાન રાખે છે, પણ તારા વગર મજા ન આવે. જેમ જેમ સમય જાય છે એમ એમ કપલને પણ એકબીજાની આદત પડી જતી હોય છે. બસ એ સામે જોઇએ. એક પતિ પત્નીની આ વાત છે. મેરેજને દસેક વર્ષ થઇ ગયાં હતાં. બંને જોબ કરતા હતા. કામ સબબ ક્યારેક બહાર જવાનું પણ થતું હતું. પતિને એક વખત ઓફિસમાંથી ઓફસાઇટ ટ્રિપમાં જવાનું હતું. આખી ટ્રિપ મજા કરવા માટે અને રિલેક્સ થવા માટે જ હતી. પત્નીએ કહ્યું, એન્જોય કરજે. પતિએ કહ્યું, તારા વગર મજા ન આવે. તારા વગર મજા કરવા માટે પણ મહેનત કરવી પડે છે! નક્કી કરવું પડે છે કે, મજા કરવાની છે! તું હોય તો આપોઆપ મજા આવે. દુનિયાની બેસ્ટ જગ્યાએ જઇએ તો પણ ત્યાં યાદ તો પોતાની વ્યક્તિ જ આવવાની છે. આપણે આપણી વ્યક્તિ વગર કોઇ સ્થળ પણ માણી શકતા નથી કે કોઇ ફૂડ પણ એન્જોય કરી શકતા નથી. ઘણી વખત પ્રેમ એકલા હોઇએ ત્યારે સમજાતો હોય છે. તમને કોના વગર મજા ન આવે? કોણ તમને સાથે જોઇએ? એ વ્યક્તિ માટે જીવી જાણજો. જિંદગીમાં એક જ વ્યક્તિ જીવવાનું કારણ હોય છે. આપણને લાગે કે, તું છે તો બધું છે, તું નથી તો કંઇ નથી! તું નથી તો હું પણ નથી! મારું હોવું પણ તારા હોવાથી જ અનુભવાય છે!
છેલ્લો સીન :
વફાદારી સંબંધનો પાયો છે. જો એ મજબૂત હશે તો જ સંબંધ સજ્જડ રહેશે. આડા ચાલીએ તો હાથ છૂટવાનો જ છે. જેવી દાનત એવી બરકત એ વાત પ્રેમ અને સંબંધને પણ લાગુ પડે જ છે! -કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 08 ડિસેમ્બર, 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
![](https://www.chintannipale.com/wp-content/uploads/2024/12/CHINTAN-FOR-08-DECEMBER-2024-186-304x1024.jpg)