ચાલ એ ખુશ થાય
એવું કંઇક કરીએ

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
દુશ્મની કરતાં ડરે છે એટલે કરતો નથી,
દોસ્ત તારી દોસ્તદારી પણ મને સમજાઇ ગઇ,
કાયમી વસવાટ માની આપણે લડતા રહ્યા,
છે જવાનું અહીંથી એ વાત પણ વિસરાઇ ગઇ.
-`દિલહર’ સંઘવી
આપણી જિંદગી ખરેખર કેટલી આપણી હોય છે? આપણી જિંદગી સાથે આપણા સિવાય પણ ઘણું બધું જોડાયેલું હોય છે. આપણા લોકોની જિંદગી પણ આપણને સ્પર્શતી રહે છે. પોતાની વ્યક્તિની જિંદગીમાં જે કંઇ બને છે એનો સીધો અહેસાસ આપણે કરતા હોઇએ છીએ. કેટલીક વખત તો આપણી વ્યક્તિની સફળતા આપણને એના કરતાં પણ વધુ ખુશી આપતી હોય છે. વેદનાનું પણ એવું જ છે. પોતાની વ્યક્તિ મજામાં ન હોય ત્યારે આપણે પણ ઉદાસ રહેતા હોઇએ છીએ. એક માણસની આ સાવ સાચી વાત છે. તેની દીકરી બહારગામ ભણતી હતી. ઘરમાં એક પ્રસંગ હતો. દીકરી આવવાની હતી, પણ બરાબર એ જ સમયે એની એક્ઝામ નક્કી થઇ. દીકરીએ કહ્યું કે, મારાથી આવી નહીં શકાય. તમે એન્જોય કરજો. એવું માનજો હું તમારી સાથે જ છું. તેના પિતાએ કહ્યું કે, દીકરા એમ માની શકાતું હોત તો વાત જ ક્યા છે? પ્રસંગની ખુશીનો સાચો આનંદ તો એમાં પણ હતો કે તું આવવાની છે. તારી હાજરી વગર ખાલીપો જ લાગવાનો છે. આપણે બધાએ ક્યારેક ને ક્યારેક એવું અનુભવ્યું હોય છે કે, પોતાની વ્યક્તિ ન હોય ત્યારે બધા હોય તો પણ સન્નાટો લાગે. માણસ વિશે એવું કહેવાતું રહ્યું છે કે, એકલા આવ્યા છીએ અને એકલા જવાનું છે. વાત સાચી છે, પણ એકલા જીવાતું નથી. કોઇ હોય છે જે આપણને આપણી જિંદગીથી પણ વધુ વહાલું હોય છે. આપણે કહીએ છીએ કે, એ તો મારો જીવ છે. એ ન હોય ત્યારે જીવ મૂંઝાય છે અને આયખું મૂરઝાઇ છે.
આપણે પોતાના લોકોને રાજી રાખવા માટે કંઇ પણ કરી છૂટતા હોઇએ છીએ. એની ખુશીમાં જ આપણી ખુશી હોય છે. એક પતિ-પત્ની હતાં. બંને જોબ કરતાં હતાં. દર વખતે સન્ડે આવે એટલે પત્ની પૂછે કે, શું પ્લાન છે આ રજાનો? પતિનો જવાબ હંમેશાં એક જ હોય, તું કહે એ. પત્નીએ એક વખતે પૂછ્યું કે, તું દર વખતે એમ કહે છે કે, તું કહે એ, તારી કંઇ મરજી જ નથી હોતી? પતિએ કહ્યું, હોય છેને! મારી મરજી એ જ હોય છે કે, તને મજા આવે એવું કરવું! તને ખુશ રાખવી. તું ખુશ હોય તો મને આપોઆપ મજા આવે છે. તારા ચહેરા પરનો આનંદ જ મારા માટે સર્વસ્વ છે. આપણા દરેકની લાઇફમાં એવા લોકો હોય છે, જે આપણા માટે સર્વસ્વ હોય છે. જેનો પડ્યો બોલ આપણે ઝીલતા હોઇએ છીએ. એ કોઇ પણ હોઈ શકે છે. એક યુવાન હતો. તેની જોબ થકાવી દે એવી હતી. નોકરી પરથી છૂટીને ઘરે પહોંચે ત્યારે હાશ થાય. તેને એવો જ વિચાર આવે કે, ઘરે જઇને કંઇ નથી કરવું, પડ્યા જ રહેવું છે. તેને એક નાનકડી દીકરી હતી. એ પપ્પાની રાહ જ જોતી હોય. પપ્પા આવે એટલે આમ કરવું છે, તેમ કરવું છે. પપ્પા હજુ ઘરમાં પગ મૂકે કે તરત જ એની ડિમાન્ડ ચાલુ થઇ જાય. તેના પિતા પણ ફ્રેશ થઇને દીકરી કહે એ કરવા લાગે. તેની મમ્મી દર વખતે કહે કે, તારા પપ્પા કામેથી થાકીને આવ્યા છે, એમને થોડો સમય શાંતિથી બેસવા તો દે. દીકરી તો ન માને, તેના પપ્પા પણ એ કહે એમ કરે. પત્નીએ કહ્યું, તમે એને મોઢે ચડાવો છો. દીકરીનો જન્મ નહોતો થયો ત્યારે તો તમે આવીને પાણીનો પ્યાલો પણ લેતા નહોતા. અત્યારે એ કહે એ બધું જ કરો છો. પપ્પાએ કહ્યું કે, મારી લાડકી દીકરીનું મોઢું જોઉં છું ત્યાં મારો બધો જ થાક અલોપ થઇ જાય છે. એને હસતી જોઇને મને હાશ થઇ જાય છે. થાકી જાઉં છું એ વાત ખોટી નથી, પણ આખરે હું જે કરું છું એ તમારા બંને માટે જ તો કરું છું. તમને બંનેને ખુશ ન રાખી શકું તો મારી જિંદગીમાં ધૂળ પડી. આપણે પણ આપણા લોકોનાં નખરાં રાજી ખુશીથી ઉઠાવતા હોઇએ છીએ.
આપણું સર્કલ, આપણા મિત્રો, આપણી સાથે જોડાયેલા લોકો આપણા જીવનનું કેન્દ્રબિંદુ હોય છે. આપણી જિંદગી તેની આસપાસ ફરતી હોય છે. આપણે ખુશ હોઇએ ત્યારે તેને કહેવું હોય છે. આપણે દુ:ખી હોઇએ ત્યારે આપણે વાત કરીને હળવા થવું હોય છે. માણસ જે કોઇ સ્થિતિમાં હોય એને વ્યક્ત થવું હોય છે. સાચા સંબંધમાં વ્યક્ત ન થઇએ તો પણ સામેથી એવી સ્થિતિ સર્જવામાં આવે છે કે, માણસને સારું લાગે. ત્રણ મિત્રો હતો. ત્રણેયને એકબીજા સાથે ખૂબ બને. ત્રણમાંથી એક એવો હતો જે ઇઝીલી વ્યક્ત ન થાય. પોતાની લાઇફમાં શું ચાલે છે એ ફટ દઇને કહે નહીં. એક વખતે બાકીના બે મિત્રોને ખબર પડી કે, એક પર્સનલ પ્રોબ્લેમના કારણે એ મિત્ર અપસેટ રહે છે. બાકીના બે મિત્રમાંથી એકે કહ્યું, ચાલ આપણે એને મજા આવે એવું કંઇક કરીએ. કંઇક એવો પ્લાન કરીએ કે, એ તેના પેઇનમાંથી બહાર આવી શકે. બંનેએ ફરવા જવાનું નક્કી કર્યું. ફ્રેન્ડને સાથે લીધો. શું થયું છે એ વિશે કોઇ જ વાત ન કરી. બસ મિત્ર મજામાં આવી જાય એવા જ પ્રયાસો કર્યા. છૂટા પડવાનું હતું ત્યારે એ મિત્રએ થેંક્યૂ કહ્યું. તેણે કહ્યું કે, મને ખબર છે કે તમે આ ટ્રિપ શા માટે પ્લાન કરી. તમે ન કહો એટલે ખબર ન પડે એવું નથી. જેમ તમને મારી સ્થિતિની ખબર પડી ગઇ હતી, એમ મને પણ તમારા પ્લાનિંગની સમજ પડે છે. હું લકી છું કે, મને તમારા જેવા મિત્રો મળ્યા છે.
કોઇની નાનકડી ખુશી માટે માણસ ઘણી વખત ખૂબ હેરાન થતો હોય છે. એક છોકરો અને છોકરી બહુ સારા દોસ્ત હતાં. છોકરાને સરપ્રાઇઝ જેવું બહુ પસંદ પડતું નથી. તે એમ જ કહેતો કે, કોઇને સારું લગાડવા એવું બધું કરવાની કંઇ જરૂર જ નથી. કરવું હોય તો પણ કહીને કરવું જોઇએ. આ છોકરાને તેની આર્ટ બદલ એક એવોર્ડ મળ્યો. તેની ફ્રેન્ડે એક સરપ્રાઇઝ પાર્ટી અરેન્જ કરી. તેના બીજા મિત્રો એવોર્ડ મેળવનાર ફ્રેન્ડને હોટલમાં લઇ આવ્યા. તેણે જોયું કે, મારી ફ્રેન્ડે સરસ પાર્ટી અરેન્જ કરી છે. એ છોકરાના બીજા મિત્રને એમ હતું કે, આને સરપ્રાઇઝ ગમતાં નથી, હમણાં એનું મગજ છટકવાનું છે. એવું કંઇ થયું નહીં. એ મિત્રે તેની ફ્રેન્ડનો આભાર માન્યો અને એમ પણ કહ્યું કે મને બહુ સારું લાગ્યું. પાર્ટી પતી એ પછી તેના બીજા મિત્રએ કહ્યું કે, તને તો આવું બધું નથી ગમતુંને? એ મિત્રે કહ્યું કે હા, મને નથી ગમતું, પણ એનો ઉત્સાહ જોઇને મારાથી કંઇ કહી શકાયું નહીં. આપણને ન ગમતું હોય પણ આપણા પર જેને લાગણી હોય એને ગમતું હોય ત્યારે આપણે આપણા ગમા અણગમા બાજુએ રાખી દેવાના હોય છે. આપણા લોકો જ આપણી જિંદગી જીવવા જેવી બનાવતા હોય છે. જિંદગીમાં કેટલીક ક્ષણો એવી હોય છે જે ક્યારેય ભુલાતી નથી. કેટલીક ઘટનાઓ યાદગાર હોય છે. મોટાભાગે એ આપણી નજીકના લોકોને કારણે જ હોય છે. જે નજીક હોય એની માવજત કરવી પડતી હોય છે. ક્યારેક એવું બનવાનું છે કે, કોઇ ક્ષુલ્લક કારણે મતભેદ થાય, કોઇ ગેરસમજ થાય, નારાજગી થાય. આવા સંજોગોમાં પણ ડિસ્ટન્સ ન આવે એની કાળજી રાખવી પડતી હોય છે. જિંદગીમાં કેટલાક લોકો એવી મૂડી જેવા હોય છે, જે ક્યારેય ઘટતી કે ઘસાતી નથી. આપણી પણ એ ફરજ બને છે કે, એ મૂડીનું જીવની જેમ જતન કરીએ.
છેલ્લો સીન :
સાચો સંબંધ સંપૂર્ણ હોવો જોઇએ. તેમાં અધૂરું કે અધકચરું કંઇ ન ચાલે. કેટલાંક નામોની સામે નોંધી રાખવાનું હોય છે કે, આના માટે કંઇ પણ. – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 08 જૂન, 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
