DIGITAL DISEASE : તમે તો
આનો ભોગ બન્યા નથીને?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
આજના ડિજિટલ અને સાઇબર યુગમાં લોકો નવી નવી બીમારીઓનો
ભોગ બની રહ્યા છે. ભ્રમ થવાથી માંડીને ધ્યાનભંગ થવા સુધીની ઘટનાઓ
લોકો સાથે બની રહી છે. મોબાઇલે લોકોને પોતાના સકંજામાં લઇ લીધા છે.
———–
આપણે બધા જ સ્ક્રીનના વ્યસની થઇ ગયા છીએ. આપણી આજુબાજુમાં સ્ક્રીનનો ખડકલો વધી જ રહ્યો છે. મોબાઇલ તો સતત આપણા હાથમાં જ હોય છે. ઓફિસમાં લેપટોપ કે કમ્પ્યૂટર, ઘરમાં ટીવી અને રોડ પરનાં હોર્ડિંગ્સ પણ હવે ડિજિટલ થઇ ગયા છે. કોઇ ને કોઇ સ્ક્રીન સતત આપણી સામે જ હોય છે. આ સ્ક્રીન આપણી શારીરિક અને માનસિક શક્તિઓ ક્ષીણ કરી રહ્યા છે. લોકો સમયની સાથે નવી નવી ડિજિટલ બીમારીઓનો ભોગ બની રહ્યા છે. તાવ આવે તો આપણને ખબર પડે, પણ ડિજિટલ બીમારીની તો આપણને ખબર સુધ્ધાં નથી પડતી. બીમારીની ખબર જ ન હોય તો દવા ક્યાંથી થવાની છે? ડિજિટલ ડિટોક્સ અને ડિજિટલ ફાસ્ટની વાતો હવે ખૂબ જ થવા લાગી છે. હવે એ સમય દૂર નથી કે જે વ્યક્તિ કામ પૂરતો જ મોબાઇલ વાપરશે એ સંસ્કારી ગણાશે! તમે ક્યારેય માર્ક કર્યું છે કે, તમે દિવસનો કેટલો સમય મોબાઇલને આપો છો? લોકોનો સ્ક્રીન ટાઇમ એવરેજ ચાર-પાંચ કલાક જેટલો થઇ ગયો છે.
ડિજિટલ ડિસીઝ સામે માનસશાસ્ત્રીઓ આમ તો પહેલેથી લોકોને સાવધાન કરતા રહ્યા છે, પણ હવે પાણી નાક સુધી આવી ગયું છે. આજનો યંગસ્ટર્સ મોબાઇલ લઇને જ બેસી રહે છે એવું કહેવાતું રહ્યું છે, પણ હવે સ્થિતિ બદલી ગઇ છે. માત્ર યંગસ્ટર્સ જ નહીં, બાળકોથી માંડીને મોટી ઉંમરના લોકોને પણ મોબાઇલ વગર નથી ચાલતું. નાનાં બાળકોને મોબાઇલમાં કાર્ટૂન ન મૂકી દો ત્યાં સુધી એ જમતાં નથી. ઘોડિયામાં હોય ત્યારથી એ મોબાઇલ જોવા માંડે છે. વૃદ્ધો વિશે એવું કહેવાય છે કે, મોબાઇલ તેમના માટે આશીર્વાદરૂપ છે. ટાઇમ ક્યાં પાસ કરવો એ તેમનો પ્રોબ્લેમ હતો. હવે તેમની પાસે મોબાઇલ છે. અલબત્ત, વૃદ્ધો પણ હવે ડિજિટલ આદતોના કારણે ચીડિયા અને ગુસ્સેલ થતા જાય છે.
તમને ડિજિટલ ડેલ્યૂઝ વિશે ખબર છે? આપણી સામે અત્યારે એટલી બધી માહિતીઓ ખડકાઇ રહી છે કે, આપણું મગજ ભમી જાય. આપણે સહુ માહિતી વિસ્ફોટના સમયમાં જીવી રહ્યા છીએ. હમણાંનો એક અભ્યાસ એવું કહે છે કે, અગાઉના સમયમાં માણસ પંદર વર્ષમાં જેટલી માહિતી મેળવતો હતો એટલી ઇન્ફર્મેશન આજે આપણે એક દિવસમાં કન્ઝ્યૂમ કરીએ છીએ. આપણે બધા ઇન્ફર્મેશનથી ઓવરલોડેડ થઇ ગયા છીએ. દરરોજ 34 જીબી જેટલી ઇન્ફર્મેશન આપણી સામે આવે છે. આપણું મગજ આટલી માહિતી અને વિગતો પ્રોસેસ કરી શકતું નથી. આપણે જોતા રહીએ છીએ પણ યાદ કંઇ નથી રહેતું. તમે માર્ક કરજો, કોઇ રીલ જોઇ હશે ત્યારે તમને ગમી હશે. કામની અને યાદ રાખવા જેવી પણ લાગી હશે, પણ બીજી રીલ જોશો એટલે અગાઉની ભુલાઇ જશે. તમને આ વાત સાચી ન લાગતી હોય તો યાદ કરજો કે, છેલ્લે તમે જે રીલ્સ જોઇ તેમાં શું હતું? માંડ એકાદ બે યાદ હશે, બાકીની હવામાં ચાલી ગઇ હશે! આપણે સતત કંઇક જોતા રહીએ છીએ એટલે આપણા મગજને આરામ જ નથી મળતો. માણસને હવે સોશિયલ મીડિયા અને રીલ્સ જોઇ જોઇને પણ થાક લાગવા માંડ્યો છે! હજુ જેમ જેમ સમય જશે એમ એમ હાલત વધુ ખરાબ થવાની છે.
મોબાઇલના વધુ પડતા ઉપયોગના કારણે લોકો ડિજિટલ ડિસ્ટ્રેક્શનનો ભોગ બની રહ્યા છે. લોકો પોતાના કામમાં એકાગ્રતા કેળવી શકતા નથી. કામ કરતી વખતે પણ ઘણી વાર વિચારવું પડે છે કે, મારે શું કરવાનું છે? હું શું કરતો હતો? આપણે શું વિચારતા હતા એ પણ થોડી જ ક્ષણોમાં ભૂલી જવાય છે. વાત કરતાં કરતાં અટકી જવાય છે અને આપણે જ કહીએ છીએ કે, હું શું કહેતો હતો? સ્ક્રોલ, સ્વાઇપ અને બીજી ડિજિટલ આદતોના કારણે આપણું મગજ વિચિત્ર રીતે કામ કરતું થઇ ગયું છે. તેના માટે એવું કહેવાય છે કે, આપણું ફોકસ ફ્રેક્ચર્ડ થઇ ગયું છે. ગમે એ કામ કરતા હોઇએ તો પણ આપણને થોડા થોડા સમયે ફોન ચેક કરવા જોઇએ છે! ફોન ન જોઇએ તો આપણને એવું લાગે છે જાણે કંઇક મિસ થઇ જશે! આપણે કંઇક ગુમાવીશું, આપણે કંઇક ચૂકી જશું એવો ભ્રમ થયા રાખે છે.
લોકો હવે ડિજિટલ ડિમેશિયાનો શિકાર પણ બની રહ્યા છે. આપણને હવે ખાસ કંઇ યાદ નથી રહેતું. એક સમય હતો જ્યારે લોકોને બીજાના ફોનનંબર મોઢે હતા. કોઇ શહેરનો પિનકોડ પણ કડકડાટ બોલી જતા હતા. નાના મોટા હિસાબ પણ કોઇ મદદ વગર કરી લેતા હતા. હવે માણસને પોતાનો મોબાઇલ નંબર પણ યાદ નથી રહેતો. સેવ કરવાની આદતે આપણને યાદ રાખવાનું ભૂલવાડી દીધું છે. અગાઉ જે મગજમાં સેવ રહેતું હતું એ હવે મોબાઇલમાં સેવ થવા લાગ્યું છે. આપણે રસ્તા પણ યાદ નથી રાખતા. જીપીએસ છેને! આપણે આંખો મીંચીને ગૂગલ અથવા બીજી કોઇ જીપીએસ સિસ્ટમને ફોલો કરીએ છીએ. ઘણી વાર ગોટે ચડતા હોવા છતાં આપણે તેને છોડતા નથી. એકના એક રસ્તે દસ વખત ગયા હોઇએ તો પણ ગૂગલ મેપની મદદ લેવી પડે છે. લોકો મગજ વાપરવાની તસ્દી જ નથી લેતા. નિષ્ણાતો કહે છે કે, આવું ચાલ્યું તો લોકોના મગજને કાટ લાગી જશે. આપણા મગજની જબરજસ્ત તાકાત છે, પણ તેનો ઉપયોગ જ ન કરીએ તો ધીમે ધીમે એ કામ કરતું ઓછું અને ધીમું થઇ જવાનું છે.
લોકો ડિજિટલ ડિપ્રેશનનો ભોગ પણ બની રહ્યા છે. મને ઓછી લાઇક મળે છે. મારા ફોલોઅર્સ ઓછા છે. બીજાને વધુ રિસ્પોન્સ મળે છે. માણસ કંઇ પોસ્ટ કરે એ પછી થોડા થોડા સમયે ચેક કરતા રહે છે કે, કેટલી લાઇક થઇ. વધુ લાઇક મળે ત્યારે રાજી થઇ જાય છે અને લાઇકમાં થોડોકેય ઘટાડો થાય તો ટેન્શનમાં આવી જાય છે. લોકો હવે મને પસંદ કરતા નથી. હું આઉટ ઓફ ડેટ થઇ ગયો છું ત્યાં સુધીના વિચારો આવે છે. ફોલોઅર્સ વધારવાની ઘેલછામાં લોકો ગમે તેવાં ગતકડાં કરી રહ્યા છે. પોતાની પોસ્ટને પ્રમોટ કરવા માટે ખર્ચ કરી રહ્યા છે. લોકો એવું માનવા લાગ્યા છે કે, સોશિયલ મીડિયા પર એક્ટિવ રહીશું તો જ આપણો દબદબો જળવાઇ રહેશે. આવું બિલકુલ હોતું નથી. સોશિયલ મીડિયા પર લોકો આપણે ધારતા હોય એટલી ગંભીરતાથી આપણને લેતા હોતા નથી. તેના આધારે કોઇ ભ્રમમાં રહેવાની જરૂર નથી.
સૌથી મહત્ત્વની વાત તો એ કે, પોતાની જાતની ક્યારેય કોઇની સાથે કમ્પેરિઝન ન કરવી. દરેક પોતાની જગ્યાએ મહાન જ છે. જો સરખામણી કરતા રહેશો તો એક સમયે પોતાની જાતને જ નબળી સમજવા લાગશો. આપણે તો કંઇ નથી એવું થવા લાગશે. સોશિયલ મીડિયા કોઇ માપદંડ નથી. તમારા કામમાં અને કરિયરમાં ફોકસ કરવા માટે મોબાઇલનો જરૂર પૂરતો જ ઉપયોગ કરો એ સૌથી વધુ મહત્ત્વનું છે. તમે જેટલો સમય મોબાઇલને આપો છો એટલો સમય બીજુ કશુંક ક્રિએટિવ કામ કરો તો ક્યાંના ક્યાં પહોંચી શકો. મોબાઇલના યૂઝની લિમિટ નક્કી કરો કે, આટલો સમય કરતાં વધુ મોબાઇલનો ઉપયોગ નહીં કરું. જે કરવાનું છે એમાં ધ્યાન કેન્દ્રિત કરો. કંઇ અટકી જવાનું નથી. કંઇ ગુમાવવાનું નથી. માણસનો સૌથી મોટો પ્રોબ્લેમ એ પણ છે કે, એને એ વાતની ખબર જ નથી પડતી કે, પોતે ડિજિટલ ડિસીઝનો ભોગ બની ગયો છે. એને એમ જ લાગે છે કે, હું જે કરું છું એ બરાબર જ છે. ક્યારેક એ વાત સમજાય છે કે, રીલ્સ જોવામાં વધુ સમય વેડફાઇ ગયો છે. માણસ એવો વિચાર પણ કરે છે કે, હવે ઓછો સમય બગાડવો છે, પણ મોબાઇલ હાથમાં હોય અને રીલ્સ જોવાનું શરૂ થાય પછી એ વાત ભુલાઇ જાય છે. તમે જો તમારી માનસિક સ્થિતિ મજબૂત રાખવા ઇચ્છતા હોવ તો પોતાની જાતને કંટ્રોલ કરો અને સ્ક્રીનથી બચો. આ એવી બીમારીઓ છે જેનો ઇલાજ તમારા હાથમાં છે. એના માટે મોબાઇલને હાથથી બને એટલો દૂર રાખવાનો છે.
—————-
પેશ-એ-ખિદમત
ન જાને કિસકી હમેં ઉમ્રભર તલાશ રહી,
જિસે કરીબ સે દેખા વો દૂસરા નિકલા,
હમારે પાસ સે ગુજરી થી એક પરછાઇ,
પુકારા હમને તો સદિયોં કા ફાંસલા નિકલા.
– ખલીલ-ઉર-રહેમાન આઝમી
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 11 જૂન, 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
