હું મેં કરેલાં કર્મોની
`મજા’ ભોગવું છું
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
ક્યાંક ક્ષણના કાફલા ફૂંકી જવાના હોય છે,
ક્યાંક કાંધે ભાર એ વેંઢારવાના હોય છે,
હો ભલે વેઢે તમારા દુ:ખના ટશિયા બધા,
એક ફિક્કું સ્મિત દઇ, ભૂલી જવાના હોય છે.
-સંજય પંડ્યા
માણસ સમયની સાથે ઘડાતો હોય છે. જિંદગી જે શીખવે છે એવું બીજું કોઇ શીખવતું નથી. આપણી જિંદગીમાં બનતી ઘટનાઓ, આપણી જિંદગીમાં આવતા લોકો, સારા અને નરસા માણસોના અનુભવો જ આપણને અમુક રીતે જીવતા શીખવાડી દે છે. જિંદગી, સંબંધો, પ્રેમ, લાગણી, માનવતા, કરુણા સહિતની જેટલી ભાવનાઓ છે એના વિશે દરેકના પોતાના અભિપ્રાયો અને મંતવ્યો હોય છે. દુનિયાએ આપણી સામે કઇ નજરે જોયું છે એના પરથી આપણે દુનિયાને જોતા હોઇએ છીએ. દુનિયા ગજબની છે. લોકો ક્યારે ટર્ન મારે એ નક્કી નથી હોતું. આજે ચાકુ લઇને જે માણસ આપણી સામે આવ્યો હોય એ જ બીજા દિવસે કેક લાવે અને કહે કે, ગઇ કાલે હું જે ચાકુ લાવ્યો હતો એ તો આ કેક કાપવા માટે લાવ્યો હતો! જેના પર ગળા સુધીનો ભરોસો હોય એ જ ઘણી વખત ગળે છરી ફેરવી દે છે. કેટલાક એવા પણ હોય છે જેને આપણે જિંદગીભર નફરત કરી હોય છે. એ જ ક્યારેક એટલી સારી રીતે પેશ આવે છે કે, આપણને પોતાને એમ થાય કે, અરેરે! આ માણસ વિશું હું કેવું ધારતો હતો? માણસ વિશેની ધારણાઓ ગમે ત્યારે ખોટી પડી શકે છે. આમ તો માણસ વિશે ક્યારેય કોઇ ધારણા જ ન બાંધવી જોઇએ. દરેક માણસને આજે તે જે રીતે પેશ આવે છે એના આધારે જ માપવો જોઇએ. આપણે મોટા ભાગે માણસને એના ભૂતકાળથી જ તોળતા હોઇએ છીએ. માણસ પર સારો, ખરાબ, ભરોસાપાત્ર કે દગાખોર જેવાં લેબલો લગાવી દઇએ છીએ. હા, જેના ખરાબ અનુભવો થયા હોય તેની સાથે સાવચેત રહેવું પડે છે. કોઇ માણસ આપણને એક વખત મૂર્ખ બનાવી જાય એનો વાંધો નહીં, પણ એ જ માણસ જો આપણને બીજી વખત મૂર્ખ બનાવી જાય તો એમાં વાંક તેનો નહીં પણ આપણો હોય છે. માણસને પારખીને જ તેને નજીક આવવા દેવો જોઇએ. પારખી લીધા પછી પણ એ બદલી શકે એવી પૂરી શક્યતાઓ હોય જ છે. આપણે જ ઘણા વિશે એવું બોલતા હોઇએ છીએ કે, મને તો કલ્પના પણ નહોતી કે, એ માણસ આવું કરી શકે!
માણસને માપવા માટે સૌથી મહત્ત્વનું કંઇ હોય તો એ એનાં કર્મો છે. એ શું કામ કરે છે, એના વિચારો કેવા છે, એ પારખવું પડે. મોટાભાગે માણસના જેવા વિચારો હશે એવી જ એની દાનત હશે. માણસના ઇરાદાઓ એની ભાષા અને એના વર્તન પરથી વર્તાઇ આવે છે. એ વાત જુદી છે કે, હવે માણસને નાટક કરવાની સારી એવી ફાવટ આવી ગઇ છે. આપણી નજીક હોય તો પણ આપણને અણસાર ન આવે કે એના મનમાં શું ચાલી રહ્યું છે! કેટલાક માણસો દુનિયાને સ્ટેજ જ સમજતા હોય છે અને પાત્ર જોઇને નાટક કરતા હોય છે. જ્યાં પોતાનું ઊપજતું હોય ત્યાં દાદા થઇને ફરે છે અને જ્યાં કોઇ ભાવ પુછાતો ન હોય ત્યાં કાલાવાલા કરતા રહે છે. કેટલાકને જોઇને તો એમ જ થાય કે, આ એ જ માણસ છે જેને મેં રોફ ઝાડતા જોયો હતો, અહીં તો કેવો ગરીબ ગાય જેવો થઇ ગયો છે!
આપણા વિચારો, આપણા સંસ્કારો અને આપણી માન્યતાઓ આપણને ચોક્કસ પ્રકારનાં કર્મો કરાવતાં રહે છે. સારો માણસ હશે એ ક્યારેય ખરાબ કર્મ કરવાનો નથી. એક માણસની આ સાવ સાચી વાત છે. એ એક કંપનીમાં નોકરી કરતો હતો. કરપ્શન કરી શકે એવી અનેક તકો તેને મળતી હતી. એણે નક્કી કર્યું હતું કે, ગમે તે થાય આપણે ખોટું નથી કરવું. એક વખત તેની ટ્રાન્સફર થઇ. નવી જગ્યાએ કરપ્શનના કોઇ ચાન્સીસ જ નહોતા. તેની સાથે એક માણસ કામ કરતો હતો. તેણે કહ્યું કે, આ પોસ્ટ તો સાવ નક્કામી છે. કંઇ જ મળતું નથી. એ વ્યક્તિએ કહ્યું કે, તું જેને કામની ગણે છે એ પોસ્ટ પણ મારી પાસે હતી, પણ તું જે કરવા ધારે છે એ હેતુથી મારા માટે એ નક્કામી હતી. મારા માટે તો એ પણ કામની જ હતી અને આ પણ કામની જ છે. આપણી નજર અને આપણી દાનત કેવી છે એના પરથી એ નક્કી થતું હોય છે કે, આપણા માટે શું કામનું છે અને શું નક્કામું છે!
સારાં અને સાત્ત્વિક કામોથી શાંતિ મળે છે એ વાત પાક્કી છે. આપણી જાત સાથે આપણે ચોખ્ખા હોઇએ એ પૂરતું છે. મોટા ભાગે બધા લોકો દુનિયાને ધ્યાનમાં રાખીને બધું કરતા હોય છે. મને શું સારું લાગે છે? મને શું શોભે છે? એની જેને ખબર છે એણે બીજી ચિંતા કરવા જેવું નથી. એક માણસ હતો. એ સંત પાસે ગયો. સંતે તેને પૂછ્યું, તારી જિંદગીથી તું ખુશ છે? એ માણસે કહ્યું, હા, હું મારી જિંદગીથી બહુ ખુશ છું. હું ક્યારેય ખોટું કરતો નથી. કંઇ હોય તો હું પહેલાં મારી જાતને પૂછું છું કે, હું જે કરવા જઇ રહ્યો છું એ બરાબર છે? મારી જાત જવાબ આપી દે એ પછી જ હું આગળ વધું છું. જાતે ઘણીવાર રોક્યો પણ છે. એણે ના પાડી હોય એવું કરવાનું મેં ટાળ્યું છે. હવે તો મને એવું લાગે છે કે, હું મેં કરેલાં કર્મોની મજા ભોગવું છું. મારા એક સ્વજન હતા. એ બહુ ખોટું કરતા હતા. જતી જિંદગીએ એ બહુ હેરાન થયા. એના વિશે લોકો એવું બોલતા હતા કે, એ તેણે કરેલાં કર્મોની સજા ભોગવે છે. એ સમયે જ મેં નક્કી કરી લીધું હતું કે, મારે મેં કરેલાં કર્મોની સજા નહીં પણ મજા ભોગવવી છે. કેવું છે, આપણે સારા હોઇએ અને સરસ જિંદગી જીવતા હોઇએ ત્યારે કોઇ એમ નથી કહેતું કે, એ પોતાનાં સારાં કર્મોની મજા ભોગવે છે! અલબત્ત, કોઇ કહે કે ન કહે, એનાથી કોઇ ફેર પડતો નથી. આપણને તો એ વાતની ખબર જ હોય છે કે, આપણે મજા ભોગવીએ છીએ કે સજા ભોગવીએ છીએ. વડીલોના મોઢે ઘણી વખત એવું સાંભળ્યું છે કે, બધું અહીંનું અહીં છે. અહીંનું હોય કે ત્યાંનું હોય, એની ચિંતા કરવાની પણ જરૂર નથી. જિંદગી બહુ સરળ હોય છે. એને માણસ જ કોમ્પ્લિકેટેડ બનાવી દેતો હોય છે. જિંદગી સરળ રહે એના માટે આપણે જિંદગી પર નજર રાખવી પડતી હોય છે. જાત સાથે વફાદાર રહો, કોઇનું બૂરું ન ઇચ્છો, બીજા શું કરે છે એની પરવા ન કરો. મારે શું કરવું જોઇએ એનો જ વિચાર કરો! જિંદગી પોતે જ જીવવાની મજા આવે એવો રસ્તો કરી આપશે!
છેલ્લો સીન :
સાચું નસીબ આપણને જિંદગીમાં કેવા માણસો મળે છે એના પરથી જ નક્કી થાય છે. આપણે આબાદ થશું કે બરબાદ, એના માટે છેલ્લે તો એ લોકો જ જવાબદાર સાબિત થાય છે જે આપણી નજીક હોય છે! -કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 01 ડિસેમ્બર, 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com