સુખી થવું છે? આઇનસ્ટાઇનની આ વાત ગાંઠે બાંધી લો! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


સુખી થવું છે? આઇનસ્ટાઇનની
આ વાત ગાંઠે બાંધી લો!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

સો વર્ષ પહેલાં જાપાનમાં આઇનસ્ટાઇને એક વેઇટરને ચબરખીમાં લખીને જે મેસેજ આપ્યો હતો

એ આજની તારીખે પણ એટલો જ સાચો છે!

સુખની સાચી વ્યાખ્યાઓ ક્યારેય બદલાતી નથી!​ ​

સંપત્તિ અને સફળતા કરતાં શાંત અને નમ્ર જીવન માણસને વધુ ખુશી આપે છે

એવું આઇનસ્ટાઇન કહી ગયા છે.

ખબર નહીં કેમ પણ લોકો આ વાત સમજતા જ નથી!


———–

સુખી કેમ થવાય? ખુશ રહેવાનો કોઇ સાચો અને સહેલો રસ્તો ખરો? માણસ આખો દિવસ જે કંઈ ગધ્ધામજૂરી કરે છે એની પાછળનો અંતિમ ઉદ્દેશ સુખી થવાનો જ હોય છે. બધાને ખુશ રહેવું છે પણ જિંદગીની જંજાળ એવી છે કે, સુખ મળતું જ નથી. હેપીનેસ ફીલ થતી જ નથી. માંડમાંડ મજામાં હોઇએ ત્યાં કંઇક એવું થાય છે કે, બધી ખુશીનું બાષ્મીભવન થઇ જાય. સુખ અને ખુશી વિશે આ વખતે વાત કરવાનું કારણ આજથી સો વર્ષ પહેલાં સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇનસ્ટાઇને એક ચબરખીમાં લખીને આપેલો એક મેસેજ છે. જે કાગળ આઇનસ્ટાઇને લખ્યો હતો એની હમણાં હરાજી કરવામાં આવી હતી. હરાજીમાં તેના રૂપિયા 11 કરોડ ઉપજ્યા હતા. આઇનસ્ટાઇનનો લેટર જેણે લીધો એનું નામ ખાનગી રાખવામાં આવ્યું છે. એ જે કોઇ હોય, એની સાથે આપણને કોઇ મતલબ નથી. સવાલ એ છે કે, એ કાગળમાં એવું તો શું છે કે આખી દુનિયા સમયે સમયે એની ચર્ચા કરતી રહે છે? એ કાગળમાં આઇનસ્ટાઇને સુખની ચાવી અને ખુશીનું કારણ આપ્યું છે. આઇનસ્ટાઇને જે લખ્યું હતું તેનો સીધોસાદો મતલબ એવો થાય છે કે, સફળતા કે સંપત્તિ સુખ આપતાં નથી. શાંત અને નમ્ર જીવન જ માણસને ખુશી આપી શકે.
આખી વાત છે, આજથી સો વર્ષ પહેલાંની એટલે કે 1922ની. આઇનસ્ટાઇન લેક્ચર આપવા માટે જાપાન ગયા હતા. જાપાનના મુખ્ય શહેર ટોકિયોની હોટલ ઇમ્પિરિયલમાં તેઓ રોકાયા હતા. હોટલ છોડતી વખતે તેમણે વેઇટરને ટીપ આપવી હતી. તેમની પાસે રોકડ નહોતી એટલે તેમણે હોટલના લેટરપેડ પર જ એક મેસેજ લખીને વેઇટરને આપ્યો. આઇનસ્ટાઇને લખ્યું કે, અ કામ એન્ડ મોડેસ્ટ લાઇફ બ્રિંગ્સ મોર હેપીનેસ ધેન ધ પર્સ્યુ ઓફ સકસેસ કમ્બાઇન્ડ વિથ કોન્સ્ટન્ટ રેસ્ટલેસનેસ. આઇનસ્ટાઇને જ્યારે આ ચબરખી આપી ત્યારે વેઇટરને એમ પણ કહ્યું હતું કે, આ સાચવીને રાખજે, ભવિષ્યમાં આ કીમતી સાબિત થશે. એક બીજા પત્રમાં આઇનસ્ટાઇને એવું લખ્યું હતું કે, વેર ધેર ઇઝ એ વીલ ધેર ઇઝ અ વે.
આખી દુનિયા સફળતા માટે ઉધામા કરતી રહે છે. સરવાળે સુખ કે ખુશી મળે છે ખરાં? આઇનસ્ટાઇને જે વાત કરી એને એક સદી થઇ ગઇ છે. સત્ય ક્યારેય બદલાતું નથી. એ સનાતન હોય છે. આઇનસ્ટાઇને જ્યારે આ વાત લખી ત્યારે એને નોબેલ પ્રાઇઝ મળી ગયું હતું. ચર્ચા તો એવી પણ થતી રહી છે કે, શું નોબેલ પ્રાઇઝ મળી ગયા પછી પણ આઇનસ્ટાઇનને સુખ કે ખુશીની સાચી અનુભૂતિ થતી નહોતી? જે હોય તે પણ એમની વાતમાં દમ તો છે જ. માણસજાત માટે એક એવો મેસેજ છે જે જિંદગીને સમજવા માટે અને જિંદગી જીવવા માટે પૂરતો છે. જેમ જેમ સમય જતો જાય છે એમ એમ આઇનસ્ટાઇનનો આ મેસેજ વધુ સાચો અને જરૂરી બનતો જાય છે. હજુ સો વર્ષ પછી કદાચ આ મેસેજનું ઇમ્પોર્ટન્સ આજ કરતાં પણ વધુ હશે. એનું કારણ એ છે કે, લોકોની દોડ સુખ કરતાં દુ:ખ તરફ વધુ હોય એવું લાગી રહ્યું છે.
બધા જ લોકો સફળતાની એક એવી રેસમાં છે જેનો કોઈ અંત જ નથી. બધાને સફળ થવું છે, ધનવાન થવું છે, પોપ્યુલર થઇ જવું છે, ફોલોઅર્સ વધારવા છે, એમાં ને એમાં જિંદગી હોમાતી રહે છે. હવે સેલ્ફી અને ફોટા માટે મોઢું હસતું રાખવામાં આવે છે. રિલ્સ બનાવવા માટે નાચવા ગાવામાં આવે છે. સરવાળે શું મળે છે? અજંપો અને અવસાદ. જિંદગીમાં હવે નથી રહી શાંતિ કે નથી રહી માણસમાં નમ્રતા. કહેવાનો મતલબ એવો જરાયે નથી કે, બધું મૂકી દો. કરિયર, સકસેસ અને ઇનકમ જરૂરી છે જ, વિચારવાનું માત્ર એટલું જ છે કે, એ કયા ભોગે? પોતાની જિંદગી માટે દરેક માણસનું એક સપનું હોય છે. મારે આટલું કરવું છે, મારે અહીં પહોંચવું છે. સપનું તો હોવું જ જોઇએ. એના માટે મહેનત પણ કરવી પડે છે. જિંદગી માટે એ પણ જરૂરી છે. અલબત્ત, લાઇફમાં મંઝિલ મેળવીને પણ સુખ કે ખુશી મળી જાય એની કોઈ ગેરંટી નથી. સવાલ એ થાય કે, ગેરંટી તો ક્યાં કશાની હોય છે? વાત એ છે કે, તમે અત્યારે મજામાં છો? તમને આ સમયે જિંદગી જીવવાની મજા આવે છે? તમારી પાસે તમારા માટે અને તમારા લોકો માટે સમય છે ખરો? જો આ બધા સવાલનો જવાબ હા હોય તો કોઇ પ્રોબ્લેમ નથી. સમસ્યા એ વાતની છે કે, આપણે આ બધાને દાવ પર લગાવીને રાત-દિવસ મથ્યા રહીએ છીએ.
સોશિયલ મીડિયા પર હમણાં એક છોકરીએ એક સ્ટેટસ મૂક્યું હતું. તેણે લખ્યું હતું કે, હું જેને પ્રેમ કરું છું એ એના સ્ટાર્ટઅપને પ્રેમ કરે છે, મારે શું કરવું જોઇએ? લોકોએ એના જવાબમાં જાતજાતની વાતો લખી હતી. ઘણાએ એવું લખ્યું કે, એને છોડી દે, દુ:ખી થઇશ. અમુકે એવું પણ લખ્યું કે, તારે એને સાથ આપવો જોઇએ. દરેકે પોતપોતાને જે યોગ્ય લાગે એવું લખ્યું હતું. નવું સ્ટાર્ટઅપ હોય તો વધુ મહેનત કરવી પડે એ વાત સાચી પણ એના માટે બધું છોડી દેવાની વાત કેટલા અંશે યોગ્ય છે? ઘણા લોકો એવું પણ માને છે કે, એક વાર સફળ થઇ જઇએ પછી જિંદગી શાંતિથી અને સરસ રીતે જીવીશું. સફળ થઇ જઇએ તો કોઈ વાંધો નથી પણ નિષ્ફળ ગયા તો? એ સમયે બધું જ વ્યર્થ લાગે છે. જિંદગીમાં ગમે તે કરો પણ જીવવા માટે સ્પેસ રાખો. કરિયર અને સફળતા માટે છોકરાઓ અને છોકરીઓ મેરેજ કરવાનું ટાળી રહ્યાં છે. સફળ હોઇશું તો મેરેજ તો થઇ જશે એવું માનવાવાળા યંગસ્ટર્સની પણ કમી નથી.
એ વાતથી ઇનકાર ન થઇ શકે કે, અત્યારે કટ થ્રોટ કમ્પિટિશનનો જમાનો છે. કઠોર પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી. ટકવા માટે તમારે સતત સંઘર્ષ કરવો પડે છે. ટાર્ગેટ એચિવ કરવાનું અને ગોલ પૂરા કરવાનું એટલું બધું પ્રેશર છે કે, દિવસે ચેન નથી પડતું અને રાતે ઊંઘ નથી આવતી. હા, આવું રહેવાનું છે. તમે દુનિયાને બદલી શકતા નથી. મહેનત કરવી પડશે પણ માણસ ધારે તો એમાં પણ બેલેન્સ રાખી જ શકે છે. માણસ હવે યોગ મજા કે શાંતિ માટે નથી કરતો પણ સ્ટ્રેસને હળવો કરવા માટે કરે છે. જિંદગીમાં કેટલાંય ભાર નીચે બધા જ દબાયેલા છે. એમાં સૌથી વધુ ખતરો સંબંધો ઉપર પેદા થાય છે. મોટા ભાગના લોકો અત્યારે રિલેશનશિપ ક્રાઇસીસનો સામનો કરી રહ્યા છે. દરેકને પોતાના જ લોકો સામે ફરિયાદ છે, નારાજગી છે. એના કારણે કામ, કરિયર કે સફળતામાં પણ લોકો પૂરતું ધ્યાન આપતા નથી. સરવાળે એ ક્યાંયના નથી રહેતા. એક હકીકત એ છે કે, જો બેલેન્સ નહીં રાખો તો હાલત ખરાબ થઇ જવાની છે, નહીં મળે સફળતા કે નહીં મળે સુખ. ગમે એટલા બિઝી હોવ તો પણ જિંદગી માટે જગ્યા રાખજો. રોજ થોડુંક વિચારજો કે હું બરાબર જીવું તો છુને? કૂચે તો નથી મરતોને?

 
હા, એવું છે!
સુખની સાચી ચાવી કોઇ શોધી શક્યું નથી. એનું કારણ એ છે કે, બધા પાસે તાળાં જ અલગ અલગ છે. દરેક માટે સુખની પોતાની વ્યાખ્યાઓ હોય છે. સુખ બહાર શોધ્યે ક્યારેય કોઇને જડ્યું નથી. સુખ અને શાંતિ આંતરિક મનોસ્થિતિ છે. તમે માનો તો તમે સુખી છો. દુ:ખી સમજશો તો ક્યારેય સુખી થવાના નથી! આપણા મોટાભાગનાં દુ:ખો આપણે આપણા હાથે જ પેદા કર્યાં હોય છે!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 14 સપ્ટેમ્બર, 2022, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *