સાજા સારા રહેવું હોય તો
બધું મનમાં ભરી ન રાખો!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
કોઇને કંઇ કહેવામાં માલ નથી! કોને શું ફેર પડે છે?
કોઇ કોઇનું ભલું નથી ઇચ્છતું! આવું થિંકિગ માણસને
વ્યક્ત થતાં રોકી રહ્યું છે! લોકો વધુને વધુ ભારે થતા જાય છે!
———–
દરેકને કંઇક કહેવું છે પણ કહેવું કોને? લોકો હવે એવું વિચારવા લાગ્યા છે કે, કોઇને કંઇ કહેવા જેવું જ નથી. લોકો આપણી મુશ્કેલી, સમસ્યા કે પીડાની વાત જાણીને મજા જ લેતા હોય છે. સહાનુભૂતિ અને સાંત્વના માત્ર દેખાડો હોવાનું બધાને લાગી રહ્યું છે. પારકાની વાત તો જવા દો, લોકોને હવે પોતાના લોકો પર પણ ભરોસો રહ્યો નથી. હમણાં એક રિસર્ચ પ્રસિદ્ધ થયું છે. માનસિક રીતે ડિસ્ટર્બ રહેતા લોકો પર એક અભ્યાસ હાથ ધરાયો હતો. મોટા ભાગના લોકો હતાશા અને નિરાશા અનુભવતા હતા. જિંદગીમાંથી તેમને રસ ઉડતો ગયો હતો. એના કારણ જાણવામાં આવ્યા ત્યારે અભ્યાસ કરનારા પણ આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતા. એ લોકો પોતાના મનની બધી વાતો સંઘરી રાખતા હતા. પોતાની લાઇફમાં કંઇ પણ થાય તો કોઇને કહેતા નહોતા. પરિણામ એ આવ્યું કે, એ લોકો ધીમે ધીમે પોતાના ભાર નીચે જ દબાવવા લાગ્યા. તબીબોએ તેમને પૂછ્યું, કેમ તમે કોઇને તમારી અંગત વાત કરતા નથી? મોટા ભાગના લોકોએ કહ્યું કે, કોઇને કહેવાનો કોઇ અર્થ નથી! લોકોની બે સૌથી મોટી મુશ્કેલી છે. એક તો જેને આપણે કહીએ એ તરત જ જજમેન્ટલ થઇ જાય છે. બીજું એ કે, તરત જ સલાહ આપવા લાગે છે. આ અભ્યાસ બાદ નિષ્ણાતોએ લોકોને એવી સલાહ આપી છે કે, સાંત્વના આપવાની હોય ત્યાં સલાહ ન આપો. તમને જે વ્યક્તિ વાત કરે છે એ ઓલરેડી પરેશાન છે.
અપસેટ રહેનારા લોકોએ બીજી એક વાત એવી પણ કરી કે, કોઇ પૂરી વાત સાંભળતું નથી. વાત પૂરી કરીએ એ પહેલા જ પોતાના મંતવ્યો આપવા માંડે છે. પહેલા અમે અમારી વાત કેટલાંક અંગત લોકોને કરતા હતા પણ બાદમાં જે અનુભવો થયા એ પછી કોઇને કહેવાનું માંડી વાળ્યું. માણસ હવે વાત કરવા માટે પણ માણસની પસંદગી કરવા લાગ્યો છે! અગાઉના સમયમાં માણસ પોતાના મિત્ર સાથે તમામે તમામ વાત શેર કરતો હતો. હવે એવું કરતો નથી. લોકો વાત કરવા માટે પણ કેટેગરી પાડવા લાગ્યા છે. અંગત વાત અમુકને જ કરવી. મજા કરવા અને ફરવા અમુક લોકો સાથે જ જવું. ફાઇનાન્શિયલ ઇશ્યૂઝની વાત સિલેક્ટેડ લોકોને જ કરવી. જેને જેમાં સમજ પડતી હોય એની વાત એને જ કરવી. બધાને બધું કહેવાની જરૂર નથી. નિષ્ણાતો એમાં પણ કશું ખોટું ગણતા નથી. જે હોય તે, જેને કહેવું હોય એને પણ કોઇને કહે તો છે! હવે તો લોકો પર્સનલ વાતો કરવાનું જ બંધ કરવા લાગ્યા છે. હસબન્ડ વાઇફનો કોઇ ઇશ્યૂ હોય તો બેમાંથી કોઇ કોઇને કહેતા નથી. અમારા બંનેની વાત છે, અમે ફોડી લેશું એવી માનસિકતા વધતી જાય છે. બંને ખરેખર ફોડી લેવાના હોય તો વાત જુદી છે પણ એમ વાત પતતી નથી. સરવાળે બંને અંદરને અંદર ધૂંધવાતા રહે છે. તેની અસર સીધી શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર પડે છે. તબીબોએ તો એક ચોંકાવનારી આગાહી પણ કરી છે કે, હવે એ સમય દૂર નથી જ્યારે માણસે પોતાના દિલની વાત કહેવા માટે રોબોટ વસાવવો પડે. આમ તો અત્યારે જ કેટલાંક કિસ્સાઓમાં એવું થવા લાગ્યું છે. તમને એ જાણીને કદાચ આશ્ચર્ય થશે કે, લોકો હવે પોતાના પર્સનલ પ્રોબ્લેમ સીરી, એલેક્સા કે બિક્સીને કહેવા લાગ્યા છે. બધાને એવું થવા લાગ્યું છે કે, હોંકારો મળે તો પણ ઘણું છે! સમાજ શાસ્ત્રીઓને એ વાતની ચિંતા છે કે, આખરે આ દુનિયા કઇ તરફ જઇ રહી છે. માણસ જેમ જેમ હાઇટેક થતો જાય છે એમ એમ એકલો પડતો જાય છે. લોકોને હવે કોઇ પર વિશ્વાસ નથી રહ્યો.
લોકો હવે ફોન પર વાત કરતા પણ ગભરાઇ રહ્યા છે. એવી સલાહો અપાવવા લાગી છે કે, ફોન પર કંઇ બોલતા પહેલા સો વાર વિચારવું. સામેવાળો આપણો ફોન રેકોર્ડ ન કરતો હોય એની કોઇ ગેરંટી નથી. અંગત હોય એની સાથે પણ લોકો વાત કરતા ગભરાય છે. મેસેજ કરવામાં પણ ડર લાગે છે કે ક્યાંક સ્ક્રીનશોટ ફરવા ન લાગે. ફોટાનો મિસયૂઝ ન થાય એ માટે ફોટો પણ એક વખત જ જોઇ શકાય એ સિસ્ટમથી મોકલે છે. આટલો બધો અવિશ્વાસ કેમ છે? લોકો કોઇના લીક થયેલા વીડિયો કે જાહેર થઇ ગયેલી વોઇસ ક્લિપ સાંભળીને એવું વિચારે છે કે, આપણી સાથે પણ આવું થઇ શકે છે. હદ તો એ વાતની છે કે, હવે પતિ પત્ની પણ એક બીજાના ફોન રેકોર્ડ કરવા લાગ્યા છે. મેસેજ સાચવી રાખે છે. ક્યારેક કામ લાગશે! હવે આવું બધું પુરાવા તરીકે ભેગું કરવામાં આવે છે. સંબંધોનો પાયો જ શંકા પર રચાવા લાગ્યો છે. હવે લોકો કહે છે કે, ફોન પર કહી શકાય એમ નથી, રૂબરૂ મળીએ ત્યારે વાત કરીશ! જેને એક વખત ખરાબ અનુભવ થયો છે એ તો મનની વાત મનમાં જ રાખી મૂકે છે.
આપણને જે સતાવતી હોય, વેદના આપતી હોય એવી વાત કોઇને કહી ન શકાય ત્યારે એક ડૂમો સર્જાતો હોય છે. જિંદગીમાં બીજું કંઇ હોય કે ન હોય, એક એવી વ્યક્તિ હોવી જોઇએ જેને કોઇ પણ જાતના સંકોચ વગર તમામે તમામ વાત કરી શકાય. જો એવી વ્યક્તિ ન હોય તો શોધો, કોઇના પર ભરોસો મૂકતા ડરો નહીં. મનમાં ભરી રાખશો તો હેરાન થશો. ચૂપ રહેનારા લોકો કરતા બોલી દેનારા લોકો વધુ હળવા અને સુખી હોય છે. ઘણા લોકો એવા હોય છે જે સામેવાળાને કેવું લાગશે એ વિચાર્યા વગર મનમાં હોય એ બધું કહી દે છે. આપણને તેની વાત સાંભળીને એવું થાય કે, આ માણસ પોતાની અંગત વાત મને શા માટે કરે છે? તમે માર્ક કરજો, આવું કરનારા લોકો હળવા હશે, હસતા બોલતા રહેશે. એ પોતાની સાથે કોઇ બેગેજ કેરી કરતા નથી. જે ભાર હોય એ તરત જ ઉતારી દે છે!
કોઇને વાત કરી શકાય એમ ન હોય એવા સંજોગોમાં એક બીજો ઓપ્શન પણ એક્સપર્ટ્સ સૂચવે છે. તમારા મનમાં જે હોય એ લખી નાખો! ડાયરીમાં લખો કે લેપટોપમાં લખો એનાથી કોઇ ફેર પડતો નથી, ગમે ત્યાં લખો પણ લખો. એક સમયે લોકો ડેઇલી ડાયરી લખતા હતા. પોતાના વિચારો, પોતાની સાથે બનતી ઘટનાઓ, અનુભવો સહિતની વિગતો ડાયરીમાં લખાતી હતી. હવે લખવાનું પ્રમાણ પણ ઘટ્યું છે. તમે ડાયરી લખો છો? તમે ન લખતા હોવ તો તમારી નજીકનું કોઇ ડાયરી લખે છે ખરું? આજના સમયમાં ભાગ્યે જ એવી વ્યક્તિ જોવા મળશે. ડેઇલી ડાયરી ન લખો તો કોઇ વાંધો નથી પણ કોઇ વાત સતાવતી હોય, પીડા આપતી હોય, વેદના થતી હોય અને કોઇને કહી શકાય એમ ન હોય તો લખી નાખો.
સાચી વાત તો એ છે કે, વાત કહેતા બહુ ડરો નહીં. વાત લીક થવાથી જેટલું નુકશાન જશે એના કરતા વાત ન કહેવાથી વધુ શારીરિક અને માનસિક તકલીફ થવાની છે. દુનિયામાં એવા માણસોની કમી નથી જે વાત સાચવી અને સંઘરી રાખતા હોય. આપણી જિંદગીમાં આપણી નજીકના લોકોની પસંદગી એવી જ હોવી જોઇએ. છેલ્લે એક વાત, તમને કોઇ તેની અંગત વાત કરે છે? આપણે કોઇના માટે ભરોસાપાત્ર હોઇએ એ પણ મોટી વાત છે. આપણને કોઇ તેના દિલની વાત કરે ત્યારે આપણી પણ એ ફરજ બને છે કે, તેની વાતને આપણા પૂરતી અકબંધ રાખીએ. આજની સમયમાં સૌથી વધુ કશાની જરૂર હોય તો એ એક-બીજા પર વિશ્વાસ અને શ્રદ્ધાની છે. વર્ચ્યુઅલ વર્લ્ડમાં રચ્યા પચ્યા રહેવાને બદલે વાસ્તવિક સંબંધો જે જીવી જાણે છે એ સ્વસ્થ રહી શકે છે. ચેક કરતા રહેજો, તમારી પાસે એવા મિત્રો અને એવા સ્વજનો તો છેને જેને તમે બધી પેટછૂટી વાત કરી શકો! ન હોય તો, હજુ કંઇ મોડું નથી થયું!
—————-
પેશ-એ-ખિદમત
રહ કે અચ્છા ભી કુછ ભલા ન હુઆ,
મૈં બુરા હો ગયા બુરા ન હુઆ,
અબ કહાં ગુફ્તગૂ મોહબ્બત કી,
એસી બાતેં હુએ જમાના હુઆ.
-નાતિક ગુલાવઠી
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 04 જૂન, 2025, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
