માણસનો જાત સાથેનો પણ એક ધર્મ હોય છે! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

માણસનો જાત સાથેનો
પણ એક ધર્મ હોય છે!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


રાખમાં ઢંકાયેલો અંગાર છે ફૂંકો નહીં!
દીપમાં પણ સૂર્યનો અણસાર છે ફૂંકો નહીં!
તૃણની માફક નહીં ઊડી શકે ફૂંકથી,
જિંદગી આંધી ઉપર અસવાર છે ફૂંકો નહીં!
-અંબાલાલ ડાયર


જિંદગીની ફિતરત સતત ચાલતા રહેવાની છે. જિંદગી ક્યારેક સીધી ચાલશે તો ક્યારેક આડી ચાલશે પણ એક વાત નક્કી છે કે એ ચાલતી રહેવાની છે. છેલ્લા શ્વાસ સુધી એની ગતિ વહેતા પાણીના પ્રવાહની જેમ ચાલતી જ રહેવાની છે. ગમે એવી આફત હોય, ગમે એવું વાતાવરણ હોય કે પ્રલયની ઘડી હોય, ઘડિયાળની ગતિમાં કોઈ ફેરફાર થવાનો નથી. માણસનું બ્લડ પ્રેશર ઊંચુંનીચું થતું રહે છે. મગજની નસ ફાટી જાય અને દિલના તાર તૂટી જાય એ હદે માણસ પોતાને જ પરેશાન કરતો રહે છે. એક વૃદ્ધની આ સાવ સાચી વાત છે. મોટી ઉંમરે પણ એ ખૂબ જ હસતાં રહેતા. એક વખત તેના પૌત્રે તેને પૂછ્યું, તમે આટલું લાંબું જીવ્યા અને કાયમ હસતા જ હોવ છો, એનું કારણ શું? દાદાએ કહ્યું, એનું સૌથી સરળ કારણ એ છે કે, હું કોઇની વાત દિલ પર લેતો નથી. દિલ પર એ જ વાત કે એ જ ઘટના લઉં છું જે મારા દિલને ટાઢક આપે અને મારી હયાતીને થોડીક હરિયાળી બનાવે. હું મારી જિંદગીમાં એક વાત શીખ્યો છું. મને મારી મરજી વિરુદ્ધ કોઇ ડિસ્ટર્બ ન કરવું જોઇએ. કોઇ આપણને કંઈ બોલી જાય અને આપણો મૂડ આઉટ થઇ જાય છે. મૂડ તો ત્યારે આઉટ થાયને જ્યારે આપણે થવા દઈએ? આપણે થવા જ ન દઈએ તો? કોઇ કંઇ બોલે કે કોઇ કંઇ કરે એની કેટલી અને કેવી અસર આપણે આપણા પર થવા દેવી એ તો આપણે નક્કી કરવું જોઇએને? જો તમે એ નક્કી ન કરી શકો તો સમજવું કે, તમારો કંટ્રોલ જ તમારા પર નથી. માણસે એવું રમકડું ક્યારેય ન બનવું જોઇએ જેની ચાવી બીજા કોઇના હાથમાં હોય! કોઇ રાજી કરે અને આપણે રાજી થઇ જઇએ, કોઇ નારાજ કરે અને આપણે ઉદાસ થઇ જઇએ, કોઇક ચાળો કરે અને આપણે ગુસ્સે થઇ જઇએ, એનો મતલબ તો એ જ થયો કે આપણે કોઇ ઇચ્છીએ એમ જ જીવીએ છીએ.
ક્યારેક થોડોક વિચાર કરી જોજે કે આપણે આપણને ગમે એવું કેટલું જીવીએ છીએ? બધાને સરસ રીતે જીવવું હોય છે પણ જીવી શકતા નથી. કેમ નથી જિવાતું એવો સવાલ કરીએ તો કહે છે કે, જુઓને કોઈ શાંતિથી જીવવા જ ક્યાં દે છે? રોજે રોજ કોઇ ને કોઇ ઉપાધિ હોય છે! ગમે તે કરીએ તો પણ મેળ પડતો જ નથી. ધાર્યું કંઈ થઈ શકતું જ નથી. આપણી જિંદગીને દુ:ખી સાબિત કરવા માટે આપણી પાસે પૂરતાં કારણો હોય છે પણ સુખ માટે કોઈ કારણો નથી હોતાં. એક છોકરો અને છોકરી હતાં. બંને બહુ સારાં દોસ્ત. છોકરો દર વખતે ટેન્શનમાં જ હોય. તેના મોઢે દરેક વખતે કોઇ ને કોઇ ચિંતાની જ વાત હોય. એક વખત છોકરીએ પૂછ્યું, તું દર વખતે ચિંતામાં જ કેમ હોય છે? છોકરાએ કહ્યું, મારે તો મજામાં રહેવું છે પણ મેળ જ પડતો નથી. છોકરીએ કહ્યું, તું બહાનાં કાઢે છે. તારે મજામાં રહેવું હોય તો તને કોઇ રોકતું નથી. તને ખબર છે, તને મજામાં રહેતા કોણ રોકે છે? તું પોતે! તેં તારી જાતને જ એટલી બધી કેદ કરી નાખી છે કે, તું તારાથી જ મુક્ત થઇ શકતો નથી. જે પોતાની જાળમાં જ ફસાઇ ગયા હોય તેને કોઇ બચાવી ન શકે. તારી જાળ તારે જ તોડવી પડશે. તેં સર્જેલાં બંધનથી તારે જ મુક્ત થવું પડશે. દરેક પંખીને ખબર હોય છે કે ઊડવું હશે તો પાંખો ફફડાવવી પડશે. આપણને એ ખબર હોવી જોઇએ કે, જિંદગીના આકાશને માણવા માટે પાંખો ફફડાવવી પડશે. માણસે એ વિચારવું જોઇએ કે, મારી પરેશાનીનું કારણ ક્યાંક હું તો નથીને? હું જ ખોટા ખોટા વિચારો કરીને મને જ હેરાન નથી કરતોને? માણસ સૌથી વધુ પોતાને હેરાન કરતો હોય છે!
એક યુવાનની આ વાત છે. તે પોતાની જિંદગી, કરિયર, સફળતા અને સુખ માટે સતત ચિંતામાં રહેતો. એક વખત એ એક સંત પાસે ગયો. તેણે સંતને કહ્યું કે, હું મારા ધર્મને કેવી રીતે પાળું તો સુખી થઈ શકું? એ સંતે કહ્યું, પહેલાં તો તું તારી જાત સાથેનો ધર્મ પાળ! તને ખબર છે, દરેકનો પોતાની જાત સાથેનો એક ધર્મ હોય છે. એ ધર્મ દરેકે નિભાવવો જોઇએ. તમારી જાત સાથે તમે કેટલા ધાર્મિક છો? તમારી જાતને ઠેસ ન પહોંચે તેની તમે કેટલી કાળજી રાખો છો? તમારી અંદર પણ એક ભગવાન બેઠો છે, એને તમે રાજી રાખો છો ખરા? આપણી અંદર તો ભારોભાર ઉકળાટ છે. જોઇ લેવાની કે દેખાડી દેવાની વૃત્તિમાં આપણે જ બળતા રહીએ છીએ. આપણને શાંતિ જ નથી ફીલ થતી. એનું કારણ એ જ છે કે, આપણે આપણી જાત પ્રત્યેનો ધર્મ બજાવતા નથી. મનને શાંતિ મળે એવું તમે શું કરો છો? કોઈ સારું કામ કરવાથી કે કંઇક પોતાને ગમતું કરવાથી પણ શાંતિનો અનુભવ થાય છે. જે પોતાની જાત સાથેનો ધર્મ પાળતો નથી એ ગમે એટલાં પૂજાપાઠ કરે તો પણ એને શાંતિ મળતી નથી.
એક છોકરી હતી. તેના ઘરમાં સતત કંઇક ને કંઇ ઝઘડા અને ઉત્પાત ચાલતા જ રહે. ક્યારેય શાંતિ હોય જ નહીં. આ બધા વચ્ચે પણ એ છોકરી એકદમ શાંત અને સ્વસ્થ રહે. તેની ફ્રેન્ડે એક વખત તેને પૂછ્યું કે, તું આટલી શાંત કેમ રહી શકે છે? એ છોકરીએ કહ્યું કે, પહેલાં હું પણ ખૂબ અશાંત અને દુ:ખી રહેતી હતી. મને એમ થતું કે, મેં તે એવાં કયાં પાપ કર્યાં છે કે મારો આવા ફેમિલીમાં જન્મ થયો? આ સવાલ મેં એક સંતને પૂછ્યો. સંતે કહ્યું કે, જન્મ ક્યાં થવો અને મૃત્યુ ક્યાં થવું એ આપણા હાથની વાત નથી. અલબત્ત, જન્મ અને મૃત્યુની વચ્ચે જે જિંદગી છે એને કેવી રીતે જીવવી તે આપણા હાથની વાત છે. તેં કાચબો જોયો છે? કાચબાને કોઇ ભય લાગે એટલે એ પોતાનાં બધાં અંગો સંકોરી લે છે. માણસે પણ ક્યારેક એવું કરવું પડતું હોય છે. આપણને ખબર હોય કે આ વસ્તુ, આ વાત કે આ ઘટના મને દુ:ખી કરે છે તો એનાથી દૂર થઈ જવું. એની અસર જ આપણા પર થવા નહીં દેવાની.
સુખ અને દુ:ખ ઘણાબધા અંશે માનસિક જ હોય છે. જેને ખરેખર દુ:ખ કહી શકાય એવું તો થોડુંક જ છે. સ્વજનનું મૃત્યુ અને બીમારી પીડા આપે છે. એ સિવાય જે બને છે એનાથી કેટલું દુ:ખી થવું એ તો આપણે નક્કી કરવાનું હોય છે. આપણે અંધારામાં જ પડ્યા રહીએ તો એમાં વાંક આપણો હોય છે. આપણને ખબર હોય કે અહીં અંધારું છે તો ત્યાંથી વહેલીતકે અજવાળા તરફ ચાલ્યા જવું જોઇએ. અંધારું આપોઆપ હટવાનું નથી. ઘણા લોકો અંધારામાં પડ્યા રહે છે અને પછી ફરિયાદો કરે છે કે, બધું કાળું જ છે. કાળામાં હોય તો કાળું જ દેખાવવાનું છે. અજવાળામાં જઇએ તો જ પ્રકાશ મળવાનો છે. કોઇ પણ પ્રકારનું દુ:ખ હોય, ચિંતા હોય, ટેન્શન હોય, ઉપાધિ હોય ત્યારે એટલું વિચારવું જોઇએ કે, ખોટી ફિકર કર્યે રાખવાનો કોઈ અર્થ છે ખરો? કારણ વગરનાં ટેન્શન લઈને આપણે સરવાળે તો આપણી શક્તિઓને નબળી જ પાડતા હોઇએ છીએ. જિંદગી સુંદર અને જીવવા જેવી જ છે, મોટા ભાગે આપણે જ તેને ઉપાધિઓની અંદર ધકેલી દઇએ છીએ અને જિંદગીને કોસતા રહીએ છીએ. જિંદગીને સરસ રીતે જીવવાનું નક્કી કરો તો તમને સરસ રીતે જીવતાં કોઇ રોકી શકવાનું નથી!
છેલ્લો સીન :
જે માણસ પોતાને નથી માનતો એ ભગવાનને પણ માની નહીં શકવાનો. ધર્મ અને અધ્યાત્મની શરૂઆત પોતાનાથી જ થાય છે. માંહ્યલાને સમજશો તો જ પરમાત્માનો પરિચય મેળવી શકશો. – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 14 એપ્રિલ 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *