તારા ઘરમાં તારો
જીવ જ ક્યાં છે!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
મશરૂફ રહને કા અંદાજ, તુમ્હેં તન્હા ન કર દે ‘ગાલિબ’,
રિશ્તે ફુર્સત કે નહીં, તવજ્જોહ કે મોહતાજ રહતે હૈ!
-મિર્ઝા ગાલિબ
દરેક જીવતો માણસ સજીવન જ હોય એવું જરૂરી નથી. જીવવું એટલે શ્વાસ ચાલવો નહીં, જીવવું એટલે ધબકવું. ધડકવા અને ધબકવા વચ્ચેનો તાર્કિક ભેદ કેટલા લોકોને સમજાતો હોય છે? ઘણા લોકોને જોઇને જ આપણને સમજાઇ જાય છે કે, એનો જીવ ઠેકાણે નથી! જીવ ઠેકાણે ન હોય ત્યારે માણસ જ્યાં હાજર હોય ત્યાં જ ગેરહાજર હોય છે. શરીરની સાથે મનની હાજરી પણ આવશ્યક હોય છે. બહુ ઓછા લોકો એવા હોય છે, જે જિંદગીની દરેક ક્ષણ ‘જીવતાં’ હોય છે. માણસ એની જિંદગીમાં કામચલાઉ રીતે કેટલીયે વાર મરતો હોય છે! એ સમય આયુષ્યમાં ગણાતો હોય છે, પણ જીવાયેલો હોતો નથી. મન ક્ષુબ્ધ થઇ જાય ત્યારે ક્ષણો જર્જરિત થઇ જતી હોય છે. માણસે પોતાના જીવની પણ તપાસ કરતાં રહેવું જોઇએ. મારો જીવ તો ઠેકાણે છે ને? જો લાંબો સમય જીવ ઠેકાણે ન હોય તો સમજવું કે, જિંદગી આડા પાટે ચડી ગઇ છે. જિંદગી પણ ક્યારેક ખડી પડતી હોય છે. આપણે આપણા મનમાં જ એક એવી ક્રેન બનાવીને રાખવી પડતી હોય છે, જે ખડી પડેલી જિંદગીને પાછી પાટા પર ચડાવી દે!
માણસનો જીવ જો ઠેકાણે ન હોય, તો કશામાં એનો જીવ લાગતો નથી. જીવની હાજરી જ ન હોય તો જીવની મોજુદગી ક્યાંથી મહેસૂસ થવાની છે? એક યુવાન હતો. એ પેઇન્ટિંગ શીખતો હતો. તેણે એક સુપ્રસિદ્ધ પેઇન્ટર પાસે ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું. પેઇન્ટરે એક વખત એ યુવાનને એક પેઇન્ટિંગ બનાવવાનું કહ્યું, પેલા યુવાને ઇઝલ પર કેનવાસ ગોઠવ્યું. ધીમે ધીમે પેઇન્ટિંગ બનાવવાનું શરૂ કર્યું. થોડુંક ચિત્ર બન્યું ત્યાં પેઇન્ટર જોવા આવ્યા. પેઇન્ટિંગના સ્ટ્રોક જોઇને પેઇન્ટરે યુવાનને કહ્યું, ‘રહેવા દે, અત્યારે તારો જીવ ઠેકાણે નથી!’ યુવાને પૂછ્યું, ‘મારો જીવ ઠેકાણે નથી એ આ પેઇન્ટિંગમાં દેખાય છે?’ પેઇન્ટરે કહ્યું, ‘હા, ચોખ્ખેચોખ્ખું દેખાય છે!’ આપણો જીવ ઠેકાણે ન હોય ત્યારે આપણા હાથેથી થતા દરેક કામ નિર્જીવ જ હોય છે. જીવ ઠેકાણે ન હોય ત્યારે કંઇ ન કરવું જોઇએ, એ સમયે માત્ર જીવને ઠેકાણે લાવવાનું જ કામ કરવું જોઇએ!
આપણે ક્યારેક આપણાથી જ દૂર થઇ જઇએ છીએ. આપણને આપણી જ વાત સંભળાતી નથી. આપણી અંદર જીવતો માણસ જ જાણે સાવ અજાણ્યો બની જાય છે. માણસને પોતાની જાત સાથે દોસ્તી હોવી જોઇએ. જે પોતાને પ્રેમ કરતો નથી, એ કોઇને પ્રેમ કરી શકતો નથી. જે પોતાને નફરત કરે છે, એ આખી દુનિયાને નફરત જ કરવાનો છે. આપણો જીવ ઠેકાણે ન હોય, ત્યારે એના માટે પણ આપણે બીજાને જવાબદાર ઠેરવતાં હોઇએ છીએ. તારા કારણે આવું થયું! એના કારણે મારી હાલત ખરાબ થઇ ગઇ! હકીકતે તો પોતાના કારણે જ કોઇ પણ સ્થિતિનું નિર્માણ થતું હોય છે. મેળામાં ખોવાયેલું બાળક શું કરે છે? એ રડતું હોય અને કોઇ તેને પૂછે તો એ એવું જ કહે છે કે, ‘મારી મમ્મી ખોવાઇ ગઇ છે!’ એને એવું નથી લાગતું કે, હું ખોવાઇ ગયો છું! આપણે પણ એ બાળક જેવું જ કરતાં હોઇએ છીએ. ખોવાઇ ગયાં હોઇએ છીએ આપણે અને દોષ બીજા પર ઢોળીએ છીએ!
આપણે ત્યાં એવું માનવામાં આવે છે કે, મૃત્યુ વખતે કોઇ ઇચ્છાઓ અધૂરી રહી ગઇ હોય, તો આત્મા ભટકતો રહે છે. આત્મા ભટકે છે કે નહીં એ તો ભગવાન જાણે, પણ ઘણા લોકોનો જીવ જીવતાં જ ભટકતો હોય છે! અમુક માણસો તો જીવતાં જાગતાં ‘પ્રેત’ જેવા બની જાય છે. અઘરા, આકરા, વિપરીત અને કપરા સમયમાં માણસે નક્કી કરવું જોઇએ કે ગમે તે થાય, હું મારાથી દૂર થઇશ નહીં. હું મારા જીવને ભટકવા દઇશ નહીં. મારે મારો જીવ ઠેકાણે રાખવો છે. જે સ્ત્રીનો જીવ ઠેકાણે ન હોય તેનું ઘર પણ ધબકવાનું બંધ કરી દેતું હોય છે! ઘણા ઘરોમાં જઇએ, ત્યારે એ નિર્જીવ ભાસે છે. આપણે એવું કહીએ છીએ કે, એના ઘરમાં બહુ નેગેટિવ ફીલિંગ આવે છે. અમુક ઘરો એવા હોય છે, જેમાં પ્રવેશો એ સાથે તમારામાં એક અદ્્ભુત અને અલૌકિક શક્તિનો સંચાર થાય. આપણને એમ થાય કે એના ઘરમાં કંઇક જાદુ છે! હા, જાદુ હોય છે, એ ઘરમાં જીવતા લોકોની પોઝિટિવ એનર્જીનો જાદુ ઘરના કણેકણમાં વર્તાતો, જીવાતો અને અનુભવાતો હોય છે!
એક યુવાનની આ વાત છે. તેના બે મિત્રો તેને મળવા આવ્યા. એક મિત્ર ઇન્ટિરિયર ડેકોરેટર હતો. તેણે કહ્યું કે, ‘તારા ઘરમાં બહુ નેગેટિવિટી ફીલ થાય છે. તું તારા ઘરમાં ફેરફાર કર. આ દીવાલના રંગ બદલાવી નાખ! ફર્નિચરમાં પણ થોડોક ફેરફાર કર. થોડીક બ્રાઇટનેસ ઘરમાં ઉમેર. હવા-ઉજાસનો પણ થોડોક બંદોબસ્ત કર!’ આ વાત સાંભળીને તેની સાથે આવેલા બીજા મિત્રએ કહ્યું કે, ‘એ બધું તો ઠીક છે, પહેલાં તું તારી અંદર જે જાળી-ઝાંખરા બાઝી ગયા છે, એને દૂર કરી દે. તારી અંદર જે શૂન્યાવકાશ છે, એને થોડીક હળવાશથી ભરી દે. તારા ચહેરા ઉપર જ ભાર વર્તાય છે.’ ચહેરા ઉપર ભાર નહીં, પણ ભાવ સજાવવા જોઇએ. અભાવ હોય ત્યારે સ્વભાવ પર નજર નાખવી પડે છે!
એક છોકરીની આ વાત છે. એ છોકરીનાં લગ્ન થયાં. લગ્ન પછી થોડા થોડા દિવસે એ પિયર આવી જાય. સાસરે જતી વખતે એ હંમેશાં એવું બોલે કે, ‘મને એ ઘરે જવાનું મન જ નથી થતું!’ એક વખત દીકરી આવું બોલી ત્યારે પિતાએ કહ્યું કે, ‘તું ‘એ ઘર’ બોલે છે, એ જ થોડુંક ભેદી છે. તું ‘મારું ઘર’ એમ કેમ નથી બોલતી? બેટા, તારા ઘરમાં તારો જીવ જ ક્યાં છે? જ્યાં સુધી એ ઘરમાં તારો જીવ નહીં લાગે, ત્યાં સુધી એ ઘર ક્યારેય તને તારું લાગવાનું નથી. તારા ઘરમાં તારો જીવ પૂર અને એ પહેલાં તારો જીવ તારામાં પરોવ! આપણું હોય એ કેટલું ‘મારું’ હોય છે? ઘરની અંદર જીવ હોવો જોઇએ અને એવું ત્યારે જ બને, જ્યારે આપણો જીવ ઘરમાં હોય!’
તમને તમારા ઘરમાં મજા આવે છે? જેને પોતાના ઘરમાં મજા આવતી ન હોય એને ક્યાંય મજા આવતી નથી. ઘરનો દરેક ખૂણો સજીવન હોવો જોઈએ. એક યુવાનની આ વાત છે. એક સમયે એને એવો અહેસાસ થયો કે તેના ઘરમાં બધું નિર્જીવ છે. સોફા, ટેબલ, ખુરશી, ફ્રીજ, ટીવી સહિત બધું જ નિર્જીવ છે. એક વખતે એ યુવાન નર્સરીમાંથી થોડાક ફૂલ અને છોડ લાવ્યો. ઘરે આવીને પત્નીને કહ્યું કે, ‘આ ઘરમાં થોડીક વસ્તુઓ હોવી જોઇએ જે જીવંત હોય!’ આ વાત સાંભળીને પત્નીએ પ્રેમથી કહ્યું, ‘તું થોડોક વધુ જીવંત થઇ જા ને તો બધું જીવતું લાગશે! આ ઘરમાં તું જીવંત છે, હું જીવંત છું, તો પણ તને કેમ એવું લાગે છે કે, કંઇ જીવંત નથી? આપણે જીવંત નહીં હોઇએ ને તો આ ફૂલ અને છોડ પણ મૂરઝાઇ જવાના છે!’ તમે ક્યારેય વિચારો છો કે તમે કેટલા જીવંત છો? જીવતાં રહેવા માટે આપણી અંદર ઘણુંબધું જીવતું રાખવું પડતું હોય છે. થોડુંક બચપણ, થોડીક અલગારી, થોડીક ઝિંદાદિલી, થોડીક બેવકૂફી, થોડીક આવારગી, થોડીક બેપરવાહી અને થોડીક મગરૂરી જ સરવાળે આપણા જીવમાં જીવ પૂરતી હોય છે! જીવ ઠેકાણે રહે એ માટે આપણે આપણી જાતની પણ માવજત કરવી પડે છે!
છેલ્લો સીન :
જેની જિંદગીમાં ‘જીવન’ નથી એ સજીવન નથી! –કેયુ.
(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 29 જુલાઇ 2020, બુધવાર, ‘ચિંતનની પળે’ કોલમ)
kkantu@gmail.com