ડિવૉર્સ થયા છે? ટેક ઇટ ઇઝી! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

ડિવૉર્સ થયા છે?
ટેક ઇટ ઇઝી!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


——–

છૂટાછેડાને લાઇટલી લેવાનો ટ્રેન્ડ દુનિયામાં વધી રહ્યો છે.
જુદાં પડવાનું એક પેઇન તો હોય જ છે પણ
વેદનાને પંપાળ્યા રાખવાનો કોઈ અર્થ હોતો નથી!


———–

કોઈ લગ્ન ડિવૉર્સ માટે થતાં નથી. દંપતી જ્યારે લગ્નના મંડપમાં સપ્તપદીના ફેરા ફરે છે ત્યારે બંનેની આંખોમાં એકબીજાને સુખી કરવાનાં અને સરસ જિંદગી જીવવાનાં જ સપનાં અંજાયેલાં હોય છે. લગ્ન કરનારા માટે આપણે ત્યાં પ્રભુતામાં પગલાં એવું કહેવાય છે. જોકે, આ પ્રભુતા ક્યારે શત્રુતામાં બદલાઈ જાય એની કોઇને ખબર હોતી નથી. લગ્ન અને છૂટાછેડા વિશે હળવાશમાં ઘણુંબધું કહેવાયું છે. છૂટાછેડાનું મુખ્ય કારણ શું? એના જવાબમાં રમૂજમાં કહેવાય છે કે, લગ્ન! લગ્ન વિશે એવું કહેવાય છે કે, મેરેજીસ આર મેઇડ ઇન હેવન. જોડીઓ ઉપરથી નક્કી થાય છે. જોકે, ઘણાં કપલને જોઇને એવું થાય છે કે, ઉપરવાળાના કામમાં પણ ગરબડ છે! મેરેજ અને ડિવૉર્સ વિશે ભલે જાતજાતની મજાક થતી હોય પણ ડિવૉર્સ સરવાળે તો પેઇન જ આપતું હોય છે. લગ્ન પછી ધીમેધીમે માણસ વર્તાય છે. માણસને એવું લાગવા માંડે છે કે, મારી કલ્પનામાં જે વ્યક્તિ હતી એ આવી નહોતી. ધીમે ધીમે ડિસ્ટન્સ વધતું જાય છે અને વાત ડિવૉર્સ સુધી પહોંચે છે. ડિવૉર્સ થાય ત્યારે બંનેને અથવા તો બેમાંથી એકને છુટકારો થયો હોય એવી ફીલિંગ થતી હોય છે. ખબર જ હોય કે આની સાથે જિંદગી જીવી શકાય એમ જ નથી ત્યારે છૂટાછેડા જ વિકલ્પ હોય છે. અલબત્ત, સાચાં કારણસર ડિવૉર્સ લીધા હોય અને ડિવૉર્સ લીધા પછી હાશકારો થતો હોય તો પણ પેઇન તો થાય જ છે. ડિવૉર્સ લેનારને એવું થાય છે કે, મારા માથે તો ડિવૉર્સીનું લેબલ લાગી ગયુંને? છોકરીઓને એવું વધુ થાય છે. તેને એવું લાગે કે, લોકો તો એવું જ વિચારશે કે મારો જ વાંક હશે. બીજી વખત મેરેજ કરવામાં પ્રોબ્લેમ થશે. ડિવૉર્સ થઈ ગયેલાં છોકરા કે છોકરીનાં બીજાં લગ્નની વાત ચાલતી હોય ત્યારે અમુક કિસ્સામાં એવું પણ બને છે કે, જેની સાથે છૂટાછેડા થયા હોય એને પૂછે કે, ખરેખર શું થયું હતું! એક સમય એવો હતો જ્યારે ડિવૉર્સ થયેલી છોકરી માટે સેકન્ડ મેરજ કરવા એ અતિશય અઘરું હતું. હવે સ્થિતિ પલટાઈ છે. ડિવૉર્સના કિસ્સાઓ વધ્યા છે એટલે પાત્ર મળી જ રહે છે. કેટલાંય કિસ્સામાં એવું જોવા મળ્યું છે કે, પહેલા મેરેજ બાદ ડિવૉર્સ થયા હોય પણ બીજી વખત લગ્ન કરે એ પછી બંને સુખેથી જીવતાં હોય! એ સમયે એકબીજાને એવો સવાલ પૂછવામાં આવતો હોય છે કે, તું મને પહેલાં કેમ ન મળી? કે તું મને પહેલાં કેમ ન મળ્યો? એમાં પણ છેલ્લે બધું નસીબ અને વિધિના લેખ પર જ છોડવામાં આવે છે.
દેશ અને દુનિયામાં ધીમેધીમે ડિવૉર્સને લાઇટલી લેવામાં આવી રહ્યા છે. અગાઉના સમયમાં ડિવૉર્સની વાત સાંભળીને લોકોને આંચકો લાગતો, હવે તો ડિવૉર્સની વાત હોય તો લોકોનાં મોઢે એવું સાંભળવા મળે છે કે, ઠીક છે. ડિવૉર્સ તો હવે બહુ કોમન થઇ ગયા છે. એક સમયે પડ્યું પાનું નિભાવી લેવાની વાતો થતી હતી અને સલાહો પણ એવી જ અપાતી હતી. હવે એવું કહેવામાં આવે છે કે, ન ફાવતું હોય તો ધરાર રહેવાના બદલે જુદાં પડી જવામાં જ માલ છે. આ બધું સાચું, અગેઇન ડિવૉર્સ લેનારને પેઇન તો થાય જ છે. છેલ્લા થોડા સમયથી આ પેઇન ઓછું થાય એવા અનેક પ્રયાસો થઈ રહ્યા છે. ડિવૉર્સ પાર્ટીની વાત તો હવે જૂની થઇ ગઇ છે. અત્યારે જે લેટેસ્ટ ટ્રેન્ડ છે એ ડિવૉર્સ રિંગનો છે!
અમેરિકન એક્ટ્રેસ અને મૉડેલ એમિલી રાતાજક્વોસ્કીએ થોડા દિવસ અગાઉ ઇન્સ્ટાગ્રામ પર ડિવૉર્સ રિંગ સાથેની પોતાની તસવીર અપલોડ કરી હતી. એમિલીની તસવીરને ધડાધડ લાઇક મળવા લાગી. એમાંયે જ્યારે એમિલીએ આ ડિવૉર્સ રિંગ પાછળની સ્ટોરી રજૂ કરી ત્યારે બધાએ કહ્યું કે, એકદમ બરાબર છે. એમિલીએ આ ડિવૉર્સ રિંગ પોતાની એન્ગેજમેન્ટ રિંગમાંથી જ બનાવી હતી. ડિવૉર્સ રિંગ એક નહીં પણ બે હોય છે. એમિલીએ કહ્યું કે, તેણે એન્ગેજમેન્ટ રિંગને ભંગાવીને બે ડિવૉર્સ રિંગ બનાવડાવી છે. બાજુ બાજુની બે આંગળીમાં પહેરેલી ડિવૉર્સ રિંગની તસવીર પણ તેણે મૂકી હતી. જોતજોતામાં તો કેટલીક જ્વેલરી બ્રાંડ્સ ડિવૉર્સ રિંગ લઈને મેદાનમાં આવવા લાગી. એમિલીના મેરેજ એક્ટર અને ફિલ્મ પ્રોડ્યુસર સેબેસ્ટિયન બેર-મેકલાર્ડ સાથે થયા હતા. બંનેનું લગ્નજીવન ચાર વર્ષ માંડ ટક્યું. સપ્ટેમ્બર, 2022માં બંનેએ ડિવૉર્સ લઇ લીધા હતા. આ ડિવૉર્સની અમેરિકામાં બહુ ચર્ચા થઈ હતી. સ્વાભાવિક રીતે જ એમિલી પણ ડિવૉર્સથી ડિસ્ટર્બ થઇ હતી. એમિલીની ડિવૉર્સ રિંગ્સે ડિવૉર્સના પેઇન વિશે નવેસરથી ચર્ચાઓ પણ જગાવી છે.
ડિવૉર્સથી દુ:ખી ન થાવ. ખાસ કરીને પોતાને કસૂરવાર તો ન જ સમજો. ઘણા લોકો ડિવૉર્સના કારણે ડિપ્રેશનમાં ચાલ્યા જાય છે. ખાસ કરીને જ્યારે પોતાનો કંઈ વાંક ન હોય અને સામેની વ્યક્તિના કારણે જ ડિવૉર્સ થયા હોય ત્યારે વધુ લાગી આવે છે. આમ તો ડિવૉર્સ હોય કે બીજી કોઇ બાબત હોય, મોટા ભાગે લોકો પોતાને નિર્દોષ જ સમજતા જ હોય છે. માનસશાસ્ત્રીઓ તો ત્યાં સુધીની વાત કહે છે કે, પોતાનો વાંક હોય તો પણ બહુ ચિંતા ન કરવી, કારણ કે આખરે તો એનો પણ કોઇ મતલબ હોતો નથી. પેઇન કોઈ પણ હોય એમાંથી વહેલી તકે મુક્ત થઇ જવું એ જ હિતાવહ હોય છે. જુદાં પડી ગયાં પછી એકના એક વિચારો ટાળવા જોઇએ. એક વ્યક્તિના જવાથી જિંદગી ખતમ થઇ જતી નથી. ઘણા કિસ્સામાં તો જિંદગી નવેસરથી શરૂ થતી હોય છે.
માણસ જીવનસાથી પસંદ કરવામાં પણ ઘણી વખત થાપ ખાઈ જતો હોય છે. આપણે ત્યાં ઘણા કિસ્સાઓમાં પતિ-પત્નીને બનતું ન હોય ત્યારે બાળક કરી લેવાનું કહેવામાં આવે છે. બાળક આવી જશે પછી બધું સરખું થઇ જશે. આ વાત વિશે પણ નિષ્ણાતો એવું કહે છે કે, આવું વિચારવું પણ જોખમી છે. જ્યારે એવું લાગે કે, મને મારી વ્યક્તિ સાથે પ્રોબ્લેમ છે ત્યારે સૌથી પહેલાં તો એકબીજાને ટાઇમ આપો. ફટ દઇને કોઇ નિર્ણય પર ન પહોંચો. જે કંઇ ઇશ્યૂ હોય એની સાથે બેસીને ચર્ચા કરો. છેક સુધી ચેક કરો કે આ સંબંધ સુધરે એવી કોઇ શક્યતા છે? આ સંબંધમાં જરાયે સત્ત્વ બચ્યું છે? થોડુંક જતું કરીને, થોડુંક ભૂલીને અને થોડુંક માફ કરીને પણ સંબંધ બચાવવાના પ્રયાસો કરો. બધું કર્યા પછી પણ એવું લાગે કે કોઇ મેળ પડે એમ નથી ત્યારે સૌથી છેલ્લા વિકલ્પ તરીકે ડિવૉર્સનું ડિસિઝન લો. એક વખત નક્કી કરી લીધા પછી એનો પણ અફસોસ ન કરો. અમુક સંબંધ ટૂંકું આયુષ્ય લઇને જ આવ્યા હોય છે. ડિવૉર્સ લીધા પછી પણ બીજા મેરેજ પર ચોકડી ન મૂકી દો. થોડોક બ્રેક લ્યો એમાં વાંધો નથી પણ એક વ્યક્તિ ખરાબ મળી એટલે બીજી પણ એવી જ હશે એવું માનવું વાજબી નથી. જિંદગીને બીજો ચાન્સ પણ આપો. એ ત્યારે જ થઇ શકશે જ્યારે ડિવૉર્સના પેઇનમાંથી મુક્તિ મેળવી લીધી હોય. ડિવૉર્સના કિસ્સામાં પણ પોતાની સરખામણી બીજાની સાથે ક્યારેય ન કરો. એના પણ ડિવૉર્સ થયા હતા અને પેલાના પણ ડિવૉર્સ થયા હતા એવું વિચારવાની પણ જરૂર નથી. દરેકની હકીકતો અલગ અલગ હોય છે. છેલ્લે એક વાત, નસીબને પણ ક્યારેય દોષ ન આપો. મેં એવાં તે શું પાપ કર્યાં હતાં કે મને આવી વ્યક્તિ ભટકાઈ? મારાં નસીબ જ ખરાબ છે. મેં ગયા ભવમાં કોઈનું કંઈક બૂરું કર્યું હશે. આવા બધા વિચારો પણ છેલ્લે નેગેટિવિટી જ પેદા કરે છે. જે બન્યું છે એને જેટલા બને એટલા વહેલા ભૂલી જવામાં જ ભલું હોય છે. જસ્ટ રિલેક્સ, જૂનું ભૂલો અને જાતને પ્રોમિસ આપો કે, જિંદગી ખૂબસૂરત છે અને હું મારી જિંદગી મસ્ત રીતે જ જીવીશ!


———

પેશ-એ-ખિદમત
રંજ ક્યા ખ્વાબ કે બિખરને કા,
કુછ ન થા રેત કા ઘરૌંદા થા,
ઉસ કે આંગન મેં રૌશની થી મગર,
ઘર કે અંદર બડા અંધેરા થા.
-કૈસર શમીમ


(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 10 એપ્રિલ 2024, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *