તને ખબર છે હું તને કેટલો પ્રેમ કરું છું? – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તને ખબર છે હું તને

કેટલો પ્રેમ કરું છું?

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

જાત ઓગળતી રહે એ ક્ષણ સુધી, આપણે જોયા કરીએ કોઇને!

આપણે સહુ એ રમતમાં ગુમ છીએ, એક વસ્તુ શોધવાની, ખોઇને.

-અમિત વ્યાસ  

સારું છે કે પ્રેમને માપી નથી શકાતો. પ્રેમ મપાતો હોત તો દુનિયા કદાચ એની પણ હરિફાઇ યોજવા માંડી હોત! પ્રેમ પણ દેખાદેખીનું કારણ બની ગયો હોત. દુનિયાનો સૌથી પેમાળ માણસ કોણ છે? એ કોઇ પણ હોય શકે છે. એ તમે પણ હોઇ શકો છો. ઘણા લોકો એવું પણ વિચારે છે કે, મારે તો દિલ ફાડીને પ્રેમ કરવો છે પણ પ્રેમ કરવા જેવી વ્યક્તિ મળવી તો જોઇએને? એવી વ્યક્તિ મળતી નથી, એવી વ્યક્તિ આપણે જ બનવું પડે છે. પ્રેમ મેળવવાની પહેલી શરત એ છે કે, પ્રેમ કરવો પડે. પ્રેમમાં ફીલિંગ સૌથી વધુ મહત્વની છે. પ્રેમ આપણી અંદર ઉગે છે અને ચહેરા ઉપર ઝળકે છે. પ્રેમ રંગીન પણ બનાવે છે અને ગમગીન પણ બનાવી દે છે. વિરહમાં માણસ ઓગળી જાય છે. પોતાની વ્યક્તિ વગર અધૂરું લાગે છે. જેના જીવનમાં પ્રેમ જીવવાનું કારણ છે એ જ જિંદગીને જીવી જાણે છે. પ્રેમ કરવાની પણ આદત, આવડત અને ફાવટ હોવી જોઇએ. પ્રેમ માટે ઘણું બધું લુપ્ત કરવું પડતું હોય છે. ઇગો ઓગાળવો પડે છે. નારાજગી છોડવી પડે છે. લુપ્ત થઇ શકે એ જ તૃપ્ત થઇ શકતો હોય છે.

એક પતિ પત્ની હતા. બંને ખૂબ પ્રેમથી રહે. એક વખત પતિએ પત્નીને કહ્યું કે, તને ખબર નથી કે, હું તને કેટલો પ્રેમ કરું છું. પત્નીએ કહ્યું, મને ખબર છે કે, તું મને કેટલો પ્રેમ કરે છે! પતિએ પૂછ્યું કે, કેવી રીતે? પત્નીએ કહ્યું કે, હું પણ તને એટલો જ પ્રેમ કરું છું એટલે! જે ખરેખર એક-બીજાને પ્રેમ કરે છે એ કપલને ક્યારેક તો એવો સવાલ થાય જ છે કે, તું મને વધુ પ્રેમ કરે છે કે હું તને વધુ પ્રેમ કરું છું?  સાચી વાત એ છે કે, પ્રેમ માપી માપીને ન થાય. એક બીજા કપલની વાત છે. એ બંને કહેતા કે, અમે બંને એક-બીજાને બહુ પ્રેમ કરીએ છીએ. એક વખત બંનેના એક કોમન મિત્રએ સવાલ કર્યો કે, તમે બંને એક-બીજાને બહુ પ્રેમ કરો છો એ વાતની સાબિતી શું? કપલે કહ્યું કે, અમારા વચ્ચે જ્યારે ઝઘડો થાય ત્યારે અમે બંને એક બીજાને બહુ ઝડપથી માફ કરી દઇએ છીએ. પ્રેમ માત્ર પ્રેમ કરવાથી જ વ્યક્ત નથી થતો, પ્રેમ માફ કરવાથી, પ્રેમ જતું કરી દેવાથી અને પ્રેમ પોતાની વ્યક્તિ જેવી છે એવી સ્વીકારવાથી વ્યક્ત થાય છે.

માણસને પ્રેમ વિશે જાતજાતના સવાલો થતા હોય છે? પ્રેમ શું છે? પ્રેમ કેમ થઇ જાય છે? અચાનક જ કેમ કોઇ એક વ્યક્તિ જિંદગીની સૌથી મહત્વની વ્યક્તિ બની જાય છે? કેમ એના માટે ગમે તે કરી છૂટવાનું મન થાય છે? એક યુવાનને પ્રેમ વિશે આવ જ સવાલો હતા. એના જવાબો મેળવવા માટે તે એક ફિલોસોફર પાસે ગયો. યુવાને ફિલોસોફરને પૂછ્યું, પ્રેમ શું છે? ફિલોસોફરે કહ્યું, પ્રેમ માત્ર અને માત્ર અનુભૂતિ છે. મૌનને શબ્દોથી ન સમજાવી શકાય. મૌનને મૌનથી જ અનુભવી શકાય. પ્રેમનું પણ એવું જ છે. પ્રેમને પ્રેમથી જ સમજી શકાય. પ્રેમ એ છે જે કોઇ વ્યાખ્યામાં બંધાતો નથી. પ્રેમની જે વ્યાખ્યાઓ કરવામાં આવી છે એ તો બહુ સીમિત છે. પ્રેમ તો વિશાળ છે, પ્રેમ અગાધ છે, પ્રેમ અનંત છે. એક માત્ર પ્રેમ જ એવું તત્ત્વ છે જેનો કોઇ અંત નથી. કોઇ એવો સવાલ કરે કે, તું મને કેટલો પ્રેમ કરે છે ત્યારે આપણને જે કંઇ સૂઝે એવો જવાબ આપણે આપીએ છીએ. આકાશ જેટલો? સાગર જેટલો? ઘણા કહે છે કે, હું મારી જાત કરતા પણ તને વધુ પ્રેમ કરું છું. આમાં વળી નવો સવાલ થાય કે, આપણે આપણી જાતને કેટલો પ્રેમ કરતા હોઇએ છીએ? જાતને પ્રેમ કરતા હોઇએ તો પછી આટલો ગુસ્સો, આટલો ઉચાટ, આટલો ઉકળાટ, આટલી ફરિયાદો, આટલી નારાજગી શા માટે? દરેક વાતની વ્યાખ્યા કરવી જરૂરી નથી. પ્રેમની તો નહીં જ! પ્રેમને વ્યાખ્યામાં બાંધી જ ન શકાય, કારણ કે એ તો વ્યક્તિએ વ્યકિતએ જુદો જુદો છે. ઘણા લોકો પ્રેમને બયાન કરી શકતા નથી. વ્યક્ત નથી થઇ શકતા, એનો મતલબ જરાયે એવો નથી કે તે પ્રેમ નથી કરતા. તેનો પ્રેમ કદાચ બધાથી ઊંચો અને અલૌકિક હોય!

એક પતિ-પત્નીની આ વાત છે. પતિ બહુ ઓછું બોલે. પત્નીના તો શું કોઇના વખાણ કરવાની એને આદત જ નહોતી. જે કંઇ ચાલતું એ એના મનમાં જ ચાલતું હતું. એક વખત બંને એક ફ્રેન્ડ કપલની મેરેજ એનીવર્સરીમાં ગયા. જે કપલની એનીવર્સરી હતી એ બંનેએ એક-બીજાના ભરપૂર વખાણ કર્યા. એ બંને બોલતા હતા ત્યારે આ પતિ-પત્નીએ એક-બીજાની સામે જોયું. થોડુંક મલક્યા. ઘરે પાછા ફરતા હતા ત્યારે પતિએ કહ્યું કે, એ બંનેને સાંભળીને મને એવો વિચાર આવ્યો હતો કે, તું મારા માટે બોલે તો શું બોલે? એ પછી એવો વિચાર આવ્યો કે, મારે તારા માટે બોલવું હોય તો શું બોલું? મેં થોડાક શબ્દો ગોઠવવાનો પ્રયાસ કર્યો પણ ન ગોઠવી શક્યો. એમ થયું કે, હું તારા માટે જે ફીલ કરું છું એ તો શબ્દોથી બયાન જ ન થઇ શકે. તું શ્વાસની જેમ સહજ છે. પતિની વાત સાંભળીને પત્ની ખડખડાટ હસી પડી. આ તું જે બોલ્યો એ શું હતું? મને ખબર છે કે તારો પ્રેમ કેવો છે. આ ખબર કદાચ એટલે પડી છે કે, મારો પ્રેમ પણ તારી જેમ નિઃશબ્દ છે. મૂંગો નથી પણ મૌન છે. મૂંગાપણામાં બોલી ન શકવાની મજબૂરી છે. મૌનમાં એવી કોઇ મજબૂરી નથી. સંવેદનાને શબ્દોની જરૂર જ નથી. તું બાજુમાં બેઠો હોય ત્યારે પ્રેમ વર્તાઇ આવે છે. હમણા એક રાતે મને કળતર થતી હતી ત્યારે અડધી રાતે તેં મારા કપાળ પર હાથ મૂક્યો ત્યારે તારા મનમાં બોલાતા બધા જ શબ્દો મને સંભળાયા હતા. આપણે બંને એક-બીજાને કેટલો અને કેવો પ્રેમ કરીએ છીએ એ બોલવાની જરૂર નથી અને કોઇને કહેવાની પણ જરૂર નથી. આપણે અનુભવીએ છીએ એ નાની સૂની વાત નથી. આંખો બંધ કરીએ અને ચહેરો દેખાય એ પ્રેમ છે, નામ પડે અને ટાઢક વર્તાય એ પ્રેમ છે, હોંકારો આપે અને હયાતી અનુભવાય એ પ્રેમ છે, વહાલમાં વજૂદ છલકાય એ પ્રેમ છે, યાદ આવે અને ટેરવાંમાં ઝંખના ફૂટે એ પ્રેમ છે, દૂર હોય છતાંયે પાસે લાગે એ પ્રેમ છે, સાક્ષાત ન હોય છતાંયે સાક્ષાત્કાર લાગે એ પ્રેમ છે. જિંદગીમાં ચમત્કાર કરવાની કશામાંયે તાકાત હોય તો એ માત્ર અને માત્ર પ્રેમમાં છે. શસ્ત્રથી તમે કોઇને ગુલામ બનાવી શકો પણ તેને જીતી ન શકો, સાચી જીત તો માત્રને માત્ર પ્રેમથી જ મળે છે.   

તમારી પાસે જો કોઇ એવી વ્યક્તિ હોય જે તમને અનહદ પ્રેમ કરે છે તો તમે નસીબદાર છો. થોડુંક એ વિચારજો કે જે તમને પ્રેમ કરે છે એને તમે કેટલો પ્રેમ કરો છો? પ્રેમને કેવી રીતે જાળવી શકાય એવો સવાલ થતો હોય તો એનો જવાબ પણ બહુ સિમ્પલ છે. પ્રેમને પ્રેમથી જ જાળવી શકાય, પ્રેમને વફાદારીથી જાળવી શકાય, પ્રેમને પ્રામાણિકતાથી જાળવી શકાય. આપણે ખરેખર પ્રેમ કરતા હોઇએ તો આપણી વ્યક્તિ એ વર્તી જ જાય છે કે એ મને દિલોજાનથી પ્રેમ કરે છે. આપણે રમત કરીએ તો પણ એને ખબર પડી જતી હોય છે. બધું છૂપું રહી શકે છે પણ પ્રેમ ક્યારેય છૂપો રહી શકતો નથી. પ્રેમ જ એવું એક તત્ત્વ છે જેનો પડઘો પડ્યા વગર નથી રહેતો!

છેલ્લો સીન : પ્રેમ પામવો હોય તો પ્રેમને માપવાનો પ્રયાસ ક્યારેય ન કરવો.    –કેયુ.

(‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 25 જુલાઇ 2021, રવિવાર, ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: