હસતું મોઢું રાખવામાં
તારું શું જાય છે?
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
એક ટીપું આંખથી સરકી ગયું તો શું થયું?
એક જણ પાછું ફરી જીવી ગયું તો શું થયું?
જાગતા હોવા છતાં મેં ડોળ ઊંઘ્યાનો કર્યો,
એક સપનું ભૂલથી આવી ગયું તો શું થયું?
-ગુંજન ગાંધી
જે માણસને મુક્ત રીતે હસતા આવડે છે એણે કોઇ શણગાર કરવાની જરૂર પડતી નથી. માણસ જેમ જેમ આધુનિક અને હાઇટેક બનતો જાય છે એમ એમ હસવાનું ભૂલતો જાય છે. હસવા માટે પણ આપણે બહાના શોધવા પડે છે. સ્ટેન્ડઅપ કોમેડી જોવી પડે છે. રીલ્સ જોવા પડે છે. હવે તો કોમેડી રીલ્સ જોઇને પણ લોકોને હસવું આવતું નથી. સોગિયા મોઢાની સંખ્યા વધતી જાય છે. રોડ પરથી પસાર થઇએ અને લોકોના ચહેરાઓને નીરખીએ ત્યારે એવું લાગે જાણે દરેક વ્યક્તિ કોઇ વિચિત્ર ભાર લઇને ફરી રહ્યો છે. તમે સામેથી કોઇની સામે હસશો તો એને આશ્ચર્ય થશે કે, આ વળી કેમ મારી સામે હસે છે? તમે કોઇ બાળકની સામે હાથ હલાવીને હસજો, એ તરત જ તમારી સાથે હાય કરીને સ્માઇલ કરશે. નાના બાળકો વધુ હસે છે. આપણે પણ નાના હતા ત્યારે વધુ ખુશ રહેતા હતા, વધુ મસ્તી કરતા હતા અને સાવ નક્કામી વાતો પર પણ હસતા હતા. જેમ જેમ મોટા થતા ગયા એમ એમ હસવાનું ભૂલતા ગયા. તમે છેલ્લે ક્યારે ખડખડાટ હસ્યા હતા? હસી હસીને બેવડા વળી જવાય એવી ઘટના તમારી સાથે ક્યારે બની હતી? બસ કર હવે, પેટમાં દુ:ખી આવ્યું, એવું તમારા મોઢેથી ક્યારે નીકળ્યું હતું? ક્યાં ગઇ એ બધી ખુશી જે તદ્દન હાથવગી હતી? ક્યાં ગયો એ આનંદ જેના પર આપણું આધિપત્ય હતું?
એક યુવાન હતો. એક વખત એ એક સાધુ પાસે ગયો. સાધુને કહ્યું, મારે લોકો સાથે સંબંધો વધારવા છે પણ મારી પાસે લોકો પાછળ ખર્ચ કરવા માટે રૂપિયા નથી. મારે શું કરવું? સાધુએ સવાલ કર્યો, એવું તને કોણે કહ્યું કે, રૂપિયા હોય તો જ લોકો સાથે સંબંધ વધી શકે? તારા મોઢા પર હાસ્ય લાવ, લોકો આપોઆપ તારા તરફ આકર્ષાશે. તું મારી પાસે આવ્યો ત્યારથી તું જરાક મલક્યો પણ નથી. તેં વંદન કર્યા પણ તારા ચહેરા પર તો ઉદાસી જ હતી. હાસ્ય એ કુદરતે આપણને આપેલી એવી ભેટ છે જેના માટે નયા ભારનો ખર્ચ કરવો પડતો નથી. હાસ્ય બિલકુલ મફત છે. હાસ્ય માણસને હળવાશ આપે છે. એક સમયે લોકો સામસામે મળતા તો પણ એક બીજાને રામ રામ અથવા તો કોઇપણ શબ્દોથી ગ્રિટ કરતા હતા. હવે તો લોકો એક-બીજા સાથે બોલવાનું તો દૂર સામે જોવાનું પણ ટાળવા લાગ્યા છે. એક જ બિલ્ડિંગમાં સેઇમ ફ્લોર પર રહેતા લોકો પણ અજાણ્યાની જેમ વર્તે છે. હમણાનો એક સાવ સાચો કિસ્સો છે. એક જ ફ્લોર પરથી બે લોકો લિફ્ટમાં ચડ્યા. બંનેનું ધ્યાન પોતપોતાના ફોનમાં મેસેજ કરવામાં હતું. ગ્રાઉન્ડ ફ્લોર આવી ગયો અને અચાનક જ બંનેની નજર એક-બીજા પર પડી ત્યારે ખબર પડી કે, આપણે તો એક-બીજાને જ મેસેજ કરતા હતા! આપણા સંબંધો ડિજિટલ થઇ ગયા છે. આપણી સંવેદનાઓ સાઇબર થઇ ગઇ છે. માણસ ટેક્નોલોજી ડ્રિવન થઇ ગયો છે. માણસમાં અને રોબોટમાં હવે વધુ ફેર રહ્યો નથી. રોબોટ માણસ જેવા થતા જાય છે અને માણસ રોબોટ જેવો થતો જાય છે. આ ટ્રાન્સફોર્મેશન માણસજાત માટે જોખમી સાબિત થાય એવું છે. દુનિયા અત્યારે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ચિંતા કરે છે. ચિંતા તો માણસે પોતાની ઇન્ટેલિજન્સ અને પોતાની ઇમોશનની કરવા જેવી છે. આપણે જ સૂકાઇ ગયા છીએ. આપણા ચહેરા પર જ ક્યાં હવે સત્ત્વ બચ્યું છે?
ચહેરાને ચમકતો રાખવા માટે આપણે જંગી ખર્ચ કરવા લાગ્યા છીએ. મોંઘા મોંઘા ક્રીમની બોટલ પર ક્યાંય એવું લખ્યું હોતું નથી કે, મને લગાડવાની સાથે થોડુંક હસવાનું પણ રાખશો તો મારી પાછળ કરેલો ખર્ચ વસુલ થશે. ક્રીમ અને બીજા સૌંદર્ય પ્રસાધનો પર એવું નમ્ર સૂચન લખવાની જરૂર છે કે, મારો ઉપયોગ તો જ કરજો, જો તમે હસતા રહેવાના હોવ! માણસ હવે ફોટો પાડતી વખતે અથવા તો સેલ્ફી ખેંચતી વખતે જ હસે છે. ફોટો પડી ગયો, કામ પૂરું. સોશિયલ મીડિયા પરના ફોટાને ધ્યાનથી જોશો તો હસતા ચહેરા પાછળ છુપાયેલી વેદના, વ્યથા, ઉદાસી અને નારાજગી ઉડીને આંખે વળગશે! અરીસામાં જોઇએ ત્યારે અરીસો જ સવાલ કરે છે કે, આ શું આટલું બધું ગંભીર મોઢું રાખ્યું છે. બીજા કોઇની સામે ન હસ તો કંઇ નહીં, કમસે કમ મારી સાથે તો હસ! માણસે પોતાની સાથે પણ હસવું જોઇએ. આપણે પોતાની સાથે એકલા એકલા રડતા હોઇએ છીએ પણ ક્યારેય પોતાની સાથે હસતા હોતા નથી! હસવામાં આપણને શેની શરમ આવે છે?
એક ફેમિલીની આ વાત છે. એક પ્રસંગે બધા ભેગા થયા હતા. યજમાન હતા એને એક દીકરી સાથે બોલવાનું થયું. છોકરીનું મોઢું ચડી ગયું. એક વડીલે એ છોકરીને જોઇને કહ્યું કે, કેમ તારું મોઢું ફૂલેલું છે? છોકરીએ કહ્યું કે, અંકલ મને ખીજાયા. વડીલે કહ્યું કે, એ તો ક્યારનાયે ચાલ્યા ગયા છે. તેં હજુ મોઢું ચડાવી રાખ્યું છે. અત્યારે તારી સામે જે છે એમાંથી તો કોઇએ તારું કંઇ બગાડ્યું નથી. હસતું મોઢું રાખવામાં તારું શું જાય છે? એમાં તો તારે કંઇ ગુમાવવાનું નથી. માર્ક કરજો, આપણી સાથે કોઇ એક વ્યક્તિએ મિસ બિહેવ કર્યું હોય એ પછી આપણે તેની સજા કેટલા બધા લોકોને આપતા હોઇએ છીએ? રહેવા દેજે, મારું અત્યારે ઠેકાણે નથી, મને વતાવ નહીં! આપણો મૂડ સારો ન હોય ત્યારે આપણે કેટલાનો મૂડ બગાડતા હોઇએ છીએ?
પતિ પત્નીની સંબંધોમાં અત્યારે સૌથી વધુ જો કોઇ ખતરનાક બાબત હોય તો એ અબોલા છે. સાવ નાની વાતામાં બેમાંથી એક બોલવાનું બંધ કરી દે છે અને પછી આખા ઘરમાં સન્નાટો છવાય જાય છે. પોતાની વ્યક્તિ સામે હાજર હોય અને તમે જો તેની સાથે વાત ન કરી શકો, તેની સાથે હસી ન શકો તો માનજો કે તમારામાં પ્રેમ, લાગણી કે દાંપત્યની સમજનો અભાવ છે. વહેલું કે મોડું, બોલ્યા વગર તો ચાલવાનું જ નથી. બોલવામાં પણ આપણો ટોન સૌથી મહત્ત્વનો હોય છે. આપણે જે રીતે બોલીએ છીએ એનાથી આપણી કક્ષા નક્કી થતી હોય છે. ઘણાનો અવાજ ઘૂંઘરું વાગતા હોય એવો મીઠો હોય છે. આપણને એમ થાય કે, તેને સતત સાંભળતા જ રહીએ. ઘણા એવું બોલતા હોય છે, જે સાંભળીને આપણને એમ થાય કે હવે તો આ બંધ થાય તો સારું. બોલવામાં અને હસવામાં પણ એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે. કોઇ નાટક ન કરો. સાચું હાસ્ય જ સાત્ત્વિક લાગશે. ખોટું હાસ્ય પકડાઇ જશે. કોઇને સારું લગાડવા આપણે ક્યારેક ખોટું હસતા હોઇએ છીએ. ખોટું હસવા કરતા સાચું હસવામાં ઓછો શ્રમ પડે છે. લોકોને હવે નાટક બહુ ફાવવા લાગ્યા છે. ઓરિજિનલ કશું જ રહ્યું નથી. ચહેરા જ્યારે આર્ટિફિશિયલ થઇ જાય ત્યારે હળવાશને કાટ લાગી જાય છે. રિલેક્સ રહો, હળવા રહેવાથી તમારે કશું ગુમાવવાનું નથી. હળવા નહીં રહો તો ઘણું બધું ગુમાવશો. સૌથી વધુ તો તમે તમારો સમય બગાડશો. આપણે જેટલો સમય બગાડીએ છીએ એટલી જિંદગી પણ બગડતી હોય છે. આખરે જિંદગી પણ સમયની જ તો બનેલી છે. ઉદાસી, નારાજગી, ગુસ્સો, ઇર્ષા આપણને સરવાળે આપણાથી જ દૂર લઇ જતા હોય છે. માણસને પોતાનો અહેસાસ પણ થતો રહેવો જોઇએ. હું છું, હું જીવું છું, મારી દરેક ક્ષણ ઉમદા છે અને મારે જીવી જાણવું છે. જે હસી જાણે છે એ જ જીવી જાણતો હોય છે. જીવતા હોઇએ અને ચહેરા પર મડદાં જેવા ભાવ હોય તો માત્ર શ્વાસ ચાલતા હોય છે, જિંદગી જીવાતી હોતી નથી! મજામાં રહેવું છે? બીજું કંઇ કરવાની જરૂર નથી, હસવાનું થોડુંક વધારી દો!
છેલ્લો સીન :
અંદર જો ઉત્ત્પાત ચાલતો હશે તો ચહેરા પર ઉકળાટ જ વર્તાવાનો છે. ખુશ રહેતા જેને આવડતું નથી એના પર વ્યથા અને વેદના હાવી થઇ જાય છે! –કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 21 મે, 2023, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
Kkantu@gmail.com