મને મારા ઘરમાં જ શાંતિ મળતી નથી! – ચિંતનની પળે

મને મારા ઘરમાં જ

શાંતિ મળતી નથી!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

બેનામ સા યે દર્દ ઠહર ક્યૂં નહીં જાતા,

જો બીત ગયા હૈ વો ગુજર ક્યૂં નહીં જાતા,

સબ કુછ તો હૈ ક્યા ઢૂંઢતી રહતી હૈ નિગાહે,

ક્યા બાત હૈ મૈં વક્ત પે ઘર ક્યૂં નહીં જાતા.

-નીદા ફાઝલી.

 

ઘર. બે અક્ષરના આ નામમાં જિંદગીનું સત્વ સમાયેલું છે. ઘર દરેક માણસનો પોતાનો મુકામ છે. જે ઘરમાં શાંતિ ન હોય એ ઘર માત્ર એક સરનામું બનીને રહી જાય છે. ઘણાં સરનામાં સૂકાં હોય છે. ઘણાં લીલાંછમ હોય છે. માણસની પ્રકૃતિ એના ઘરનું વાતાવરણ છતું કરી દે છે. ઘરમાં ઉચાટ હોય તો ચહેરા ઉદાસ જ રહેવાના. ઘરે જવાની હંમેશાં ઉતાવળ હોવી જોઈએ. ઘરના ડોરબેલ પર આંગળી મૂકીએ ત્યારે દરવાજા સાથે દિલ પણ થોડુંક ખૂલતું હોય છે. ડોર ખૂલે એ સાથે ઉમળકો ડોકાવવો જોઈએ. પોતાના ઘરમાં જેનું હસીને સ્વાગત થાય છે એ જગતનો સૌથી સુખી માણસ છે.

 

હોટલ ફાઇવ સ્ટાર હોય તો પણ એ ઘરનો પર્યાય ક્યારેય ન બની શકે. હોસ્ટેલના એક ખૂણામાં થોડોક ખાલીપો પણ જીવતો હોય છે. માણસને સૌથી સારી ઊંઘ પોતાના ઘરના બિસ્તરમાં જ આવે. ઘરની સાથે આપણી આદતો જોડાયેલી હોય છે. માત્ર ને માત્ર ઘરમાં જ સાચી હાશ થતી હોય છે. ઘર સાઇઝથી નથી મપાતું, ઘર સ્નેહથી મપાય છે, ઘર સ્પર્શથી ફીલ કરાય છે, ઘર પોતાની વ્યક્તિઓથી જીવાય છે. ઘર એટલી પરિચિત જગ્યા હોય છે કે અંધારામાં પણ ઓળખીતું લાગે છે. દુનિયામાં સૌથી મોટી મજા પોતાના ઘરને શણગારવાની છે. ઘરની દીવાલ પર લગાડાતી તસવીરો સતત જીવતી રહે છે. ફ્લાવરવાઝ આખા બગીચાની ગરજ સારે છે. રસોડામાં સ્વાસ્થ્ય ઊગતું હોય છે અને બેડરૂમમાં સપનાં ખીલતાં હોય છે.

 

ઘરની દીવાલ પર દીકરીએ પેન્સિલથી કરેલા લીટા એ જગતનું સૌથી સુંદર ચિત્ર છે. ઘર થોડુંક અસ્તવ્યસ્ત જ હોય છે, કારણ કે એ જીવતું હોય છે, કારણ કે એ ધબકતું હોય છે. જડ હોય એ જ સ્થિર રહે. જીવંત હોય એ ખીલતું અને ઊગતું રહે. ઘર લોહચુંબક જેવું હોય છે, એ માણસને ખેંચતું રહે છે. મોટાભાગના લોકોને એવો અનુભવ થયો હોય છે કે બહારગામ જઈએ ત્યારે જે તે શહેર દૂર લાગે, પણ ઘર તરફ પાછળ વળતાં હોઈએ ત્યારે નજીક લાગે. ડિસ્ટન્સ તો સરખું જ હોય છે, પણ વળતી વખતે આપણી પહેલાં આપણું મન ઘરે પહોંચી ગયું હોય છે. હમણાં ઘરે પહોંચી જશું પછી હાશ થશે, એ ફીલિંગ જ અનોખી હોય છે.

 

ઘરમાં દરેક વ્યક્તિનું પોતાનું થોડુંક અંગત હોય છે. મારો બેડ, મારું ટેબલ, મારી ચેર, મારી ડિશથી માંડી ચા પીવાનો મારો મગ. ઓઢવાની ચાદર એ પોતાની પર્સનલ પ્રોપર્ટી છે. ઘરની એક સુગંધ હોય છે. પથારી સાથે પ્રેમ હોય છે, કારણ કે ઓશિકા સાથે અંગત ઓળખાણ હોય છે. ઘર એ દરેકનું પોતાનું સામ્રાજ્ય છે. એક જ સરખા ચાલીસ ફ્લેટના બિલ્ડિંગમાં ચક્કર મારજો. દરેકે દરેક ફ્લેટની ગોઠવણ અલગ લાગશે. દરેકને પોતાનું ઘર પોતાની રીતે ડેકોરેટ કરવું હોય છે. બંગલામાં રહેવા જનારા લોકોથી પણ જૂનું અને નાનું ઘર છૂટતું નથી. નવા ઘરની આદત પડતાં પણ વાર લાગતી હોય છે. નવી જગ્યાએ સૂવામાં પડખાંઓ બદલી બદલીને પથારી સાથે જાતને એડજસ્ટ કરવી પડતી હોય છે. ઊઠીને એ જ બધું જાણીતું જોઈતું હોય છે. બ્રશ કરવા માટે પણ ઊભવાની એક ચોક્કસ જગ્યા હોય છે. સોફાના અમુક ખૂણા પર આપણું આધિપત્ય હોય છે, એ જગ્યાએ કોઈ બેસી જાય તો આપણને કમ્ફર્ટેબલ ફીલ થતું નથી. ડાઇનિંગ ટેબલ પર પણ એક ચોક્કસ જગ્યા નક્કી થઈ જતી હોય છે. ઘર આપણી આદતોને પોષતું હોય છે. ઘર આપણને પેમ્પર કરતું હોય છે.

 

ધરતીનો છેડો એટલે ઘર એવું દાયકાઓથી કહેવાતું આવ્યું છે. આ છેડો એ સુખની શરૂઆતનું કેન્દ્ર છે. ઘર જિંદગીનું એપી સેન્ટર છે, ત્યાંથી જ સંસ્કારની શરૂઆત થતી હોય છે. જેને ઘરમાં સુખ નથી મળતું એને જગતનું સૌથી રમણીય સ્થળ પણ સુખ ન આપી શકે. સ્નેહ એ ઘરનો શ્વાસ છે. લાગણીની ગેરહાજરી ઘરને બોઝિલ બનાવી દે છે. ઘરમાં પગ મૂકીએ ત્યાં શ્વાસ થોડોક તરડાય છે. ચડેલા મોઢા ઘરનું સત્વ ચૂસી લે છે. ઘર એવું જ લાગવાનું જેવા આપણા ચહેરા હોય. સોગિયા ચહેરાથી સુનકાર જ છવાઈ જાય. બાળકોને પણ હસતાં કે બોલતાં બીક લાગે એ ઘર દયાજનક હોય છે. પ્રેમ ડેડ થઈ ગયો હોય એ ઘર ક્યારેય લાઇવ ન લાગે. ઘરમાંથી આવતા અવાજ એ સાબિત કરતા હોય છે કે અંદર સુખ રહે છે કે સંતાપ, ઘર ધબકે છે કે ફફડે છે, ઘરમાં કલરવ છે કે કણસાટ! કેટલાંક ઘરોમાં જઈએ તો એવું થાય કે જલદીથી અહીંથી ચાલ્યા જઈએ. જે ઘરમાં બાળકોને આવવાનું મન ન થાય એ ઘરમાં કંઈક ખૂટતું હોય છે. બાળકોને મજા આવે એ ઘર કિલ્લોલ જ કરતું હોય છે. સમડી બેઠી હોય એ ઝાડ પર કબૂતર કે ચકલાં બેસતાં નથી! સરવાળે તો ઘરના લોકો જ ઘરની સાચી ઓળખ હોય છે. ઘરની સાચી પોઝિટિવિટી સારા માણસોથી સર્જાતી હોય છે. આલિશાન અને ભવ્ય બંગલાઓમાં પણ ઉદાસી ઊથલા મારતી હોય છે. ઘરનું સૌથી શ્રેષ્ઠ વાસ્તુ હસતા ચહેરા છે. ઘરના ખૂણા તો જ ધબકે જો દિલના ખૂણા જીવતા હોય! ઘરનું વાસ્તુ તો થઈ જાય, પણ માણસનું વાસ્તુ? તમારા ખૂણા, તમારી દિશા, તમારું દિલ અને તમારું દિમાગ તો ઠેકાણે છેને? સોએ સો ટકા વાસ્તુ મુજબ બનાવેલું ઘર પણ સુખની ગેરંટી આપી ન શકે, જો તેમાં રહેતા માણસોના દિલ અને દિમાગ ઠેકાણે ન હોય!

 

એક માણસ સાધુ પાસે ગયો. સાધુને તેણે કહ્યું કે મને મારા જ ઘરમાં શાંતિ મળતી નથી. સાધુએ કહ્યું કે, તું શાંતિ શોધવા નીકળ્યો છે? તારા ઘરમાં તને શાંતિ નથી મળતી તો તને ક્યાંય શાંતિ મળવાની નથી. ઘર છોડીને જે લોકો ચાલ્યા જાય છે એ તો ભાગેડુંવૃત્તિ છે. તારે શાંતિ જોઈતી હોય તો તારા ઘરમાં જ શાંતિનું સર્જન કર. અશાંતિનાં કારણો હોય છે. કોઈ કારણ એવું નથી હોતું કે એ દૂર ન કરી શકાય. ઘરનું પણ એક વાતાવરણ હોય છે. ઘરમાં પણ ક્યારેક વાવાઝોડું ફૂંકાય છે અને ક્યારેક દુકાળ પડે છે. વાતાવરણ ક્યારેક બગડે પણ ખરું. જોકે, પછી બધું સરખું થઈ જવું જોઈએ. તું પ્રયાસ તો કર. એ માણસ ઊભો થઈને જતો હતો ત્યાં સાધુએ તેને રોક્યો. સાધુએ કહ્યું, બીજું કંઈ કરતા પહેલાં જરાક એ પણ તપાસ કરી લેજે કે તારા ઘરમાં શાંતિ નથી એનું કારણ ક્યાંક તું તો નથીને? આપણે જ ઘણી વખત ઘરમાં અશાંતિ માટે જવાબદાર હોઈએ છીએ અને બીજાને દોષી સમજતા હોઈએ છીએ. તાળી એક હાથે ન વાગે. એક હાથે તમાચો જ વાગે. અશાંતિનું પણ એવું જ છે. આપણે એવું માનીએ છીએ કે કોઈ કંઈ વાત સમજતું જ નથી. આપણા વિશે આપણા ઘરના લોકોને પણ કદાચ એવી જ ફરિયાદ હશે કે આ કંઈ સમજતો નથી કે સમજતી નથી.

 

એક ભાઈએ એક ફિલોસોફેરને સવાલ કર્યો. મારે મારાં સંતાનોને બહુ સારા સંસ્કાર આપવા છે, મારે શું કરવું? ફિલોસોફરે કહ્યું, સૌથી પહેલું ધ્યાન તારા ઘરનું રાખજે. ઘરનું વાતાવરણ જેવું હશે એવું બાળક થશે. છોડ કે ઝાડનો ઉછેર જમીન કેવી છે તેના પર આધાર રાખે છે. સંતાનો કેવાં થશે એનો આધાર ઘર ઉપર રહેલો છે. ઉછેર સારો ન હોય તો ઘરમાંથી નીકળતો રસ્તો આડા માર્ગે ફંટાઈ જાય છે. ઘરમાં અશાંતિ હશે તો તારી પેઢી અશાંત જ રહેવાની છે.

 

ઘણાં મા-બાપ સંતાનો સામે ઝઘડતાં નથી. બાળકોની માનસિકતા બગડે એવું એ લોકો માનતાં હોય છે. જે લોકો આવું માને છે એ બહુ મોટી ભૂલ કરે છે. બાળકો કંઈ મૂરખ નથી, એ બધાંનાં મોઢાં જોઈને સમજી જાય છે કે ઘરની સ્થિતિ કેવી છે! અવાજના ટોન પરથી તેને ખબર પડી જાય છે કે આજે મમ્મીનું કે ડેડીનું ઠેકાણે નથી. એક પતિ-પત્નીને બનતું ન હતું. બંને એ વાતની દરકાર રાખતાં કે દીકરા અને દીકરી સામે કોઈ અજુગતું વર્તન ન થઈ જાય. એક દિવસ તેના દીકરાએ કહ્યું કે તમે ભલે ઝઘડતાં નથી, પણ એક વાત દેખાઈ આવે છે કે તમે એકબીજા સાથે પ્રેમથી રહેતાં નથી. મારા ફ્રેન્ડનાં મધર-ફાધર કેવી સરસ રીતે રહે છે! ડિસ્ટન્સ હોય તો એ દેખાઈ આવતું હોય છે. તમે છુપાવવાની લાખ કોશિશ કરો તો પણ એ છતું થયા વિના રહેતું નથી.

 

કેટલાં ઘરોમાં દાંપત્ય ખરેખર જીવાતું હોય છે? નાનું-મોટું કંઈ થાય તો એ સ્વાભાવિક છે, પણ બહુ લાંબું ચાલે ત્યારે સમજવું જોઈએ કે, કંઈક પ્રોબ્લેમ છે. ઘણી વખત આપણે નક્કી કરવું પડતું હોય છે કે, આખી જિંદગી રોદણાં રડવાં છે, નસીબને દોષ આપ્યે રાખવો છે કે પછી પોતાનામાં કંઈ સુધારો લાવવો છે? હવે શાંતિ ક્યારેય થવાની જ નથી એવું માનશો તો ક્યારેય શાંતિ થશે જ નહીં. દરેક ઘરમાં શાંતિ અને સુખનો પૂરો સ્કોપ હોય જ છે.

 

માંડ માંડ ઘરનું પૂરું કરતાં એક માણસે કરેલી આ વાત છે. તેણે કહ્યું કે મારું ઘર એક રૂમ રસોડાનું છે. ઘરમાં પગ મૂકું તો એવો અહેસાસ થાય છે જાણે સ્વર્ગમાં પ્રવેશ કર્યો. હું એક બંગલામાં કામ કરું છું. મારા ઘરની સરખામણી એ બંગલા સાથે થઈ જાય છે. છેલ્લે મને એવું થાય છે કે મારું ઘર ભલે નાનું રહ્યું, પણ બંગલામાં રહેતા લોકો કરતાં હું સુખી છું. એ બંગલામાં તો લોહીની સગાઈવાળા એવા લોકો રહે છે જે એકબીજાને જ ઓળખતા નથી!

 

ખાલી ઘર ખાવા દોડતું હોય છે. માણસો ‘ભરેલા’ ન હોય તો ભરેલા ઘરનો પણ ભાર લાગતો હોય છે. તમે તમારા ઘરની રોનક છો. ઘરને જીવતું રાખવાની જવાબદારી ઘરમાં રહેતા તમામની હોય છે. આપણે આપણી જવાબદારી બરાબર નિભાવીએ છીએ? જિંદગીને સૂની થવા નથી દેવી? તો ઘરને સજીવન રાખો. ઘર પ્રેમ, લાગણી, આત્મીયતા અને હૂંફથી જીવતું રહે છે, તમારા સંબંધોને સ્વચ્છ અને સ્વસ્થ રાખો, ઘર તમને ક્યારેય નબળા પડવા નહીં દે, સરવાળે ઘર જ પ્રેરણા અને શક્તિનો સૌથી મોટો સ્ત્રોત હોય છે.

 

છેલ્લો સીન :

બહાર શાંતિ શોધવા એ લોકો જ ભટકે છે જેને ઘરમાં શાંતિ નથી મળતી.  -કેયુ.

 

(‘દિવ્ય ભાસ્કર’, ‘કળશ’ પૂર્તિ, તા. 08 માર્ચ, 2017, બુધવાર. ચિંતનની પળે કોલમ)

 

 

Krishnkant Unadkat

Krishnkant Unadkat

3 thoughts on “મને મારા ઘરમાં જ શાંતિ મળતી નથી! – ચિંતનની પળે

  1. Sir,

    Hu kaya Shabdo ma mari khushi vyakt karu te samjatu nathi. Tame shu lai ne lakhava beso chho? Tamari kalam ma shu jadu chhe?
    Je hoy te pan ek pachhi ek badha lekho vanchavani shu maja ave chhe. Avarnaniya and akalpaniya lekho chhe badha.

    Thank you very much sir for providing such a memorable and touching articles. Jiyo Krishnkantji Hajaro saal.

    Raju Patel

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *