સોશિયલ મીડિયા પર વલ્ગર કન્ટેન્ટની બોલબાલા : શું લોકોનો ટેસ્ટ હવે સાવ ‘ચીપ’ થઈ ગયો છે? -દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

સોશિયલ મીડિયા પર વલ્ગર કન્ટેન્ટની બોલબાલા
શું લોકોનો ટેસ્ટ હવે
સાવ `ચીપ’ થઈ ગયો છે?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ


———-

ફોલોઅર્સ વધારવા છે? તો બિન્ધાસ્ત ગાળો બોલો અથવા તો
ગંદા દ્વિઅર્થી સંવાદો બોલો! કમાણી માટે કંઈ પણ કરવામાં આવે છે!


———–

હમણાંની એક સાવ સાચી ઘટના છે. ચાર-પાંચ મિત્રો ભેગા થયા હતા. બધા અલકમલકની વાતોએ ચડ્યા હતા. એવામાં એક મિત્રએ કહ્યું, અરે, તમે પેલીની રીલ જોઈ? ગજબની બિન્ધાસ્ત બોલે છેને કંઇ યાર! આ વાત સાંભળીને બીજા મિત્રએ કહ્યું કે, એને બિન્ધાસ્ત ન કહેવાય, વલ્ગર કહેવાય વલ્ગર! ત્રીજા મિત્રએ કહ્યું કે, એમાં વલ્ગર શું છે? જેને જે બોલવું હોય એ બોલે. તમને કોઇએ જોવા કે સાંભળવાના સમ દીધા છે? ચોથા મિત્રએ વળી એવું કહ્યું કે, બધા જોતા હોય છે. પહેલાં વારંવાર જુએ અને પછી ટીકા કરે કે, કેવી ગંદી વાતો કરે છે. આમ તો દરેકને મજા પડતી હોય છે, ગલીપચી થતી હોય છે. સંસ્કાર, મૂલ્યો, સભ્યતા, સિદ્ધાંત, આદર્શો, સંસ્કૃતિ અને પરંપરાઓની દુહાઇ દેનારાઓ પણ ખાનગી ખૂણે બધું જોઈ લેતા હોય છે! દુનિયામાં જેટલા રસ છે એમાં જ બીભત્સ રસ અને શૃંગાર રસ છે. એને પણ એન્જોય કરવાનું કે નહીં? વળી એક મિત્રએ કહ્યું, બધી વાત સાચી પણ યાર કંઈ હદ હોય કે નહીં? આપણે બેડરૂમમાં પણ જે વાતો ધીમા અવાજે કરતા હોઇએ છીએ એવી બધી વાતો જાહેરમાં જોરથી અને લટકામટકા સાથે કરવાની? તમારે ગમે તેમ કરીને ધ્યાન જ ખેંચવું હોય એટલે ગમે તે કરવાનું? દરેક પાસે પોતાનાં મંતવ્યો છે. શું સાચું, શું ખોટું, શું સારું અને શું ખરાબ એ વ્યક્તિગત બાબત છે. દરેકને પોતાને જે જોવું, જે સાંભળવું કે જે વાંચવું હોય એની પસંદગીનો અધિકાર છે. કોઇને તમે રોકી ન શકો. અલબત્ત, સોશિયલ મીડિયા પર વલ્ગર કન્ટેન્ટ સતત વધી રહ્યું છે એ હકીકત છે. સોશિયલ મીડિયા કંપનીઓ પાસે દરરોજ ફરિયાદોનો ઢગલો થાય છે. તદ્દન હલકું કન્ટેન્ટ ન અપલોડ થાય એ માટે પ્રયાસો પણ થાય છે. જોકે, એ લોકોનું પણ કહેવું છે કે, જે રીતે અમુક લોકોના ફોલોઅર્સ વધતા જાય છે એ એવું પણ સાબિત કરે છે કે, લોકોને સરટેઇન પ્રકારનું કન્ટેન્ટ પસંદ પડે છે!
સોશિયલ મીડિયાની હલકી રીલ્સ અને બીજાં કન્ટેન્ટ વિશે જે મનોવૈજ્ઞાનિક અભ્યાસો થયા છે એ એવું કહે છે કે, સામાન્ય સંજોગોમાં લોકોને જે જાહેરમાં જોવા મળતું ન હોય અને જે સાંભળવા મળતું ન હોય એના તરફ આકર્ષણ રહે છે. કોઇ છોકરી સરાજાહેર ગાળો બોલતી હોય એવું તમે ક્યાંય જોયું છે? કોઇ છોકરો છોકરી સાથે ગંદી ટોક કરતો હોય એવું કંઈ સાંભળ્યું છે? હા, એ બધું ખાનગીમાં ચાલતું હોય છે પણ એ બે વ્યક્તિની અંગત બાબત હોય છે, એ જ્યારે સાર્વજનિક થાય ત્યારે લોકો જોવાના પણ છે અને સાંભળવાના પણ છે. ફોટા હોય તો એનલાર્જ કરીને જે જોવું હશે એ જોશે. ગંદી વાતો એક કરતાં વધુ વખત સાંભળશે. આવા કન્ટેન્ટનો એન્ગેજમેન્ટ ટાઇમ બીજી પોસ્ટ કરતાં વધુ હોય છે. ઇન્ફ્લુઅન્સર હોવું અને એન્ટરટેઇનર હોવું એમાં ફેર છે. નેતા, અભિનેતા, સ્પોર્ટ્સ પર્સન્સ, સેલિબ્રિટીઝ વગેરેની વાત અલગ છે. હવે તો દરેક સંત, મહંત અને બાવા સાધુ પણ સોશિયલ મીડિયા પર છે. એ લોકો પાસે પોતાની મીડિયા એજન્સીઓ છે. મ્યુઝિકથી માંડીને મૉટિવેશન સુધીનું બધું જ સોશિયલ મીડિયા પર એવેલેબલ છે. સ્ટેન્ડઅપ કોમેડીને ધ્યાનથી જોજો, એમાં પણ છેલ્લે તો ગાળો અને ભદ્દી મજાક જ હશે. એ બધું જોઇને ક્યારેક એવો વિચાર પણ આવી જાય કે, હવે નિર્દોષ હાસ્ય નિપજાવી શકે એવું કન્ટેન્ટ તૈયાર જ થતું નથી કે શું? બધું જ ગંદું, ખરાબ કે અયોગ્ય જ છે એવું પણ નથી. સોશિયલ મીડિયા પર ઘણાં કપલ રોજેરોજની સહજ ઘટનાઓમાંથી પણ હાસ્ય નિપજાવે છે.
સોશિયલ મીડિયાના એક્સપર્ટ્સ વલ્ગર કન્ટેન્ટ વિશે એવું કહે છે કે, ગંદી મજાક અને હલકી ભાષાનો ઉપયોગ કરનારને સંસ્કાર કે સિદ્ધાંતો સાથે કંઇ લાગતું-વળગતું નથી, એને તો ગમે તેમ કરીને પોતાના ફોલોઅર્સ વધારવા હોય છે. આખરે એમાંથી તેને કમાણી થતી હોય છે. આવું કન્ટેન્ટ તૈયાર કરનારાઓનું મંતવ્ય પણ વિચાર માંગી લે તેવું છે. એક છોકરીએ એવું કહ્યું કે, પહેલાં હું સારી સારી વાતો લઇને અથવા તો ગીત કે ગઝલનો ઉપયોગ કરીને રીલ્સ બનાવતી હતી. એક વખત મેં મજાક મજાકમાં થોડીક હળવી વાતો કરતી રીલ બનાવી. મને આશ્ચર્ય એ વાતનું થયું કે, એને સૌથી વધુ લોકોએ જોઈ, લાઇક અને કમેન્ટ્સ કરી! મારા ફોલોઅર્સ પણ ધડાધડ વધવા માંડ્યા. એ પછી મેં અમુક પ્રકારના રીલ્સ બનાવવાનું જ ચાલુ રાખ્યું, લોકોને જેવું જોઇતું હોય એવું હું આપું છું. ગાળો બોલનારના લાખો ફોલોઅર્સ છે. બીજી વાત એ પણ છે કે, બધા લોકો પોતાની સમસ્યાઓથી ઘેરાયેલા છે. કોઇને જ્ઞાન જોઇતું નથી. બધા પાસે પોતાના પૂરતું જ્ઞાન છે જ. લોકોને હવે એન્ટરટેઇનમેન્ટ જ જોઇએ છીએ. મજા આવવી જોઇએ. થોડુંક હસવાનું મળવું જોઇએ. આપણે કંઇ દુનિયા સુધારવી નથી. થોડુંક કંઇક જોઇ લીધું તો એમાં શું પાપ કરી નાખ્યું છે?
આ બધામાં થોડુંક કંઇક બાકી હતું એ વળી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે પૂરું કર્યું છે. તમે એક વખત જે પ્રકારનું કન્ટેન્ટ જોશો, જે રીલ્સને એક કરતાં વધુ વાર જોશો એ પછી તમારી સામે એવાં જ રીલ્સ, ફોટા અને કન્ટેન્ટ આવતાં રહેશે. તમને ક્યારેય વિચાર આવે છે કે, જેને હું ફોલો નથી કરતો એનું કન્ટેન્ટ કેમ મારી સામે આવી જાય છે? હવે દરેકે દરેક માણસની લાઇક્સ, ડિસ્લાઇક્સ, હ્યુમન બિહેવિયર, થિંકિંગ પેટર્નથી માંડીને ઝીણામાં ઝીણી વિગતો એ લોકો પાસે છે. તમે કયા સમયે શું જુઓ છો, તમને શું ગમે છે, એ બધું નક્કી કરીને તમારા માટે તારવેલું કન્ટેન્ટ રજૂ કરે છે. આપણે માણસ છીએ, આપણે પણ અમુક પ્રકારનું કન્ટેન્ટ જોવા લલચાઈ જતા હોઇએ છીએ. સોશિયલ મીડિયા કોઇ કામ માટે, કંઇક અપલોડ કરવા માટે અથવા તો કોઇની પોસ્ટ વાંચવા માટે ખોલ્યું હોય છે અને પછી ક્યારે બીજી પોસ્ટ પર ચાલ્યા જઇએ છીએ એનું ભાન જ નથી રહેતું! આપણને એ પોતાની દુનિયામાં એવા ખેંચી જાય છે કે, આપણને આપણી દુનિયાનું પણ ભાન રહેતું નથી!
આપણે જે જોતા હોઇએ, જે સાંભળતા હોઇએ અને જે અનુભવતા હોઇએ એની અસર આપણા ઉપર થતી હોય છે. થોડામાં કંઈ બગડી જવાનું નથી પણ પેલી વાત યાદ રાખવા જેવી છે કે, અતિ સદા વર્જયેત. વધારે પડતું કંઇ સારું નથી. તમારા વિચારો પર કંઇ કે કોઇ હાવી ન થઇ જાય એની તકેદારી રાખવી જરૂરી છે. ટેક્નોલોજીમાં એ તાકાત છે કે, માણસને ડાયવર્ટ કરી નાખે. કઇ તરફ જવું છે એનો નિર્ણય દરેક વ્યક્તિએ પોતે લેવાનો હોય છે. જે લોકોએ જે કરવું છે એ તો કરતા જ રહેવાના છે, આપણે માત્ર એટલું નક્કી કરવાનું હોય છે કે, આપણે શું કરવું છે?
હા, એવું છે!
સોશિયલ મીડિયા પરનો એક અભ્યાસ એવું કહે છે કે, માણસ ગમે એવો હોય તો પણ એ સોશિયલ મીડિયા પર એક હદથી વધુ કંટ્રોલ રાખી શકતો નથી. સોશિયલ મીડિયા ખોલ્યા પછી ક્યાંનો ક્યાં પહોંચી જાય છે અને જે સામે આવ્યું એ જોતો રહે છે. મક્કમ મનના લોકો પણ લલચાઇ જાય એવું કન્ટેન્ટ અત્યારે અવેલેબલ છે. આપણે આપણી ચોઇસનું બહુ ઓછું જોઇએ, સાંભળીએ છીએ, આપણે એ જોવા માંડીએ છીએ જે આપણને પીરસવામાં આવે છે. આપણો ટેસ્ટ બદલાવી કે બગાડી નાખવાની ક્ષમતા સોશિયલ મીડિયા અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે ક્યારની મેળવી લીધી છે!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 17 મે, 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: