નેગેટિવ વિચારો આવે છે?
તો પણ ડરવાની જરૂર નથી!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
———-
નેગેટિવ વિચારો દરેકને આવતા જ હોય છે. થોડાક નેગેટિવ વિચારો સુખ અને સફળતા
માટે જરૂરી પણ છે. એનાથી ડરો નહીં, એને પડકાર ગણીને ઝીલો!
———–
કોઇ માણસ એવું કહે કે, મને નકારાત્મક વિચારો નથી આવતા તો એ તદ્દન જૂઠ્ઠું બોલે છે. ગમે એવો પોઝિટિવ કે શક્તિશાળી માણસ હોય તેને પણ નેગેટિવ થોટ્સ આવતા જ હોય છે. મેં ધાર્યું છે એમ નહીં થાય તો? મેં જે ઇચ્છ્યું છે એ મને નહીં મળે તો? હું જેને પ્રેમ કરું છું એ મને દગો દેશે તો? મને સફળતા નહીં મળે તો? બોસ ખખડાવશે તો? મારા કામમાં મારાથી કોઇ ભૂલ થઇ જશે તો? મારા પર જે જવાબદારીઓ છે એ હું નિભાવી નહીં શકું તો? કોઇ મને છેતરી જશે તો? મને ગંભીર બીમારી લાગુ પડી જશે તો? હું ઓચિંતો જ મરી જઇશ તો? મેં માંડ માંડ કરીને જે ભેગું કર્યું છે એ ગુમાવી દઇશ તો? આ અને આવા અસંખ્ય નેગેટિવ વિચારો ક્યારેક આપણને સતાવતા જ હોય છે. થોટ્સ વિશનો એક સ્ટડી તો એવું કહે છે કે, માણસને પોઝિટિવ થોટ્સ કરતા નેગેટિવ થોટ્સ વધુ આવે છે. મોટા ભાગના લોકોને 80 ટકા નકારાત્મક વિચારો આવે છે. 20 ટકા જ પોઝિટિવ વિચારો આવે છે. મૂડ, માનસિકતા, સ્થિતિ, સંજોગો અને બીજા ઘણા બધા પરિબળો આપણા વિચારો માટે કારણભૂત હોય છે. કોઇક એવો બનાવ બને કે, આપણે નિરાશ થઇએ ત્યારે એવું જ લાગે કે બધું ખતમ થવા બેઠું છે. ક્યારેક કોઇ એવી ઘટના બને છે જે આપણામાં નવા ઉત્સાહનો સંચાર કરી દે છે. અમુક ક્ષણે તો માણસ એવું પણ વિચારતો હોય છે કે, આખી દુનિયા મારી મુઠ્ઠીમાં છે. કોઇ મારું કંઇ બગાડી શકવાનું નથી. પેલો ડાયલોગ સાંભળ્યો છેને કે, કભી કબી લગતા હૈ, અપુન હી ભગવાન હૈ! વિચારોમાં પણ અપ-ડાઉન્સ આવતા જ રહેવાના છે.
નેગેટિવ વિચારો વિશેનો એક લેટેસ્ટ અભ્યાસ એવું કહે છે કે, નેગેટિવ વિચારોથી ડરો નહીં. એને પડકાર સમજીને ઝીલો. જિંદગીમાં થોડાક નેગેટિવ વિચારો તો જરૂરી પણ છે. એ જ આપણને એનર્જી પૂરી પાડે છે અને વધુ મહેનત કરવા માટે પ્રોત્સાહિત કરે છે. હું ફેઇલ થઇશ તો? એવો વિચાર આવે એ પછી માણસ એવું વિચારે છે કે, મારે વધુ મહેનત કરવી જોઇએ. ફેઇલ થવાનો ભય જ તેની પાસે હાર્ડ વર્ક કરાવશે અને એના કારણે જ તેને સફળતા મળશે. ઓફિસમાં બોસનો ઠપકો ન મળે એ માટે કર્મચારી વધુ મહેનત કરશે અને પરિણામે તેને પ્રમોશન કે એપ્રિશિએશન મળશે. કેલિફોર્નિયા યુનિવર્સિટીના સંશોધકો દ્વારા એક સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું. આ અનુસંધાને મનોવિજ્ઞાની આઇરિસ મૌસે કહે છે કે, મેન્ટલ હેલ્થ એ બહુ ગૂઢ વાત છે. દરેક વખતે નેગેટિવિટી ખરાબ અસર નથી કરતી અને કાયમ માટે પોઝિટિવિટી પણ સારી અસર કરતી નથી. મિક્સ ઇમોશન જ આપણને દરેક પરિસ્થિતમાં ટકાવી રાખતી હોય છે.
આપણે ત્યાં શાસ્ત્રોમાં પણ એવું કહેવાયું છે કે, સમય ક્યારેય એક સરખો રહેતો નથી. એ બદલતો રહે છે. સુખ, દુ:ખ, આશા-નિરાશા અને ખુશી-ગમ આવતા જતા રહે છે. ખરાબ સમય આપણને વધુ મજબૂત બનાવતો હોય છે. આપણા વડીલો ઘણી વખત સંતોના માટે એવા શબ્દો ઉચ્ચારતા હોય છે કે, હેરાન થાય તો ખબર પડે, કેટલી વીસે સો થાય એનું ભાન થાય, માથે પડે તો ઓટોમેટિક બધું આવડી જાય. આ વાત જરાયે ખોટી નથી. મુશ્કેલીઓ આપણને માર્ગ સૂઝાડે છે. તકલીફ હોય ત્યારે નેગેટિવ વિચારો આવવાના જ છે. એમાંથી જ આપણે રસ્તો કાઢવાનો હોય છે. રસ્તો નીકળી જાય એટલે સુખની અનુભૂતિ થાય છે.
માણસ બે પરિસ્થિતિઓમાં જીવતો હોય છે. એક છે બહારની સ્થિતિ, જેમાં પોતાનું ઘર, વાતાવરણ, ઓફિસ, કામ વિગેરેનો સમાવેશ થાય છે. બીજી સ્થિતિ છે પોતાની અંદરની સ્થિતિ. પોતાની માનસિકતા, માન્યતાઓ અને પોતાના વિચારો. બહારની અને અંદરની બંને સ્થિતિ એક-બીજાને અસર પણ કરે છે. માણસે બેલેન્સ રાખવું પડે છે. આપણે કંઇક નકારાત્મક ઘટના બને ત્યારે એવું વિચારીએ છીએ કે, બધું થઇ જશે. ચાલ્યા રાખે. બધો સમય સરખો હોતો નથી. આપણે સ્થિતિને સ્વીકારી લઇએ છીએ. મનોવિજ્ઞાનીઓ કહે છે કે, જે પરિસ્થિતિ હોય એને સ્વીકારો અને આ સમય પણ બદલશે તેવી આશા રાખો. એ જ તમને દરેક સ્થિતિમાં ટકાવી રાખશે. ઇમોશન પર ઊંડો અભ્યાસ કરનાર ડો. અમાન્ડા શેલક્રોસ કહે છે કે, માણસ પોતાની ઇમોશન્સથી ભાગી શકતો નથી. ભાગવાના પ્રયાસો માણસને વધુ હતાશ કરે છે. માણસે એ વિચારવું જોઇએ કે, દરેક વખતે સારું જ કે આપણું ધાર્યું જ થાય એવું જરૂરી નથી. આપણે કલ્પના પણ કરી ન હોય એવું પણ થઇ શકે છે. સાથોસાથ એવું પણ વિચારતા રહેવું કે, સારું થવાનું જ છે. આપણી સાથે કંઇક ખરાબ થયું હોય ત્યારે પણ વડીલો એવું કહેતા હોય છે કે, જે થાય છે એ સારા માટે થતું હોય છે. ખરાબ થયું તો એની પાછળ પણ કુદરતનો કોઇ સંકેત હશે. એક રીતે જુઓ તો આ નકારાત્મક સમયમાં ટકી રહેવાનું સૌથી મોટું આશ્વાસન છે. આવું થતું પણ હોય છે. આપણને દરેકને એવા અનુભવો થયા જ હોય છે કે, આપણને આઘાત લાગે એવી ઘટના બને અને સમય જતા એમ થાય કે, એ થયું ન હોત તો આમ ન થાત!
થોડાક નેગેટિવ વિચારોમાં કશું ખોટું નથી એ વાત સાચી પણ એમાંયે એક વાતની તકેદારી તો રાખવી જ પડે છે. જો નેગેટિવ વિચારોનું પ્રમાણ વધી જાય તો મુશ્કેલી સર્જાય છે. કોઇ ડિપ્રેશન એક-બે નેગેટિવ વિચારોથી આવતું નથી. નેગેટિવ વિચારોની સીરિઝ શરૂ થાય એ પછી જ માણસ હતાશામાં સરી જાય છે. નેગેટિવ વિચારોનું પ્રમાણ વધે નહીં તેનું ધ્યાન માણસે રાખવાનું હોય છે. એના માટે સરળ રસ્તો એ છે કે, રોજ રાતે થોડોક સમય એવો વિચાર કરવો કે, આજે આખો દિવસ દરમિયાન મને કેવા વિચારો આવ્યા છે? જો નેગેટિવ વિચારો વધુ આવ્યા હોય તો એવું નક્કી કરવું પડે કે, મારે આવા વિચાર નથી કરવા. મારે સારા વિચારો કરવા છે. મારી જે સ્થિતિ છે એ પણ બદલાવાની છે. ઘણી વખત તો કોઇ કારણ વગર નેગેટિવ વિચારો આવે છે. વધુ પડતું સુખ પણ ક્યારેક દુ:ખ પેદા કરતું હોય છે. સરવાળે તો જિંદગીમાં સુખ કે દુ:ખ એ માત્રને માત્ર વિચારોનું જ કારણ છે, સુખી માણસ એ છે જેના વિચારો એના કંટ્રોલમાં છે. વિચારોની કમાન પકડી રાખવી પડે છે. વિચારો જો છટકી જાય તો માણસ ભટકી જાય છે. છેલ્લે મનોવૈજ્ઞાનિકો એક પ્રયોગ કરવાનું પણ સૂચવે છે. રોજ સવારે ઉઠો ત્યારે થોડીક મિનિટ પથારીમાં પડ્યા રહો. એ સમયે એવું વિચારો કે, મારે આજે દિવસ દરમિયાન કોઇ ખરાબ, નબળા કે હલકા વિચારો કરવા નથી, મારે આજે મસ્તીથી જીવવું છે, સરસ કામ કરવું છે, દરેક ક્ષણને માણવી છે. રાતે સૂતી વખતે એવું વિચારો કે, સવારે જે નક્કી કર્યું હતું એ થઇ શક્યું છે કે નહીં? થઇ શક્યું તો કોઇ ઇશ્યૂ નથી, ન થઇ શક્યું હોય તો બીજા દિવસે નવેસરથી ટ્રાય કરો. એક વાત યાદ રાખો, વિચારોને આપણે ધારીએ એ તરફ વાળી શકીએ છીએ, તેના માટે પ્રયાસો કરવા પડે છે. સૌથી પહેલા એ નક્કી કરવું પડે છે કે, હું મારા પર કોઇ નેગેટિવ વિચારને સવાર થવા નહીં દઉં!
હા, એવું છે!
એક અભ્યાસમાં જણાયું છે કે, 94 ટકા લોકોને ક્યારેકને ક્યારેક તો નેગેટિવિટી ફીલ થાય જ છે. છ ટકા લોકો હેપી, ગો, લકી કીસમના હોય છે. એમાંના કેટલાંક તદ્દન બેપરવાહ પણ હોય છે. ગમે તે થાય એને કંઇ ફેર પડતો નથી. જે જવાબદાર વ્યક્તિ છે એને તો ક્યારેક પોતાના અને પોતાના લોકોના ભવિષ્ય વિશે સવાલો થવાના જ છે. સૌથી મહત્ત્વની વાત એ છે કે, ડરને એટલો હાવી થવા ન દો કે કોઇ દિશા ન સૂઝે! ભયને શરણે થઇએ તો બધું ભયાનક જ લાગવાનું છે!
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 24 મે, 2023, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
