પત્ની પીડિત પતિ – મેરા દર્દ ન જાને કોઇ! – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

પત્ની પીડિત પતિ

મેરા દર્દ ન જાને કોઇ!

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

———-

પતિ જો ત્રાસ આપે તો અસંખ્ય કાયદાઓ છે પણ પત્ની જો અત્યાચાર કરતી હોય તો શું કરવું?

પુરૂષોની મેરેજ સ્ટ્રાઇક જેવા કાર્યક્રમોથી કોઇ ફેર પડે ખરો? આખા દેશમાં અસંખ્ય

પત્ની પીડિત પતિઓના સંગઠનો એક્ટિવ છે! પુરૂષ આયોગની માંગણીઓ પણ થતી રહે છે!

પત્ની માર મારતી હોય, મા-બાપને મળવા દેતી ન હોય અને

પોતાના ઇશારે નચાવતી હોય એવા કિસ્સાઓની સંખ્યા વધી રહી છે!

———–

ચાલો, આજના લેખની શરૂઆત એક હળવી રમૂજથી કરીએ. એક વખત અકબર અને બીરબલ વાતો કરતા હતા. બીરબલે કહ્યું, જહાંપનાહ, તમને ખબર છે, 21મી સદીમાં સમગ્ર સૃષ્ટિ પર મહિલાઓનું જ ધાર્યું થતું હશે! અકબરે બીરબલની વાત સાંભળીને નિસાસો નાખીને કહ્યું, એમ, ત્યારે પણ મહિલાઓનું જ ધાર્યું થતું હશે?

ભારતીય સમાજની વાત નીકળે ત્યારે હજુયે એક વાત સાંભળવા મળે છે કે, આપણે પુરુષ પ્રધાન સોસાયટીમાં જીવીએ છીએ. બધે પુરૂષોનું જ આધિપત્ય રહે છે. ઘરમાં પુરૂષોનું ધાર્યું જ થાય છે. મહિલાઓને એના અધિકારો મળતા નથી. સ્ત્રી અને પુરૂષો વિશે જાતજાતની વાતો થતી જ રહે છે. સામા પક્ષે એક હકીકત એ પણ છે કે, માથાભારે સ્ત્રીઓની પણ આપણે ત્યાં કમી નથી. પત્નીઓએ પુરૂષોનું જીવવું હરામ કરી નાખ્યું હોય એવા કિસ્સાઓની સંખ્યા દરરોજ વધતી જ જાય છે. તમને એ વાત જાણીને કદાચ આશ્ચર્ય થશે કે, પત્નીઓ દ્વારા પતિ પર અત્યાચારની ઘટનાઓમાં આપણા દેશનો નંબર દુનિયામાં ત્રીજો આવે છે! સૌથી પહેલા નંબરે ઇજિપ્ત, બીજા નંબરે બ્રિટન અને ત્રીજા નંબરે ભારત છે! ઇજિપ્તમાં 28 ટકા પત્નીઓ પોતાના પતિને બેલ્ટ, સ્લીપર, સોય અને રસોડાના સાધનો દ્વારા માર મારે છે! બ્રિટનનો આંકડો 23 ટકાનો છે. ત્રીજા નંબરે ભારતમાં 11 ટકા પત્નીઓ પતિની ધોલાઇ કરી નાખે છે.

હમણાની જ એક સાવ સાચી વાત છે. એક ભાઇને તેની પત્નીએ સારી પેઠે ધોલાઇ કરી. પતિના મિત્રોએ કહ્યું કે, આવું કંઇ થોડું ચાલે? તું તારી પત્ની સામે પોલીસ ફરિયાદ નોંધાવ. પેલા યુવાને કહ્યું કે, રહેવા દે, લોકો મારી મજાક ઉડાવશે કે પત્નીના હાથનો માર ખાધો! આવા તો ઘણા લોકો પત્નીનો ત્રાસ સહન કરીને સમસમીને બેસી રહ્યા હશે. દરેક પત્ની માર મારતી હોય એવું જરૂરી નથી, મેન્ટલ ટોર્ચર કરનારી પત્નીઓની સંખ્યા પણ કંઇ ઓછી નથી. ઘરમાં સૌથી વધુ પ્રોબ્લેમ સાસુ અને વહુ વચ્ચેના ઝઘડાનો હોય છે. મા અને પત્નીની વચ્ચે પતિની હાલત સેન્ડવીચ જેવી થઇ જાય છે. પતિ બિચારો નથી પત્નીને કંઇ કહી શકતો કે નથી માતાને કંઇ કહી શકતો નથી! બંનેને પોતપોતાની રીતે સમજાવીને મન મનાવી લેતો હોય છે. મનમાં એવો ફડકો હોય છે કે, ઘરે જાવ ત્યારે કોઇ નવી બબાલ ન હોય તો સારું. યુવતી પોતાની સાસુને માર મારતી હોય એવા કિસ્સાઓ પણ બનતા રહે છે. સાસુનો પણ વાંક હોય છે. તાળી ક્યારેય એક હાથે નથી વાગતી પણ એમાં પુરૂષને એવો વિચાર આવી જાય છે કે, મારો શું વાંક?

સોશિયલ મીડિયા પર છેલ્લા થોડા દિવસોથી હેશટેગ મેરેજ સ્ટ્રાઇક ટ્રેન્ડમાં છે. ગયા શનિવાર અને રવિવારે સેવ ઇન્ડિયા ફેમિલી ફાઉન્ડેશન દ્વારા હૈદરાબાદમાં મેરેજ સ્ટ્રાઇક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ગુજરાત સહિત આખા દેશમાંથી પત્ની પીડિત પતિઓ હાજર રહ્યા હતા.

આપણા દેશમાં પત્નીઓના ત્રાસથી આપઘાત કરનારા પતિઓની સંખ્યા ખરેખર કેટલી છે એ તો ભગવાન જાણે પણ એવું નોંધવામાં આવ્યું છે કે, વર્ષ 2020માં દેશમાં આત્મહત્યાના 1.53 લાખ બનાવો બન્યા હતા, તેમાં 1.08 લાખ પુરૂષો હતા. તેમાંથી ઘણા પુરૂષોના આપઘાતનું કારણ પત્ની અને સાસરિયાઓનો ત્રાસ હતો. ઘરકંકાસના કારણે સ્ત્રીઓ જ આપઘાત કરે છે એવું નથી, પુરૂષો પણ જીવન ટૂંકાવી દે છે. પત્નીનો કેવો ત્રાસ હશે કે પતિઓને મોત સહેલું લાગ્યું હશે? દેશમાં છૂટાછેડાની સંખ્યા સતત વધી રહી છે. સાથે રહી શકાય એમ ન હોય ત્યારે જુદા થઇ જવું બહેતર છે એવું મોટા ભાગના લોકો માની રહ્યા છે. અલબત્ત, બધા લોકો છૂટાછેડા પણ લઇ શકતા નથી. પત્ની જો આડી ચાલે તો છૂટાછેડા લેવાનું કામ લોઢાના ચણા ચાવવા જેવું થઇ જાય છે!

દેશમાં મહિલાઓ માટે અસંખ્ય કાયદાઓ છે. સારી વાત છે. હોવા જ જોઇએ. મહિલાઓનું પણ કંઇ ઓછું શોષણ થતું નથી. સામા પક્ષે પુરૂષોના અધિકારો પણ વિચાર માંગી લે એવો પ્રશ્ન તો છે જ! દેશમાં પત્ની પીડિત પુરૂષોના સંગઠનો છે. એની વાત પણ કાને ધરવી જોઇએ. આપણી સામે એવા ઘણા કિસ્સાઓ છે જેમાં વાંક પતિનો હોય પણ પત્ની પતિની સાથે સાસુ સસરા અને ઘરના બીજા સભ્યો સામે પણ કેસ નોંધાવી દે અને બધા જેલની હવા ખાવા લાગે! કેટલાંક વકીલો પણ બધા ફીટ થઇ જાય એવા ઉપાયો સૂચવતા હોય છે. સાચી વાતે કાયદાનો સહારો લેવામાં આવે એમાં કશું જ ગેરવાજબી નથી પણ તમારા બધાની હાલત ખરાબ કરી નાખવાની છું એવી વૃતિ સારી નથી.

દેશમાં મહિલા આયોગ છે. હવે પુરૂષ આયોગની રચના કરવાની વાત પણ જોર પકડી રહી છે. આપણી સંસદમાં પણ પુરૂષ આયોગની માંગણી કરવામાં આવી છે. ભૂતપૂર્વ સંસદ સભ્ય હરિનારાયણ રાજભર અને અંશુલ વર્માએ પુરૂષ આયોગની માંગણી કરી હતી. તેની સામે રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ રેખા શર્માએ કહ્યું હતું કે, મને એવું નથી લાગતું કે દેશમાં પુરૂષ આયોગની કોઇ જરૂર હોય! પુરૂષ આયોગની ચર્ચા સમયે સમયે ઉઠતી રહે છે. વર્લ્ડસ રાઇટ્સ ઇનિશિએટિવ ફોર શેર પેરેન્ટિંગના સંસ્થાપક કુમાર જાગીરદારે કહ્યું હતું કે, પુરૂષાના આપઘાતના કિસ્સાઓ જોઇને પુરુષ આયોગની માંગણી વાજબી લાગે છે. માત્ર આપઘાતના કિસ્સાની જ વાત નથી, પતિ પત્નીના ઝઘડા બાદ પત્ની બાળકોને એના પિતાને પણ મળવા ન દેતી હોય અને બીજી કોઇને કોઇ રીતે હેરાન કરતી હોય એવી ઘટનાઓ પણ બનતી રહે છે.

આપણે ત્યાં લેડિઝ સ્ટોકિંગ અને મહિલા પર થતાં દુષ્કર્મ માટે કડક કાયદાઓ છે પણ પુરૂષ સ્ટોકિંગ કે પુરૂષ પર બળાત્કાર માટે કંઇ જ નથી. હવે જમાનો બદલાયો છે. મહિલાઓ પણ પુરૂષોનું જાતીય શોષણ કરતી થઇ છે. હજુ ઘણા લોકો એ સ્વીકારવા તૈયાર જ નથી કે સ્ત્રીઓ પણ અત્યાચાર કરી શકે છે. બધી જ સ્ત્રીઓ એવી છે એવું જરાયે નથી. પતિ કે પુરૂષ પર અત્યાચાર કરતી સ્ત્રીઓની સંખ્યા નાની છે પણ છે તો ખરી જ. એનો ભોગ બનનાર પુરૂષોને પણ રક્ષણ મળવું જોઇએ કે નહીં?

દરેક માણસ એવું ઇચ્છે કે, પોતાનું લગ્ન જીવન સારું રહે. કોઇ લગ્ન છૂટા પડવા માટે થતા નથી. લગ્ન વખતે જે સપનાઓ સેવ્યા હોય છે એ ઘણી વખત લાંબા ટકતા નથી. થોડાક સમયમાં જ સમજાઇ જાય છે કે, આપણે એક-બીજા માટે બન્યા નથી. એ પછી ઘર્ષણ શરૂ થાય છે. જુદા પડ્યા પછી વાતો મૂવ ઓન થવાની થાય છે પણ અંદરખાને તો એક બીજાને જોઇ લેવાની જ રમત શરૂ થાય છે.

લેખની શરૂઆત હળવાશથી કરી હતી તો અંત પણ એવી જ રીતે કરીએ. લગ્ન વિશે એવું કહેવાતું રહ્યું છે કે, મેરેજિસ આર મેઇડ ઇન હેવન. આ વિશેની રમૂજ સાંભળી છે? લગ્ન સ્વર્ગમાં નક્કી થતા હશે એ વાત સાચી હોય તો પતિ પત્નીના ઝઘડાના કિસ્સાઓ જોઇને એવું જ લાગે છે કે, ઉપર પણ બધું દે ઠોક જ ચાલે છે! પતિ પત્નીનો સંબંધ પ્રેમ, વફાદારી, આત્મિયતા અને કમિટમેન્ટનો સંબંધ છે. એ બધું જ બને પક્ષે હોવું જોઇએ, તો જ એવું કહેવાય કે મેઇડ ફોર ઇચ અધર છે. કમનસીબી એ છે કે, મેઇડ ફોર ઇચ અધર હવેના જમાનામાં દીવો લઇને શોધવા નીકળવા પડે એમ છે. સાથે રહે છે એમાં પણ મોટા ભાગના લોકો નિભાવવા ખાતર નિભાવતા રહે છે, દિલથી જીવતા હોય એવા દંપતીઓ કેટલા હોય છે? જોઇને આંખ ઠરે એવા કપલને જોઇને એવું બોલાઇ જાય કે, આને કોઇની નજર ન લાગે!   

હા, એવું છે!

ડિપ્રેશનના અનેક કારણો છે. તેમાં એક અને સૌથી મોટું કારણ કોઇ પણ મુદ્દે ઓવરથિંકિગ છે. એકની એક વાત પર એટલો બધો વિચાર ન કરો કે બુદ્ધી બેહર મારી જાય! વિચારને પણ વિરામની જરૂર પડતી હોય છે!

(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 20 એપ્રિલ 2022, બુધવાર, ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: