કોણ વધુ કેલરી બાળે છે,
પુરુષો કે સ્ત્રીઓ?
દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
આપણા દેશમાં હમણાં થયેલો એક સર્વે એવું કહે છે કે,
પુરુષોની સરખામણીએ સ્ત્રીઓ ઓછી કેલરી બર્ન કરે છે.
સારી હેલ્થ રાખવા માટે મહિલાઓને વધુ શારીરિક શ્રમ
કરવાની સલાહ આપવામાં આવે છે
ટેક્નોલોજીના કારણે કિચન અને ઘરનાં કામ વધુ સરળ થયાં છે.
ફિઝિકલ એક્ટિવિટી અગાઉના પ્રમાણમાં ઘણી ઘટી ગઇ છે.
કામ ન કરો તો કંઇ નહીં, જિમ જાવ!
સમયની સાથે લાઇફસ્ટાઇલ બદલાઇ છે. આપણા બધાંનું જીવન બેઠાડુ થતું જાય છે. પરસેવો પડે એવું કયું અને કેટલું કામ તમે કરો છો? મહેનત પડે એવું કામ કરવું હવે કોઇને ગમતું નથી. કંઇ વાંધો નહીં, કેમ રહેવું અને કેમ જીવવું એ નક્કી કરવાનો દરેકને અધિકાર છે. દુનિયામાં જે સાધનો બને છે એ આપણાં સુખ અને આપણી સગવડ માટે જ બને છે. વિચારવાનું માત્ર એટલું જ છે કે, આપણે આપણા સ્વાસ્થ્યના ભોગે તો કંઇ કરતા નથી ને? દરરોજ કેટલી કેલરી તમે પેટમાં પધરાવો છો? જેટલી કેલરી લો છો એમાંથી કેટલી બાળો છો? આપણે લીધેલી કેલરી જો બર્ન કરી નાખતા હોઇએ તો કોઇ પ્રોબ્લેમ નથી, જો જમા થઇ તો એ તમારી તબિયત બગાડી શકે છે. આ નિયમ પુરુષો અને સ્ત્રીઓ બંનેને લાગુ પડે છે.
એક સવાલ, કોણ રોજ વધુ કેલરી બાળે છે, લેડીઝ કે જેન્ટ્સ? હમણાં થયેલો એક સર્વે એવું કહે છે કે, આપણા દેશમાં પુરુષો કરતાં સ્ત્રીઓ ઓછી કેલરી બાળે છે. જેના કારણે મહિલાઓમાં સ્વાસ્થ્ય અને સ્થૂળતાના પ્રશ્નો વધી રહ્યા છે. દેશના પચાસ ટકા લોકો દરરોજ જેટલી કેલરી બાળવી જોઇએ એનાથી અડધી કેલરી જ બાળે છે. એમાં પણ મહિલાઓની સંખ્યા વધારે છે. ફિઝિકલ એક્ટિવિટી લેવલ્સ ઓફ ઇન્ડિયન્સ વિશે એક હેલ્થ એપ દ્વારા કરાયેલા સર્વેમાં એવું બહાર આવ્યું છે કે, 53 ટકા મહિલાઓ પચાસ ટકાથી ઓછી કેલરી બાળે છે. 44 ટકા પુરુષો એવા છે જે અડધાથી ઓછી કેલરી બર્ન કરે છે. પુરુષો દરરોજ એવરેજ 476 કેલરી અને સ્ત્રીઓ દરરોજ સરેરાશ 374 કેલરી બાળે છે. 30 ટકા પુરુષો એવા છે જે 80 ટકાથી વધુ કેલરી બર્ન કરે છે. સર્વેના તો બીજા ઘણા આંકડાઓ છે, પણ એમાં પડવું નથી. વાત ફિઝિકલ એક્ટિવિટી અને હેલ્થની કરવી છે. એક તો આપણે બધા દરરોજ જરૂર હોય એના કરતાં વધુ કેલરી પેટમાં પધરાવીએ છીએ. અનહેલ્ધી ફૂડ લેવાનું પ્રમાણ વધ્યું છે. કેલરી બર્ન થતી નથી એટલે લાઇફસ્ટાઇલ ડિસીઝ વધતા જાય છે. હાયપર ટેન્શન, ડાયાબિટીસ અને હાઇ કોલેસ્ટેરોલ બહુ સામાન્ય થઇ ગયા છે. તબીબો કહે છે કે, તમે હેલ્ધી ફૂડ ખાવ. આપણું જે પરંપરાગત ભોજન છે એ બેસ્ટ છે. ફાસ્ટ ફૂડ કલ્ચર અવોઇડ કરો. આમ તો આપણને બધાને આ વાતની ખબર જ છે. તકલીફ એ છે કે આપણે આ વાતને ગંભીરતાથી લેતા નથી.
મહિલાઓ ઓછી કેલરી બર્ન કરે છે, એનાં ઘણાં કારણો છે. અગાઉના સમયમાં મહિલાઓ ઘરકામ કરતી હતી. મહિલાઓની ફિઝિકલ એક્ટિવિટી એટલી હતી કે એને કેલરી બાળવાની ચિંતા ન હતી. હવે ટેક્નોલોજીએ મહિલાઓનું કામ ઘટાડ્યું છે અથવા તો એમ કહો કે ઇઝી કર્યું છે. અગાઉ કપડાં હાથે ધોવાં પડતાં હતાં, હવે વોશિંગ મશીન એ કામ કરી આપે છે. અનાજ વીણીને લોટ દળવો પડતો હતો, હવે તો લોટ જ તૈયાર મળે છે. સાફસફાઇનાં સાધનો પણ આવી ગયાં છે. પહેલાં પાણી ભરવા જવું પડતું હતું, હવે ઘરે ઘરે નળ આવી ગયાં છે. આ બધી વાત ખુશી થવા જેવી છે. મહિલાઓનું કામ ઘટે એ સારી વાત જ છે. સવાલ શારીરિક શ્રમનો છે. મોટા ભાગનાં ઘરોમાં હવે વાસણ અને કચરા-પોતાં માટે કામવાળાં બહેન કે ભાઇ છે. તબીબો કહે છે કે, તમે ઘરકામ ન કરો તો કંઇ નહીં, પણ કેલરી બાળવા માટે જિમ તો જાવ. ઘરે બેઠાં બેઠાં તમે ચરબીનાં થર જમા કરો છો. મહિલાઓમાં હોર્મોનલ ચેન્જીસનાં પણ કારણો હોય છે. હવે મહિલાઓ જોબ કે બિઝનેસ કરતી થઇ છે. સ્વાભાવિક રીતે જ બહાર કામ કરીને આવ્યા હોય એટલે ઘરમાં તો શાંતિ જોઇએ જ. મહિલાઓ આળસુ થઇ ગઇ છે એવું કહેવાનો જરાય ઇરાદો નથી. મહિલાઓ વધુ પ્રોડક્ટિવ કામ કરતી થઇ છે, પણ એના કારણે એની ફિઝિકલ એક્ટિવિટી ઘટી છે. અગાઉ સારા એવા પ્રમાણમાં હરફર પણ થતી હતી. હવે લોકો ઘરે કાં તો ટીવી સામે મંડાયેલા હોય છે અથવા તો મોબાઇલ લઇને બેઠા રહે છે. એના કારણે સ્થૂળતા વધે છે. મહિલાઓની વાત કરીએ છીએ એટલે પુરુષોએ બહુ હરખાવા જેવું નથી. મહિલાઓની સરખામણીમાં પુરુષોની ટકાવારી થોડીક જ ઓછી છે. પુરુષોનો સૌથી મોટો પ્રોબ્લેમ વધતું પેટ છે. ચિંતાનો વિષય એ પણ છે કે, પચાસ ટકા લોકો તો કોઇ ફિઝિકલ એક્ટિવિટી કરતા જ નથી. ડોક્ટર કહે ત્યારે જ આપણી આંખો ઊઘડે છે. નછૂટકે કરવું પડે એમ હોય ત્યારે જ આપણે ચાલવા નીકળીએ છીએ. લોકો ઉત્સાહમાં જિમ જોઇન કરી લે છે, પણ બહુ ઓછા લોકો કન્ટિન્યૂ રાખે છે. આપણે બધાં કામ માટે ટેક્નોલોજીનો ઉપયોગ કરતા થયા છીએ. હવે થોડીક ટેક્નોલોજી આપણી હેલ્થ માટે પણ વાપરવાની જરૂર છે. એવી ઢગલાબંધ એપ છે જે તમારી કેલરીનો હિસાબ રાખે છે અને તમને સાવચેત પણ કરે છે. આપણામાંથી ઘણા એવી એપ્સ ડાઉનલોડ તો કરી લે છે, પણ પછી એને ખોલવાની તસ્દી લેતા નથી. આપણામાં કહેવત છે કે, પહેલું સુખ તે જાતે નર્યા. તબિયત સારી હશેને તો જ જીવવાની મજા આવશે અને સુખની અનુભૂતિ થશે. થોડોક વિચાર કરી જોજો કે, તમે રોજ કેટલી કેલરી લો છો અને કેટલી બાળો છો? ખાલી વિચાર જ ન કરતા, થોડીક ફિઝિકલ એક્ટિવિટી પણ કરજો.
પેશ-એ-ખિદમત
આઇને સે પર્દા કરકે દેખા જાએ,
ખુદ કો ઇતના તન્હા કરકે દેખા જાએ,
ઘર સે નિકલ કર જાતા હૂં મૈં રોજ કહાં,
ઇક દિન અપના પીછા કરકે દેખા જાએ.
– ભારતભૂષણ પંત
(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 07 જુલાઇ 2019, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com