મોટાભાગના લોકોને પોતાનો અવાજ કેમ ગમતો નથી? – દૂરબીન

મોટાભાગના લોકોને પોતાનો

અવાજ કેમ ગમતો નથી?

66

 દૂરબીન-કૃષ્ણકાંત ઉનડકટ

 આપણો અવાજ આપણને સંભળાય

તેનાથી તદ્દન જુદો બીજા લોકોને સંભળાતો હોય છે

એવું એક અભ્યાસમાં બહાર આવ્યું છે!

 

દરેકનો અવાજ ‘યુનિક’ હોય છે.

પોતાના અવાજ વિશે લોકોમાં

જાતજાતના ભ્રમ હોય છે.

 

‘મારો અવાજ તો સાવ ભંગાર છે. મને મારો અવાજ ગમતો નથી.’ મોટાભાગના લોકોને ક્યારેક તો આવું થયું જ હોય છે. ખાસ કરીને જ્યારે તમે તમારું ઓડિયો કે વિડિયો રેકોર્ડિંગ જુઓ અને તમારો જ અવાજ સાંભળો ત્યારે તમને તમારા અવાજ સામે સવાલ થાય છે. બહુ થોડા લોકોને બાદ કરતાં મોટાભાગના લોકોને પોતાના અવાજ વિશે ફરિયાદ હોય છે.

 

આપણે જ્યારે એમ કહીએ કે મારો અવાજ બહુ સારો નથી ત્યારે ઘણી વખત આપણા લોકો પાસેથી આપણને એવો પ્રતિભાવ મળે છે કે, કોણ કહે છે કે તારો અવાજ સારો નથી? તારો અવાજ તો એકદમ સ્વીટ છે. અમુક લોકો બોલે તો આપણને એમ થાય છે કે આને સાંભળતા જ રહીએ. એને પણ પૂછજો કે તમને તમારો અવાજ ગમે છે? બહુ લોકોએ તેને કહ્યું હશે કે તમારો અવાજ મધુર છે તો પણ એ માણસ ક્યારેય એવું નહીં કહે કે મારો અવાજ બેસ્ટ છે.

 

બાય ધ વે, તમને તમારો અવાજ ગમે છે? તમારો પ્રતિભાવ કદાચ એવો હશે કે, હવે અવાજ જેવો છે એવો છે, ન ગમતો હોય તો પણ આપણે શું કરી શકવાના છીએ? અવાજ તો કુદરતની દેન છે. જેવો છે એવો સ્વીકારવાનો. અવાજનું પણ થોડુંક સૌંદર્ય જેવું જ છે. થોડોક વધુ મીઠો હોત તો સારું હતું એવું થાય એ સ્વાભાવિક છે.

 

હવે એક બીજી અને થોડીક ચોંકાવનારી વાત સાંભળો. તમને કોઇ એમ કહે કે તમારો અવાજ તમને સંભળાય છે એ જુદો છે અને બીજાને સંભળાય છે એ જુદો છે તો તમને કેવું લાગે? તમને તમારો ટોન કદાચ સ્વીટ ન લાગે પણ સાંભળનારને તમારો અવાજ ગમે એવું બની શકે છે. હમણાં થયેલો એક અભ્યાસ એવું કહે છે કે, આપણે કોઇનો અવાજ સાંભળીએ અને પોતાનો અવાજ સાંભળીએ એમાં ફર્ક હોય છે! આપણને આપણો અવાજ હોય છે એવો સંભળાતો નથી, જુદો જ લાગે છે!

 

આપણે જ્યારે અવાજ સાંભળીએ ત્યારે આપણા કાનના ઇયર ડ્રમ્સમાં કંપન સર્જાય છે. આ કંપન બીજાનો અવાજ સાંભળીએ ત્યારે જુદાં કંપન સર્જે છે અને આપણે આપણો જ અવાજ સાંભળીએ ત્યારે અલગ જ કંપન સર્જે છે! મતલબ કે તમે બોલો છો ત્યારે તમારો અવાજ તમને લાગે એના કરતાં બીજાને વધુ સારો, સાંભળવાલાયક અને સ્વીટ લાગે. જે લોકો પોતાના અવાજને કારણે જાણીતા છે એ લોકોને પણ એ સ્વીકારતા વાર લાગે છે કે તેનો અવાજ સ્વીટ છે. લોકો એપ્રિસિએટ કરવા માંડે એટલે તેને ધીમે ધીમે એમ થાય છે કે કંઇક તો હશે કે આટલા બધા લોકો વખાણ કરે છે. અવાજને એક ઓળખ મળે પછી એ સ્વીકારતા થાય છે કે તેનો અવાજ ખરેખર સારો છે.

 

અવાજ માણસની ઓળખ છે. અવાજને અને માણસની પ્રકૃતિને પણ નજીકનો સંબંધ છે. માણસનો અવાજ એનું કામ, એની નજીકનું વાતાવરણ અને એના સ્વભાવ મુજબનો હોય છે. ઉંમરની સાથે અવાજમાં થોડું થોડું પરિવર્તન પણ આવતું હોય છે. મિમિક્રી કરનાર વ્યક્તિ ઘણાના અવાજ કાઢી શકે છે. ઘણા લોકો પોતાના અવાજનો ટોન ચેન્જ કરીને ફોન પર વાત કરી લેતા હોય છે. આમ છતાં દરેકનો પોતાનો એક યુનિક અવાજ હોય છે. આ દુનિયામાં એવા પણ અનેક કિસ્સાઓ છે કે કોઇ કલાકાર સરસ ગાતો કે ગાતી હોય પણ એ જ્યારે વાત કરે ત્યારે તેના અવાજમાં તેના ગીત જેટલી મીઠાશ ના વર્તાય.

 

અવાજનું પોતાનું એક શાસ્ત્ર છે. ધ્વનિ કેવી રીતે કાન સુધી પહોંચે છે તેનું એક વિજ્ઞાન છે. અવાજ માણસની ‘આભા’ ઊભી કરે છે. અવાજ પણ મૂડની સાથે ચેન્જ થાય છે. મજામાં હોઇએ ત્યારે આપણે બહુ મીઠાશથી વાત કરીએ છીએ અને મગજ છટકે ત્યારે બરાડા પાડીએ છીએ. અવાજને બદલી શકાય ખરો? આમ તો બેઝિક વોઇસને ચેન્જ કરી શકાતો નથી પણ ટ્રેનિંગ દ્વારા આરોહ-અવરોહ આપીને અવાજને પણ એક આકાર આપી શકાય છે. પબ્લિક સ્પીકિંગના ક્લાસમાં આમ તો એ જ શીખવવામાં આવે છે કે તમે તમારા અવાજ દ્વારા કેવી રીતે લોકોને આકર્ષી શકો.

 

સુપર સ્ટાર અભિતાભ બચ્ચન જે સ્થાન સુધી પહોંચ્યા છે તેમાં તેના અવાજનો બહુ મોટો ફાળો છે. જોકે તેના અવાજના કારણે જ એક વખત તેને આકાશવાણીમાંથી રિજેક્ટ કરવામાં આવ્યા હતા! તમારો અવાજ રેડિયોને લાયક નથી એમ કહી દેવામાં આવ્યું હતું. એ સિવાય પણ ઘણાને તેનો અવાજ ઘોઘરો લાગ્યો હતો. ધીમે ધીમે આ અવાજ જ તેની ઓળખ બની ગયો. માત્ર ડાયલોગમાં જ નહીં, સિંગિંગમાં પણ તેનો અવાજ લોકોને ગમવા લાગ્યો.

 

તમને તમારો અવાજ ગમે છે? જો ગમતો હોય તો સારી વાત છે પણ જો ક્યારેય એવું લાગે કે મારો અવાજ સારો નથી તો મનમાંથી તમારા અવાજ વિશેનો નેગેટિવ થોટ કાઢી નાખજો. મારો અવાજ સારો છે, એ યુનિક છે, ગમે એવો છે પણ મારો અવાજ છે એવો વિચાર પણ કોન્ફિડન્સ આપે છે. તમારા અવાજને પ્રેમ કરો કારણ કે તમારા જેવો અવાજ બીજા કોઇનો નથી! એ માત્ર ને માત્ર તમારો છે.

પેશ-એ-ખિદમત

અક્સ હૈ આઇના-એ-દહર મેં સૂરત મેરી,

કુછ હકીકત નહીં ઇતની હૈ હકીકત મેરી,

રોજ વો ખ્વાબ મેં આતે હૈ ગલે મિલને કો,

મૈં જો સોતા હૂં તો જાગ ઉઠતી હૈ કિસ્મત મેરી.

– જલીલ માનિકપુરી

(અક્સ: પ્રતિબિંબ. આઇના-એ-દહર: દુનિયાનો અરીસો)

(‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ પૂર્તિ’, તા. 08 જાન્યુઆરી 2017, રવિવાર. ‘દૂરબીન’ કોલમ)

8-1-17_rasrang_26.5 in size.indd

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: