પહેલા તું તો ખુશ રહે, બીજાની ચિંતા પછી કરજે – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

પહેલા તું તો ખુશ રહે,

બીજાની ચિંતા પછી કરજે

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

રાતભર આંખો ઉલેચી તોય પણ, ભીતરે અંધાર ઓછા ન થયા,

ભીડની વચ્ચે મૂકી’તી જાત મેં, તોયે આ સુનકાર ઓછા ન થયા.

-વ્રજેશ મિસ્ત્રી

જિંદગીનું અંતિમ ધ્યેય સુખ છે. સવાલ એ છે કે, સુખ શેનાથી મળે? સુખ ક્યાં મળે? આપણે બધા સુખ, શાંતિ અને ખુશી માટે ફાંફા મારતા રહીએ છીએ. મોટા મોટા પ્લાનિંગો કરીએ છીએ. પાર્ટીઓ યોજીએ છીએ. ફરવા જઇએ છીએ. થોડુંક સારું લાગે છે. પાછું બધું હતું એવુંને એવું થઇ જાય છે. રોજની ઘટમાળમાં જિંદગી વિશે વિચારવાની ફૂરસદ પણ મળતી નથી. ક્યારેક એવો વિચાર આવી જાય છે કે, હું આ બધું શું કરી રહ્યો છું? રાતે સૂતી વખતે એવું લાગે છે કે, આખો દિવસ ઉત્ત્પાતમાં જ ગયો છે. એક યુવાન હતો. તે એક સંત પાસે ગયો. તેણે સંતને સવાલ કર્યો કે, ગમે એ કરું તો પણ ચેન પડતું નથી, મજા આવતી નથી. બધું જ છે છતાં એવું લાગે છે કે, કંઇક ખૂટે છે. ખુશી અને આનંદ તો જાણે અલોપ જ થઇ ગયા છે. સંતે કહ્યું, તેં ખુશીને સિમ્બોલિક બનાવી દીધી છે. આનંદને અમુક ચોક્કસ વસ્તુઓ સાથે જોડી દીધો છે. ફરવા જઇએ તો મજા આવે, પાર્ટી કરીએ તો આનંદ થાય. તું ખુશી શોધતો રહે છે પણ ખુશી તો તારી પાસે જ છે. તારી અંદર જ છે. તને દરેક ક્ષણે ખુશ રહેવું હોય તો કોણ ના પાડે છે? તેં જ બાઉન્ડ્રીઓ બનાવી રાખી છે. કામ કરતા હોઇએ ત્યારે ખુશ ન રહેવાય? તેં તો કામને ટેન્શન સાથે જ જોડી દીધું છે! આપણે મજાની વ્યાખ્યા જ સીમિત કરી નાખી છે. અધ્યાત્મ એ બીજું કશું જ નથી પણ દરેક દરેક ક્ષણને જીવી જાણવાની સમજ છે.

આપણે બધું શીખીએ છીએ પણ ખુશ રહેવાનું શીખતા નથી. આમ તો ખુશ હોવું અને રહેવું એ માણસનો બેઝિક નેચર છે. નાના હોઇએ ત્યારે આપણને ખુશ રહેતા આવડતું જ હોય છે. બાળકો એટલે જ ખુશ હોય છે. આપણે પણ નાના હતા ત્યારે ખુશ જ રહેતા હતા. મોટા થતાં જઇએ એમ એમ આપણે ખુશ રહેવાનું ભૂલતા જઇએ છીએ. ધીમે ધીમે જિંદગીમાંથી સ્વાભાવિક આનંદ ગૂમ થઇ જાય છે. આપણે પછી એવું વિચારવા લાગીએ છીએ કે, શું કરું તો મજા આવે? શું કરું તો મને ગમે? ઉદાસ, નારાજ અને ગુસ્સે થવાના કારણો આપણી આસપાસ ફરતા જ હોય છે. આપણે ફટાક દઇને એક કારણ પકડી લઇએ છીએ. જેવું એ પકડીએ કે તરત જ ખુશી, આનંદ અને સુખ હાથમાંથી છટકી જાય છે. મિત્રો કે પરિવારજનો સાથે મસ્તી મજાક ચાલતી હોય અને કોઇક નાની અમથી સળી કરે કે, તરત જ આપણો મગજ ફાટફાટ થવા લાગે છે. આપણી આજુબાજુમાં ઘણા લોકો એવા હોય છે જેને છંછેડવા એ ઘડીના છઠ્ઠા ભાગનું કામ હોય છે. એને જરાક વતાવીએ કે તરત જ ભડકો થાય છે.

એક પતિ પત્ની હતા. પત્નીને દરેક વાતનું ટેન્શન લાગે. કંઇપણ હોય એને એ જ વાતની ચિંતા રહે કે, બધું બરાબર પતી જશેને? એક વખત આ કપલે ફ્રેન્ડ્સ માટે પાર્ટીનું આયોજન કર્યું. પત્ની સવારથી પાર્ટીની તૈયારીમાં લાગેલી હતી. એ પતિને કહે કે, ધ્યાન રાખજે હોં, બધું પરપેક્ટ હોવું જોઇએ, કોઇને કંઇ કમી ન લાગવી જોઇએ! થોડીક વાર થાય ત્યાં પત્ની કહે કે, હજુ ઓલું બાકી છે, પેલું બાકી છે. આખરે પતિએ કહ્યું કે, આટલું બધું ટેન્શન શા માટે રાખે છે? માત્ર પાર્ટીની મજા આવે એ પૂરતું નથી, તૈયારીઓ કરવાની પણ મજા આવવી જોઇએ. પાર્ટી વખતે પણ તું ટેન્શનમાં જ રહે છે. બીજાને ખુશ રાખવાની દાનત સારી વાત છે પણ પહેલા તું તો મજામાં રહે! બાકી બધું થઇ રહેશે. પરફેક્શન જરૂરી છે પણ પરફેક્શન પીડા ન આપવું જોઇએ. કંઇક ઓછું થાય, કંઇક નબળું રહે, તો એમાં કંઇ ફેર પડવાનો નથી. એક બીજા કપલની વાત છે. એક કાર્યક્રમ માટે તેણે લાલ રંગની થીમ રાખી હતી. થયું એવું કે, જેને કાર્યક્રમનું કામ સોંપ્યું હતું એ લાલને બદલે પિંક થીમનું બધું લાવ્યો. પત્ની ગુસ્સે થઇ ગઇ. તમને કંઇ ભાન પડે છે કે નહીં?  એ મનમાં આવે એમ બોલતી હતી. આખરે પતિએ તેને કહ્યું કે, થઇ ગયું જે થવાનું હતું એ! હવે ચેન્જ થઇ શકે એમ નથી તો રેડને બદલે પિન્ક જ ભલે રહ્યું. તારા અને મારા સિવાય તો કોઇને ખબર નથી કે, થીમ ક્યા રંગનો હતો? બધા તો એમ જ માનવાના કે પિંક થીમ હશે. તારા મગજમાં રેડ કલર જામ થઇ ગયો છે. એને હટાવીને પિંક કરી દે પછી બધું સારું લાગશે. આપણે આપણા મનમાં જ એટલા બધા આગ્રહો અને પૂર્વાગ્રહો રાખીને બેસી જઇએ છીએ અને બધું આપણે ધાર્યું હોય એમ જ થાય એવું ઇચ્છીએ છીએ. આપણે ધાર્યું હોય એવું ક્યારેય થવાનું નથી.

આપણે માત્ર ખુશ રહેવા જ નથી ઇચ્છતા હોતા. આપણા લોકોને ખુશ કરવા અને ખુશ જોવા પણ ઇચ્છતા હોઇએ છીએ. આપણી વ્યક્તિ ખુશ રહે એ માટે સરપ્રાઇઝથી માંડીને જાતજાતના પ્લાનિંગો કરતા હોઇએ છીએ. ઘણી વખત એવું પણ બને છે કે, આપણે કૂચે મરી જઇએ પણ સામેવાળી વ્યક્તિને કંઇ જ ફેર ન પડે! આપણને એમ હોય કે, એ તો આ વાત જાણીને ઉછળી જ પડશે પણ થાય સાવ ઉલટું જ! એ ખુશ તો ન થાય ઉલટું ગુસ્સે થઇ જાય. એક છોકરીની આ વાત છે. તેણે તેના બોય ફ્રેન્ડના બર્થ ડે સેલિબ્રેશન માટે સરપ્રાઇઝ પાર્ટી રાખી હતી. બધાને ભેગા કર્યા. તેના બોય ફ્રેન્ડે કહ્યું કે, આ શું માંડ્યું છે? મને આવું બધું નથી ગમતું! પેલી છોકરી બહુ જ ડિસ્ટર્બ થઇ ગઇ. તેને થયું કે, મારી લાગણીઓની તેને કોઇ કદર નથી? મેં કેટલા દિલથી અને મહેનતથી બધું કર્યું હતું અને એણે આવી ખરાબ રીતે ઇનસલ્ટ કર્યું! આવું થતું હોય છે. તેની ફ્રેન્ડે કહ્યું કે, તેં તો સારી દાનતથી કર્યું હતુંને? તું તો એ ખુશ થાય એ માટે બધું કરતી હતી પણ એને જો ખુશ થવું જ ન હોય તો એને ભગવાન પણ ખુશ ન કરી શકે!

તમે ક્યારેય એ વિચાર કર્યો છે કે, તમે પોતે ખુશ છો કે નહીં? દિવસના ચોવીસ કલાકમાં એવી કેટલી ક્ષણો હોય છે જ્યારે તમે ખુશ હોવ છો? તમારે ખુશ રહેવું છે? તમારે સુખી થવું છે? તો તમારી જાત સાથે ખુશ અને સુખી રહેતા શીખો. ખુશી, આનંદ અને સુખ માટે પણ બીજા પર ડિપેન્ડન્ટ ન રહો. સુખ માટે સ્વાવલંબી થવું પડતું હોય છે. બીજાની બહુ ચિંતા ન કરો. તમારી જેને પડી છે એની કેર કરો. બધાને તો તમે ક્યારેય રાજી રાખી શકવાના નથી. આપણે બીજા માટે જેટલું કરીએ છીએ એટલું આપણા માટે કરીએ છીએ ખરા? બીજાને ટાઇમ આપો પણ થોડોક ટાઇમ પોતાના માટે પણ રાખો. જિંદગીની વાતો સાંભળીને કે વાંચીને આપણે જિંદગીના વિચારો કરીએ છીએ પણ જિંદગી જીવતા નથી. ખુશી નાની નાની વાતમાં આવે છે. સુખ એકદમ સુક્ષ્મ છે. એ તમારી અંદર જ છે. તેને શોધો. તમે ખુશ નહીં હોવ તો તમે બીજાને ક્યારેય ખુશી કરી શકવાના નથી. તમે જો તમારા માટે ખુશી અને શાંતિ શોધી ન શકતા હોવ તો માનજો કે તમે રસ્તો ભટકી ગયા છો. સુખ ક્યાંક પાછળ છૂટી ગયું છે. વેદના, પીડા, દર્દ, નારાજગી અને ઉદાસીને એટલી પેમ્પર ન કરો કે તે આપણામાં ઘર કરી જાય. જિંદગીમાં એ સમજ હોવી જરૂરી છે કે, શું હડસેલવાનું છે એને શું નજીક રાખવાનું છે? ચોઇસમાં જો થાપ ખાઇ ગયા તો ખુશી અને સુખનો ક્યારેય અહેસાસ નહીં થાય!

છેલ્લો સીન :

તમે કોઇને ગમે એટલો પ્રેમ કરતા હોવ, તેને ખુશ રાખવા માટે લાખ કોશિષ કરતા હોવ પણ જો એને ખુશ રહેતા ન આવડતું હોય તો તમારા કોઇ પ્રયાસો કામ લાગવાના નથી.    –કેયુ.

 (‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 24 એપ્રિલ 2022, રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

%d bloggers like this: