દરેક વાતમાં નસીબને દોષ દેવાનું બંધ કર! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

દરેક વાતમાં નસીબને

દોષ દેવાનું બંધ કર!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

પહલે ઇસ મેં ઇક અદા થી નાઝ થા અંદાઝ થા,

રુઠના અબ તો તેરી આદત મેં શામિલ હો ગયા.

-આગા શાઅર કજલબાશ

નસીબ, કિસ્મત, લક, મુક્કદર, ડેસ્ટીની જેવું ખરેખર કંઇ હોય છે ખરું? તમને કોઇ આવો સવાલ પૂછે તો તમારો જવાબ શું હોય? કંઇક તો હોતું હશે, બાકી કંઇ જિંદગીમાં ઘણું બધું અચાનક થોડું બનતું હોત! ક્યારેક ચારે તરફ અંધારું લાગતું હોય, ક્યાંય ધ્યાન પડતું ન હોય ત્યાં જ અચાનક કોઇ ઝબકારો થાય છે અને બધ્ધું જ ચોખ્ખુંચણાક લાગવા માંડે છે. દરેકની જિંદગીમાં એકાદ-બે એવી ઘટનાઓ બની જ હોય છે જે ચમત્કાર જેવી લાગે. જિંદગીમાં હવે બધું સરસ રીતે સેટ થઇ ગયું છે એવું લાગે ત્યાં જ કોઇ એવો બનાવ બને છે કે, ગાડી પાટા ઉપરથી ઉતરી જાય. જેને આખી જિંદગી ઝંખતા હોઇએ એ લાખ મહેનત કરવા છતાંયે ન મળે. મારા નસીબમાં જ નહીં હોય એવું વિચારીને ઇચ્છાને પડતી મૂકીએ અને એ જ ક્યારેય સામેથી આવીને મળી જાય! બુદ્ધિ બહેર મારી જાય એવી ઘટનાઓ જિંદગીમાં બનતી રહે છે. આપણને એવું થાય કે, યાર આવું તો મેં ક્યારેય વિચાર્યું જ નહોતું! જેની કલ્પના ન હોય એ સાકાર અને સાક્ષાત થઇ જાય ત્યારે એવું લાગે કે, નસીબ જેવું કંઇક તો હોય જ છે!
સફળતા-નિષ્ફળતા, સુખ-દુ:ખ, પ્રેમ-નફરત, દોસ્તી-દુશ્મનીને આપણે નસીબી કે કમનસીબી સાથે જોડીએ છીએ. નસીબ આપણને મોટા ભાગે ત્યારે જ યાદ આવે છે જ્યારે કંઇક ખોટું કે ખરાબ થતું હોય છે. જરાકેય આપણું ધાર્યું ન થાય કે તરત જ આપણે એવું બોલવા લાગીએ છીએ કે, મારા તો નસીબ જ ખરાબ છે. સારું થતું હોય ત્યારે આપણે ભાગ્યે જ એવો વિચાર કરીએ છીએ કે, મારા નસીબ સારા છે! સફળતા માટે આપણે આપણી મહેનતને જવાબદાર માનીએ છીએ અને નિષ્ફળતા માટે નસીબને કોસીએ છીએ! આપણે કેવા છીએ, આપણા નસીબને પણ આપણે કોઇની સાથે સરખામણી કરીને સારા કે નરસા આંકીએ છીએ! કોઇને સુખી જોઇને આપણે એવું વિચારીએ છીએ કે, નસીબ હોય તો એના જેવાં! એને તો જલસા જ છે! આપણા નસીબમાં જ વૈતરું લખ્યું છે. ગમે એ કરીએ તોયે માંડ માંડ બે છેડા ભેગા થાય છે! કોઇને ખૂબ જ દુ:ખી જોઇએ છીએ ત્યારે વળી આપણે એવો વિચાર કરીએ છીએ કે, ભગવાને આપણને કેવા સારા નસીબ આપ્યા છે, આપણી હાલત કેટલી સારી છે! તમે જરાક વિચાર કરી જુઓ કે, અત્યારે તમે જે કંઇ છો અને અત્યારે તમારી પાસે જ કંઇ છે એની તમે કલ્પના કરી હતી? એક યુવાન સંત પાસે ગયો. યુવાને સંતને સવાલ કર્યો કે, નસીબ જેવું કંઇ હોય છે? સંતે કહ્યું, નસીબ જેવું કંઇ છે કે નહીં એની તો મને નથી ખબર, પણ મહેનત જેવું હોય છે એ હું ખાત્રીપૂર્વક કહી શકું છું. બે ઘડી માની લો કે નસીબ જેવું કંઇક છે, તો પણ નસીબમાં શું લખ્યું છે એ તો આપણને ખબર જ નથી. નસીબમાં કંઇ છે કે નહીં એ પણ છેલ્લે તો આપણે મહેનત કરીને જ ચેક કરવું પડે છે. નસીબ હોય તો પણ એ હીરા જેવું છે. હીરાને તમારે શોધવો પડે છે. એને ઘસવો પડે છે. એને ચમક આપવી પડે છે. જમીનમાં દટાયેલા હીરાનું કોઇ મૂલ્ય નથી. હીરો બજારમાં આવે એ પહેલા એણે ઘણી પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. નસીબનું પણ એવું જ છે. નસીબને ચમકાવતા પહેલા તમારે ઘણી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. તમે કેવી રીતે પડકારોનો સામનો કરો છો, તેના પરથી જ તમારું નસીબ ખીલે અથવા તો મૂરઝાઇ છે. તમે જો એવું માનશો કે તમારું નસીબ સારું છે તો જ તમને તમારી જિંદગી સારી લાગવાની છે. ઘણા લોકો નસીબને દોષ દઇને જ બેઠા રહે છે.

એક યુવાનને સતત નિષ્ફળતા મળતી હતી. તેનો મિત્ર એને એવું કહેતો કે, તારા નસીબ જ ખરાબ છે. નિષ્ફળતાથી હતાશ થયા વિના એ યુવાન મહેનત કરતો જ રહેતો. તેના મિત્રએ કહ્યું કે, ક્યાં સુધી તું મહેનત કરવાનો છે? યુવાને હસીને જવાબ આપ્યો, જ્યાં સુધી મારા નસીબ સારા ન થાય ત્યાં સુધી. નસીબ ખરાબ નથી હોતું. હા, જિંદગીનો અમુક સમય ખરાબ હોય શકે છે. કોઇને પણ પૂછી જુઓ, એણે જિંદગીમાં ક્યારેક તો માઠા સમયનો સામનો કર્યો જ હશે. ખરાબ સમય માટે નસીબને દોષ આપવો વાજબી નથી. એક રાજા હતો. તે પોતાના પુત્રને રાજ સંભાળવા માટે તૈયાર કરતો હતો. પુત્રએ યુદ્ધની તાલીમ લીધી. બાપ-દીકરાને એવી ખબર પડી કે, પડોશી રાજા આક્રમણ કરવાની તૈયારી કરી રહ્યો છે. રાજાએ દીકરાને કહ્યું કે, યુદ્ધ માટે તૈયાર રહેજે! દીકરાએ સવાલ કર્યો. આપણા નસીબમાં શું હશે? રાજાએ કહ્યું કે, નસીબ કરતા તારા બાવડા પર વધુ ભરોસો રાખ. બીજી એક વાત, સારા નસીબ માટે આપણી પાસે તલવાર છે અને ખરાબ નસીબ માટે આપણી પાસે ઢાલ છે! જેટલો ભરોસો તલવાર ઉપર હોવો જોઇએ એટલી જ શ્રદ્ધા ઢાલ પર રાખવી જોઇએ. હું મારા પર થતા તમામ ઘા ઝીલી લઇશ. ઘા તો પડવાના જ છે. દુશ્મન કંઇ તમને જીતાડવા નથી આવવાનો, એ તો તમને હરાવવા જ આવવાનો છે. જીતવાનું આપણે છે. જિંદગી પણ યુદ્ધ જ છે. એમાં પણ તલવાર અને ઢાલ બંને તૈયાર રાખવાના હોય છે કારણ કે ઘા તો થવાના જ છે!

નસીબને એ લોકો જ દોષ દે છે જેને પોતાના નસીબ ઉપર ભરોસો નથી હોતો, જેને પોતાની મહેનત પર શ્રદ્ધા નથી હોતી અને કંઇક કરી છૂટવાની જેની દાનત નથી હોતી. ક્યાંય પહોંચવું હોય તો નસીબના ભરોસે બેસી રહેવાથી મેળ પડવાનો નથી, એના માટે ચાલવું પડે છે. તમને ખબર છે કે તમારા નસીબમાં શું લખ્યું છે? જે લખ્યું છે એ વાંચવા માટે તમે શું કર્યું? નસીબ મહેનતથી વાંચી શકાય છે અને વંચાવી શકાય છે. મહેનત સિવાય બીજો કોઇ વિકલ્પ જ નથી. ઘણા માણસો જિંદગી પાસેથી પણ ઘણી બધી અપેક્ષાઓ રાખતા હોય છે. આપણે મોટા ભાગે હોદ્દો, સંપત્તિ, ચીજ-વસ્તુઓ અને સાધનોને સારા નસીબનું નામ આપી દેતા હોઇએ છીએ. એક મધ્યમ વર્ગનો માણસ હતો. તેને પૂછયું કે, તું તારી જાતને કેવો માને છે? તેણે કહ્યું, હું ખૂબ નસીબદાર છું. મારા ઘરે ખૂબ જ પ્રેમાળ પત્ની છે. સુંદર મજાના બે બાળકો છે. અમારા બધાનું સરસ રીતે પૂરું થઇ જાય એટલી આવકવાળી નોકરી છે. મહેનત કરવા માટે ભગવાને મજબૂત હાથ-પગ અને સ્વસ્થ શરીર આપ્યું છે. ઔર જિને કો ક્યાં ચાહિએ? આપણે ક્યારેય વિચારીએ છીએ કે, જીવવા માટે આખરે જોઇએ છે શું અને કેટલું? થોડોક વિચાર કરશો તો તમને પોતાને થશે જ કે સરસ રીતે જીવાય એટલું તો મારી પાસે છે જ! બાકી ઇચ્છાઓનો તો કોઇ અંત જ નથી. તમારી પાસે જેટલું છે એને તમે જો સારી રીતે માણી શકતા હોવ તો તમે નસીબદાર છો, તમારી રાહ જોવાવાળું કોઇ હોય તો તમે નસીબદાર છો, તમને પ્રેમ કરવાવાળું કોઇ હોય તો તમે નસીબદાર છો, જિંદગીની દરેક ક્ષણને માણી શકતા હોવ તો તને નસીબદાર છો, તમને જો ખુશ રહેતા આવડતું હોય તો તમે નસીબદાર છો. કુંડળીના ગ્રહો કે હાથની રેખાઓ કરતા પોતાની જાત પર જેને વધુ ભરોસો છે એ જ પોતાના રસ્તો બનાવી શકે છે, એના પર ચાલી શકે છે અને મંઝિલે પહોંચી શકે છે. નાની મોટી મુશ્કેલીઓ માટે નસીબને દોષ ન આપો, એ પડકારોને ઝીલીને જિંદગી જીવી બતાવો. તમે જે કંઇ છો અને તમે જે કંઇ બનવાના છો એ છેલ્લે તો તમે તમારા વિશે શું માનો છો અને ત્યાં સુધી પહોંચવા માટે તમે કેવા પ્રયાસો કરો છો એના પર જ આધારિત રહેવાનું છે. જે પોતાના નસીબને દોષ દેતા ફરે છે એને પોતાનું નસીબ જ સારું નથી લાગતું. તમને પોતાને જ પોતાનું પ્રાઉડ નહીં હોય તો બીજા ક્યારેય તમારા માટે ગર્વ નહીં અનુભવે! તમે જે છો, જેવા છો, જ્યાં છો અને તમારી પાસે જેટલું પણ છે, એને તમે જો એન્જોય કરી શકતા હોવ તો તમારા જેવું નસીબદાર બીજું કોઇ નથી!

છેલ્લો સીન :

નસીબ આડેનું પાંદડુ જો ન હલતું હોય તો એટલી મહેનત કરો કે પાંદડાને હટવું જ પડે. જે નસીબ વિશે માત્ર વિચારો જ કરતા રહે છે એનું નસીબ ક્યારેય બદલતું નથી!   -કેયુ.

 (‘સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 06 ફેબ્રુઆરી 2022, રવિવાર. ‘ચિંતનની પળે’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

One thought on “દરેક વાતમાં નસીબને દોષ દેવાનું બંધ કર! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

Leave a Reply

%d bloggers like this: