FUTURE FAKING
સાવધાન! : આવા લોકોની
પ્રેમજાળમાં ફસાતા નહીં

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ
——–
કેટલાંક પ્રેમીઓ એવા હોય છે જે મોટી મોટી વાતો
કરે છે અને ખોટા વચનો આપતા રહે છે.
આવી રિલેશનશીપમાં છેલ્લે પસ્તાવાનો જ વારો આવે છે.
આવા પ્રેમીઓ છેતરવામાં પાવરધા હોય છે
———–
પ્રેમ અલૌકિક ચીજ છે. પ્રેમમાં હોય ત્યારે માણસને એવું લાગે છે કે, સ્વર્ગ હાથવેંતમાં છે. અચાનક જ કોઇ ગમવા લાગે છે અને થોડા જ સમયમાં આખી દુનિયા બદલાઇ જાય છે. એક જ વ્યક્તિ ફરતે આપણું આયખું કેન્દ્રીત થઇ જાય છે. એના જ વિચારો અને એનો જ અહેસાસ. ક્યાંય પણ હોઇએ ત્યારે એવો જ વિચાર આવે કે, એ અહીં હોય તો કેટલું સારું. એ સાથે હોય ત્યારે સમયને પાંખો લાગી જાય છે. પ્રેમમાં હોય ત્યારે માણસ સોળે કળાએ જીવતો હોય છે. પ્રેમ વિશે પહેલેથી એવું કહેવાતું આવ્યું છે કે, પ્રેમ આંધળો છે. પ્રેમ નાત, જાત, અમીરી, ગરીબી, હોદ્દો કે સ્થાન કંઇ જોતો નથી. પ્રેમ તો બસ થઇ જતો હોય છે. બધી વાત સાચી પણ આંખો મીંચીને કરાતો પ્રેમ ક્યારેક આંખો પહોળી થઇ જાય એવી પરિસ્થિતિ પેદા કરતો હોય છે. પ્રેમમાં એ પણ જરૂરી છે કે, આપણે કોઇના પર ભરોસો મૂકતા પહેલા થોડોક વિચાર કરીએ. આપણે માટલું લેવા જઇએ ત્યારે પણ ટકોરા મારીને તપાસ કરીએ છીએ કે, બોદું નથી બોલતુંને? પ્રેમ અને લગ્ન તો આખી જિંદગીનો સવાલ છે. રિલેશનશીપની દુનિયામાં અત્યારે સૌથી વધુ ચર્ચા ફ્યૂચર ફેકિંગની છે. સંબંધોમાં આજકાલ આવું વધુ પડતું જોવા મળતું હોવાથી નિષ્ણાતો યંગસ્ટર્સને સાવધાન કરી રહ્યા છે. ધ્યાન રાખજો, આવા લોકોની વાતોમાં આવી ન જતા. ભૂલેચૂકેય સંબંધો બાંધી લેશો તો પસ્તાવાનો વારો આવશે.
ફ્યૂચર ફેકિંગ શબ્દ પરથી જ એ વાત સમજાય છે કે, એમાં એક તો ફ્યૂચર એટલે કે ભવિષ્યની વાત છે અને બીજી વાત ફેક એટલે કે ખોટાની છે. કેટલાંક લોકો એવા હોય છે જે ફ્યૂચર વિશે ફાંકા મારવામાં પાવરધા હોય છે. એવા લોકો અંજાઇ જવાય એવી વાતો કરે છે. તું જોજેને, આપણી પાસે મસ્ત મજાનો બંગલો હશે. ઊંચી બ્રાંડની કાર હશે. આપણે મસ્ત જિંદગી જીવીશું. માત્ર સાધન સુવિધાની જ નહીં આ પ્રકારના લોકો પરફેક્ટ ફેમિલીની વાતો પણ કરે છે. તું, હું અને આપણું બાળક, બીજું શું જોઇએ. બાકી જે જોશે એ થઇ જશે. ફ્યૂચર ફેકિંગનો સૌથી મોટો ઇશ્યૂ એ છે કે, જ્યારે આપણી વ્યક્તિ આવી વાતો કરે ત્યારે આપણને એવું લાગે છે કે, મને જિંદગી માટે રાઇટ પાર્ટનર મળી ગયો છે. બસ મારે હવે આની સાથે જ જિંદગી જીવવી છે. જ્યારે હકીકતનું ભાન થાય છે ત્યારે એવું થાય છે કે, મેં આને પસંદ કરીને સૌથી મોટી ભૂલ કરી.
કેટલાંક કિસ્સામાં આવી વાતો કરનારા લોકો મેરેજની વાત આવે ત્યારે ફસકી જાય છે. કોઇ જવાબદારી સ્વીકારવાની એની તૈયારી જ નથી હોતી. એણે જે વાતો કરી હોય છે એને વાસ્તવિકતા સાથે કંઇ લેવાદેવા હોતા નથી. રિલેશનશીપ એક્સપર્ટસ કહે છે કે, સાદી ભાષામાં કહીએ તો આવા લોકો શીશામાં ઉતારવાનો જ પ્રયાસ કરતા હોય છે. તેની જાળમાં આવી જાય તો એ પોતાની વ્યક્તિનો ઉપયોગ કરતા રહે છે. એમાંયે એને જો એવી છોકરી મળી ગઇ જે સારી જોબ કરતી હોય, સારું કમાતી હોય અને ઘર ચલાવવા શક્તિશાળી હોય તો એને મજા પડી જાય છે. એ વાતો કરતા રહે છે અને સમય પસાર કરતા રહે છે. આપણી આસપાસ એવા ઘણા કપલ્સ હોય છે જેમાં ઘરની મોટાભાગની જવાબદારી સ્ત્રી જ સંભાળતી હોય છે. પતિ મહાશય નામ પૂરતું કામ કરતા હોય છે. પત્નીને ભ્રમમાં રાખતા રહે છે. પત્નીના વખાણ પણ કરતા રહે છે. અંદરખાને એને ખબર હોય છે કે, આપણું એના થકી જ ચાલે છે. કેટલીક પત્નીઓ પણ આવા પતિઓને ચલાવી લે છે. શાંતિથી તો રહે છે, ઝઘડા તો નથી કરતો, એવું વિચારીને ગાડું ગબડાવતી રહે છે. સવાલ એ કામ કરતો નથી કે ઊંચી ઊંચી વાતો કરે છે એનો નથી, પ્રશ્ન એની દાનતનો હોય છે. એક રીતે જોઇએ તો એ વાતો કરીને છેતરતો જ હોય છે.
રિલેશનશીપ એક્સપર્ટસ કહે છે કે, ફ્યૂચર ફેકિંગ કરનારા સમયની સાથે પોતાના પ્લાન બદલી નાખે છે. મને એવું લાગે છે કે આપણા માટે આ કરતા પેલું બહેતર રહેશે. પ્લાન બદલવાનું સાચું કારણ એ હોય છે કે, એની પાસે પોતાને જે કરવું છે એના કોઇ સ્પષ્ટ વિચારો જ નથી હોતા. એવું પણ નથી કે, સારી વાત કરનાર બધા માત્ર કહેવા ખાતર જ બધું કહેતા હોય છે. કેટલાંક લોકો જેન્યુઅન પણ હોય છે. માણસ સાચો છે કે ખોટો, એની થોડીક તપાસ કરવી જોઇએ. એ મોટી વાત કરે ત્યારે તેને સવાલ કરવો જોઇએ કે, તું જરા મને સમજાવ કે એ તું કેવી રીતે કરીશ? એના માટે તારી પાસે પ્લાન ઓફ એક્શન શું છે? એ જે જવાબ આપે એના પર પણ વિચાર કરવો પડે છે કે, એ જે કહે છે એ થઇ શકે એમ છે કે નહીં? જરાકેય ગોફેલ રહીએ તો ઇમોશનલ ફૂલ બનવાનો વારો આવે છે.
ફ્યૂચર ફેકિંગ અને ફ્યૂચર પ્લાનિંગમાં બહુ મોટો ફર્ક છે. ફ્યૂચર ફેકિંગ માત્ર શબ્દોથી થાય છે. કલ્પનાના ઘોડા દોડાવાય છે. ફ્યૂચર પ્લાનિંગમાં પોતાની વ્યક્તિને વિશ્વાસમાં લેવામાં આવે છે, સાથે રાખવામાં આવે છે અને જરૂર પડ્યે મદદ પણ માંગવામાં આવે છે. ફ્યૂચર ફેકિંગની સાયકોલોજી વિશેનો અભ્યાસ એવું પણ કહે છે કે, એ લોકો બદમાશ નથી હોતા પણ ઇનસિક્યોર હોય છે. એને ડર લાગતો હોય છે કે, ક્યાંક હું જેને પ્રેમ કરું છું એને ગુમાવી ન દઉં. એ બીજું કંઇ કરીને પોતાની વ્યક્તિને ઇમ્પ્રેસ કરી શકતા નથી એટલે મોટી મોટી વાતો કરીને ઇમ્પ્રેસ કરવાના પ્રયાસ કરે છે. એને એ ખબર નથી હોતી કે, એક દિવસ મારો ફૂગ્ગો ફૂટી જવાનો છે. કંઇ નહીં થાય ત્યારે મારી વ્યક્તિ સમજી જશે કે, આનામાં ખાસ કંઇ દમ નથી. ફ્યૂચર ફેકિંગ જ્યારે બહાર આવી જાય છે ત્યારે સંબંધો તૂટે છે. આવા સંબંધો તૂટે ત્યારે તેનો આઘાત પણ મોટો હોય છે. આ માણસે મારી સાથે આવું કર્યું? સાવ ખોટી વાતો કરીને મને ભોળવી?
કેટલાંક કિસ્સામાં સમય જતા એવી ખબર પણ પડી જાય છે કે, આ વ્યક્તિ ખાલી મોટી મોટી વાતો કરે છે. માણસ ઓળખાય જાય એ પછી તેનાથી ધીમે ધીમે ડિસ્ટન્સ લાવવું જરૂરી બને છે. દર વખતે દિલથી કામ લેવાતું નથી. ક્યારેક દિમાગનો પણ ઉપયોગ કરવો પડે છે. શંકા જાય ત્યારે સવાલ કરતા પણ અચકાવું ન જોઇએ. તું વાતો કરે છે પણ એ બધું કેવી રીતે થશે એ મને સમજાવ. જે સાચી વ્યક્તિ હશે એ બહુ વાતો નહીં કરે, એને જે કરવું હશે એ કરીને બતાવશે. એ એવું વિચારે છે કે, થશે ત્યારે કહીશ. પહેલાથી કહીશ અને જો એ નહીં થઇ શકે તો મારી ઇમેજ ડાઉન થશે. એના કરતા બધું પૂરું થાય ત્યારે જ વાત કરીશ. એ પરફેક્ટ પ્લાનિંગ કરશે, જ્યારે પોતાને ખાત્રી થશે ત્યારે જ એ વાત કરશે કે તારા માટે હું આવું કરવાનો છું.
સવાલ એ પણ છે કે, શું માત્ર છોકરાઓ જ આવું કરે છે? ના, એવું બિલકુલ નથી. છોકરીઓ પણ આવું કરી શકે છે. એ પણ પોતાના પ્રેમને જાળવી રાખવા માટે મોટી વાતો કરી શકે છે. પ્રેમમાં હોઇએ અને પાર્ટનર જ્યારે મીઠી મીઠી વાતો કરે છે ત્યારે શરીરમાં ડોપામાઇનનો સ્ત્રાવ થાય છે. બધું સાચું અને સારું લાગે છે. સપનાની દુનિયામાં વિહરતા હોય એવું લાગે છે. કેટલાંક લોકો પ્રેમમાં થાપ ખાઇ જાય છે એનું કારણ એ જ હોય છે કે, તેને પોતાનો પ્રેમી કે પ્રેમિકા જ સાચા લાગે છે. જે કોઇ વિરોધ કરે કે સવાલ ઉઠાવે એ વિલન લાગે છે. પ્રેમને પણ ચકાસવો પડતો હોય છે. એનું કારણ એ છે કે, ઘણી વખત ભૂલ સમજાય ત્યારે બહુ મોડું થઇ ગયું હોય છે. પ્રેમમાં મૂરખ બનવાના પરિણામો ઘણી વખત આખી જિંદગી ભોગવવા પડતા હોય છે, એટલે જ આવા સંબંધોમાં સાવધાન રહેવાની સલાહ આપવામાં આવે છે.
————
પેશ-એ-ખિદમત
ફરિશ્તોં સે ભી અચ્છા મૈં બુરા હોને સે પહલે થા,
વો મુઝ સે ઇંતિહાઇ ખુશ ખફા હોને સે પહલે થા,
કિયા કરતે થે બાતેં જિંદગીભર સાથે દેને કી,
મગર યે હૌસલા હમ મેં જુદા હોને સે પહલે થા.
-અનવર શઉર
(`સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 25 ફેબ્રુઆરી 2026, બુધવાર, `દૂરબીન’ કૉલમ)
kkantu@gmail.com
