શેમાં મજા આવે છે એ પણ
ચેક કરતા રહેવું જોઈએ

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
બધે કાચની ભીંત, પથ્થરનાં ઘર છે,
અહીં ભીડ ઝાઝી ને સૂનું નગર છે,
હું વાંચ્યા વગર સાર પામી ગયો છું,
ભલેને ઉપરથી બીડેલું કવર છે.
– ડો. રશિદ મીર
જિંદગી એવી રીતે જીવવી જોઈએ કે, જીવવાની મજા આવે. દરેક માણસે થોડીવાર શાંતિથી બેસીને એ વિચારવું જોઇએ કે, મને જિંદગી જીવવાની મજા આવે છે કે નહીં? કામ, ચિંતા, ઉપાધિ, મુશ્કેલી, સમસ્યા, પડકારો અને સંકટ તો આવતાં જ રહેવાનાં છે, એ બધાંની વચ્ચે આપણે મજા શોધવી પડે છે. બધાને મજા કરવી હોય છે. આપણે બધા મજા કરવા માટે કેટલું બધું કરતા હોઇએ છીએ. ફરવા જવાનું પ્લાનિંગ કરીએ છીએ. એવું વિચારીએ છીએ કે, આ વખતની ટૂરમાં તો ફુલ-ટુ મજા કરવી છે. રવિવાર અને બીજી રજાઓમાં પણ મજા કરવાના રસ્તાઓ આપણે શોધતા રહીએ છીએ. મજા કરવી જ જોઇએ. મજા ન કરીએ તો લાઇફ બોરિંગ થઇ જાય છે. જિંદગી કંઇ ઢસરડા કરવા માટે નથી. મજા કરવી અને ખુશ રહેવું એ જિંદગીનું ધ્યેય હોવું જોઇએ. અલબત્ત, આપણને મજા શેમાં આવે છે એ પણ ચેક કરતા રહેવું જોઇએ. જો મજાને સમજીએ નહીં તો સજા ભોગવવાનો વારો આવે છે. તમને કોઇ પૂછે કે, તમને શેમાં મજા આવે છે તો તમે શું જવાબ આપો? દરેકની મજા કરવાની રીતો જુદી જુદી હોય છે. કોઇને પડ્યા રહેવું ગમે છે, કોઇને મોબાઇલ અને વેબસીરિઝ જોવામાં મજા આવે છે, કોઇને વાંચવામાં આનંદ આવે છે, કોઇ પ્રકૃતિના સૌંદર્યને માણીને મજા કરે છે. કેટલાક લોકો પાર્ટી પીપલ હોય છે. એને પાર્ટી કરવામાં જ મોજ પડે છે. પાર્ટી કલ્ચર સતત ડેવલપ થઇ રહ્યું છે. કેટલાક લોકો માટે તો પાર્ટી અને મજા એકબીજાના પર્યાય બની ગયા હોય છે. પાર્ટી વગર એને મજા જ નથી આવતી. પાર્ટી કરવામાં કશું ખોટું નથી, પણ પાર્ટી શેની છે અને પાર્ટીમાં શું થાય છે એ જોવું પડે છે.
એક યુવાનની આ વાત છે. એ જોબ કરવા માટે એક શહેરમાં ગયો. એ પીજીમાં રહેતો હતો. પીજીમાં જે બીજા યુવાનો રહેતા હતા એ સન્ડે કે હોલિડેના કોઇ ને કોઇ પાર્ટી રાખે. એ યુવાનને પણ કહ્યું કે, પાર્ટીમાં આવજે, આપણે એન્જોય કરીશું. એક વખત એ પાર્ટીમાં ગયો. બીજા યુવાનો ત્યાં ખાણી-પીણીની મજા માણતા હતા. એ યુવાન ડ્રિંક કે સ્મોક કરતો નહોતો. બીજા યુવાનોએ તેને ટેસ્ટ કરવા કહ્યું પણ એણે ના પાડી. એ ગ્રૂપનો એક સિદ્ધાંત હતો કે, કોઇને કશું કરવા માટે વધુ પડતો આગ્રહ કે દબાણ ન કરવું. યુવાને પાર્ટીમાં સોફ્ટ ડ્રિંક સાથે ડિનર કર્યું. પાર્ટી પૂરી થઇ. થોડા દિવસ બાદ ફરીથી પાર્ટીનું પ્લાનિંગ થયું. એ યુવાનને પાછો ઇન્વાઇટ કર્યો. એ વખતે યુવાને સલુકાઇથી કહ્યું કે, મને માફ કરો. એક મિત્રએ કહ્યું, તું ચિંતા ન કર. કંઇ નથી થવાનું. એ યુવાને કહ્યું, બીજી કોઇ ચિંતા નથી, સાચી વાત એ છે કે, મને મજા નથી આવતી. હું મારી જાતને એ પાર્ટી માટે અનફિટ સમજું છું. પ્લીઝ, તમે એન્જોય કરજો. દરેકની મજાની વ્યાખ્યા જુદી હોય છે. મજા કરવાની રીત પણ જુદી જ હોવાની છે. એકને જેમાં મજા આવે એમાં બીજાને મજા ન પણ આવે.
કેટલાક લોકોને પરપીડનમાં મજા આવતી હોય છે. સેડેસ્ટિક પ્લેઝર ઘણી વખત જોખમી સાબિત થાય છે. એક યુવાનની આ સાવ સાચી વાત છે. કેટલાક લોકો તેને ગમતા ન હતા. સોશિયલ મીડિયા પર ખોટું આઇડી બનાવીને એ તેમના વિશે એલફેલ લખતો હતો. બીજા લોકોએ કંઇ પોસ્ટ અપલોડ કરી હોય તો એની કમેન્ટ્સમાં ગમે તે લખતો હતો. એક વખત તેના મિત્રએ તેને કહ્યું કે, તું આ બધું બંધ કર. કોઇક દિવસ ફસાઇ જઇશ. માન કે તું ક્યારેય હાથમાં ન આવે તો પણ તું જે કરી રહ્યો છે એ સારી વાત નથી. તારી આ મજા વિકૃત છે. વિકૃતિ બીજાને તો પરેશાન કરતી કરશે, આપણું મગજ પણ બગાડે છે. કેટલાયે કિસ્સા એવા છે જેમાં માણસ ફસાય ત્યારે તેને થાય છે કે, આવું ન કર્યું હોત તો સારું હતું. આવી સમજ પડે ત્યારે ઘણી વખત બહુ મોડું થઇ ગયું હોય છે. કેટલીક ભૂલો માફ નથી થતી. એ ભૂલો ભોગવવી જ પડે છે.
સહજ અને સાત્ત્વિક મજા જ સરવાળે શાંતિ અને હળવાશ આપતી હોય છે. કેટલીક વખત આપણને પોતાને જ એમ થાય છે કે, બહુ મજા આવી. જિંદગીમાં મજા, આનંદ અને ખુશી જરૂરી છે. ધ્યાન એટલું જ રાખવાનું કે એ ક્યા રસ્તે આવે છે. મજા માટે આપણે કંઇ ખોટું તો નથી કરતાને? મજા આપણા મન કે શરીરને નુકસાન પહોંચાડે એવી ન હોવી જોઇએ. ઘણી વખત આપણે કંઇ કરીએ ત્યારે આપણને ખબર જ હોય છે કે, હું આ સારું નથી કરતો કે નથી કરતી. આપણને સમજ હોવા છતાં આપણે એ છોડતા નથી. માણસનું મન એવું છે જે કેટલીક બાબતોમાં લલચાઇ જાય છે. કેટલીક મજા સામે સમય વર્તે સાવધાન થવું પડે છે. અત્યારના સમયમાં એક તો માણસને મજા કરવાનો અને રિલેક્સ થવાનો સમય ઓછા મળે છે. જે મળે છે એ સમયનો આપણે કેટલો સદ્ઉપયોગ કરીએ છીએ એ સૌથી વધુ મહત્ત્વનું છે.
હવેના હાઇટેક સમયમાં મજામાં પણ દેખાદેખી થવા લાગી છે. સોશિયલ મીડિયાના કારણે મજાને પણ ગ્લોરીફાય કરવામાં આવી રહી છે. લોકો મજા કરતા હોય એવા ફોટા અપલોડ કરે છે. એ જોઇને બીજાને પણ એવું થાય છે કે, મારે પણ આવું જ કરવું છે. કોણ કેવી રીતે મજા કરે છે એમાં પડવા જેવું હોતું નથી. આપણને શેમાં મજા આવે છે એનો જ વિચાર કરવાનો હોય છે. એક છોકરી હિલસ્ટેશન પર ફરવા ગઇ હતી. તેણે સોશિયલ મીડિયા પર ત્યાંના ફોટા મૂક્યા. એ ફોટા વિશે તેણે પોતે જ કહ્યું કે, કેટલો સરસ ફોટો છે. ફોટો મસ્ત છે પણ આ ફોટાની હકીકત એ છે કે, અમે જ્યારે ત્યાં હતા ત્યારે હેરાન પરેશાન થઇ ગયા હતા. ફોટો ભલે સારો આવ્યો હોય, પણ સાચી વાત એ છે કે, એ ટૂરમાં અમને જરાયે મજા આવી ન હતી. છેલ્લે તેણે એટલું જ કહ્યું કે, જે જુઓ એ સાચું માની ન લો. તમારી મજા તમે શોધો.
મજા માટે મન જોઇએ. ફેસિલિટી કે બીજું કંઇ ઓછું હોય કે ન હોય એનાથી કંઇ ફેર પડતો નથી. છોકરા અને છોકરીઓનું એક ગ્રૂપ હતું. બધાંએ ટૂર પર જવાનું નક્કી કર્યું. મિનિ બસ ભાડે કરીને બધાં ફરવા નીકળ્યાં. હાઇવે પર મિનિ બસ બગડી ગઇ. આગળ જઇ શકાય એમ નહોતું. ટ્રાવેલર્સે કહ્યું કે, બીજી બસ મોકલું છું પણ તમે જ્યાં છો ત્યાં પહોંચતા ચાર-પાંચ કલાક લાગશે. બધાનો મૂડ ખરાબ થઇ ગયો. ટૂર શરૂ થઇ ત્યાં જ હેરાન થઇ ગયા. ગ્રૂપમાંથી એક છોકરી રોડ નજીકના ખેતરે ગઇ. એક કપલ ત્યાં કામ કરતું હતું. સ્ત્રી રસોઇ બનાવતી હતી. એ છોકરી પોતાના ઘરેથી જમવાનું લઇને આવી હતી. તેણે પેલી સ્ત્રીને કહ્યું, આપણે એક કામ કરી શકીએ? તમારું ખાવાનું મને આપો અને મારું ખાવાનું તમે જમો. પેલી સ્ત્રીએ હા પાડી. એ સ્ત્રીએ જમીને કહ્યું કે, બહુ મસ્ત છે. એ વાત સાંભળીને છોકરીએ કહ્યું, મેં તો આટલો સ્વાદિષ્ઠ રોટલો, શાક અને દાળ ક્યારેય ખાધાં જ નથી. ખેતરના કૂવામાંથી મશીન દ્વારા ખેંચાતા પાણીના ધોરિયામાં એ નહાઈ. તેના ફ્રેન્ડ્સ બોલાવવા આવ્યા કે, ચાલ બસ આવી ગઇ છે ત્યાં સુધી એણે મજા કરી. એણે કહ્યું કે, ટ્રિપની શરૂઆત જ શાનદાર રહી. કેટલીક વખત મજા આપણી આસપાસ જ હોય છે, પણ આપણે મજાને શોધવા ફાંફાં મારતા હોઇએ છીએ. મજા તો દરેક સ્થિતિ અને સંજોગોમાં લઇ શકાય. એક યુવાન હતો. તેને પોતાના શ્રેષ્ઠ કામ બદલ એવોર્ડ મળ્યો. એવોર્ડ સમારોહમાં તેને પૂછવામાં આવ્યું કે, તમારી સફળતાનું કારણ શું છે? એ છોકરાએ કહ્યું, બહુ સિમ્પલ કારણ છે. હું જે કંઇ કરું એ મજાથી કરું છું. કામને પણ એન્જોય કરું છું. આપણે ઘણી વખત મનથી જ નક્કી કરી લેતા હોઇએ છીએ કે, આમાં મજા આવે અને આમાં મજા ન આવે. કામને આપણે પહેલેથી ટેન્શન અને ઉપાધિ સાથે જોડી દીધું છે. મને આરામમાં જેટલી મજા આવે છે એટલો જ આનંદ કામમાં આવે છે. કામમાં આનંદ આવવાનો સૌથી મોટો ફાયદો એ છે કે, એનાથી કામનો કંટાળો નથી આવતો. જેને કામમાં મજા આવે છે એને કામનો થાક નથી લાગતો. હું બધું જ એન્જોય કરું છું. જિંદગીને અલગ અલગ ઝોનમાં ન ફાળવો. જિંદગીને એકધારી જીવો. મજામાં રહેવું આપણા હાથની વાત છે. એ માણસ જ બીજાને મજામાં રાખી શકે છે જેને પોતાને મજામાં રહેતા આવડે છે. જે પોતે મજામાં ન રહેતો હોય એ બીજાને શું ખાક મજામાં રાખવાનો છે? મજા પણ માણસની ઓળખ બને છે. કેટલાક લોકો વિશે આપણે જ કહેતા હોઇએ છીએ કે, એ દરેક પરિસ્થિતિમાં મજામાં હોય છે, ખુશ હોય છે. ખુશ રહેવું એ ખૂબી છે. ખુશ રહી શકે છે એ જ જિંદગીને પૂરેપૂરી માણી શકે છે. સાત્ત્વિક મજામાં જ જિંદગીની સાર્થકતા છે.
છેલ્લો સીન :
સાત્ત્વિકતાનું સૌથી મોટું સુખ એ છે કે, એ ફાયદો કદાચ ન કરે, પણ નુકસાન તો નહીં જ કરે. જે સાત્ત્વિક નથી એ સત્યાનાશ તરફ જ દોરી જાય છે. – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા.01 માર્ચ 2026, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
