જિંદગીમાં જે કંઈ બને છે
એનો કંઈક મતલબ હોય છે!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
એકદમ અંધારપટની વાત માંડીને કરું,
ને પછી ધીરેથી તારા નામનો દીવો ધરું,
કેટલાં ખાબોચિયાંમાં દર વખત ડૂબ્યા પછી,
એમ કે પહોંચી જવાશે, લાવને દરિયો તરું
-ગુંજન ગાંધી
જિંદગી એક રીતે જોઇએ તો રોજે રોજ બનતી ઘટનાઓનો સરવાળો છે. રોજ આપણી લાઇફમાં કંઇક ને કંઇક બનતું રહે છે. કેટલુંક યાદગાર હોય છે અને કેટલુંક ભૂલી જવા જેવું હોય છે. ભૂલી જવા જેવું હોય એ પણ આખરે તો એક ઘટના જ છે. આપણે ઘટનાઓ, બનાવો, પ્રસંગો અને અવસરોને લેબલ લગાવતા હોઇએ છીએ. આ સારો બનાવ અને આ ખરાબ બનાવ, આ બેસ્ટ અને આ વર્સ્ટ, આ ગૂડ અને આ બેડ. ભલે કોઇ ઘટના ખરાબ હોય, એનો પણ કંઇક મતલબ હોય છે. એક યુવાન હતો. એને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો. બેકાર બની ગયા પછી તેણે નોકરીની શોધ માટે ખૂબ દોડધામ કરી. એક તબક્કે તો એ જે મળે એ નોકરી કરી લેવા તૈયાર હતો. તેને કોઇ નોકરી જ ન મળી. એ હતાશ થઇ ગયો. આ યુવાન એક સાધુ પાસે ગયો. સાધુને બધી વાત કરી. સાધુએ કહ્યું કે, કંઇક સારું થવાનું હશે. યુવાન ઉશ્કેરાઇ ગયો અને કહ્યું, આમાં શું સારું થવાનું હશે? મારામાં કાબેલિયત હોવા છતાં મને કામ મળતું નથી. ખાવાનાં ફાંફાં પડવાં લાગ્યાં છે. સાધુએ કહ્યું, જિંદગીમાં જે કંઈ બને છે એનો કંઇક મતલબ હોય છે. અમસ્તુ કંઇ જ નથી થતું. કુદરતની પણ કંઇક યોજનાઓ હોય છે. યુવાનને સાધુના જવાબથી સંતોષ ન થયો. એ ચાલ્યો ગયો. છ મહિના પછી એ પાછો સાધુ પાસે આવ્યો. સાધુને કહ્યું, તમે સાચું કહેતાં હતા. જે કંઇ બને છે એનો કોઈ અર્થ હોય છે. એ યુવાને પોતાની સાથે શું થયું હતું તેની વાત કરી. ક્યાંય નોકરી મળતી નહોતી એટલે તેણે નાસ્તાની એક લારી શરૂ કરી. એક ચોકમાં નાના પાયે કામ શરૂ કર્યું હતું. થોડા જ દિવસોમાં તો લારી પર લાઇનો લાગવા માંડી. લારી બંધ કરીને દુકાન શરૂ કરી દીધી. હવે તો બીજી શાખા ખોલવાની પણ તૈયારીઓ કરી રહ્યો છું. યુવાને કહ્યું, નોકરીમાંથી કાઢી મૂક્યો ન હોત અથવા તો નોકરીમાંથી કાઢી મૂક્યા બાદ બીજી નોકરી મળી ગઇ હોત તો હું આ કરી જ શક્યો ન હોત!
જિંદગીમાં ક્યારેક કોઇ ન ગમે એવી કે ન સહન થાય એવી ઘટના બને તો ફફડી જવું નહીં, એની પાછળ પણ કુદરતની કોઇ ગણતરીઓ હશે. આપણે વડીલો પાસેથી એવું સાંભળતા આવ્યા છીએ કે, જે થાય એ સારા માટે. ખરાબ પણ સારા માટે થતું હોય એવું બની શકે છે. જિંદગી ક્યારેક આપણી ક્ષમતા અને આપણી તાકાત પણ માપતી હોય છે. આપણે તૂટી જઇએ છીએ કે ટકી જઇએ છીએ એ પણ જિંદગી અજમાવતી હોય છે. જિંદગીમાં ક્યારેક તો ઠોકર વાગવાની જ છે, ક્યારેક તો નિષ્ફળતા મળવાની જ છે. ક્યારેક તો ગણતરીઓ ખોટી પડવાની જ છે. બધું જો આપણી ઇચ્છા મુજબનું જ થાય તો પછી જિંદગીની મજા જ શું છે? જિંદગી બાજી ઉથલાવી નાખે છે અને પછી કહે છે કે, લે, હવે નવેસરથી બાજી ગોઠવ. કુદરત કદાચ એવું ઇચ્છતી હશે કે, નવેસરથી ગોઠવાયેલી બાજી અગાઉ ગોઠવેલી બાજી કરતાં વધુ સુંદર બને!
સંબંધોમાં પણ ઘણી વખત આપણને ન ગમે એવું થતું હોય છે. એમાં પણ કુદરતનો કોઇ ઈશારો હોય છે. એક છોકરીની આ સાવ સાચી વાત છે. એને એક છોકરા સાથે પ્રેમ થયો. પોતાના પ્રેમી માટે એ કંઈ પણ કરવા તૈયાર હતી. તેનો પ્રેમી ક્યારેક સરખી રીતે રહે તો ક્યારેક વાયડાઈ પર ઊતરી આવે. છોકરીએ કહ્યું કે, તું જે વર્તન કરે છે એ યોગ્ય નથી. બંને વચ્ચે ઝઘડો થયો અને બ્રેકઅપ થઇ ગયું. છોકરીને બહુ આઘાત લાગ્યો. જે થયું એ એનાથી સહન થતું નહોતું. એ વિચારતી હતી કે, મેં તો ખરા દિલથી પ્રેમ કર્યો હતો તો પણ મારી સાથે આવું કેમ થયું? મારો શું વાંક હતો? થોડો સમય ગયો. એક દિવસ તેને ખબર પડી કે, તે જેને પ્રેમ કરતી હતી એ છોકરાની પોલીસે ધરપકડ કરી છે. એ લોકો સાથે સાઇબર ફ્રોડ કરતો હતો. આ વાત ખબર પડી ત્યારે છોકરીને થયું કે, સારું થયું કે એની સાથે બ્રેકઅપ થઇ ગયું. મને તો કલ્પના પણ નહોતી કે, આ માણસ આવું પણ કરી શકે છે! હું ખોટો મારાં નસીબને દોષ દેતી હતી.
કંઈક ખરાબ બને ત્યારે ઉતાવળા કે અધીરા ન બની જાવ. જિંદગીને પણ ઘણી વખત સેટલ થવા માટે સમય આપવો પડતો હોય છે. અંધકાર હોય કે ઉજાસ, કંઇ પણ કાયમી હોતું નથી. રાત ગમે એટલી અંધારી હોય, સવાર પડવાની જ છે. ઓટ ગમે એટલી આવે, ભરતી આવવાની જ છે. પાનખર પછી જ વસંત આવે છે. પ્રકૃતિનો દરેક અંશ એ જ મેસેજ આપે છે કે, નિર્માણ અને નિર્વાણ ચાલતા રહેવાના છે. જિંદગીમાં ઘણી વખત એવો સમય પણ આવે છે જ્યારે સમયને સાચવી લેવાનો હોય છે. જ્યારે બધું જ વિપરીત ચાલતું હોય, જ્યારે ધાર્યું કંઇ જ ન થતું હોય, ત્યારે શાંત થઇ જાવ. મોટા ભાગે માણસ રિએક્ટ કરવા લાગે છે. બહાવરો થઇ જાય છે. સંબંધમાં જ્યારે ન ગમે એવું કંઇક બને ત્યારે ઝઘડા પર ઊતરી આવે છે. એક છોકરીની આ વાત છે. એક વખત તેના એક ફ્રેન્ડે તેની સાથે મિસબિહેવ કર્યું. એ છોકરી કંઇ જ ન બોલી. તેની ફ્રેન્ડે તેને કહ્યું કે, તું કેમ ચૂપ રહી? તારે પણ મોઢામોઢ ચોપડાવી દેવાની જરૂર હતી. એ છોકરીએ કહ્યું, એનું મગજ ત્યારે ઠેકાણે નહોતું. મારે મારું મગજ ઠેકાણે જ રાખવું હતું. ઘણી વખતે મગજ બગાડવાથી વાત બગડે છે. એને એની ભૂલ સમજાશે અને ન સમજાય તો પણ કંઈ નહીં. આપણે ઘણી વખત હાથે કરીને સંઘર્ષ વહોરતા હોઈએ છીએ. કોઇ જરાક કંઇક બોલે એટલે ઉશ્કેરાઇ જતા હોઇએ છીએ. એ વાતથી જરાયે ઇનકાર ન થઇ શકે કે, દરેક જગ્યાએ ચૂપ રહેવું એ કાયરતા છે પણ જ્યાં જરૂર ન હોય ત્યાં મૌન રહેવું પણ બહાદુરી જ છે. એનર્જી વાપરવામાં અને એનર્જી બગાડવાનો ભેદ સમજાવો જોઇએ. જો એનર્જી ક્રિએટિવ અને કન્સ્ટ્રક્ટિવ કામમાં વાપરવી હોય તો એને ડિસ્ટ્રક્ટિવ કામ પાછળ વેડફાવા ન દો. જિંદગીમાં આપણું ધ્યાન ડાયવર્ટ થાય એવી ઘટનાઓ બનતી જ રહેવાની છે. ધ્યાન હટવા દેવું કે જ્યાં રાખવાની જરૂર હોય ત્યાં જ રાખવું એ આપણે નક્કી કરવાનું હોય છે. કોઇ ઘટનાથી વિચલિત ન થવું. દરેક ઘટનાને સાક્ષીભાવે અને સહજતાથી લેવી. છંછેડવા જઇએ ત્યારે જ સંઘર્ષ અને સંતાપ પેદા થાય છે.
છેલ્લો સીન :
જિંદગીમાં દરેક વ્યક્તિને ગંભીરતાથી લેવાની જરૂર હોતી નથી. અમુકને ઇગ્નોર કરવાથી અને અમુકને ભૂલી જવાથી જિંદગી વધુ બહેતર રહે છે. વધુ પડતું વેઇટેજ કોઈને આપીએ તો એ ભાવ ખાવાના જ છે! – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 16 જૂન 2024, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com