સારા જવાબો માટે સવાલો
પણ સારા હોવા જોઈએ!
ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
છે પ્રપંચ કે વ્હાલ સમજતાં વાર લાગે છે,
સંબંધની આ ગૂઢ ચાલ ધારદાર લાગે છે,
ગમે ત્યારે, ગમે ત્યાં વરસી જતું હોય,
વરસાદ કરતાં આંસુ માલદાર લાગે છે.
-પરિગ્રહી માંડલિયા
સંવાદ અને વિવાદમાં જો કોઇ ફેર હોય તો એ બોલવાના ટોનનો છે. જે શબ્દોથી વાત કરી શકાય, એ જ શબ્દોથી ઝઘડી પણ શકાય. શબ્દો તો સરવાળે એ જ હોય છે જે ડિક્શનરીમાં આપેલા છે. શબ્દો નવા કે જુદા નથી હોતા. આપણો બોલવાનો ઢંગ દરેક વખતે જુદો હોય છે. માણસ નાનો હોય ત્યારે સાંભળી સાંભળીને બોલતાં શીખે છે. એ જ માણસ પછી સંભળાવી દેવાની ભાષા બોલવા લાગતો હોય છે. આપણે ક્યારેય વિચારીએ છીએ કે, હું કેવી રીતે બોલું છું? મને બોલતા આવડે છે? હા, બોલીએ છીએ આપણે બધા જ પણ કેવું બોલીએ છીએ એ ઘણી વખત ખબર નથી હોતી. બોલવું, બાફવું, બકબક કરવું, લવારી કરવી અને બેફામ બોલવામાં બહુ ફેર છે. આપણે ત્યાં મૌનનો મહિમા બહુ ગવાયો છે. બોલવા વિશે અવઢવ છે. બોલે એનાં બોર વેચાય અને ન બોલવામાં નવ ગુણ. સાચું શું? બોલવું કે નહીં? બોલવાનો મહિમા મૌન કરતાં પણ વધી જાય જો તમારા બોલવામાં દમ હોય તો! કોઇ તમને સાંભળવા માટે તરસતું અને તલસતું હોય તો જ બોલવાની મજા છે. એક સંત હતા. બહુ જ ઓછું બોલતા. એક વખત તેના એક શિષ્યે પૂછ્યું, તમે કેમ બહુ ઓછું બોલો છો? સંતે કહ્યું, કારણ કે મારે કોઇના કાનને કષ્ટ આપવું નથી! આપણે બોલતાં પહેલાં તેની અસરો વિશે ક્યારેય વિચારીએ છીએ ખરા? છરકા ખાલી છરીથી જ નથી પડતા. શબ્દોના છરકા કોઈ પણ તીક્ષ્ણ હથિયારોને ઝાંખાં પાડી દે એવાં હોય છે. ઘણાની જીભ એવી હોય છે કે, સામેવાળો માણસ ઊભેઊભો બળી જાય! ઘણાનાં મોઢે સરસ્વતી બિરાજમાન હોય છે. તમે માર્ક કરજો, જેને સાંભળવા ગમતા હોય એ માણસો મોટા ભાગે સારા હશે. જેની બોલી મીઠી હોય એનો ચહેરો પણ શાંત હશે. આપણે એવું જ બોલતા હોઇએ છીએ, જેવું આપણી અંદર ચાલતું હોય છે. અંદર જો ઉકળાટ હોય તો બોલવામાં ઉશ્કેરાટ જ વર્તાવાનો છે.
તમે જો બોલવામાં કંટ્રોલ રાખી શકતા હોવ તો તમે સામાન્ય માણસ હોવ તો પણ સંતની કક્ષામાં જ આવો છો. એક માણસની વાત છે. એ કોઇના પર ક્યારેય ગુસ્સે ન થાય. એક વખત તેને પૂછવામાં આવ્યું કે, તમને ક્યારેય ગુસ્સો નથી આવતો? કોઈ તમારી વિરુદ્ધ બોલે, કોઇ તમને ન ગમતું હોય એવું કરે ત્યારે તમને સંભળાવી દેવાનું મન નથી થતું? એ માણસે કહ્યું, મને ગુસ્સો આવે છે. આખરે હું પણ બધા જેવો જ સામાન્ય માણસ છું. ક્યારેક કંઇક ખોટું થાય ત્યારે મારું મન પણ દ્રવી જાય છે. મારું મગજ પણ છટકી જાય છે. એવા સમયે હું એક પ્રયોગ અજમાવું છું. મને ગુસ્સો આવે એટલે હું બધાથી દૂર ચાલ્યો જાઉં છું. એકલો પડીને એવો વિચાર કરું છું કે, મારે ગુસ્સે નથી થવાનું. મારે શાંત રહેવું છે. તેણે પછી જે વાત કરી એ વધુ મહત્ત્વની હતી. તેણે કહ્યું કે, એક વખત મારાથી ગુસ્સો થઇ ગયો હતો. જે ઘટના બની હતી એમાં મારો કોઇ વાંક નહોતો. હું સાચો હતો એટલે મારાથી ગુસ્સે થઇ જવાયું. હું જેમતેમ બોલ્યો. જેની સાથે ઝઘડો થયો હતો એની સાથે મારો સંબંધ પૂરો થઇ ગયો. એ ઘટના બની ત્યારે એક વડીલ ત્યાં હાજર હતા. બધું પતી ગયું પછી વડીલે મને કહ્યું કે, તેં આવું શા માટે કર્યું? મેં કહ્યું કે, હું સાચો હતો એટલે! વડીલે કહ્યું કે, તું સાચો હતો તો પછી તારે ગુસ્સો કરવાની ક્યાં જરૂર હતી? આપણે સાચા હોઇએ પછી તો શાંત જ રહેવું જોઇએ. તમારી નમ્રતા જ તમારી સચ્ચાઇને સાર્થક બનાવે છે. આ વાત સાંભળીને એ માણસે બીજો સવાલ કર્યો. હું ખોટો હોત તો? વડીલે કહ્યું કે, ખોટો હોય તો તને ગુસ્સો કરવાનો અધિકાર જ નથી. ખોટા હોઇએ ત્યારે તો ભૂલ સ્વીકારી લેવાની હોય. ગુસ્સો તો ત્યારે પણ વાજબી નથી. તને ખબર છે માણસ બોલીને જ બધું બગાડે છે. મોટા ભાગના ઝઘડા, મોટા ભાગના સંઘર્ષો, મોટા ભાગના વિવાદો માત્ર ને માત્ર બોલવાથી થાય છે! આપણે સાચા હોવાનું સાબિત કરવા માટે પણ ખોટી મેથડ અપનાવીએ છીએ!
ઉગ્રતા અને ગુસ્સો એ વાતની સાબિતી છે કે, તમારા પર તમારો જ કાબૂ નથી. જે માણસનો પોતાના પર જ કાબૂ ન હોય એ બીજા પર કંટ્રોલ ક્યાંથી મેળવી શકવાનો છે? ગુસ્સો કરીને તમે કોઇને ડરાવી શકો, તેની પાસે તમારું ધાર્યું કામ કરી શકો, તમારો ઇગો સંતોષી શકો પણ તમે કોઇનો પ્રેમ ન મેળવી શકો. ગુસ્સાથી માણસને વશ કરી શકાય, જીતી ન શકાય. તમે કોઇને જીતી ન શકો ત્યાં સુધી તમે હારેલા જ છો. દોસ્તી, પ્રેમ, દાંપત્ય અને સંબંધમાં સૌથી અસરકારક જો કંઇ સાબિત થતું હોય તો એ વાત કરવાની રીત જ છે. સારું સારું બોલવાનું નાટક નથી કરવાનું, એવું કરશો તો વહેલા કે મોડા પકડાઈ જ જવાના છો. કૃત્રિમ હોય એ ક્યારેય કુદરતી ન બની શકે. આપણે બધા નેચરલ અને ઓર્ગેનિકના આગ્રહી બનતા જઇએ છીએ, માણસ તરીકે ઓર્ગેનિક બની જાવ, દુનિયા આપોઆપ સારી લાગવા માંડશે. બાકી તો તમે જેવું વાવશો એવું જ લણશો. જેવું કરશો એવું જ પામશો. આ દુનિયા જેવા સાથે તેવાના સિદ્ધાંતને જ માને છે. આપણે તો આ વાત પણ નેગેટિવ અર્થમાં જ કરીએ છીએ. જેવા સાથે તેવાનો મતલબ એ પણ થાય છે કે આપણે સારા તો જગ સારું. આપણે જો સરખા ન રહીએ તો આપણા પોતાના લોકો પણ આપણાથી દૂર થઇ જાય છે. એક પતિ-પત્નીની આ વાત છે. બંને વચ્ચે નાની નાની વાતે ઝઘડા થતાં હતા. બેમાંથી એકેય સીધા મોઢે વાત જ ન કરે! ઉશ્કેરાટમાં તો કોણ કોને ચડે એ નક્કી કરવું અઘરું પડી જાય. બંને વચ્ચેનો ઝઘડો ખતમ કરવા એક વખત પરિવારના એક વડીલ આવ્યા. પતિએ પત્ની સામે ફરિયાદ કરતાં કહ્યું કે, એ ક્યારેય સીધા મોઢે વાત જ નથી કરતી. બધી જ વાતના ખરાબ જવાબ આપે. એ વખતે પત્નીએ કહ્યું કે, તમે ક્યારેય સરખી રીતે કોઇ સવાલ કર્યો છે ખરો? તમે સલુકાઇથી ક્યારેય કોઇ સવાલ જ નથી કરતા. જવાબ એવો જ મળવાનો છે જેવો તમે સવાલ કરો. ગાળ આપો તો તમે સારા શબ્દોની અપેક્ષા ન રાખી શકો. બે માણસો ઝઘડે ત્યારે બંનેના અવાજ સતત ઊંચા ને ઊંચા થતા જાય છે. અવાજ ઊંચો થાય એટલે સાંભળવાનું બંધ થઇ જાય છે! શાંતિથી કહેવાયેલી વાત જ સાંભળી અને સમજી શકાય છે.
એક માણસ એક સંત પાસે ગયો. ગુસ્સો ન કરવા અને શાંત રહેવા માટે તેણે સંત પાસેથી સલાહ માંગી. સંતે તેને પ્રેમથી સમજાવ્યો. એ માણસ શાંતિથી બોલવાની પ્રેક્ટિસ કરવા લાગ્યો. ખૂબ મહેનત કરી પણ ગુસ્સા પર કંટ્રોલ થતો નહોતો. એ માણસને જોઇને સંતે કહ્યું કે, માત્ર ટોન બદલાવવાથી કંઇ થવાનું નથી. અંદરથી શાંત થા. અંદરથી શાંત નહીં હોય એને બહારથી શાંત રહેવાનો ગમે તેટલો પ્રયાસ કરીશ તો તું તારા પર જ તારી અશાંતિ ઉતારીશ. ટોન બદલવાથી અંદર કંઇ શાંત નહીં થાય, અંદર શાંતિ થશે તો ટોન આપોઆપ મધુરો થઇ જશે. આપણો પ્રોબ્લેમ એ જ હોય છે કે, આપણે બહારથી બદલવાનો પ્રયાસ કરીએ છીએ પણ અંદર બધું એવું ને એવું જ છે. પોત જો પાતળું હશે, મન જો ખોખલું હશે તો તેની અસર તન પર વર્તાઈ જ જવાની છે. પરિવર્તન લાવવું છે તો ભીતરથી લાવો. નજરિયો બદલો, નજર આપોઆપ સુધરી જશે!
છેલ્લો સીન :
પડઘો એવો જ પડવાનો છે જેવો આપણે સાદ દઇએ. આઘાત આપીએ તો પ્રત્યાઘાતમાં અંજપો જ મળવાનો છે. વહાલ વાવો તો જ વાત્સલ્ય મળે! -કેયુ.
(`સંદેશ’, સંસ્કાર પૂર્તિ, તા. 06 નવેમ્બર ૨૦૨૨, રવિવાર, `ચિંતનની પળે’ કૉલમ)
Kkantu@gmail.com