મારી નજર સામે બધું થયું
અને હું કંઈ કરી ન શક્યો

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ
મારી લીટીને જરા નાની કરે,
ને મને થોડી પરેશાની કરે,
રાહ જોઈને ઊભા છે કે અહીં,
કોણ ક્યારે કેવી નાદાની કરે.
– ભરત વિંઝુડા
જિંદગીને સૌથી વધુ ફાવટ માણસના મનસૂબા ઉથલાવી દેવાની છે. આપણે રોજેરોજ જિંદગીને કંટ્રોલ કરવાના પ્રયાસો કરીએ છીએ અને જિંદગી રોજ આપણા હાથમાંથી છટકતી જાય છે. જિંદગી સાથે જાણે કોઇ પકડદાવ ચાલતો ન હોય. જિંદગી સપના જેવી છે. આપણને ક્યારેય આપણે ધારતા હોઇએ એવું સપનું આવતું નથી. જિંદગીનું પણ એવું જ છે. આપણે ધારતા હોઇએ એવી રીતે જિંદગી પણ ક્યારેય ચાલવાની નથી. જિંદગીને સમજવા માટે એક વાત યાદ રાખવાની હોય છે કે, જિંદગી ક્યારેય સખણી રહેવાની જ નથી. જિંદગી મામલે આપણે આપણી પોતાની પ્રકૃતિ પણ સમજવાની હોય છે. સારું હોય ત્યારે આપણને જિંદગી સાથે કોઇ વાંધો હોતો નથી. જરાકેય ન ગમતું થાય એટલે આપણે જિંદગી સામે સવાલો કરવા લાગીએ છીએ. થોડોક લાંબો વિચાર કરીએ તો ખબર પડે કે, જિંદગીમાં ખરાબ થયું હોય એના કરતાં સારું વધારે થયું હોય છે. આપણે સારું યાદ રાખતા નથી અને ખરાબ ભૂલતા નથી. એ વાતથી પણ કોઇ ઇનકાર ન જ કરી શકે કે, જિંદગી ક્યારેક એવા આઘાત આપતી હોય છે જે ન સહી શકાય કે ન ભૂલી શકાય. આપણે ક્યારેક એવી પરિસ્થિતિમાં મુકાઇ જઇએ છીએ જ્યારે આપણું કંઇ જ ચાલે નહીં. આપણી મતિ મૂંઝાઇ જાય એવી ઘટનાઓના ઘણી વખત સાક્ષી બનવું પડે છે. જિંદગી ક્યારેક આપણને એવી લાચાર સ્થિતિમાં મૂકી દે છે કે આપણે ખેલ જોવા સિવાય કંઇ કરી શકતા નથી. આપણી નજર સામે બધું થઇ રહ્યું હોય અને આપણે કંઇ કરી શકીએ નહીં.
એક ઘરની આ વાત છે. ઘરના તમામ સભ્યો એક સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. ઘરના વડીલને કોઇ ગણકારતું નહોતું. સમસ્યાથી છુટકારો મેળવવા માટે શું કરવું એની ચર્ચા કરવા માટે બધા ભેગા થયા. એ વખતે વડીલે નક્કી કર્યું કે, મારે કંઇ બોલવું નથી. હાથે કરીને અપમાન થાય એવું કંઇ મારે કરવું નથી. બધા લોકો ચર્ચા કરતા હતા. વડીલે દુનિયા જોઇ હતી. તેને એક વાત સમજાતી હતી કે, જે થઇ રહ્યું છે એ ખોટું થઇ રહ્યું છે. બધાએ સાથે મળીને એક નિર્ણય લીધો. વડીલે ન હા ભણી, ન ના કહી. જે થતું હતું એ થવા દીધું. બધા જુદા પડ્યા પછી ઘરના એક સભ્યએ પૂછ્યું, દાદા તમે કેમ કંઇ ન બોલ્યા. એમણે કહ્યું કે, દીકરા આપણા મંતવ્યનું જ્યાં કોઇ મૂલ્ય ન હોય ત્યાં ચૂપ રહેવામાં જ ડહાપણ હોય છે. આ કંઇ પહેલી વખત આવું નથી થયું. મારી નજર સામે ન થવા જોઇએ એવા નિર્ણયો થયા છે અને હું કંઇ કરી શક્યો નહોતો. પહેલાં હું બોલતો, શું કરવું જોઇએ એ પણ કહેતો. મારી વાત ન માની હોય અને ખરાબ પરિણામો આવ્યાં હોય એવું પણ બન્યું છે. એક વખત મને એવું કહેવામાં આવ્યું કે, તમે તો કંઇ બોલતા જ નહીં. અમે કહીએ એમ જ કરવાનું છે. એ સમયથી મેં બોલવાનું બંધ કરી દીધું છે. મને એવો વિચાર આવ્યો કે, આપણું મંતવ્ય ત્યાં જ આપવું જ્યાં એની જરૂર હોય. હું જીવું છું પણ કેટલાક સંજોગોમાં મારી જાતને મરેલી માની લઉં છું. હું મરી ગયો હોત તો મને કોઇ પૂછવાનું હતું? કે હું કંઇ કહી શકવાનો હતો? જિંદગી સારી રીતે જીવવા માટે ઘણી વખત પોતાને મરેલા માની લેવામાં માલ છે. આપણી હાજરી જ નથી, આપણી હયાતી જ નથી. ડાહ્યા હોઇએ તો પણ ક્યાં ડહાપણ વાપરવું એની સમજ હોવી જોઇએ. જ્ઞાન દરેકને પચતું નથી. જ્યાં ન બોલવા જેવું હોય ત્યાં બોલીએ તો લોકો જ્ઞાની માણસને પણ મૂરખ સાબિત કરી દે છે. સાચો ડાહ્યો માણસ એ છે જેને ક્યાં બોલવું એની નહીં પણ ક્યાં ચૂપ રહેવું એની ખબર છે. કેટલીક વખત બીજાની મૂર્ખાઇને પણ માણવી જોઇએ. એનાથી જ તો ખબર પડે છે કે, માણસનું લેવલ કેટલું છે. આપણે ઊંડા હોઇએ તો પણ બધા પાસે ઊંડાણની આશા રાખવી ન જોઇએ. છીછરા લોકોને છબછબિયાં જ ફાવે છે.
જિંદગી ક્યારેક કસોટી કરવાની જ છે. જિંદગી આપણને ક્યારેક લાચારી કે મજબૂરીનો અહેસાસ પણ કરાવવાની છે. આપણને ક્યારેક તો એવું થઇ જાય કે, મારા નસીબમાં આવું જોવાનું પણ લખ્યું હશે? જિંદગી આટલી ક્રૂર પણ થઇ શકે? એક ડોક્ટર હતા. હાર્ટની બીમારીઓની સારવારમાં તેમની માસ્ટરી હતી. તેમની પાસે પહોંચી ગયેલા દર્દીની એ જિંદગી બચાવી લેતા હતા. લોકો તેમના વિશે એવું કહેતા કે, તેમના હાથમાં યશ છે. એક વખત ડોક્ટર પત્ની સાથે કારમાં ફરવા જતા હતા. કાર ડોક્ટર જ ચલાવતા હતા. પત્ની તેમની બાજુની સીટમાં બેઠાં હતાં. બંને આરામથી જતાં હતાં. કાર સ્લો અને પરફેક્ટ ટ્રેક પર ચાલતી હતી. અચાનક જ સામેથી એક ટ્રક આવી અને કાર સાથે ઘડાકાભેર અથડાઈ. બંને ઊછળીને દૂર ફેંકાઇ ગયાં. પત્નીને ગંભીર ઇજાઓ પહોંચી. ડોક્ટરને સમજાઇ ગયું કે, પત્નીના છેલ્લા શ્વાસ ચાલે છે. સીપીઆર આપે તો કદાચ બચી જાય. હાથ ઊંચા કરવા ગયા ત્યારે ખબર પડી કે, મારા તો બંને હાથ ભાંગી ગયા છે. હું સીપીઆર આપી શકું એમ જ નથી. પત્નીએ તેમની સામે જ છેલ્લા શ્વાસ લીધા. ડોક્ટર પતિ આખી જિંદગી એમ કહેતો રહ્યો કે, મારી નજર સામે બધું થયું અને હું કંઇ કરી શક્યો નહીં. એવું કહેવાતું કે, મારા હાથમાં યશ છે, પણ મારા આ હાથ મને મારી પત્નીનો જીવ બચાવવામાં જ કામ ન લાગ્યા. આપણે ઘણી વખત એવું જોતા કે સાંભળતા હોઇએ જેના વિશે આપણાથી બોલી જવાય કે ભગવાન દુશ્મનને પણ આવું ન દેખાડે.
જિંદગી ઘણી વખત આપણને સમજાતી નથી. આપણે ગમે એવા સારા હોઇએ તો પણ જિંદગી આપણી સાથે સારી જ રહે એની પણ કોઇ ગેરંટી હોતી નથી. એક માણસ હતો. એ ક્યારેય કંઇ ખોટું ન કરે. કોઇનું બૂરું ન ઇચ્છે. શાંતિથી જિંદગી જીવે. એક વખત તેની સાથે તેના ઘરના લોકોએ જ બદમાશી કરી. એને મૂરખ બનાવીને એના રૂપિયા પડાવી લીધા. એ યુવાનને અત્યંત આઘાત લાગ્યો. મારી સાથે મારા લોકોએ જ આવું કર્યું? મેં તો ક્યારેય પારકા લોકો સાથે પણ આવું નથી કર્યું. એ માણસ એક સંત પાસે ગયો. સંતને બધી વાત કરી. સંતે કહ્યું કે, બદમાશ લોકો સાથે થાય એના કરતાં સારા લોકો સાથે ઘણું બધું ન થવા જેવું થતું હોય છે. બદમાશ લોકોથી બધા ડરે છે. એને ખબર હોય છે કે, આની અડફેટે ચડવા જેવું નથી. ક્યાંક કારણ વગરની આપણી હાલત ખરાબ થઇ કરી નાખશે. સારા માણસો હંમેશાં સોફ્ટ ટાર્ગેટ રહેવાના છે. સારા લોકો સાથે બૂરું થાય ત્યારે કેટલાક લોકો એવું પણ વિચારતા હોય છે કે, સારા રહેવામાં બહુ માલ નથી. આપણે પણ હવે જેવા સાથે તેવા થઇ જવું છે. સારા માણસને એવો વિચાર આવી જ જાય છે, છતાં સારો માણસ સારો જ રહે છે. આપણે એ નક્કી કરવાનું હોય છે કે, આપણે કેવા રહેવું છે. ક્યારેક ભલે કોઇ બદમાશી કરે, પણ સરવાળે આપણું સારાપણું આપણને હળવાશ આપતું હોય છે.
જિંદગી અનુભવોથી સમજાય છે. સારા કરતાં ખરાબ અનુભવો વધુ શીખવાડે છે. આપણો કંઇ વાંક ન હોય તો પણ ઘણી વખત આપણું કંઇ ચાલતું નથી, આપણું ધાર્યું થતું નથી. આપણું ધાર્યું કંઇ ન થાય તો હજુયે વાંધો ન આવે, ઘણી વખત તો આપણે ધાર્યું ન હોય એવું જ થાય છે. આપણી નજર સામે આપણા લોકો જ રમત રમી જતા હોય છે. આપણા દિલને ઠેસ પહોંચાડતા હોય છે. અમુક ઘટનાઓ સામે રિએક્ટ કરવાને બદલે શાંતિથી નીકળી જવામાં વધુ સાર હોય છે. કઇ ઘટનામાં ઇન્વોલ્વ થવું અને કઇ ઘટનાથી બચવું એની સમજ કેળવવી પડે છે. હાથ દાઝવાના હોય કે હાથ ખરડાવાના હોય એવી ઘટનાઓમાં હાથ ન નાખવો એ જ શાણપણ છે.
છેલ્લો સીન :
જિંદગીને ધરાર બદલવાનો પ્રયાસ કરવા કરતા જિંદગીને જેવી છે એવી સ્વીકારીને વહેવા દેવાથી જિંદગીને વધુ જાણી અને માણી શકાય છે. – કેયુ
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 15 માર્ચ 2026, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com
