દરેક વાતને ગંભીરતાથી લેવાની કંઈ જરૂર નથી! – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


દરેક વાતને ગંભીરતાથી
લેવાની કંઈ જરૂર નથી!

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

લડખડાતી જાત છે, ને રાત લાંબી છે ઘણી,
ને લથડતા શ્વાસ છે, ને રાત લાંબી છે ઘણી,
આમ પણ એના સહારે કેટલું જાગી શકાય,
યાદ બસ બે-ચાર છે, ને રાત લાંબી છે ઘણી.
-મહેશ મકવાણા


જિંદગી સારી રીતે જીવવા માટે બે વાતની સ્પષ્ટતા હોય એ જરૂરી છે. એક તો મારી જિંદગી માટે શું મહત્ત્વનું છે અને બીજું મારી લાઇફ માટે કોણ ઇમ્પોર્ટન્ટ છે? આ બંને વિશે જેટલી ક્લેરિટી હશે એટલી જિંદગી જીવવામાં સરળતા રહેશે. શક્તિ વાપરવામાં અને શક્તિ વેડફવામાં બહુ મોટો ફર્ક છે. આપણે જે કંઇ કરીએ છીએ એ પહેલાં એટલું વિચારીએ છીએ ખરા કે, આ કરવું જરૂરી છે? હું આ કરવા ખાતર તો કરતો કે કરતી નથીને? મજા માટે પણ કંઇ કરીએ તો મજા આવવી જોઇએ. આપણા દરેક કાર્યનું આપણને ગૌરવ હોવું જોઇએ. સાવ નક્કામું કંઇ કરવા કરતાં કંઇ ન કરવું વધુ બહેતર છે. આપણો સમય આપણા માટે કીમતી નહીં હોય તો કોઈ તેનું મૂલ્ય નહીં કરે. એક યુવાનની આ વાત છે. તેના એક સંબંધીએ એક કામ માટે આવવા કહ્યું. એ યુવાને સારી ભાષામાં ના પાડી. સંબંધીએ કારણ પૂછ્યું. યુવાને કહ્યું કે, મને લાગે છે કે, તમે જે કામ કહો છો એના માટે હું યોગ્ય વ્યક્તિ નથી. બીજી વાત એ કે, તમે મને જે સમયે બોલાવો છો એ મારા માટે રિલેક્સ થવાનો સમય છે. હું માંડ માંડ મારા માટે સમય કાઢું છું. મારા માટેનો સમય હું વેડફવા નથી માંગતો. આપણે જો ધ્યાન ન રાખીએ તો લોકો આપણો સમય પણ ખાઇ જાય છે.
દરેક વ્યક્તિએ પોતાની ક્ષણો અને પોતાનાં કામોને ખૂબ જ ગંભીરતાથી લેવાં જોઇએ. કોઈ કામ નાનું કે મોટું નથી. કામને નાનું ગણીને અવગણશો તો મોટા કામ વખતે પણ એવું કરી બેસશો. કામ ગમે એવડું હોય, પરફેક્શન હન્ડ્રેડ પરસન્ટ હોવું જોઇએ. કામ વિશે તમારી ઇમેજ કેવી છે? પોતાના લોકો મહત્ત્વનાં કામ માટે તમારી પસંદગી કરતા હોય તો માનજો કે, તમે ઉપયોગી માણસ છો. દરેકને એની લાયકાત મુજબ જ કામ સોંપાતું હોય છે. આપણે જ ઘણા લોકો માટે એવું કહેતા હોઇએ છીએ કે, એને કામ સોંપ્યા પછી ચિંતા કરવા જેવું કંઈ ન રહે. ઘણાનું તો નામ પડે કે તરત જ ચોકડી લાગી જાય કે, એને તો ન જ સોંપતા હોં! એ ન કરવાનું કરી આવશે અને પછી આપણે ધંધે લાગી જઈશું!
જિંદગી અને કામ વિશે એક વાત પણ સમજવા જેવી છે કે, જેને જેટલી ગંભીરતાથી લેવું જરૂરી હોય એટલું જ ગંભીરતાથી લેવું. દરેકે દરેક વાતને સિરિયસલી લેવાની જરૂર હોતી નથી. હા, બેદરકાર ન રહેવું પણ વધુ પડતું ગંભીર પણ ન રહેવું. આપણે ઘણી વખત દરેક વાતને વધુ પડતી ગંભીરતાથી લઇ લેતા હોઇએ છીએ. એવું કરીને આપણે આપણા વિશે જ અભિપ્રાયો બાંધી લેતા હોઇએ છીએ. એક છોકરીની આ વાત છે. ખૂબ જ હોશિયાર અને સમજુ. એનું દરેક કામ પરફેક્ટ જ હોય. ફેમિલીમાં એક ફંક્શન હતું. એ છોકરીને એક કામ સોંપવામાં આવ્યું. કરવાનું હતું કંઇક અને તેનાથી થઇ ગયું કંઇક. જ્યારે એને સાચી વાતની ખબર પડી તો એ ડિસ્ટર્બ થઇ ગઇ. મારાથી આવી સિલી મિસ્ટેક થાય જ કેવી રીતે? મને આટલી સમજ ન પડી? એ અપસેટ થઇ ગઇ. તેની ફ્રેન્ડે કહ્યું કે, અરે, આવું થાય. તું આ વાતને આટલી બધી ગંભીરતાથી કેમ લે છે? આ કંઇ એવું કામ નહોતું કે, તેમાં ભૂલ થાય તો આભ ફાટી પડે! ટેઇક ઇટ ઇઝી. આપણે પણ ઘણી વખત આવું કરતા હોઇએ છીએ. મારાથી આવું થાય જ કેવી રીતે? શું થયું એ મહત્ત્વનું હોય છે. કોઇ સીરિયસ મેટર હોય, આપણી કે કોઇની લાઇફનો સવાલ હોય, આપણી ઓળખ કે પરખ થઇ જવાની હોય તો ઠીક છે કે, એ ઘટનાને આપણે અત્યંત ગંભીરતાથી લેવી જોઇએ, બાકી બીજાં કામોને હળવાશથી જ લેવાં જોઇએ. હળવાશ હશે તો એ નાનાં કામો પણ સારી રીતે થશે!
બધાં કામોને અઘરી રીતે કરવાની પણ જરૂર હોતી નથી. ઘણા લોકોને એવી આદત હોય છે કે, એ દરેક કામને અઘરી રીતે જ કરતા હોય છે. તે એવું માને છે કે, દરેક કામમાં મહેનત થવી જ જોઇએ. અરે ભાઈ, સરળ રીત હોય તો પછી હાથે કરીને કંઈ અઘરું શા માટે કરવાનું? સાચી વ્યક્તિ એ છે જે તમામ પ્રવૃત્તિમાં સહજતા અને સરળતા કેળવે. પ્રવૃત્તિમાં ત્યારે જ સહજતા આવે જો એ આપણી પ્રકૃતિમાં હોય! આપણી આદતો જ આપણી આઇડેન્ટિટી બનતી હોય છે. આપણું વર્તન માર્ક થતું હોય છે, આપણી વાણીની નોંધ લેવાતી હોય છે. ઘણા લોકો એવું કહે છે કે, જેને જેવું કહેવું હોય એ કહે અને જેવું માનવું હોય એ માને, મને કંઇ ફેર પડતો નથી. આપણે ભલે એવું કહીએ પણ આપણને ફેર પડતો હોય છે. ફેર પડે છે એટલે જ આપણને લોકોની વાતોની અસર થાય છે. કોઈ વખાણ કરે ત્યારે સારું લાગે છે. કોઇ ખરાબ બોલે ત્યારે ગુસ્સો આવે છે. આપણે ભાગી નથી શકતા, આપણે સરવાળે તો લોકો સાથે જ રહેવાનું હોય છે.
તમારી કક્ષા જ એ રીતની બનાવો કે કોઈ તમને આલતું ફાલતું કામ ન સોંપે કે તમને અંડર એસ્ટિમેટ કરે. આપણે શેના માટે છીએ એ આપણે જ નક્કી કરવાનું હોય છે. શું કરવું છે એની ખબર હોવા જેટલું જ મહત્ત્વનું એ પણ છે કે, મારે શું નથી કરવું! બનવાજોગ છે કે, બીજા માટે જે મહત્ત્વનું હોય એ આપણા માટે ક્ષુલ્લક હોય. બીજાનાં કામ એમને મુબારક, આપણને આપણી સફર અને આપણી મંઝિલ સાથે જ મતલબ હોવો જોઇએ. એક યુવાનની આ વાત છે. તે પોતાના મિત્રો સાથે બેઠો હતો. મિત્રો એક વાત કરતા હતા. એમાંથી આવક થાય એમ હતી. એ યુવાનનું ધ્યાન એ વાત તરફ હતું નહીં. બીજા મિત્રએ કહ્યું, તું ગંભીરતાથી મારી વાત સાંભળતો નથી. યુવાને નિખાલસતાપૂર્વક કહ્યું કે, તારી વાત સાચી છે. હું એટલા માટે ગંભીરતાથી નથી સાંભળતો, કારણ કે મારે એ વાતને સિરિયસલી લેવી જ નથી. મારે એમાં પડવું જ નથી. ઘણા લોકો જેમાં પડવું ન હોય એની પાછળ પણ પોતાની એનર્જી બગાડતા હોય છે. આપણે ભલે કરીએ નહીં પણ આપણને ખબર તો હોવી જ જોઈએ એવું ઘણા કહેતાં અને માનતા હોય છે. એ બધી જ વાતોમાં રસ લે છે અને છેલ્લે કરતા કંઇ નથી હોતા. એના કરતાં એ વ્યક્તિ શ્રેષ્ઠ છે જેને એક જ વાતમાં રસ છે અને પૂરી ઉત્કટતાથી એ કામ કરે છે. જે કરો એ દિલ દઇને કરો, ન કરવા જેવું હોય તો પ્રેમથી અને સલુકાઇથી ના પાડી દો. આપણે બધાના દરેક કામ માટે નથી. આપણે આપણું કામ, આપણી કરિયર અને આપણી સફર ખેડવાની હોય છે. ક્યાં જવું છે, ક્યાં પહોંચવું છે અને એના માટેનો રસ્તો કયો છે એની સમજ એ જ શાણપણ અને આવડત છે. યુનિક બનવા માટે અનોખા રહેવું પડે છે. અતડા રહેવામાં અને અનોખા રહેવામાં બહુ ફેર છે. ઘણા લોકો હોય નહીં કંઈ અને પોતાને સમજતા હોય છે સમથિંગ. આપણું વર્તન આપણો ગ્રેસ છતું કરવું જોઇએ, દંભ નહીં. દંભ હશે તો પણ વર્તાઈ જ આવશે. સ્પષ્ટ રહો અને મસ્ત રહો. બધું સારું છે, બધા સારા છે, બસ આપણા સારા-નરસાનું ભાન આપણને હોવું જોઇએ.
છેલ્લો સીન :
બધા સાથે સારી રીતે વર્તો પણ દરેક વ્યક્તિને એટલું જ ઇમ્પોર્ટન્સ આપો, જેટલી એની લાયકાત છે. આપણો સમય અને આપણી પસંદગી જો સિલેક્ટિવ નહીં હોય તો બધા તેને ટેકન ફોર ગ્રાન્ટેડ લેવા લાગશે. –કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 11 જૂન, 2023, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
Kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *