શું આપણે ધીમે ધીમે બહેરા બની રહ્યા છીએ? – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

શું આપણે ધીમે ધીમે

બહેરા બની રહ્યા છીએ?

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

———-

વિશ્વ આરોગ્ય સંસ્થા કહે છે કે, 2050 સુધીમાં દર ચાર વ્યકિતએ

એકની સાંભળવાની ક્ષમતા ક્ષીણ હશે!

કાનમાં ઇયર પ્લગ ભરાવીને ફરતા યંગસ્ટર્સ પર સૌથી વધુ જોખમ તોળાઇ રહ્યું છે.

આપણા ફાયદાની વાત ન હોય ત્યારે કોઇની વાત ન સાંભળવાની માનસિકતા પણ વધી રહી છે!

———-

ગ્લોબલ વોર્મિંગ, ક્લાયમેન્ટ ચેન્જ, પોલ્યુશન અને તેના જોખમોની જાતજાતની વાતો રોજે રોજ આપણે સાંભળતા રહીએ છીએ. એન્વાયરમેન્ટ એક્સપર્ટ્સ ગળા ફાડી ફાડીને લોકોને સાવધાન કરી રહ્યા છે કે, હજુ સમય છે, સાવધાન થઇ જાવ, નહીંતર હાલત કફોડી થઇ જશે. નિષ્ણાતોની વાતો બહેરા કાને અથડાઇને પાછી ફરી જાય છે. હવે તો નિષ્ણાતો એવું કહેવા લાગ્યા છે કે, અમારી વાત સાંભળો, નહીંતર સાંભળવા જેવા નહીં રહો. એનું કારણ એ છે કે, લોકોની સાંભળવાની શક્તિ ધીમે ધીમે ક્ષીણ થતી જાય છે! વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એવું કહ્યું છે કે, માણસ જાત પર બહેરાશનું જોખમ તોળાઇ રહ્યું છે. અવાજનું સતત વધી રહેલું પ્રદૂષણ માણસને બહેરા બનાવી રહ્યું છે. 2050 સુધીમાં દુનિયાના દર ચારમાંથી એક માણસની સાંભળવાની શક્તિ નબળી હશે. ધ્વનિ પ્રદૂષણ અંગેનો અભ્યાસ એવું કહે છે, 2019માં સમગ્ર વિશ્વમાં 160 કરોડ લોકો એવા હતા જેને સાંભળવામાં પ્રોબ્લેમ થતો હતો. 2050 સુધીમાં તેમાં 70 કરોડનો વધારો થઇ જશે. મતલબ બહેરાપણાનો ભોગ બનનારાની સંખ્યા 250 કરોડની થઇ ગઇ હશે. ઓછું સાંભળી શકનારા લોકોની સારવાર પાછળ 75 કરોડ ડોલરનો ખર્ચ થશે.

આપણે ક્યારેય વિચાર કરીએ છીએ કે, મને બરોબર સંભળાય છે કે નહીં? સંભળાતું હોય છે એટલે આપણે સાંભળવાની શક્તિ વિશે બહુ વિચારતા નથી. સવાલ એ છે કે, આપણી સાંભળવાની સોએ સો ટકા શક્તિ સાબૂત છે ખરી? એંસી-નેવું ટકા સાંભળતા હોય તો આપણને એ વાતની ખબર પડતી નથી કે, આપણી સાંભળવાની શક્તિ દસ વીસ ટકા ઘટી ગઇ છે. આંખમાં થોડાકેય નંબર આવે તો આંખ ખેંચાવા લાગે છે, આંખ ભારે થઇ જાય છે. કાનમાં એવું કંઇ થતું નથી. બહેરાશ વધી જાય ત્યારે જ માણસને ખબર પડે છે કે, મને સાંભળવામાં પ્રોબ્લેમ થાય છે. ઘરની વ્યક્તિ આપણને બોલાવે અને આપણે જવાબ ન આપીએ ત્યારે એ આપણને સવાલ કરે છે કે, તને કાનમાં કોઇ પ્રોબ્લેમ તો નથીને? ટીવીનું વોલ્યુમ તમે કેટલું રાખો છો? આપણા ઘરના લોકો કહે ત્યારે આપણને ખબર પડે છે કે, આપણે કેટલું ઊંચું સાંભળીએ છીએ. ઘણા લોકો એવો બચાવ કરે છે કે, વોલ્યુમ વધુ હોય તો જ મને મજા આવે છે. આપણને એવું થતું જ નથી કે, મને સાંભળવામાં કોઇ ઇશ્યૂ છે. થોડું ઘણું ઓછું સંભળાતું હોય તો પણ આપણને કંઇ ફેર પડતો નથી. સંભળાય છેને, એટલે બસ! સાવ બંધ ન થઇ જાય ત્યાં સુધી આપણે એલર્ટ થતાં નથી.

એક સમય હતો જ્યારે માણસની ઉંમર વધતી ત્યારે એની સાંભળવાની શક્તિમાં ઘટાડો થતો. હવે એવું નથી. અત્યારે સૌથી વધુ જોખમ તો યંગસ્ટર્સ પર છે. 12થી 35 વર્ષના લોકો રિસ્ક ઝોનમાં આવે છે. એનું કારણ છે, ઇયર ફોન, ઇયર પ્લગ, ઇયર બડ અને બ્લુ ટૂથ ડિવાઇસ. મોટા ભાગના યંગસ્ટર્સ કાનમાં ઇયર પ્લગ ભરાવીને જ ફરતા હોય છે. મ્યુઝિકની એવી લત લાગી છે કે એના વગર ચાલતું જ નથી. ઇયર ફોન પણ હવે તો એવી સૂચના આપે છે કે, ઊંચો અવાજ તમારી હિયરિંગ એબીલિટી ઘટાડી શકે છે. એની વાત સાંભળે છે કોણ? યંગસ્ટર્સને હવે તો કામ કરતી વખતે પણ કાનમાં ઇયર પ્લગ ઘૂસાડીને મ્યુઝિક સાંભળવાની આદત પડતી જાય છે. વાહન ચલાવતી વખતે ઇયર પ્લગના કારણે અકસ્માતો વધી રહ્યા છે. લોકો બેધ્યાન અને બેપરવાહ થઇ રહ્યા છે. ઇયર પ્લગ ભરાવીને ફરતા લોકો વળી એવી દલીલો કરતા ફરે છે કે, બહારના નક્કામા અવાજો સાંભળવા એના કરતા ગમતા ગીતો કે મ્યુઝિક સાંભળવું સારું!

આખી દુનિયા એર અને વોટર પ્રદૂષણ વિશે જેટલી અવેર છે એટલી નોઇસ પોલ્યુશન માટે એલર્ટ નથી. તમે ક્યારેય માર્ક કર્યું છે કે, તમારી આસપાસ કેટલા અવાજો આવે છે? ક્યાંક કન્સ્ટ્રકશનનું કામ ચાલતું હોય છે, રોડ પર દોડતા વાહનનો હોર્ન સંભળાતા રહે છે. ઘરમાં ફ્રીજ અને એર કન્ડિશનનો ઝીણો ઝીણો અવાજ આવતો રહે છે. ઘડિયાળ હવે ડિજિટલ થઇ ગઇ છે પણ ટીક ટીક કરતી વોલ ક્લોક તો હજુ છે જ. આ બધા અવાજો વચ્ચે કુદરતી ધ્વનિ તો જાણે લુપ્ત જ થઇ ગયો છે. પક્ષીઓનો કલરવ હવે દબાઇ જાય છે. પવન જ્યારે સૂસવાટા મારે ત્યારે જ એની હાજરી વર્તાય છે. જે અવાજો સંભળાય છે એ આપણી માનસિકતા પર સીધી અસર કરે છે. શહેરનો માણસ ક્યારેક ગામડે જાય છે ત્યારે તેને એ વાતનો અહેસાસ થાય છે કે,  અહીં કેટલી શાંતિ છે. આપણે અશાંતિના એટલા બધા આદી થઇ ગયા છીએ કે નીરવ શાંતિ પણ આપણને હવે અકળાવવા લાગે છે. મોબાઇલના બીપર સતત વાગતા રહે છે. ઝરણાંનું સંગીત આપણે હવે માણી શકતા નથી. આપણે કુદરતથી કેટલા દૂર જઇ રહ્યા છીએ એનો આપણને અંદાજ જ નથી. હવે કંઇ જ નેચરલ રહ્યું નથી. ટેક્નોલોજીએ આપણને કૃત્રિમ બનાવી દીધા છે. ફોન પર સંભાળાતો અવાજ પણ હવે ડિજિટલ થઇ ગયો છે. ડિજિટલ નોઇસે માણસને પોતાના સકંજામાં લઇ લીધો છે.

એક સવાલ એ થાય કે, નક્કામા અવાજો આવતા રહે છે પણ એમાં આપણે શું કરી શકીએ? કાનમાં પૂમડાં થોડા ભરાવાય છે? ભોગવવા સિવાય આપણે પાસે બીજો કોઇ રસ્તો પણ ક્યાં છે? સાચી વાત છે. સરકાર ધારે તો એવા નિયમો બનાવી શકે છે કે, અવાજનું પ્રદૂષણ ઘટે. અલબત્ત, લોકો પણ ધારે તો ધ્વનિ પ્રદૂષણ ઘટાડવામાં પોતાનો ફાળો આપી શકે છે. આપણે બધા જરૂર ન હોય ત્યારે પણ હોર્ન વગાડતા રહીએ છીએ. અવાજ કરતી વખતે આપણે એવો વિચાર કરતા નથી કે, આપણા કારણે કોઇ ડિસ્ટર્બ થતું હશે. સાયલન્સ ઝોનની આપણે નોંધ લેતા નથી.

હવે બીજી વાત, આ તો બધા એવા અવાજની વાતો છે જે નોઇસ પોલ્યુશન ફેલાવે છે. સાંભળવાની શક્તિ ઘટે એ એક વાત છે અને આપણે ઇરાદાપૂર્વક કોઇની વાત ન સાંભળીએ એ બીજી વાત છે. આ વાતને ભલે નોઇસ પોલ્યુશન સાથે કંઇ લાગતું વળગતું નથી પણ આપણી સંવેદનાઓ સાથે તો સીધું  જ લાગે વળગે છે. લોકો હવે પોતાના કામની વાત હોય એ જ વાત સાંભળે છે. સાંભળવાના મામલે પણ આપણે સ્વાર્થી થઇ રહ્યા છીએ. ફોન પર કામની વ્યક્તિ ન હોય ત્યારે આપણે એની વાત ગંભીરતાથી સાંભળતા નથી. સંબંધો અત્યારે દાવ પર લાગવા માંડ્યા છે એનું એક કારણ એ છે કે, આપણે કોઇની વાત ધ્યાનથી સાંભળતા નથી. આપણને કોઇનું કંઇ સ્પર્શતું જ નથી. આપણે આપણી દુનિયામાં જ મસ્ત રહેવા લાગ્યા છીએ. વિચાર કરી જોજો કે, આપણે આપણી વ્યક્તિની વાત કેટલી ધ્યાનથી સાંભળીએ છીએ? એવી ફરિયાદો વધતી જાય છે કે, એને મારી વાતમાં રસ જ ક્યાં છે? એવા કિસ્સાઓ તો હવે કોમન થઇ ગયા છે કે, કોઇ વાત કરતું હોય ત્યારે સાંભળનારનું ધ્યાન મોબાઇલમાં હોય! ધ્યાનબહેરા લોકોની સંખ્યા પણ સતત વધતી જાય છે. ઘણી વખત આપણે દેખાવ એવો કરીએ છીએ કે આપણે સામેવાળી વ્યક્તિની વાત સાંભળીએ છીએ પણ આપણું ધ્યાન તો બીજે ક્યાંક જ હોય છે. કોઇ પૂછે કે, મેં શું કહ્યું, ત્યારે જવાબ દેવામાં ફાંફાં પડી જાય છે. આપણી વાત કોઇ ન સાંભળે ત્યારે આપણને લાગી આવે છે. આપણે કહીએ છીએ કે, એને મારી વાતમાં કોઇ રસ જ ક્યાં હતો? એણે તો મારી વાત જ કાપી નાખી હતી.

સાંભળવાના મામલે દુનિયાએ હવે સતર્ક થવું પડે એવું છે. આપણે અશાંત થઇ રહ્યા છીએ એનું કારણ એ પણ છે કે, આપણી આજુબાજુ જે શાંતિ હતી એ ખતમ થઇ ગઇ છે. ધ્વનિ પ્રદૂષણના કારણે આપણા તણાવમાં વધારો થઇ રહ્યો છે. મગજ વારે વારે છટકી જાય છે. આપણે બધા શાંતિ ઝંખીએ છીએ. સરકાર પાસે પણ એવી આશા છે કે, એર અને વોટર પોલ્યુશનની જેમ નોઇસ પોલ્યુશનને પણ ધ્યાનમાં લો. અમે સાંભળતા બંધ થઇ જઇએ એ પહેલા અમારી વાત સાંભળો. જો આવું જ ચાલ્યું તો હવે વૈજ્ઞાનિકોએ એવું ડિવાઇસ શોધવું પડશે જેનાથી આપણને નકામા અવાજો ન સંભળાય અને આપણે શાંતિને માણી શકીએ! ગમતું જોવું ન હોય ત્યારે આંખ બંધ કરી શકાય છે પણ ગમતું ન સાંભળવું હોય ત્યારે કાન બંધ કરી શકાતા નથી! કાશ, કાન પણ બંધ કરી શકાતા હોત તો કેવું સારું હતું!  

હા, એવું છે!

નોઇસ પોલ્યુશન વિશેનો એક અભ્યાસ એવું કહે છે કે, વધુ પડતા અવાજથી માત્ર માણસ જ નહીં, પશુ પક્ષી અને માછલીઓ સુદ્ધાં બહેરા અને ચીડિયા બની રહ્યા છે. માણસજાતે બીજા જીવોની હાલત પણ દયાજનક કરી નાખી છે!

(‘સંદેશ’, અર્ધસાપ્તાહિક પૂર્તિ, તા. 02 ફેબ્રુઆરી 2022, બુધવાર, ‘દૂરબીન’ કોલમ)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *