ન્યૂ નોર્મલ : નવી પરિસ્થિતિને તમે
કેટલી ઝડપથી સ્વીકારી શકો છો?
દૂરબીન – કૃષ્ણકાંત ઉનડકટ
*****
સમય અને સંજોગો સતત બદલતા જ રહેવાના છે.
આપણે આ બદલાવને જેટલી ઝડપથી સ્વીકારીએ
એટલી જિંદગી સરળ અને સહજ રહે છે
*****
જે કંઇ ચેન્જિસ આવે છે તેની સામે પહેલા
સવાલ થાય છે, ફરિયાદ ઊઠે છે અને ધીમે ધીમે
સ્વીકાર થાય છે અથવા તો સ્વીકાર કરવો પડે છે!
*****
દુનિયાનો દરેક માણસ એક વાત જાણે છે કે, સમય ક્યારેય સરખો રહેતો નથી. અપ-ડાઉન એ જિંદગીની વાસ્તવિકતા છે. સમય જ્યારે આપણી ફેવરમાં હોય ત્યારે આપણને બધું સારું લાગે છે. સમય જરાકેય કરવટ બદલે કે તરત જ આપણે ફરિયાદો કરવા લાગીએ છીએ. કોરોનાએ આપણને બધાને એક વિચિત્ર અને ક્યારેય કલ્પના કરી ન હોય એવી સ્થિતિમાં મૂકી દીધા. લોકડાઉન પછી હવે અનલોકિંગની સિઝન ચાલુ થઇ છે. બધા લોકો ન્યૂ નોર્મલની વાતો કરી રહ્યા છે. આપણે બધાએ થોડીક નારાજગી, થોડીક ઉદાસી અને થોડીક બેચેની સાથે ન્યૂ નોર્મલનો સ્વીકાર કર્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો, સ્વીકાર કરવો પડ્યો છે. આપણી પાસે બીજો ઓપ્શન પણ ક્યાં છે? અગાઉ બિન્ધાસ્ત ફરનારા આપણે હવે માસ્ક અને હેન્ડ ગ્લોવ્ઝ પહેરીને ફરવા લાગ્યા છીએ. ઘણા લોકો પોલીસના ડરથી તો ઘણા લોકો સ્વાસ્થ્ય બગડવાની ચિંતાના કારણે ધ્યાન રાખવા માંડ્યા છે. બીજા પણ કેટલા બધા બદલાવ આપણી જિંદગીમાં આવી ગયા છે!
કોઇપણ પરિવર્તન આવે કે જિંદગીમાં કંઇ પણ થાય ત્યારે માણસ શું કરે છે? ગમે તે કરે પણ અંતે જે બદલાવ થયો હોય છે એનો સ્વીકાર કરવો પડે છે. હ્યુમન સાઇકોલોજીની એક ‘ધ કુબલર રોસ મોડલ’ની વાત જાણવા જેવી છે. 78 વર્ષના સ્વિસ-અમેરિકન સાઇક્યિાટ્રિસ્ટ ડોકટર એલિઝાબેથ કુબલર રોસે 1969માં લખેલા પુસ્તક ‘ઓન ડેથ એન્ડ ડાઇંગ’ માં આ મોડલની વાત કરી છે. તેમણે લખ્યું છે કે, જિંદગીમાં આવતા કોઇપણ દુ:ખના પાંચ તબક્કા માણસ ફીલ કરે છે. આ પાંચ સ્ટેજિસ છે, ડિનાઇલ, એન્ગર, બાર્ગેઇન, ડિપ્રેશન અને એક્સેપ્ટન્સ. ગુજરાતીમાં કહીએ તો ઇન્કાર, ગુસ્સો, દલીલો, હતાશા અને સ્વીકાર. જ્યારે પણ આપણે કોઇ ટ્રેજેડી, ડિઝાસ્ટર, એક્સિડન્ટ, ડેથ, ડિવોર્સ કે બીજી કોઇ નેગેટિવ ઘટના બને છે ત્યારે આપણે આ પાંચ સ્ટેજમાંથી પસાર થઇએ છીએ.
કોરોનાના કિસ્સામાં પણ આપણે આ પાંચ સ્ટેજમાંથી પસાર થયા છીએ. આ વાત લાઇફ કોચ શ્રીજીથ ક્રિષ્નને સરસ રીતે સમજાવી છે. સૌથી પહેલા તો આપણે ડિનાઇલ મોડમાં હોઇએ છીએ. શરૂઆતમાં આપણે કોરોના આપણે ત્યાં નહીં આવે, આવશે તો પણ ગરમી અને બીજા કારણોસર બહુ સ્પ્રેડ નહીં થાય એવી વાતો કરી. કોરોના આવી ગયો પછી આપણે બીજા સ્ટેજમાં એટલે કે, એન્ગરના સ્ટેજમાં આવી ગયા. પરિસ્થિતિ સામે જ ગુસ્સો કરવા લાગ્યા, નારાજગી વ્યક્ત કરવા લાગ્યા. આવું એટલા માટે થયું કારણ કે આપણા હાથમાંથી બધો કંટ્રોલ જ ચાલ્યો ગયો. હરવા ફરવાવાળા આપણે ઘરમાં પુરાઇ ગયા. બહાર નીકળી ન શકાય. બધું મળવાનું બંધ થઇ ગયું. આપણી બધાની જિંદગી જ સાવ બદલી ગઇ. આવા સંજોગોમાં આપણે મનથી જ ગુસ્સે થતા હોઇએ છીએ. આવું તે હોતું હશે એવા સવાલો કરીએ છીએ. ઘણાને ગુસ્સો એટલે આવ્યો કે તેમણે જોબ ગુમાવી, ધંધામાં ફટકો પડ્યો, નોર્મલ લાઇફ ડિસ્ટર્બ થઇ ગઇ અને બીજુ ઘણું બધું થયું. ત્રીજા સ્ટેજમાં બાર્ગેનિંગ એટલે કે દલીલો શરૂ થાય છે. આવું શા માટે થયું? આટલી બધી ચિંતા અને વેદના શા માટે? બધા એવું ઇચ્છવા લાગ્યા કે, આ જલદીથી ખતમ થાય તો સારું! વેદના, ઉદાસી અને નિરાશા ચાલુ રહે એટલે હતાશા આવે છે. ભલે તીવ્ર ડિપ્રેશન ન હોય પણ હલકી ઉદાસી તો બધાએ મહેસૂસ કરી જ છે. ડિપ્રેશન કેવું અનુભવાય છે એ વ્યકિતની મેન્ટલ ફિટનેસ પર આધાર રાખે છે. આખરે છેલ્લા સ્ટેજમાં એક્સેપ્ટન્સ એટલે કે સ્વીકાર થયો. આપણે સ્વીકારી લીધું કે કોરોના રહેવાનો છે. આપણે હવે કોરોનાના અસ્તિત્વને સ્વીકારીને જીવવાનું છે. આપણે માસ્ક અને હેન્ડ ગ્લોવ્ઝ પહેરવાં લાગ્યાં, સેનિટાઇઝર સાથે રાખવા લાગ્યા, સોશિયલ ડિસ્ટન્સ મેઇનટેન કરવા લાગ્યા અને હકીકતને સ્વીકારીને જીવવા લાગ્યા. આ તો કોરોનાની વાત હતી, જિંદગીની બધી જ ખરાબ ઘટનાઓ વખતે આપણો પ્રતિભાવ અને પ્રતિસાદ આવો જ હોય છે. એ પછી કારમાં પંચર પડ્યું હોય, ફ્લાઇટ મિસ થઇ ગઇ હોય, કોઇએ દગો કર્યો હોય, બ્રેક-અપ થયું હોય કે ડિવોર્સ થયા હોય. ફરિયાદથી માંડીને સ્વીકારના તબક્કામાંથી આપણે પસાર થઇએ છીએ.
સવાલ એ થાય કે, માની લઇએ કે આ વાત સાચી છે, તો કરવું શું? સૌથી મહત્ત્વની વાત એ કે, જેટલી જલદીથી આપણે કોઇ ઘટનાનો સ્વીકાર કરી લઇએ એટલી ઝડપથી આપણે મુક્ત થઇ શકીએ છીએ. ઘણા લોકો લાંબો સમય સુધી કોઇ ઘટનામાંથી બહાર જ નીકળી શકતા નથી. એ લોકો વધુ પીડાય છે. આપણી સાથે કંઇ બને એ પછી આપણે જેમ બને એમ ઝડપથી ન્યૂ નોર્મલમાં આવી જવું જોઇએ. વહેલું કે મોડું, ન્યૂ નોર્મલમાં આવવું તો પડે જ છે, તો પછી વહેલું શા માટે નહીં? જિંદગીમાં કંઇ પણ બને એટલે શોક લાગવાનો જ છે. મારી સાથે જ કેમ? મારો વાંક શું? મેં તો કોઇનું ખરાબ નથી કર્યું! આવા ઘણા સવાલો થાય છે. કોઇ જવાબ મળતા નથી. જવાબ હોય જ નહીં તો ક્યાંથી મળવાના? આપણી પાસે એક જ માર્ગ અમે એક જ ઉકેલ હોય છે, જે પરિસ્થિતિ, જે સંજોગ છે એનો સ્વીકાર કરવો. કોરોનાના અસ્તિત્વનો સ્વીકાર કરી લીધા પછી આપણું પેઇન ઓછું થયું છે, ધ્યાન રાખીએ છીએ પણ બહુ ચિંતા કરતા નથી. કોરોનાના ન્યૂ નોર્મલની જેમ જ લાઇફમાં બનતી ઘટના બાદ પણ ન્યૂ નોર્મલમાં આવી જવાનું હોય છે. શારીરિક અને માનસિક સ્વસ્થતા માટે સ્વીકારને સમજીને, સ્વીકાર કરીને મૂવ ઓન થઇ જઇએ તો જિંદગી ઝડપથી થાળે પડી જાય છે!
-0-0-0-0-0-0-0-0-
પેશ-એ-ખિદમત
બહસ મેં દોનોં કો લુત્ફ આતા રહા,
મુઝ કો દિલ, મૈં દિલ કો સમઝાતા રહા,
મૌત કે ધોકે મેં હમ ક્યૂં આ ગએ,
જિંદગી કા ભી મજા જાતા રહા.
-જોશ મલસિયાની
( ‘દિવ્ય ભાસ્કર’, ‘રસરંગ’ પૂર્તિ, તા. 05 જુલાઇ 2020, રવિવાર, ‘દૂરબીન’ કોલમ)
kkantu@gmail.com