તું તારા મન પર કોઇ ખોટો ભાર રાખ નહીં – ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ

તું તારા મન પર કોઇ
ખોટો ભાર રાખ નહીં

ચિંતનની પળે : કૃષ્ણકાંત ઉનડકટ


અહીં જેના ચહેરે બુકાની હતી,
અમે એની હર વાત માની હતી,
તમે મારી યાદોમાં જાગ્યા હતા,
એ કિસ્સો હતો કે કહાની હતી!
– ખલીલ ધનતેજવી



કેટલાક લોકોને રોદણાં રડવાની, પોતાનાં દુ:ખડાં ગાતા રહેવાની અને દરેક વાતમાં ફરિયાદ કરવાની આદત હોય છે. તને ખબર નથી કે, મારી લાઇફમાં કેટલા પ્રોબ્લેમ છે! તારે બસ વાતો કરવી છે, તું મારી જગ્યાએ હોય તો તને ખબર પડે! બધા મારા દુશ્મન જ છે! કોઇ મારું ભલું ઇચ્છતું નથી! આવી વાતો જ આપણને કેટલાક લોકોના મોઢેથી સાંભળવા મળશે. એવું બિલકુલ નથી કે, દુ:ખી કે પરેશાન લોકો જ આવું કરે છે. સમૃદ્ધ અને સફળ લોકો પણ આવા હોય છે. કોઇથી મારી સફળતા સહન થતી નથી. બધા મને પાડી દેવાના મોકા જ શોધતા હોય છે. હું આગળ વધી ગયો એ ઘણાને પચતું નથી. બધા એમ જ કહેતા હતા કે, એ કંઇ કરી શકવાનો નથી. મેં કરી બતાવ્યું એટલે બધા મારાથી જલે છે. તમે તમારી આજુબાજુમાં નજર કરજો, આવા થોડાક લોકો તમને મળી જ આવશે. એને જોઇને આપણને એમ થાય કે, ભગવાને આને બધું જ આપ્યું છે, પણ તેને જીવતા નથી આવડતું. આરામથી રહી શકે એમ છે, પણ એ પોતે તો આરામથી નથી રહેતો, બીજાને પણ રહેવા નથી દેતો! ખરેખર ઘણાને જીવતા આવડતું હોતું નથી. જીવતા કોઇ શીખવાડી ન શકે, એ તો માણસે પોતે જ શીખવું પડે છે. સફળ થઇ જવાથી સુખ નથી મળતું. સુખ સમજણથી મળે છે. તમે શાંતિનો અનુભવ કરી શકો તો તમે સુખી છો. તમે તમારા અસ્તિત્ત્વને અનુભવી શકો તો તમે સુખી છો. તમે તમારી હયાતિને ઓળખી શકો તો તમે સુખી છો. કોઇ તમારી રાહ જોતું હોય તો તમે સુખી છો. પંખીઓના કલરવથી તમારી ચેતના જરાકેય ખીલતી હોય તો તમે સુખી છો. દરિયાની ભીની રેતીમાં ખુલ્લા પગે ચાલતી વખતે આંખોમાં જો ઠંડક લાગતી હોય તો તમે સુખી છો. સૌથી મહત્ત્વની વાત એ છે કે, જો તમે તમારી જાતને સુખી માનતા હોવ તો તમે સુખી છો. તમે જ જો પોતાને દુ:ખી સમજતા હોવ તો ભગવાન પણ તમને સુખી ન કરી શકે.
એક યુવાનની આ વાત છે. તે હંમેશાં એવું જ માનતો કે હું દુ:ખી છું. તેને દરેક વાતમાં પ્રોબ્લેમ જ દેખાતા હતા. દરેક વ્યક્તિ તેને દુશ્મન જ લાગતી હતી. એક વખત એ એક સંત પાસે ગયો. સંતને કહ્યું, હું બહુ દુ:ખી છું. લોકો મારી પાછળ પડી ગયા છે. કોઇ મને ચેન લેવા દેતું નથી. મહેરબાની કરીને મને કોઇ ઉપાય બતાવો. સંતે કહ્યું, તારી આંખો બંધ કર. હવે બધું જ ભૂલીને એવો વિચાર કર કે, હું બહુ સુખી છું. એ યુવાને કહ્યું, પણ હું સુખી નથી. સંતે કહ્યું, અહીં તને શું દુ:ખ છે? અહીં તો તારી સામે કોઇ નથી, જે તારું બૂરું ઇચ્છતું હોય. અહીં તો તું એકલો છે. બાકી કશું જ નથી. જે છે એ બહુ દૂર છે. તું કેમ એને પકડીને બેઠો છે? ખસેડી દે. તું તો બધું તારી સાથે લઇને જ ફરે છે. જ્યાંથી દુ:ખ મળે ત્યાંથી નીકળતી વખતે એ દુ:ખ ત્યાં જ મૂકી દેવાનું હોય છે. તું ભેગું કરતો ફરે છે. તું અહીં છે એ પણ કોઇને ખબર નથી, કોઇને તારી પરવા પણ નથી, એ બધાની તું શા માટે ચિંતા કરે છે? તું કોઇને છોડીશ નહીં તો કોઇ તને છોડવાનું જ નથી. આપણે સૌથી પહેલાં આપણાથી મુક્ત થવાનું હોય છે.
જિંદગીમાં ક્યારેક એવું પણ બને કે ખરેખર આપણી માથે કોઇ ભાર હોય. કંઇક એવું થાય જેની વેદના આપણને સતાવતી રહે. એ ભાર પણ આપણે આપણા હાથે જ ખસેડવો પડે છે. એક છોકરીની આ સાવ સાચી વાત છે. કોલેજમાં એક કમ્પિટિશન હતી. તેમાં એ છોકરીએ ભાગ લીધો હતો. બીજા ઘણા સ્ટુડન્ટ્સે પણ એમાં ભાગ લીધો હતો. એક છોકરો પણ આ સ્પર્ધામાં હતો. એ છોકરીને એનામાં પોતાનો હરીફ દેખાતો હતો. તેને એમ થયું કે, જો આ હશે તો કમ્પિટિશનમાં મારો મેળ પડવાનો નથી. તેને થયું કે, હું કંઇક ચાલ રમીને એ છોકરો સ્પર્ધામાં ભાગ જ લઇ ન શકે એવું કંઇક કરું. એ છોકરીએ ખોટા નામે કોલેજના મેનેજમેન્ટને એવી કમ્પ્લેન કરી કે, એ છોકરો ખોટી રીતે સ્પર્ધામાં જોડાયો છે. તેણે સફળ થવા માટે ખોટા રસ્તાઓ અપનાવ્યા છે. જો એ હશે તો બીજા સ્પર્ધકોને અન્યાય થશે. પોતાની વાત સાબિત કરવા એણે ખોટા પુરાવાઓ પણ ઊભા કર્યા. મેનેજમેન્ટે એ બધી વાતો ધ્યાને લઇને એ છોકરાને ડિસક્વોલિફાય કર્યો. એ છોકરાએ પોતે નિર્દોષ હોવાનું સાબિત કરવા માટે પ્રયાસો કર્યા, પણ મેનેજમેન્ટે તેની કોઇ વાત ન સાંભળી. સ્પર્ધા યોજાઇ. એ છોકરીનો નંબર ન આવ્યો. વિજેતા કોઇ ત્રીજું જ થયું. કમ્પિટિશન પતી પછી એ છોકરીના મનમાંથી એ વાતનો રંજ જતો નહોતો કે, મેં પેલા છોકરા સાથે ખોટું કર્યું છે. એક તબક્કે તો તેને એવું મન પણ થયું કે, એ છોકરા પાસે જઇને એને સાચી વાત કરી દઉં અને તેની માફી માંગી લઉં. જોકે, એવું કરતાં પણ તેને ડર લાગતો હતો. તેને થયું કે, એ છોકરો જો મેનેજમેન્ટને વાત કરશે તો મને પનીશમેન્ટ મળશે. આખરે એ છોકરી એક વડીલ પાસે ગઇ. વડીલને બધી વાત કરીને કહ્યું કે, મારે હવે શું કરવું? વડીલે કહ્યું, તારે એક જ કામ કરવાની જરૂર છે. તું તારા મન પર કોઇ ભાર ન રાખ. હા, તેં જે કર્યું એ કરવું જોઇતું નહોતું, પણ હવે એ થઇ ગયું છે. બીજીવાર આવું ન થાય એનું ધ્યાન રાખજે. આપણી ભૂલોને પણ આપણે ઘણી વખત ભૂલવી પડતી હોય છે. એ છોકરાને ખબર નથી કે જે થયું એ તેં કર્યું છે, પણ તને ખબર છે કે, એ તારી ભૂલ છે. આપણી ભૂલનો આપણને અહેસાસ હોય એ પૂરતું છે. માણસ છીએ, ક્યારેક ભૂલ થઇ જતી હોય છે. ક્યારેક જાણતા તો ક્યારેક અજાણતા ન કરવું જોઇએ એવું પણ થઇ જતું હોય છે. કોઇ જીવડું શરીર પર ચોંટી જાય તો તરત જ આપણે તેને ઉખેડીને ફેંકી દેતા હોઇએ છીએ. જો ન ફેંકીએ તો એ કરડે છે. આવું જ જિંદગીમાં ઘણી ઘટનાઓ, ઘણા પ્રસંગો, ઘણી ભૂલોનું હોય છે, એ ખંખેરવા પડે છે. ન ખંખેરીએ તો એ કનડતા અને કરડતા રહે છે.
દુનિયામાં કોઇ એવો માણસ નહીં હોય જેણે ભૂલ કરી ન હોય. દર વખતે ભૂલની માફી પણ નથી મળતી. આપણે માફી માંગીએ પણ મળવી તો જોઇએને? ભૂલ હોય તો માફી માંગી લો, પણ માફી મળશે જ એવી અપેક્ષા ન રાખો. બધા માફ કરી શકે એટલા વિશાળ દિલવાળા હોતા નથી. ઘણા યાદ રાખે છે. એ ભૂલતા નથી. એનું તમે કંઇ કરી ન શકો. એક છોકરી હતી. તેનાથી તેના ગ્રૂપની એક છોકરીનું દિલ દુભાઇ ગયું. એને સમજાયું કે, આ મારી ભૂલ હતી. મારે આવું કરવું જોઇતું નહોતું. તેણે પેલી છોકરી પાસે જઇને સોરી કહ્યું. મારી ભૂલ થઇ ગઇ, મને માફ કરી દે. પેલી છોકરી વધુ ઉશ્કેરાઇ ગઇ. છોકરીએ ફરી સોરી કહ્યું. મારો એવો ઇરાદો નહોતો, તું પ્લીઝ જવા દે. પેલી છોકરી તો પણ સમજવા તૈયાર નહોતી. આખરે એ છોકરીએ કહ્યું, હવે તું શું ઇચ્છે છે? હું તારા પગ પકડી લઉં? મેં માફી માંગી, હવે તારે આપવી જ ન હોય તો તારી મરજી. હવે મને મારી ભૂલનો કોઇ ડંખ નથી. મારે જે કરવું જોઇતું હતું એ કર્યું. ભૂલ સ્વીકારી, માફી માંગી. હવે હું એમાંથી મુક્ત થઇ જાઉં છું. તારે મુક્ત ન થવું હોય તો ફરજે એ ભાર તારી સાથે લઇને! આપણે એ ચેક કરતા રહેવાનું હોય છે કે, ક્યાંક આપણે તો કોઇ ભાર લઇને ફરતા નથીને? ભાર હશે તો જિંદગી ભારે જ લાગવાની છે. જે થયું એને ભૂલવું પણ પડે છે અને ભૂંસવું પણ પડે છે. ખોટો રંજ રાખવાનો કોઇ અર્થ નથી હોતો. કંઇ થયું હોય તો જવા દો. જે થવાનું હતું એ થઇ ગયું. ઘૂંટ્યા રાખશો તો ઘટ્ટ જ થવાનું છે. ભૂંસી નાખશો તો જ હળવા રહેવાશે.
છેલ્લો સીન :
જે ભૂલોને સુધારી શકાય એમ હોય એને સુધારી લેવી, જે ભૂલોને ભોગવવી પડે એમ હોય એને ભોગવી લેવાની, બાકીની ભૂલોને ભૂલી જવાની! – કેયુ.
(`સંદેશ’, `સંસ્કાર’ પૂર્તિ, તા. 15 જૂન, 2025, રવિવાર. `ચિંતનની પળે’ કૉલમ)
kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *