આજની ‘મિલેનિયલ્સ જનરેશન’ મોજથી જીવી લેવામાં માને છે – દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

આજની મિલેનિયલ્સ જનરેશન

મોજથી જીવી લેવામાં માને છે

દૂરબીન : કૃષ્ણકાંત ઉનડકટ

ઇ.સ. 1980થી 2000 દરમિયાન જન્મેલા લોકોને

મિલેનિયલ્સ જનરેશન અથવા તો જનરેશન Y તરીકે

ઓળખવામાં આવે છે. એ લોકો ભવિષ્ય કરતાં વધુ મહત્ત્વ

વર્તમાનને આપે છે. એમનો સિદ્ધાંત છે, મોજથી જીવી લો!

બેબી બૂમર, જનરેશન એક્સ, જનરેશન વાય, જનરેશન ઝેડ

અને આલ્ફા જનરેશનની માનસિકતામાં કેટલો ફર્ક આવ્યો છે?

 

આજની યંગ જનરેશન કેવી છે? એકદમ મસ્ત, બિન્ધાસ્ત, જીવી લેવામાં માનવાવાળી અને ઝિંદાદિલ. એક જૂનું ભજન છે, આજનો લ્હાવો લિજિયે રે, કાલ કોણે દીઠી છે? અત્યારની જનરેશન માટે તો આ જ જીવનનો મંત્ર છે. એને ભવિષ્યની બહુ ચિંતા નથી. વર્તમાન જ મહત્ત્વનો છે. નો ડાઉટ, એના ફાયદાની સાથે ગેરફાયદા પણ છે. શું સારું અને શું ખરાબ એની એને બહુ પરવા નથી. એના પોતાના નિયમો છે, પોતાની માન્યતાઓ છે, પોતાની ધારણાઓ છે અને પોતાની વિચારસરણી છે. એ ઓનેસ્ટ છે, મહેનતુ છે અને પોતાના માટે બહુ સ્પષ્ટ છે. એને એ પણ ખબર છે કે વડીલો અમને બહુ સારા નથી કહેવાના. પણ શું ફેર પડે છે? આમેય જૂની પેઢી નવી પેઢીને ભાંડતી જ આવી છે. કોઇને કંઇ પડી નથી, પરંપરાઓની પરવા નથી, બચતમાં સમજતા નથી અને એવું બધું દરેક પેઢીના જૂના લોકો બોલતા આવ્યા છે.

વેલ, વધુ વાત કરતા પહેલાં જુદી જુદી જનરેશનની થોડીક સમજ મેળવી લઇએ. અમુક સમયગાળામાં જન્મેલાઓને અમુક જનરેશન તરીકે ઓળખવામાં આવે છે. ખાસ તો ગ્લોબલાઇઝેશન અને ડિજિટલ રિવોલ્યુશન પછી આ જનરેશનને અલગ અલગ નામે ઓળખવાનું શરૂ થયું છે. સૌથી પહેલા જે જનરેશનની આ લેખમાં વાત કરવામાં આવી છે એ મિલેનિયલ્સ જનરેશનની વાત કરીએ. 1980થી 2000 વચ્ચે જન્મેલાં હોય એ મિલેનિયલ્સ જનરેશન છે. એને જનરેશન વાય તરીકે પણ ઓળખવામાં આવે છે. 2012 પછી જન્મેલાઓને આલ્ફા જનરેશન કહેવામાં આવે છે. એ લોકો હજુ માંડ છ વર્ષ સુધીના થયા છે. 2025 સુધી જન્મેલાઓ આ જનરેશનમાં ગણાશે. 2000થી 2012 સુધીમાં જન્મેલાઓને જનરેશન ઝેડ તરીકે આળખવામાં આવે છે. આ પેઢીને આઇ જનરેશન કે નેટ ઝેન પણ કહે છે. આ સમય દરમિયાન આઇ ફોન અને આઇ પેડ આવ્યાં એટલે આઇ જનરેશન કહેવાય છે. 1980થી 2000માં જન્મેલાઓનો સમાવેશ જનરેશન વાય અથવા મિલેનિયલ જનરેશનમાં થાય છે. જેની વાત આપણે આગળ કરવાના છીએ. 1965થી 1980 વચ્ચે જન્મેલા લોકોની ગણના જનરેશન એક્સમાં કરવામાં આવે છે. એને એમટીવી જનરેશન પણ કહે છે. એ વાત જુદી છે કે એમટીવી 1981માં આવ્યું પણ મ્યુઝિક વિડિયો એમના સમયમાં આવ્યો. ડિજિટલ ક્રાંતિની શરૂઆત પણ આ સમયમાં થઇ. હિપ હોપ અને રૈપે પણ આ સમયમાં ધૂમ મચાવી હતી. એટલે તેને એમટીવી જનરેશન પણ કહે છે.

હવે વાત બેબી બૂમર જનરેશનની. 1946થી 1964 દરમિયાન જે લોકોનો જન્મ થયો એ બેબી બૂમર જનરેશન તરીકે આળખાય છે. તેનું કારણ એ છે કે બીજા વિશ્વયુદ્ધ પછી પશ્ચિમ જગતમાં જન્મ દરમાં જબરો ઉછાળો આવ્યો હતો એટલે બેબી બૂમર કહેવાયું. આ સમયગાળામાં જન્મેલા લોકોએ અમેરિકા અને રશિયાની કોલ્ડ વોર જોઇ. સાઠના દસકની હિપ્પી મૂવમેન્ટ અને વિદ્યાર્થીઓનાં આંદોલનો પણ જોયાં. આ જનરેશન પહેલાં એટલે કે 1945 અગાઉ જન્મેલા લોકો માટે સાઇલન્ટ જનરેશન શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. સાઇલન્ટ શા માટે? સાઇલન્ટ એટલા માટે કે એ ગાળામાં જન્મેલા લોકો કોઇ પણ શાસન કે નિયમો સામે અવાજ ઉઠાવતા નહોતા. એ જનરેશનને મેચ્યોરિસ્ટ અથવા ટ્રેડિશનલિસ્ટ તરીકે પણ જોવામાં આવે છે. એ સમય એવો હતો જ્યારે મહિલાઓ ઘરમાં રહીને ગૃહકાર્ય જ કરતી. પુરુષ કમાઇને લાવતો. પરંપરાઓ અને સંસ્કૃતિને ફોલો કરવામાં આવતી. 1925થી 1945 સુધીની સાઇલન્ટ જનરેશનવાળા બહુ થોડા લોકો અત્યારે હયાત છે.

દુનિયામાં અત્યારે સૌથી વધુ ચર્ચા 1980થી 2000 વચ્ચે જન્મેલી મિલેનિયલ અથવા તો જનરેશન વાયની થાય છે. આજે જેમની ઉંમર 18થી 38 વર્ષની છે તેઓ કેવા છે? બેંગ્લુરુના સાયકોલોજિલ્ટ અન્ના ચાંડી કહે છે કે, એ લોકો ‘રાઉટ નાઉ’માં માને છે. એને બહુ ભેગું નથી કરવું. બધું અનુભવવું છે. ટ્રાવેલ કરવું છે. ગોલ્ડમેન સેચ્સે આ જનરેશન ઉપર કરેલો સર્વે એવું કહે છે કે, આ જનરેશન સંપૂર્ણપણે જુદી છે. મોટા ભાગના યંગસ્ટર્સે કહ્યું કે, ઘરનું ઘર લેવામાં અને કાર તથા અન્ય સાધનો વસાવવામાં અમારા બાપ-દાદાએ એની આખી જિંદગી દાવ પર લગાવી દીધી હતી. એનો બોજ હોવાથી એનું જીવનધોરણ જ બદલાઇ ગયું હતું. બધું વિચારી વિચારીને જ કરતા હતા. એમાં ને એમાં એમની જિંદગી પતી ગઇ. યુવાનોએ એક સ્ટેટમેન્ટ કર્યું એ સમજવા જેવું છે. તેમણે કહ્યું કે, અમે અમારા પિતા અને દાદા કરતાં સારી જિંદગી જીવવા ઇચ્છીએ છીએ. અગાઉના લોકો ભવિષ્યની એટલી બધી ચિંતા કરતા હતા કે વર્તમાનમાં જીવી જ નહોતા શકતા. મજાની વાત તો એ છે કે, આ જનરેશનના 40 ટકા યુવાનો ઘર ખરીદવામાં અને 30 ટકા કાર ખરીદવામાં પણ નથી માનતા! મોટી મોટી હોમ લોન લઇને હપ્તા ભરવા કરતાં ભાડાના નાના મકાનમાં રહીને મોજ ન કરીએ? મન થાય ત્યારે ઘર બદલાવી પણ શકાય. હવે તો નોકરી માટે ગમે ત્યાં જવું પડે છે. જ્યાં જવાનું હોય ત્યાં ઘર ભાડે લઇ લેવાનું. કાર ખરીદવાની પણ શું જરૂર છે? ઉબર, ઓલા અને બીજી સર્વિસીઝ તો છે જ ને! જરૂર હોય ત્યારે ટેક્સી બોલાવી લેવાની! કારને મેઇન્ટેન કરવાની ઝંઝટ જ નહીં. બાકી કંઇ પણ જરૂર હોય તો બધું આંગળીના ટેરવા ઉપર જ મોજૂદ છે. મોબાઇલ ઉઠાવો, હવે તો જે જોઇએ એ ઘર બેઠાં મળવા લાગ્યું છે. જમવા માટે હોટલમાં કે ખરીદી માટે મોલમાં જવાની પણ ક્યાં જરૂર છે? આ જનરેશન બેફિકરી છે. અલબત તેની સામે સમાજશાસ્ત્રીઓ સાવચેત પણ કરે છે કે, ભવિષ્યનું થોડુંક પ્લાનિંગ તો જરૂરી છે જ. બુઢ્ઢા થઇએ, બીમાર પડીએ અથવા તો એકલા પડી જઇએ ત્યારની વ્યવસ્થા હોવી જોઇએ. ગમે તે હોય, આ જનરેશન જીવી તો જાણે જ છે. દરેક ફિલોસોફી વર્તમાનમાં જીવવાની વાત કરે છે અને આ જનરેશન એ જ તો કરે છે. કોઇને ગમે કે ન ગમે, વ્હુ કેર્સ?

પેશ-એ-ખિદમત

રંગ ખુશ્બૂ ઔર મૌસમ કા બહાના હો ગયા,

અપની હી તસવીર મેં ચહેરા પુરાના હો ગયા,

અબ મેરી તન્હાઇ ભી મુઝસે બગાવત કર ગઇ,

કલ યહાઁ જો કુછ હુઆ ફસાના હો ગયા.

-ખાલિદ ગની

 (દિવ્ય ભાસ્કર, રસરંગ પૂર્તિ, તા. 02 ડિસેમ્બર 2018, રવિવાર)

kkantu@gmail.com

Krishnkant Unadkat

Krishnkant Unadkat

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *